કોંગ્રેસે વધુ બે સીટો પર મૂરતિયા જાહેર કર્યા : રાધનપુર બેઠક પર રઘુ દેસાઈ, ખેરાલુ બેઠક પરથી બાબુજી ઠાકોરને ટિકિટ

દિલ્હીમાં ભાજ૫ના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠક ૫છી મોડી રાતે ગુજરાતની પેટાચૂંટણીના 6 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી હતી. જેમાં ભાજપે 6 સીટો પર પોતાના ઉમેદવારો જાહેર કરી દીધા હતા, જ્યારે કોંગ્રેસે 4 બેઠકો પર પોતાનું ચિત્ર સ્પષ્ટ કર્યું હતું.

હવે કોંગ્રેસે વધુ બે સીટો પર પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. જેમાં રાધનપુર બેઠક પરથી રઘુ દેસાઈને ટિકિટ આપવામાં આવી છે. જ્યારે ખેરાલુ બેઠક પરથી બાબુજી ઠાકોરને ટિકિટ આપવામાં આવી છે.

આમ હવે રાધનપુર બેઠક પર ભાજપના ઉમેદવાર અલ્પેશ ઠાકોર સામે કોંગ્રેસના રઘુ દેસાઈની ટક્કર થશે. જ્યારે ખેરાલુ બેઠક પર બે ઠાકોર નેતાઓ વચ્ચે ટક્કર જામશે. આજે વિધાનસભાની છ બેઠકની પેટા ચૂંટણી માટે ફોર્મ ભરવાની અંતિમ તારીખ છે.

તનાવની વચ્ચે જમ્મૂ-કાશ્મીરમાં બ્લોક ડેવલપમેન્ટ કાઉન્સીલની ચૂંટણી થશે, 24મી ઓક્ટોબરે થશે મતદાન

ચૂંટણી પંચની જમ્મુ કશ્મીર શાખાએ રવિવારે કરેલી જાહેરાત મુજબ આવતા મહિનાની 24મીએ જમ્મુ કશ્મીરમાં બ્લોક ડેવલપમેન્ટ કાઉન્સીલની ચૂંટણી થશે. આ જાહેરાતથી ઘણા લોકોને નવાઇ લાગી હતી કારણ કે હજુ સેંકડો લોકો કારાવાસમાં છે જેમાં રાજ્યના બે ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનોનો પણ સમાવેશ થાય છે.

જમ્મુ કશ્મીરના ચૂંટણી અધિકારી શૈલેન્દ્ર કુમારે કહ્યું કે જે દિવસે ચૂંટણી થશે એજ દિવસે પરિણામો પણ જાહેર કરી દેવામાં આવશે. હાલ રાજ્યની રણવીર પીનલ કૉડ હેઠળ સેંકડો લોકો જેલમાં છે.

બે ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનો મહેબૂબા મુફ્તી અને ઉમર અબ્દુલ્લા પણ જેલમાં છે. વિભાજનવાદી ગણાતા પરિબળો અને તેમના ટેકેદારો પણ જેલમાં છે. રાજ્યમાં હજુ કેટલાક પ્રતિબંધો પણ અમલમાં છે. પરંતુ બ્લોક ડેવલપમેન્ટ કાઉન્સીલની ચૂંટણી કરવાનો નિર્ણય લેવાયો હતો.

ચૂંટણી પંચ અને જે તે ગામના સરપંચ મળીને જિલ્લા વિકાસ બોર્ડના ચેરમેનને ચૂંટશે. ત્યારબાદ જિલ્લા વિકાસ બોર્ડ રચવામાં આવશે. અગાઉ પસંદ કરવામા આવેલા ચેરમેન જિલ્લા વિકાસ બોર્ડના અધ્યક્ષની જવાબદારી અદા કરશે. જે તે જિલ્લાના ધારાસભ્ય અને સાંસદ જિલ્લા વિકાસ બોર્ડના ચેરમેન તરીકે કામ નહીં કરે.

પંચાયત રાજ ધારો ૧૯૮૯ અને ૧૯૯૬ અન્વયે આ જિલ્લા વિકાસ બોર્ડ પોતપોતાના જિલ્લાના સર્વાંગી વિકાસમાં મહત્ત્વની કામગીરી બજાવશે.

