શાસ્ત્રી ભવનમાં આગ, રાહુલ બોલ્યા “ફાઈલો સળગાવી દેવાથી બચી નહીં શકો”

કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ દિલ્હીના શાસ્ત્રી ભવનમાં આગ લાગવાની ઘટનાને લઈ પીએમ મોદી પર કટાક્ષ કર્યો છે. રાહુલે ટવિટ કરીને કહ્યું કે મોદીજી, ફાઈલોનું સળગવું પણ તમને બચાવી શકે એમ નથી. તમારા ચૂકાદાનો દિવસ નજીક છે.

જણાવી દઈએ કે આજે સવારે શાસ્ત્ર ભવનમાં આગ લાગી ગઈ હતી. છઠ્ઠા માળે અચાનક આગ ફાટી નીકળી હતી. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની સાત ગાડીઓ શાસ્ત્રી ભવન પહોંચી હતી અને થોડા કલાકોમાં જ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો.

હાલ પોલીસ સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે. જોકે, હજુ સુધી આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી. ઘટનામાં કોઈને ઈજા પહોંચી ન હોવાનું જાણવા મળી રહ્યું છે. આગની ઘટનાને લઈ રાહુલ ગાંધીએ પીએમ મોદીને ટારગેટ કરી ટવિટ કર્યું અને તે અંગે સોશિયલ મીડિયા પર અલગ અલગ પ્રકારના રિએક્શન પર જોવા મળ્યા હતા.

ટવિટર પર એક જણાએ લખ્યું કે રંગા-બિલ્લાના કૂકર્મો અને પાપનો ઘડો ભરાઈ ગયો છે. નવી સરકાર બનતા આ બન્નેને જેલમાં નાખી દો. તો એક યૂઝર્સે લખ્યું કે હવે ભ્રષ્ટ ચોકીદારની વિદાયને કોઈ અટકાવી શકે એમ નથી.

નોંધનીય થે કે શાસ્ત્રી ભવનમાં પહેલી વખત આગ લાગી નથી. આ પહેલાં પણ પાછલા વર્ષે શાસ્ત્રી ભવનમાં એર કન્ડીશનમાં શોર્ટ સર્કીટ થવાના કારણે આગ લાગી હતી. પોલીસે કહ્યું છે કે ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવી લીધો છે. 2104માં પણ શાસ્ત્રી ભવનમાં આગ લાગી હતી.

સાધિકા સાથે દુષ્કર્મ કેસમાં નારાયણ સાઈને આજીવન કેદની સજા

આસારામના પુત્ર નારાયણ સાંઈને 26મી એપ્રિલે 6 વર્ષ બાદ સુરતની સેશન્સ કોર્ટે આરોપી જાહેર કરી આજીવન કેદની સજા સંભળાવી હતી. સજા સાંભળતા નારાયણ સાંઇ ભાંગી પડ્યો હતો. કોર્ટના ચુકાદો આવી ગયા બાદ કોર્ટની બહાર પોલીસ બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો હતો. કારણ કે, આસારામના પુત્ર નારાયણ સાંઈનો આજે કોર્ટમાં ચુકાદો હતો. જેના કારણે તેમના સમર્થકો મોટી સંખ્યામાં કોર્ટ બહાર ઉભા હતા. નારાયણ સાંઈને સજા પડતા તેના સમર્થકો દ્વારા કોઇ અનિચ્છનીય બનાવ ના બને તેના માટે પુરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

સુરત સેશન્સ કોર્ટે ફટકારેલી સજામાં ફરિયાદ પક્ષમાં 53, બચાવ પક્ષમાં 12 સાક્ષી તપાસવામાં આવ્યા હતા. આ કેસમાં પોલીસે કુલ 34 આરોપીઓ સામે મજબૂત ચાર્જશીટ દાખલ કરી હતી. તેમાંથી હાલ 34માંથી 24 આરોપીઓ સામે HCનો સ્ટે મૂકવામાં આવ્યો છે. તમને જણાવી દઇએ કે, નારાયણ સાંઈ દુષ્કર્મ કેસની ટ્રાયલમાં અત્યાર સુધી કુલ 100 ચૂકાદા ટાંકવામાં આવ્યા છે. આ કેસમાં પોલીસે નારાયણ સાંઈ, ગંગા – જમુના, સાધક સહિત અન્ય 7 સામે ફરિયાદ નોંધી હતી. સાધિકાઓએ પોલીસ ફરિયાદમાં દુષ્કર્મ, સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય, રાયોટિંગ સહિતના ગુના દાખલ કરાવ્યા હતા.

