સમગ્ર દેશમાં રાહુલ ગાંધીના પગલે
રાજીનામની વણઝાર ચાલી રહી છે પણ ગુજરાત કોંગ્રેસમાં કોઈ મગનું નામ મરી પાડી રહ્યું
નથી. ગુજરાત કોંગ્રેસમાં એક માત્ર પરેશ ધાનાણીએ રાજીનામાની ઓફર કરી હતી પણ હવે
ત્યાર બાદ સંગઠનમાંથી એક પણ જણે રાજીનામા આપ્યા નથી.
મહત્વની વાત તો એ છેકે ગુજરાતમાં
કોંગ્રેસનું સંગઠન સાફ થઈ ગયું છે. એક તરફ વિધાનસભામાં 80 સીટ જીત્યા બાદ એક પછી
એક ધારાસભ્યોના રાજીનામા પડ્યા અને આખીય કોંગ્રેસ તમાશો જોતી હતી. પ્રમુખ અમિત
ચાવડા અને ગુજરાત કોંગ્રેસના સર્વેસર્વા મનાતા અહેમદ પટેલ ખામોશ હતા. હા,
રાજ્યસભાની પોતાની ચૂંટણી વખતે અહેમદ પટેલે આખી કોંગ્રેસને ઉપરતળે કરી દીધી હતી.
રાહુલ ગાંધીએ કહ્યું છે કે મારા
રાજીનામા પછી એકેય મુખ્યમંત્રી, પ્રદેશ પ્રમુખે જવાબદારી સ્વીકારી રાજીનામા આપ્યા
નથી. વાત ગુજરાતન કરીએ તો પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા તથા સંગઠનના હોદ્દેદારો સુધી
રાહુલ ગાંધીની વેદના પહોંચી ન હોય એ વાત માની શકાતી નથી. આજે યુપીમાંથી 40 કરતાં વધુ
રાજીનામા પડ્યા છે.
લોકસભાની ચૂંટણીમાં બીજી વાર ગુજરાત
કોંગ્રેસે 26માંથી 25 સીટ હારી ગઈ. અહેમદ પટેલને ગુજરાત કોંગ્રેસના ચાણક્ય
માનવામાં આવે છે અને પાછલા 30 વર્ષથી ગુજરાત કોંગ્રેસ સંપૂર્ણપણે સાફ છે.
કોંગ્રેસના કાર્યકરોમાં મોટાપાયા પર હતાશા અને નિરાશા વ્યાપી ગઈ છે. મોટા-મોટા
નેતાઓ કાં તો નિષ્ક્રીય થઈ ગયા છે અથવા તો હવે કોંગ્રેસ છોડવાની તૈયારી કરી રહ્યા
છે.
કોંગ્રેસ સૂત્રોની માનીએ તો ગુજરાત
કોંગ્રેસમાંથી રાહુલ ગાંધીના પગલે એટલા માટે રાજીનામા આપવામાં આવી રહ્યા નથી કે રાજસ્થાન
અને મધ્યપ્રદેશમાં જ્યાં કોંગ્રેસની સરકારો હતી છતાં કારમી હાર ખમવી પડી છે ત્યાંના
પ્રદેશ પ્રમુખ કે મુખ્યમંત્રીઓએ રાજીનામા આપ્યા નથી. વાસ્તે ગુજરાત કોંગ્રેસમાં પણ
રાજીનામા આપવામાં આવી રહ્યા નથી તેવો તર્ક રજૂ કરવામાં આવી રહ્યો છે.
ગુજરાત કોંગ્રેસ માટે એવું લાગી રહ્યું
છે કે રાહુલ ગાંધીનું કોઈ મહત્વ જ નથી. ભલેને રાહુલ ગાંધી રાજીનામું આપે, આપણને
શું લેવા દેવા? આવા
મતલબની વાતો કોંગ્રેસીઓમાં ચર્ચાઈ રહી હોવાનું સૂત્રો કહી રહ્યા છે. ગુજરાતના
નેતાઓના મોઢા પરથી માખી પણ ઉડી રહી નથી.
બીજું એ કે રાજ્યસભાની ચૂંટણીમાં પણ કોંગ્રેસે
લણી-લણીને ગૌરવ પંડ્યા અને ચંદ્રીકાબેન ચૂડાસમાને જ પસંદ કર્યા. અહેમદ પટેલના કહેવાથી
હારવાની સીટ પર પણ કોઈ નવા નામની પસંદગી કરવાના બદલે એ જ જૂની યાદવસ્થળીને જ
અપગ્રેડ કરવામાં આવી છે.