ચૂંટણી પંચે જણાવ્યા મુજબ રાજ્યના કુલ ૩૧૦ બ્લોકમાં ચૂંટણી થશે, એમાં ૧૭૨ બેઠકો બીસી, ઓબીસી માટે રિઝર્વ છે. શૈલેન્દ્ર કુમારે વધુમાં આપેલી માહિતી મુજબ કુલ ૨૬,૬૨૯ ઉમેદવારો છે જેમાં ૮,૩૧૩ મહિલા ઉમેદવારો છે.

ગુજરાતના IPS અધિકારીઓની બદલી, સુરતના કમિશનર તરીકે રાજેન્દ્ર બ્રહ્મભટ્ટની નિમણૂંક, વાંચો સંપૂર્ણ લિસિટ

ગુજરાત સરકારે આજે ગુજરાતભરાના 25 આઈપીએસ અધિકારીઓની બદલીના હુકમ કર્યા છે. બદલીના આ રાઉન્ડમાં અપેક્ષિત રીતે સુરતના પોલીસ કમિશનર તરીકે 1995ની બેન્ચનાં આઈપીએસ અધિકારી રાજેન્દ્ર બ્રહ્મભટ્ટ(આર.પી.બ્રહ્મભટ્ટ)ની નિમણૂંક કરવામાં આવી છે જ્યારે સુરતના ઈન્ચાર્જ પોલીસ કમિશનર હરિકૃષ્ણ પટેલને ગાંધીનગર ખાતે વહીવટી વિભાગમાં નિમણંક આપવામાં આવી છે.

રાજકોટનાં જોઈન્ટ પોલીસ કમિશ્નર અજયકુમાર ચૌધરીની જગ્યાએ અહેમદ ખુરશીદ, જુનાગઢ રેન્જમાં મનીન્દીરસિંઘ જ્યારે સુભાષ ત્રિવેદીને ભુજ બોર્ડર રેન્જમાં બદલી કરવામાં આવી છે.

વધુ વિગત મુજબ રાજ્યમાં 6 વિધાનસભાની પેટા ચુંટણી હોવાથી ચુંટણી પંચની મંજુરી મેળવી ગૃહ વિભાગ દ્વારા મોડી સાંજે ઉચ્ચ પોલીસ અધિકારીઓની બદલી હુકમ કરવામાં આવ્યા છે.

એડી. ડી.જી.કક્ષામાં ફરજ બજાવતા રાજકોટ ઈન્ચાજર્ જોઈન્ટ પોલીસ કમિશ્નર અજય ચૌધરીનાં સ્થાને અહેમદ ખુરશીદ, સંજય શ્રીવાસ્તવ આર્મ્સ યુનીટ, અજયકુમાર તોમરને અમદાવાદ જોઈન્ટ પોલીસ કમિશ્નર (ક્રાઈમ) શમશેરસીંગને સીઆઈડી ક્રાઈમ કે.એલ.એન.રાવને જેલ વડા તરીકે, મનોજ શશીધરને ઈન્ટેલીજન્સ બ્યુરો, સુભાષ ત્રિવેદીને ભુજ બોર્ડર રેન્જ, ડી.બી.વાઘેલાને લાંચ રૂશ્વત વિભાગ, નીપુના તોરવાને જોઈન્ટ પોલીસ કમિશ્નર અમદાવાદ, મનીન્દરસિંઘને જુનાગઢ રેન્જ એમ.એસ.ભરડાને પંચમહાલ રેન્જ ખાતે ટ્રાન્સફર કરવામાં આવી છે.

જ્યારે એસ.પી.કક્ષાને નીલેશ ઝાંઝરીયાને વેસ્ટન રેલ્વેમાં, તરૂણકુમાર ડુગલને બનાસકાંઠા એસ.પી., સરોજકુમારી બરોડા હેડ કવાર્ટર, સુધીર દેશાઈને બરોડા ગ્રામ્ય એસ.પી. તરીકે મનીષસિંઘને મહેસાણા એસ.પી. તરીકે, અક્ષયરાજ મકવાણાને પાટણ એસ.ટી. તરીકે, આર.ટી.સુશરાને ગાંધીનગર એસ.સી. આર.બી., જ્યારે એ.એસ.પી. કક્ષાનાં ૫ ને પ્રમોશન આપવામાં આવેલ જેમાં અચલ ત્યાગીને ડેપ્યુ.પોલીસ કમિશ્નર બરોડા, અજીતને અમદાવાદ સીટી ડેપ્યુટી. કમીશ્નર તરીકે સંદીપ ચૌધરીને ડે.કમિશ્નર બરોડા, પ્રશાંત સુમ્બેને ડે.કમીશ્નર સુરત ટ્રાફીક અને વાસ્મશેટી રવિ તેજા ડે.કમિશ્નર અમદાવાદ ઝોન ૫ ખાતે બદલી કરવામાં આવી છે.