નારાયણ સાંઈ વિરુદ્ધ 6 ઓક્ટોબર 2013માં જહાંગીરપુરા પોલીસમાં દુષ્કર્મની ફરિયાદ નોંધવામાં આવી હતી. આ ઘટનામાં પીડિતાએ નારાયણ સાંઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આસારામના પુત્ર નારાયણ સાઈ વિરુદ્ધ દુષ્કર્મના કેસમાં બંને પક્ષોની દલીલ પૂર્ણ થતા આજે કોર્ટે પોતાનો ચુકાદો સંભળાવ્યો હતો. 

આ ઘટનામાં પીડિત સાધિકનો આરોપ હતો કે, નારાયણ સાઈએ તેની સાથે વર્ષ 2002થી વર્ષ 2005 સુધી દુષ્કર્મ પોતાનો શિકાર બનાવી હતી. આ ઘટના બાદ નારાયણ સાંઈ ગુમ થઇ ગયો હતો. ત્યારબાદ રાજ્યભરમાં ચર્ચા જગાવ્યા બાદ પોલીસે નારાયણ સાઈની ધરપકડ કરી હતી. સાધકે 13 કરોડની લાંચ આપવાના ગુના સહિત સાક્ષીઓ પર હુમલો કરાવવાના ગુના પણ નારાયણ સાંઈ વિરુદ્ધ નોંધાયા હતા.

આરોપી નારાયણ સાઈ ઉર્ફે મોટા ભગવાન સહિત 10 આરોપીઓ સામેની ટ્રાયલ પૂરી થઈ હતી. 6 ઓક્ટોબર 2013ના રોજ જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં નારાયણ સાઈ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઇ હતી. આ ઘટનામાં બે પીડિતા બહેનો દ્વારા ફરિયાદ નોંધવામાં આવી હતી. એક પીડિતા દ્વારા નારાયણ સાઈ સામે તો બીજી પીડિતા બહેન દ્વારા આશારામ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી.

ગત 6 ઓક્ટોબરના વર્ષ 2013ના રોજ જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં પીડિતા દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી. એક ફરિયાદ અમદાવાદના ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ઝીરો નંબરથી અમદાવાદ મોકલી દેવાઈ હતી. નારાયણ સાઈની છઠ્ઠી ડિસેમ્બર 2013ના રોજ ધરપકડ કરવામાં આવી હતી.

સતત 58 દિવસ સુધી નારાયણ સાઈ અને પોલીસ વચ્ચે ચોર પોલીસનો ખેલ રમાયા બાદ તે પકડાયો હતો. લંપટ નારાયણ સાઈ હાલ લાજપોર મધ્યસ્થ જેલમાં કાચા કામના કેદી તરીકે પાંચ વર્ષથી જેલમાં છે. નારાયણ સાઈ ઉપર લંચ કાંડ સહિત સાક્ષીઓ પર હુમલા અને હત્યા કરવાનો આરોપ પણ છે અને આ કેસ હજુ પણ અન્ડર ટ્રાયલ છે.

