આજના આધુનિક યુગમાં દુનિયા આખી ટેક્નોલોજી પર નિર્ભર છે, પરંતુ આ નિર્ભરતા કેટલી જોખમી સાબિત થઈ શકે છે તેનું ઉદાહરણ તાજેતરની એક વૈશ્વિક ઘટનાએ પૂરું પાડ્યું છે. તાજેતરમાં માઈક્રોસોફ્ટની સેવાઓમાં સર્જાયેલા મોટા ટેકનિકલ આઉટેજ (Technical Outage) ના કારણે વિશ્વભરના ૭૪ દેશોમાં ડિજિટલ કામકાજ ખોરવાઈ ગયું હતું. માઈક્રોસોફ્ટ ૩૬૫ (Microsoft 365) અચાનક ઠપ થતાં આઉટલુક (Outlook), ટીમ્સ (Teams) અને કોપાયલોટ (Copilot) જેવા પ્લેટફોર્મ અટકી પડ્યા હતા. પરિણામે, અનેક દેશોમાં વિમાનોની ઉડાનો રદ કરવી પડી હતી અને મહત્વની ઓનલાઈન મીટિંગ્સ અટકી ગઈ હતી.
જોકે, આ વૈશ્વિક અડાચણ વચ્ચે ચીનમાં ક્યાંય કોઈ જ અસર જોવા મળી નહોતી. સવાલ એ થાય છે કે, આટલી મોટી ટેકનિકલ ખામીથી ચીન કેવી રીતે બચી ગયું? મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ચીનની મજબૂત ડિજિટલ રણનીતિઓએ તેને આ વૈશ્વિક કટોકટીથી સુરક્ષિત રાખ્યું છે.
1. સ્થાનિક ભાગીદાર દ્વારા ક્લાઉડનું સંચાલન
ચીનમાં માઈક્રોસોફ્ટ પોતાની આ સેવાઓનું સીધું સંચાલન કરતું નથી. કંપનીએ માઈક્રોસોફ્ટ ૩૬૫ ચલાવવાનું લાયસન્સ ચીનની સ્થાનિક કંપની ’21Vianet’ ને આપ્યું છે. આ કંપની ચીનની સરહદની અંદર જ એક સ્વતંત્ર ક્લાઉડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ચલાવે છે. આ કારણોસર ચીનની સિસ્ટમ માઈક્રોસોફ્ટના વૈશ્વિક કંટ્રોલ નેટવર્ક સાથે સીધી જોડાયેલી નથી, જેના લીધે આંતરરાષ્ટ્રીય સ્તરની ખામી ચીન સુધી પહોંચી શકી નહીં.
2. પોતાના સ્વદેશી સોફ્ટવેર અને પ્લેટફોર્મ
ચીન ઓનલાઈન સેવાઓ માટે વિદેશી સોફ્ટવેર પર નિર્ભર રહેવાને બદલે પોતાના પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે. દસ્તાવેજો (Documents) માટે WPS Office જ્યારે ઓનલાઈન મીટિંગ્સ અને કોમ્યુનિકેશન માટે DingTalk, WeCom અને Feishu જેવા સ્વદેશી પ્લેટફોર્મ વપરાય છે. પોતાના પ્લેટફોર્મ હોવાથી વિદેશી ટેકનિકલ સમસ્યાઓની ચીન પર કોઈ અસર થતી નથી.
3. કડક ડેટા સુરક્ષા અને નિયમો
ચીનમાં ડિજિટલ સુરક્ષાને લઈને ખૂબ જ કડક નિયમો છે. દેશનો કોઈપણ ડેટા ચીનની સરહદની બહાર મોકલવામાં આવતો નથી અને તેનું પ્રોસેસિંગ પણ દેશની અંદર જ થાય છે. ડેટા ટ્રાન્સફર માટે ખૂબ જ કડક મંજૂરીઓ લેવી પડે છે.
વર્ષોથી ટેક્નોલોજી ક્ષેત્રે કોઈના પર પણ નિર્ભર રહેવાને બદલે પોતાનું સાર્વભૌમત્વ અને આધિપત્ય જમાવવાની ચીનની આ નીતિએ જ તેને આ વૈશ્વિક આઉટેજથી સુરક્ષિત રાખ્યું છે.