જૂઓ સંપૂર્ણ લિસ્ટ…

ત્રિશુલીયા ઘાટ અક્સ્માત:  PM મોદી, HM અમિત શાહ અને CM વિજય રૂપાણીએ ટવિટ કરી શોક દર્શાવ્યો

બનાસકાંઠા નજીક અંબાજી-દાંતા હાઈવે પર ત્રિશુલીયા ઘાટ પર થયેલા અક્સ્માતમાં 21થી વધુ મુસાફરોના મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. અક્સ્માત અંગે વડાપ્રધાન મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ટવિટ કરી ઘટના અંગે ઉંડા શોકની લાગણી વ્યક્ત કરી છે.

વડાપ્રધાન મોદીએ લખ્યું કે બનાસકાંઠાથી આઘાતજનક સમાચાર મળી રહ્યા છે. અક્સ્માતમાં માર્યા ગયેલા લોકો માટે ઉંડા શોકની લાગણી અનુભવું છું અને પરિવારજનોને સાંત્વા અને ઈશ્વર શક્તિ આપે તેની કામના કરું છું. આ ઉપરાંત ઈજાગ્રસ્તોને સંભવિત તમામ મદદ કરવા તંત્ર કરે અને ઈજાગ્રસ્તો વહેલા સાજા થાય.

ગૃહમંત્રી અમિત શાહે માર્યા ગયેલા મુસાફરોને શ્રદ્ધાંજલિ અર્પી જણાવ્યું કે ગમ્ખ્વાર અક્સ્માતમાં માર્યા ગયેલો લોકો માટે આઘાતની લાગણી અનુભવું છું. રાજ્ય સરકાર અને સ્થાનિક તંત્રને તાકીદની તમામ મદદ કરવા માટે સૂચના આપી છે.

મુખ્મંત્રી વિજય રૂપાણીએ અંબાજી નજીક ત્રિશુલીયા ઘાટ પાસે  યાત્રાળુ બસને થયેલા માર્ગ અકસ્માત અંગે બનાસકાંઠા જિલ્લા કલેકટર સાથે ટેલીફોનીક વાતચીત કરી વિગતો મેળવી છે.

તેમણે આ અકસ્માતમાં જાન ગુમાવનારા કમનસીબ મુસાફર વ્યક્તિઓ પ્રત્યે સંવેદના પ્રગટ કરી તેમના પરિવાર જનોને દિલસોજી પાઠવી છે. મુખ્મંત્રીએ આ અકસ્માતમાં ઇજા પામેલા વ્યક્તિઓને તાત્કાલિક યોગ્ય સારવારનો પ્રબંધ કરવા પણ જિલ્લા કલેકટર અને તંત્રને સૂચનાઓ આપી છે.

અંબાજીના ત્રિશુલીયા ઘાટ પર ગમખ્વાર અક્સ્માત, બસ ખીણમાં ખાબકી, 21ના મોતની આશંકા

અંબાજી નજીક આવેલા ત્રિશુલીયા ઘાટ પર આજે સાંજે ચાર વાગ્યે ભયાનક અને ગમખ્વાર એક્સિડન્ટ થયું છે. પ્રાઈવેટ બસ ખીણમાં ખાબકતા 21 લોકોના મોત નિપજ્યા હોવાની આશંકા સેવવામાં આવી રહી છે. ઘટનામાં 10 લોકો ગંભીર રીતે ઘવાયા છે. ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસ અને સ્થાનિક લોકો દ્વારા રાહત અને બચાવ કાર્ય કરવામાં આવી રહ્યું છે. ચાર કરતાં પણ વધુ એમ્બ્યુલન્સ ઘટના સ્થળે મોજુદ છે.