રાફેલ ડીલ: મોદી સરકારને સુપ્રીમ કોર્ટનો ઝટકો, નોટીસ ઈશ્યુ કરી

રાફેલ ડીલ મામલે પુનર્વિચાર અરજી પર સુનાવણ કરતા સપ્રીમ કોર્ટે મંગળવારે કેન્દ્રની મોદી સરકારને નોટીસ ઈશ્યુ કરી છે. કોર્ટે સરાકરને 4 મે સુધી જવાબ રજૂ કરવાનો સમય આપ્યો છે. હવે પછી 6 મેના રોજ સુનાવણી હાથ ધરવામાં આવશે. સરકાર વતી અટોર્ની જનરલ કેકે વેણૂગોપાલે જવાબ રજૂ કરવા માટે 4 સપ્તાહનો સમય માંગ્યો હતો, પણ કોર્ટ સમય આપવાનો ઈન્કાર કર્યો હતો. સરકાર માટે આ એક મોટો ઝટકો બની રહે તેમ છે.

રાફેલ કેસની સુનાવણી કરી રહેલા ચીફ જસ્ટીસ રંજન ગોગોઈ, જસ્ટીસ સંજય કૌલ અને જસ્ટીસ એમ જોસેફની બેન્ચે કેન્દ્રની મોદી સરકારને શનિવારે સુધીમાં પોતાનો જવાબ રજૂ કરવાનો સમય આપ્યો છે. આ સાથે જ છઠ્ઠી મેના રોજ ફરી સુનાવણી કરવામાં આવશે. સોમવારે કેન્દ્ર સરકારે સૌગંધનામું રજૂ કરવા માટે વધુ સમયની માંગ કરી હતી પરંતુ કોર્ટે સમય આપવાની માંગણી ફગાવી દીધી હતી.

હવે સરકારે અરજદારોએ મૂકેલા કોર્ટને ગેરમાર્ગે દોરવાના આરોપ અંગે જવાબ આપવાનો છે. સુપ્રીમ કોર્ટમાં રાફેલ ડીલ અંગે પુનર્વિચાર અરજી પર કોર્ટે 10 એપ્રિલે મંજુરીની મહોર મારી હતી અને કેસને ફરી ચલાવવાનો આદેશ આપ્યો હતો. મીડિયા રિપોર્ટમાં પ્રસિધ્ધ થયેલા અહેવાલોના દસ્તાવેજોના આધારે સુનાવણી ફરી શરૂ કરવાનો કોર્ટે આદેશ આપ્યો હતો. કોર્ટે દસ્તાવેજોના વિશેષાધિકાર અંગે સરકારે કરેલા દાવાને પણ ફગાવી દીધો હતો. સોમવારે એટલે કે ગઈકાલે કોર્ટે સરકારે સંતાકૂકડીની રમત બંધ કરવા માટે પણ સખત ટીપ્પણી કરી હતી.

જાપાનમાં નેસ વાડીયાને બે વર્ષની સજા, જાણો આખો મામલો

બિઝનેસમેન નસ્લી વાડીયાના પુત્ર અને ભારતના સૌથી ધનિક બિઝનેસ કૂળ પૈકીના એક વારસદાર એવા નેસ વાડીયાને જાપાનની કોર્ટે સ્કી ટ્રીપ દરમિયાન ડ્રગ્સ રાખવાના કેસમાં સજા સંભળાવી છે.

ફાયનાન્સિલય ટાઈમ્સના રિપોર્ટ પ્રમાણે 283 વર્ષ જૂના વાડીયા ગ્રુપના વારસદાર તથા ઈન્ડીયન પ્રિમીયર લીગ(આઈપીએલ)માં કિંગ્સ ઈલેવન પંજાબની ટીમના કો-ઓનર નેસ વાડીયાને માર્ચ મહિનામાં જાપાનના દ્વીપ હોક્કાઈડોના ન્યૂ ચિટોસ એરપોર્ટ પર ડ્રગ્સ સાથે પકડી લેવામાં આવ્યો હતો.

સરકારી બ્રોડકાસ્ટર એનએચકેના સ્થાનિક હોક્કાઈડો સ્ટેશન પર પ્રસારિત સમાચાર અનુસાર નેસ વાડીયા જ્યારે એરપોર્ટ પર ઉતર્યા ત્યારે ડોગ સ્કવોડના કૂતરાએ નેસ વાડીયા તરફ ભસવાનું શરૂ કર્યું હતું. ન્યૂ ચિટોસ એરપોર્ટના અધિકારીઓએ નેસ વાડીયાની ઝડતી લેતા ની પાસેથી લગભર 25 ગ્રામ ચરસ મળી આવ્યું હતું.

ભારતમાં વાડીયા ગ્રુપની જણીતી બ્રાન્ડ માર્કેટમાં ચાલે છે જેમાં બોમ્બે ડાઈંગ, બોમ્બે બર્મન ટ્રેડીંગ. બિસ્કીટ નિર્માતા બ્રિટાનીયા ઈન્ડસ્ટ્રીઝ, બજટ એરલાઈન અને ગો-એર શામેલ છે. આ ઉપરાંત નેસ વાડીયા કિંગ્સ ઈલેવન પંજાબના કો-ઓનર પણ છે. કંપનીની કુલ માર્કેટ વેલ્યૂ 13.1 અબજ ડોલર હોવાનું મનાય છે.

સપ્પોરોમાં કોર્ટ અધિકારીએ મીડિયા હાઉસને જણાવ્યું કે નેસ વાડીયાએ ડ્રગ્સની માલિકી પોતાની હોવાની વાત કબૂલી હતી. પરંતુ આ પોતાના વ્યક્તિગત ઉપયોગ માટે હતી. જાપાનમાં નાર્કોટીક્સ સંબંધિત કાયદાઓ ખૂબ જ કડક છે.

20 માર્ચે ઔપચારિક રીતે નેસ વાડીયાને આરોપી બનાવવામાં આવ્યો હતો. ત્યાર બાદ તને અજ્ઞાત સ્થળે જેલમાં રાખવામાં આવ્યો હતો. સપ્પોરો જિલ્લા કોર્ટે નેસ વાડીયાને બે વર્ષની સજા સંભળાવી છે. નેસ વાડીયા પ્રિતી ઝીન્ટા સાથેના વિવાદમાં પણ ખાસ્સા સમચારોમાં રહ્યા હતા. હાલ તે કેસ પણ મુંબઈની કોર્ટમાં ચાલી રહ્યો છે.

નાગરિકતાનો વિવાદ: પ્રિયંકાએ કહ્યું આખી દુનિયા જાણે છે રાહુલ ભારતીય છે, આવી બકવાસ કદી સાંભળી નથી

કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ રાહુલ ગાંધીની નાગરિકતાને લઈ ઉભા થયેલા વિવાદ અગે રિએક્શન આપ્યા છે. ભાજપના દાવાને ફગાવી તેમણે કહ્યું કે આખી દુનિયા જાણે છે કે રાહુલ ગાંધી ભારતીય છે. આવી બકવાસ પહેલા ક્યારેય પણ સાંભળી નથી.

કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીની નાગરિકતાને લઈ ભાજપના નેતાની ફરીયાદના અનુસંધાનમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલયે રાહુલ ગાંધીને નોટીસ આપી છે અને પંદર દિવસમાં જવાબ રજૂ કરવા જણાવ્યું છે.

ગૃહ મંત્રાલયને ભાજપના સાંસદ અને ઘોર ગાંધી પરિવાર વિરોધી એવા સુબ્રમણ્યમ સ્વામી દ્વારા ફરીયાદ કરવામાં આવી છે. તેમણે આરોપ મૂક્યો છે કે બ્રિટનમાં રજિસ્ટર્ડ થયેલી કંપની બેકઓપ્સના રાહુલ ગાંધી ડાયરેક્ટર હતા. આ કંપની 2003માં સ્થાપવામાં આવી હતી. આ કંપની દ્વારા ફાઈલ કરવામાં આવેલા વાર્ષિક રિટર્નમાં રાહુલ ગાંધીની જન્મ તારીખ 19, જૂન 1970 દર્શાવવામાં આવી હતી. આ રિટર્ન 10 ઓક્ટોબર 2005 અને 31 ઓક્ટોબર 2006માં ફાઈલ કરવામાં આવ્યું હતું અને આ ડોક્યુમેન્ટસના આધારે રાહુલ ગાંધીને બ્રિટીશ નાગરિક દર્શાવવામાં આવ્યા છે. આ ઉપરાંત 17 ફેબ્રુઆરી 2009માં આ કંપનીએ ક્લોઝર અરજીમાં પણ રાહુલ ગાંધીને બ્રિટીશ નાગરિક બતાવવામાં આવ્યા છે.