માહિતી પ્રમાણે અંબાજી-દાંતા હાઈવે સ્થિત ત્રિશુલીયા ઘાટ પાસે ટર્ન લેતા સમયે બસ ખીણમાં ખાબકી ગઈ હતી. બસમાં અંદાજે 30થી વધુ યાત્રીઓ મુસાફરી કરી રહ્યા હતા. અચાનક થયેલી ઘટનમાં કેટલાય લોકો બસની નીચે ચગદાઈ ગયા હતા. અકસ્માતના કારણે હાઈવે પર મુસાફરોની ચીસો જ સંભળાતી રહી હતી. વરસાદના કારણે અકસ્માતમાં રસ્તા પર વેરવિખેર થયેલા મૃતદેહોના કારણે રોડ લોહીલૂહાણ થઈ ગયો હતો.

ઘટનાની જાણ થતાં જ દાંતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને બસમાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢ્યા હતા. સાથે જ અલગ અલગ ચાર એમ્બ્યુલન્સ દ્વારા ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ પહેલાં પણ આ જ વિસ્તારમાં અકસ્માત થયો હતો અને તેમા આઠ લોકો માર્યા ગયા હતા. સમગ્ર વિસ્તારમાં માતમનો માહોલ છવાઈ જવા પામ્યો છે.

કાલથી આ નિયમો બદલાઈ જશે: ડ્રાઇવિંગ લાયસન્સ, SBIમાંથી કેશ વિથડ્રો, પેટ્રોલ-ડીઝલમાં કેશ બેક, GST-કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો

આવતીકાલથી ઓક્ટોબર મહિનો શરૂ થવા જઈ રહ્યો છે. નવા મહિનાના પહેલા જ દિવસથી દેશભરમાં કેટલાક નવા નિયમો અમલમાં આવી જશે. જેની સીધી અસર સામાન્ય લોકોને થશે. બેંકિંગ, ટ્રાન્સપોર્ટિંગ, જીએસટી, પ્લાસ્ટિકના ઉપયોગને લઈ સરકાર પહેલી ઓક્ટોબરથી કેટલાક નવા નિયમ લાગૂ કરવા જઈ રહી છે.

 

ડ્રાઇવિંગ લાઇસન્સ માટે લાગૂ થશે નવા નિયમ, પેટ્રોલ-ડીઝલ પર કેશ બેક નહીં

પહેલી ઓક્ટોબરથી ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવવાના નિયમોમાં ફેરફાર થશે. નવા નિયમો મુજબ તમારે ડ્રાઇવિંગ લાઇસન્સ અપડેટ કરવાનું રહેશે. આ માટે સંપૂર્ણ પ્રક્રિયા ઓનલાઇન રહશે. જ્યારે રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ સાથે ડ્રાઇવિંગ લાઇસન્સ કાયદાકીય રીતે જરૂરી બની જશે. નવા નિયમો હેઠળ લાઇસન્સ અને આરસીમાં માઇક્રોચિપ સિવાય ક્યૂઆર કોડ પણ આપવામાં આવશે.

કેશ નીકાળવા માટે સ્ટેટ બેન્ક લાગૂ કરશે નવા નિયમ

દેશની સૌથી મોટી સરકારી બેંક ભારતીય સ્ટેટ બેંક પહેલી ઓક્ટોબરથી નવો નિયમ લાગૂ કરવા જઈ રહી છે. જેની અસર દેશભરમાં લગભગ 32 કરોડ ગ્રાહકોને થશે. આ નવા નિયમ મુજબ બેંક દ્વારા નિર્ધારિત મંથલી એવરેજ બેલેન્સને મેન્ટેન ન કરવા પર દંડમાં 80 ટકા સુધીનો ઘટાડો કરવામાં આવશે. મેટ્રો સિટીના બેંક ખાતાધારકો માટે મંથલી એવરેજ બેલેન્સ ઘટીને ત્રણ હજાર થઈ જશે. ઉપરાંત બેંક 10 ફ્રી ટ્રાન્ઝેક્શન પણ આપી શકે છે.