ભાજપ દ્વારા કરવામાં આવેલા આક્ષેપો અંગે કોંગ્રેસે પલટવાર કરતાં કહ્યું કે રાહુલ ગાંધી જન્મજાત ભારતીય છે પરંતુ બોગસ રીતે ભાજપ આ બધું ચલાવી રહ્યું છે. મહત્વના મુદ્દાથી લોકોને ગેરમાર્ગે દોરી ભાજપ અપપ્રચાર કરી રહ્યો છે. રણદીપ સૂરજેવાલાએ કહ્યું કે મોદી પાસે બેરોજગારી, કૃષિ સંકટ અને કાળા નાણા જેવા મુદ્દા પર કોઈ જવાબ નથી એટલે ભાજપ આવા રીતે બોગસ પ્રચાર કરી રહ્યો છે.

નારાયણ સાઈએ ચાલુ કોર્ટમાં લખ્યો પત્ર, જાણો શું છે હકીકત

સુરતની સેશન્સ કોર્ટે જેલમાં બંધ અને યુવતી સાથે દુષ્કર્મ કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા આસારામના પુત્ર નારાયણ સાંઇને 2013માં એક મહિલા ભકતની સાથે દુષ્કર્મ આચર્યાના કેસમાં દોષિત ગણાવ્યો છે. આ કેસમાં આજે સજાની જાહેરાત થશે. નારાયણ સાંઈ સહિતના આરોપી હાલ લાજપોર જેલમાં બંધ છે. આ સિવાય ગંગા, જમના, કૌશલ અને રમેશ મલ્હોત્રા પણ હાલ પોલીસ કસ્ટડીમાં છે. કોર્ટ રૂમમાં નારાયણ સાંઇના વકીલ અને સરકાર વકીલ વચ્ચે ધારદાર દલીલો થઈ હતી. આ દરમિયાન નારાયણ સાંઇએ ચાલુ દલીલો વચ્ચે એક પત્ર લખ્યો છે.

નારાયણ સાંઇ તરફથી તેના વકીલે તેને ઓછામાં ઓછી સજા થાય તેવી દલીલ કરી હતી. સાંઇના વકીલની દલીલ હતી કે સાંઇએ પાંચ વર્ષ જેટલો સમય જેલમાં વિતાવ્યો હોવાથી તેને ઓછોમાં ઓછી સજા થવી જોઈએ. દલીલો વચ્ચે નારાયણ સાંઇને કાગળ અને પેન આપવામાં આવ્યા હતા. સાંઇએ કાગળમાં લખ્યું હતું કે તેને દોષિત જાહેર કરવાના નિર્ણય અંગે પુનર્વિચાર કરવામાં આવે.

47 વર્ષનો સાંઇ 2013ના વર્ષથી લાજપોર જેલમાં બંધ છે. કોર્ટે આ સિવાય 3 મહિલાઓ સહિત 4 સહયોગીઓને પણ દોષિત ગણાવ્યા છે. સાંઇને આઇપીસીની કલમ 376 (બળાત્કાર), 377 (અપ્રાકૃતિક દુરાચાર), 323 (હુમલો), 506-2 (અપરાધિક ધમકી) અને 120-ખ (ષડયંત્ર)ની અંતર્ગત દોષિત ગણાવ્યો છે. આ કેસમાં કુલ 11 અભિયુકત હતા અને તેમાંથી 6ને નિર્દોષ જાહેર કરી દેવાયા છે.