પેટ્રોલ-ડીઝલની ખરીદ પર નહીં મળે કેશબેક

પહેલી ઓક્ટોબર બાદ જો તમે એસબીઆઈના ક્રેડિટ કાર્ડથી પેટ્રોલ-ડીઝલની ખરીદ કરો છો તો ચુકવણી પર મળતું 0.75 ટકા કેશબેક હવે ગ્રાહકોને નહીં મળે. બેંકે મેસેજ કરીને ગ્રાહકોને આ વિશે માહિતી આપી છે. એચપીસીએલ, બીપીસીએલ અને આઈઓસીએ કેશબેક સ્કીમને પરત લેવાના નિર્દેશ આપ્યા છે.

કેટલીક વસ્તુઓ પર જીએસટી થશે ઓછું?

પહેલી ઓક્ટોબરથી કેટલીક વસ્તુઓ પર જીએસટીની દરોમાં ઘટાડો થશે. હવે 100 રૂપિયા સુધી ભાડા પર ટેક્સ નહીં આપવો પડે. ઉપરાંત 7,500 રૂપિયા સુધી ટેરિફવાળા રૂમ માટે ભાડા પર હવે માત્ર 12 ટકા જીએસટી આપવા આપવો પડશે. ઉપરાંત કાઉન્સિલે 10થી 13 સીટો સુધી પેટ્રોલ-ડીઝલ વાહનો પર સેસને ઘટાડ્યો છે.

કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો

નાણામંત્રી નિર્મલા સીતારમણે ભારતીય કંપનીઓ માટે કોર્પોરેટ ટેક્સમાં ઘટાડાની જાહેરાત કરી છે. તેથી પહેલી ઓક્ટોબરથી કોર્પોરેટ ટેક્સ 30 ટકાથી ઘટીને 22 ટકા થઈ જશે. આ સિવાય સરકારી કર્મચારીઓના પેન્શન પોલિસીમાં પણ ફેરફાર પહેલી ઓક્ટોબરથી થશે. ઉપરાંત ૨ ઓક્ટોબરથી સિંગલ યૂઝ પ્લાસ્ટિક પર પણ પ્રતિબંધ લાગી જશે.

 

શું હાર્દિક પટેલ રાધનપુરમાં અલ્પેશ ઠાકોર વિરુદ્વ પ્રચાર કરશે? તો હાર્દિકે આપ્યો આવો બેધડક જવાબ, જાણો શું કહ્યું?

ગુજરાતની પેટાચૂંટણી જાહેર થયા બાદ રાધનપુર સીટને લઈ ભારે ગરમાટો જોવા મળી રહ્યો છે. 2017ની વિધાનસભાની ચૂંટણીમાં કૉંગ્રેસે સારો દેખાવ કર્યો હતો અને પહેલી વાર ભાજપ સામે પડકારની સ્થિતિ જોવા મળી હતી.એ સમયે લોકોનો આંદોલનનો ચહેરો બનેલા જિજ્ઞેશ મેવાણી, અલ્પેશ ઠાકોર અને હાર્દિક પટેલ તેમની અસરને લઈને ચર્ચામાં રહ્યા હતા. પણ સમયાંતરે આ ત્રિપુટી ખંડિત થઈ ગઈ છે. હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર સીધી રીતે વિરોધી પક્ષોમાં આમને સામને આવી ગયા છે.

રાધનપુરથી કૉંગ્રેસ પક્ષમાંથી જીતેલા અલ્પેશ ઠાકોર હવે આ જ સીટ પરથી કમળના નિશાન પર ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યા છે. બન્ને વચ્ચે મિત્રતા અકબંધ હતી પણ અલ્પેશ ઠાકોર કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા બાદ બન્ને વચ્ચેની મિત્રતા પણ સમાપ્ત થઈ હોવાનું લાગે છે.

ભાજપે રાધનપુરમાંથી અલ્પેશ ઠાકોરને ટીકીટ ફાળવી દીધી છે, ત્યારે એક સમયના સાથી અને ભાજપ સામે આક્રમક્તાથી પ્રચાર કરનારા અલ્પેશ ઠાકોરને લઈ કોંગ્રેસના યુવા નેતા હાર્દિક પટેલે કેટલીક વાતો કરી છે અને અલ્પેશ વિરુદ્વ પ્રચાર કરવા માટે મહત્વની વાત કરી છે.