સુરત સેશન્સ કોર્ટે ફટકારેલી સજામાં ફરિયાદ પક્ષમાં 53, બચાવ પક્ષમાં 12 સાક્ષી તપાસવામાં આવ્યા હતા. આ કેસમાં પોલીસે કુલ 34 આરોપીઓ સામે મજબૂત ચાર્જશીટ દાખલ કરી હતી. તેમાંથી હાલ 34માંથી 24 આરોપીઓ સામે HCનો સ્ટે મૂકવામાં આવ્યો છે. તમને જણાવી દઇએ કે, નારાયણ સાંઈ દુષ્કર્મ કેસની ટ્રાયલમાં અત્યાર સુધી કુલ 100 ચૂકાદા ટાંકવામાં આવ્યા છે. આ કેસમાં પોલીસે નારાયણ સાંઈ, ગંગા – જમુના, સાધક સહિત અન્ય 7 સામે ફરિયાદ નોંધી હતી. સાધિકાઓએ પોલીસ ફરિયાદમાં દુષ્કર્મ, સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય, રાયોટિંગ સહિતના ગુના દાખલ કરાવ્યા હતા.

લોકસભા ચૂંટણી: ચોથા તબક્કામાં 62 ટકા મતદાન

નવ રાજ્યોની 72 સીટ પર આજે મતદાન થયું છે. લોકસભાની ચૂંટણી માટે ચોથા તબક્કાના આજના મતદાનમાં સરેરાશ 62 ટકા વોટીંગ થયું હોવાનું અનુમાન છે. પ.બંગાળ, મહારાષ્ટ્ર, ઓરિસ્સા સહિતના રાજ્યોમાં મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઝારખંડ, બિહાર,ઉત્તરપ્રદેશ અને પ.બંગાળની સીટો પર મતદાન થયું હતું. આજે જે રાજ્યોમાં મતદાન થયું છે તેમાં 2014ની લોકસભાની ચૂંટણીમાં ભાજપે 72 સીટ પૈકી 45 સીટ હાંસલ કરી હતી. જ્યારે તેના સાથી પક્ષોએ 11 સીટ મેળવી હતી.

સાંજે સાત વાગ્યા સુધીમાં બિહારમાં 58.92, જમ્મૂ-કાશ્મીરમાં 9.79, ઝારખંડમાં 63.77, મધ્યપ્રદેશમાં 66.52 ટકા વોટીંગ નોંધાયું છે.

જ્યારે મહારાષ્ટ્રમાં 55.88 ટકા, ઓરિસ્સામાં 64.05, રાજસ્થાનમાં 66.44, ઉત્તરપ્રદેશમાં 55.57 અને પ.બંગાળમાં 76.59 ટકા વોટીંગ નોંધાયું છે.

ચોથા તબક્કામાં પહેલી વાર મતદાન કરી રહેલા મતદારોની સંખ્યા 1.91 કરોડ હતી. ચોથા તબક્કાની ચૂંટણી દરમિયાન પ.બંગાળમાં ભાજપ અને ટીએમસીના કાર્યકરો વચ્ચે ઝપાઝપીના બનાવો બન્યા હતા. ભાજપ અને ટીએમસીના કાર્યકરોએ એકબીજા સાથે દંગલ કરતા મામલો બિચક્યો હતો. પોલીસે સ્થિતિને કાબૂમાં લીધી હતી. આના સિવાય અન્ય કોઈ પણ રાજ્યમાંથી અનિચ્છનીય ઘટનાના અહેવાલ મળી રહ્યા નથી.

રાફેલ ડીલ: ચીફ જસ્ટીસે મોદી સરકારની કરી ઝાટકણી, કહ્યું હાઈડ એન્ડ સીકની રમત નહીં ચાલે