હાર્દિક પટેલે કહ્યું, હજી સુધી પાર્ટી તરફથી કોઈ પ્લાન આવ્યો નથી, પરંતુ જો રાધનપુરમાં જઈને અલ્પેશ ઠાકોરની વિરુદ્ધ ચૂંટણી માટે કામ કરવાનું આવશે તો હું બિલકુલ કરીશ. તેમણે અગાઉ 2019ની સામાન્ય ચૂંટણીઓમાં કૉંગ્રેસ માટે દેશભરમાં ઘણી જગ્યાએ પ્રચાર કર્યો હતો.

હાર્દિક પટેલે વધુમાં કહ્યું છે,ભલે આ પેટાચૂંટણી હોય પણ લોકોના સવાલો તો એ જ છે કે તેમની રોજગારી ક્યાં છે, તેમને કેમ હજી સુધી માત્ર વાયદાઓ જ મળે છે.તેમણે કહ્યું કે આ પેટાચૂંટણીમાં પણ તેઓ ભાજપને બેરોજગારી અને ખેડૂતોના મુદ્દે સવાલો કરશે.તેઓ વધુમાં કહે છે, ભાજપના નેતાઓ કૉંગ્રેસ પાસેથી જવાબ માગે છે, પણ અહીંયાં ગુજરાતમાં જ તો છેલ્લાં 25 વર્ષથી ભાજપની સરકાર છે. તો હવે ગુજરાતના પ્રશ્નો માટે તો ભાજપને જવાબ આપવો જ પડશે.

 

લો, બોલો, ખાટલે મોટી ખોડ: પોલીસ વાનો અને એસટી બસોમાં સીટ બેલ્ટ જ ન હતા, પછી કર્યું આવું કામ

પહેલી સપ્ટેમ્બરથી લાગુ કરાયેલાનવા ટ્રાફિકના નિયમો ટુ વ્હીલરથી માંડી મોટા ટ્રક અને એસટી તેમજ ખાનગી બસ માટે પણ લાગુ પડે છે. નવાઈની વાત છે કે એક માત્ર રાજકોટ ડિવિઝનની જૂની અને ખખડી ગયેલી 150 જેટલી એસટી બસમાં અત્યાર સુધી સીટ બેલ્ટ જ ન હતા.

ટ્રાફિકના નવા નિયમ પછી તંત્રે દંડના ભય હેઠળ 200 જેટલા નવા સીટ બેલ્ટ મંગાવ્યા છે. બસ ઉપરાંત પોલીસ વાનો પણ સીટ બેલ્ટ જોવા મળી રહ્યા નથી. બસો ઉપરાંત પોલીસ વાનોમાં પણ સીટ બેલ્ટ જોવા ન મળતા પોલીસ વિભાગ પણ દોડતો થઈ જવા પામ્યો છે.

રાજકોટ એસટી ડિવિઝન હેઠળ 500 જેટલી બસો આવે છે. જેમાંથી 350 જેટલી એસટી બસમાં સીટ બેલ્ટ હતા. જો કે મોટાભાગના ડ્રાઈવર સીટ બેલ્ટ હોવા છતા પહેરતા ન હતા એ અલગ વાત છે. દરમિયાન ટ્રાફિકના નવા નિયમોની અમલવારી અર્થે બાકીની 150 જેટલી એસટી બસમાં સીટ બેલ્ટ તાબડતોબ મંગાવવામાં આવ્યા હતા.

રસ્તા પર સતત દોડતી રહેતી પોલીસ વાનો પણ સીટ બેલ્ટ જોવા મળતા નથી. ખાસ કરીને જે મોબાઈલ વાન સતત પેટ્રોલીંગમાં હોય છે તેમાં સીટ બેલ્ટનો અભાવ જોવા મળે છે. પોલીસ વિભાગ પણ હવે આવી ગાડીઓમાં સીટ બેલ્ટ ફીટ કરવામાં લાગી ગયો છે.

 

આફ્રીદીની બિરયાની પાર્ટી, પાકિસ્તાન કરી રહ્યું છે વિદેશી ક્રિકેટરોની સરભરા, જૂઓ ફોટો

પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શાહીદ આફ્રીદીએ વેસ્ટઈન્ડીઝના દિગ્ગજ બોલર માઈકલ હોલ્ડીંગને પોતાના ઘરે ડિનર માટે આમંજત્રિત કર્યા હતા. આફ્રીદીએ રવિવારે રાત્રે ટવિટર હેન્ડલ પર આ ફોટો શેર કર્યા છે. જેમાં પાકિસ્તાનના એક સમયના ઓપનર સઈદ અનવર પર જોવા મળી રહ્યા છે.