રાફેલ ડીલ અંગે સુપ્રીમ કોર્ટે કેન્દ્રની મોદી સરકારની ઝાટકણી કાઢી હતી. કેન્દ્ર સરકારે જવાબ રજૂ કરવા માટે વધુ સમયની માંગ કરી હતી. સાથે જ કહ્યું હતું કે સુનાવણી મંગળવા સુધી ટાળી દેવામાં આવે. આ અંગે ચીફ જસ્ટીસ રંજન ગોગોઈએ કહ્યું કે હવે આ અંગે આદેશ આપશે. આ દરમિયાનમં મેશેનીંગમાં નામ બોલવા પર બેન્ચમાં સામેલ ચીફ જસ્ટીસ નારાજ થઈ ગયા હતા અને તેમણે કેન્દ્ર સરકારના વકીલને ઝાટકી નાંખ્યા હતા. આની સાથે જ પીએમ મોદી અને અમિત શાહ દ્વારા આચારસંહિતા ઉલ્લંઘન મામલે તેમણે અભિષેક મનુ સિંઘવીને પણ ઝાટકી નાંખ્યા હતા. ચીફ જસ્ટીસે કહ્યું કે બધા કોર્ટની સાથે હાઈડ અને સીકની રમત શા માટે રમી રહ્યા છો.

ચીફ જસ્ટીસ ગોગોઈએ કહ્યું કે કેન્દ્ર સરકારના વકીલ કહી રહ્યા છે કે જવાબ માટે એફિડેવિટ રજૂ કરવા માંગે છે પરંતુ તેઓ એ બતાવી રહ્યા નથી કે ક્યારે એફિડેવિટ દાખલ કરવા માંગે છે. કેન્દ્રના વકીલે કહેવું જોઈએ કે આવતીકાલે થનારી સુનાવણી દરમિયાન એફિડેવિટ રજૂ કરશે. પરંતુ તેઓ એવું કશું કહી રહ્યા નથી. આવી જ રીતે સિંઘવી પણ પીએમ મોદી અને અમિત શાહનું નામ લઈ રહ્યા નથી. કોર્ટની સાથે હાઈડ એન્ડ સીક(છૂપાછપી)નો ખેલ ચાલશે નહીં.

ગુજરાતમાં મતદાન કરવાના સમયે પીએમ મોદી અને અમિત શાહ દ્વારા રોડ શો કરવામાં આવતા કોંગ્રેસે આચારસંહિતા ઉલ્લંઘનની ફરીયાદ ચૂંટણી પંચને કરી હતી પરંતુ પંચ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા કોંગ્રેસે સુપ્રીમ કોર્ટમાં પીટીશન ફાઈલ કરી છે અને ચૂંટણી પંચને નિર્દેશ આપવા માંગ કરી છે. આચારસંહિતાના ઉલ્લંઘનના કેસામાં 72 કલાક સુધી પ્રચાર કરવા પર પ્રતિબંધ મૂકાઈ શકે છે.

રાહુલ ગાંધીની માંગ, ડિસમીસ થાય રાફેલ કન્ટેમ્પ્ટ પીટીશન, ભાજપ ઈચ્છે રાજકીય લાભ

કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ રાફેલ પ્રકરણમાં ચોદીદાર ચોર હૈ અંગે ટીપ્પણી કરી હતી. આ ટીપ્પણીને લઈ સુપ્રીમ કોર્ટની અવમાનનાની નોટીસનો રાહુલ ગાંધીએ સોમવારે જવાબ ફાઈલ કર્યો છે. રાહુલ ગાંધીએ આ મામલે ભાજપના સાંસદ મીનાક્ષી લેખી દ્વારા દાખલ કરાયેલી અરજીને ડિસમીસ કરવાની માંગ કરી છે અને તેને ફગાવી દેવામાં આવે તેવું જણાવ્યું છે. રાહુલ ગાંધીએ કહ્યું છે કે ભાજપના સાંસદ રાજકીય વિવાદમાં વ્યક્તિગત અને રાજકીય લાભ લેવા માટેની કોશીશ કરી રહ્યા છે.