આફ્રીદીએ ટવિટ કર્યું કે પોતાના ઘરે હોલ્ડીંગને રાત્રે ડિનર પર આમંત્રિત કરવું માર માટે સન્માનની વાત છે. ડો. કાશીફ, તમે મોબાઈલને કરાંચી લઈ આવ્યા તે બદલ આભાર. સઈદ અનવર પણ સાથે જોડાયા તે માટે તેમનો આભાર. આ મહાન ખેલાડીઓનું આગમન સારું લાગ્યું.

65 વર્ષના માઈકલ હોલ્ડીંગ હાલ પર્સનલી ટૂર માટે પાકિસ્તાન ગયા છે. પાકિસ્તાન આ સમયે શ્રીલંકા સાથેની મેચોનું યજમાન છે. તેમણે પાકિસ્તાનના અખબાર ધ જોનને કહ્યું કે જો મને ખતરો હોત તો હું પાકિસ્તાન આવત જ નહીં. આ સારી વાત છે કે પાકિસ્તાન અને શ્રીલંકા ઈન્ટરનેશનલ મેચ રમી રહ્યા છે.

લાંબા સમય પછી પાકિસ્તાનમાં કોઈ ઈન્ટરનેશનલ ટીમ રમવા આવી છે 200માં શ્રીલંકાની ટીમ પર થયેલા આતંકી હુમલા બાદ અનેક દેશોએ પાકિસ્તાન જવાનું બંધ કરી દીધું હતું. પાકિસ્તાન કોશીસ કરી રહ્યું કે ઈન્ટરનેશનલ ક્રિકેટ ફરીથી રમાતી થઈ જાય.

 

વિસાવદરના MLA હર્ષદ રીબડીયાની ચેલેન્જ, કહ્યું “મંત્રીઓ અમારી વાડીએ એકલા વાહુપુ-પાણી વાળવા આવે, ચાર લાખ આપીશ”

વિસાવદરના કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રીબડીયાએ ટવિટર પર વીડિયો અપલોડ કરી ગુજરાત સરકારના મંત્રીઓને ખૂલ્લી ચેલેન્જ આપી છે. વીડિયોમાં ધારાસભ્ય હર્ષદ રીબડીયા વન વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરતા જોવા મળે છે. તેઓ ઉગ્ર થઈને વન વિભાગના અધિકારીઓને આડે હાથે લેતા દેખાય છે. સોશિયલ મીડિયામાં આ વીડિયો ખાસ્સો વાયરલ થયો છે.

ટવિટર અકાઉન્ટ પર લખવામાં આવ્યું છે કે ખેડૂત પુત્ર ધારાસભ્ય હર્ષદ રીબડીયાએ ફોરેસ્ટ અધિકારી મારફત સરકારમાં બેઠેલા મંત્રીઓને ખુલી ચેલેન્જ આપી છે. લખાયું છે કે એકવાર રાત્રે અમારા ખેડૂતની વાડીએ એકલા વાહુપુ તથા પાણી વાળવા આવો હું તમને ચાર લાખ આપીશ.

તેમનું આવું કહેવા પાછળનું કારણ એવું છે કે જૂનાગઢના વિસાવદરમાં પાછલા કેટલાક દિવસોથી દિપડાઓ ખેતરોમાં ઘૂસી જાય છે. ખેડુતોને ફાડીને મારી ખાય છે અથવા ઈજા પહોંચાડે છે. હર્ષદ રીબડીયા કહે છે કે ખેડુતોને દિપડા ફાડી ખાય છે. સરકારે સ્વીકાર્યું છે કે દિપડા સરકારના છે અને સરકાર માર્યા ગયેલા ખેડુતોના પરિવારોને ચાર લાખની સહાય આપે છે, તો મારી સરકારમાં બેઠેલા મંત્રીઓને ખૂલ્લી ચેલેન્જ છે કે એક વાર રાત્રે ખેતરમાં આવીને રોકાય, મંત્રીઓ રોકાશે તો હું તેમને ચાર લાખ આપીશ.