કોંગ્રેસ પ્રમુખે કહ્યું છે કે કોર્ટની અવમાનનાની અરજી કરનારા ભાજપના સાંસદ મીનાક્ષી લેખીને પણ ન્યાયિક પ્રક્રિયાનો દુરપયોગ કરવા માટે દંડિત કરવામાં આવે. ન્યૂઝ એજન્સી આઈએએનએસ પ્રમાણે રાહુલ ગાંધીએ પોતાના વલણને દોહરાવીને કહ્યું છે કે તેમણે કોઈ માફી માંગી નથી પરંતુ કોર્ટને સાંકળીને કરેલી ટીપ્પણી અંગે ખેદ વ્યક્ત કર્યો છે. હવે આ અંગે વધુ સુનાવણી મંગળવારે કરવામાં આવશે.

આ કેસની સુનાવણી ચીફ જસ્ટીસ રંજન ગોગોઈ, જસ્ટીસ દીપક ગુપ્તા અને જસ્ટીસ સંજીવ ખન્ના સમક્ષ ચાલી રહી છે. રાહલુ ગાંધી વતી વકીલ સુનીલ ફર્નાન્ડીસે જવાબ રજૂ કર્યો હતો.

કંડલા, સુરત અને પોરબંદરમાં હીટવેવ, દરિયાઈ પટ્ટીના શહેરોમાં કાળઝાળ ગરમી

ગુજરાતના શહેરોમાં ગરમીનો પ્રકોપ યથાવત રહ્યો છે. ખાસ કરીને દરીયાના કાંઠા વિસ્તારમાં આવેલા શહેરો જેવાં કંડલા, સુરત અને પોરબંદરમાં ગરમીનો પારો 7થી9 ડિગ્રી વધ્યો હોવાનું નોંધાયું છે. સામાન્ય ડિગ્રી કરતાં આ ત્રણેય શહેરોમાં પાછલા દિવસોમાં ગરમીના પારામાં વધારો નોંધાયો છે. ત્રણેય શહેરોમાં આજે તાપમાન સરેરાશ 43 ડિગ્રી પર પહોંચ્યું હતું. સરેરાશ આ ત્રણેય શહેરોમાં 30થી 32 ડિગ્રી તાપમાન રહે છે. જ્યારે કાંઠા વિસ્તારના અન્ય શહેરો જેવા કે વેરાવળ, દ્વારકામાં પણ સામાન્ય કરતાં તાપમાન વધુ નોંધાયું છે. સમગ્ર ગુજરાતમાં હીટ વેવ જોવા મળતા બાફ અને ઉકળાટનો લોકો સામનો કરી રહ્યા છે. જ્યારે અત્યાર સુધી ગુજરાતમાં વરસાદ અંગેની કોઈ ગતિવિધિ જોવા મળી રહી નથી.

જ્યારે પણ ગુજરાતમાં લાંબા સમય સુધી વાદળોની ગતિવિધિ ચૂક્કી હોય છે ત્યારે તાપમાનમાં અતિશય વધારો જોવા મળે છે. ગુજરાતમાં ગરમીના પારામાં થઈ રહેલા વધારા પાછળ ઉત્તર-પશ્ચિમ તરફથી ફૂંકાતા સૂક્કા પવનો છે. પ્રિ-મોન્સુન ગતિવિધિઓમાં સામાન્ય રીતે તાપમાન નોર્મલ જોવા મળે છે પરંતુ ગુજરાતમાં પ્રિ-મોન્સુન સાયકલ જોવા મળી રહી નથી. આના કારણે તાપમાન વધ્યું હોવાનું નિષ્ણતો જણાવી રહ્યા છે.


હવામાનશાસ્ત્રીઓના જણાવ્યા મુજબ ગુજરાતમાં હીટ વેવની આવી સ્થિતિ ઓછામાં ઓછા બે થી ત્રણ દિવસ સુધી ચાલુ રહેશે. ત્યારબાદ, વાતાવરણથી દક્ષિણ-પશ્ચિમની વાયુ દિશા બદલાઈ શકે છે અને તાપમાનને બેથી ત્રણ ડિગ્રી સુધી નીચે લાવવામાં મદદ કરશે કારણ કે આ પવન અરબી સમુદ્રમાંથી ફૂંકાશે. જોકે, હજી પણ મહત્તમ 40 ડિગ્રી સુધી તાપમાન રહે તેવી શક્યતા છે.