મુંદ્રામાંથી જાસૂસ પકડાયો, પાકિસ્તાની જાસૂસી એજન્સી આઇએસઆઇનું કચ્છ કનેક્શન

પાકિસ્તાનની જાસૂસી એજન્સી ઈન્ટર સર્વિસીઝ ઈન્ટેલીજન્સ સાથે કચ્છના મુંદ્રા સ્થિત વ્યક્તિનું સીધું કનેક્શન હોવાનું ભારતની નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ સત્તાવાર રીતે કરાર કરીને ઘટસ્ફોટ કર્યો હતો. મુંદ્રાના આરોપી શખસના ઘરે બે દિવસ પહેલા એનઆઈએની ટીમે તપાસ કરીને તેનો મોબાઈલ સહિતના સંદિગ્ધ દસ્તાવેજો જપ્ત કર્યા હતા.

સ્થાનિક સૂત્રોએ જણાવ્યું હતું કે અગાઉ ગત એક મહિનામાં ટીમે ત્રણેક વાર આવીને પૂછપરછ અને તપાસ કરી હતી. ગત ગુરુવારના રોજ એનઆઈએની ટીમે કચ્છના મુંદ્રામાં બસ સ્ટેશન પાસે આવેલા કુંભારવાસ વિસ્તારમાં રહેતા રજાકભાઈ સુમારભાઈ કુંભારના ઘરમાં શોધખોળ આદરી હતી. એક એક ઈંચ અને દરેકે દરેક સામગ્રીની કલાકો સુધી તપાસ કર્યા બાદ ટીમે મુખ્ય આરોપી રજાકનો મોબાઈલ જપ્ત કરીને પૂછપરછનો દોર આરંભ્યો હતો.

સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે, રજાકના ઘરમાંથી સંદિગ્ધ દસ્તાવેજો પણ મળી આવ્યા છે. ટીમે તેનો મોબાઈલ જપ્ત કરીને વધુ તપાસ હાથ ધરી છે. રજાકની સંડોવણીના તારની મળવાની શરૂઆત ત્યારે થઈ હતી. જ્યારે વારાણસીથી યુપીની એટીએસ ટીમે રશીદ નામના શખસને પકડ્યો હતો. જેણે પાકિસ્તાનની જાસૂસી એજન્સીને કાશીના ઘાટ, સુરક્ષા એજન્સીઓની સ્થિતિ સહિતના ફોટોગ્રાફ્સ મોકલ્યા હોવાનું સામે આવ્યું હતું. તેના પેટીએમ એકાઉન્ટમાં ૫ હજાર રૂપિયા આવ્યા હતા, જેના સોર્સની તપાસ કરતા તે કચ્છના મુંદ્રામાં રહેતા રજાકે આઈએસઆઈના કહેવાથી, તે માહિતીના બદલામાં ચુકવણાના રૂપે મોકલ્યા હોવાનું સ્પષ્ટ થયું હતું.

કચ્છના કોઇ વ્યક્તિ આઈએસઆઈના ઈશારે કામ કરી રહ્યાની બાબત સામે આવતા કચ્છની સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ હતી અને આ દિશામાં તમામ સંભાવનાઓ તરફ તપાસનો દોર આરંભાયો હતો.

એપ્રિલ-જૂન ત્રિમાસિક ગાળાનો જીડીપી 23.9 ટકા ઘટ્યો

વર્તમાન નાણાકીય વર્ષનાં પહેલા ત્રિમાસિકગાળામાં અર્થાત્ એપ્રિલથી જૂન દરમિયાન ખાસ કરીને કોવિડ-19 રોગચાળાની અર્થતંત્ર પર માઠી અસર પડતાં ગ્રોસ ડૉમેસ્ટિક પ્રોડકટ (જીડીપી)માં 23.9 ટકાનો ઘટાડો આવ્યો છે, જ્યારે ગત સાલના સમાનગાળામાં જીડીપીમાં 5.2 ટકા વૃદ્ધિ થઈ હોવાનું આજે નેશનલ સ્ટેટેસ્ટિકલ ઑફિસ (એનએસઓ) દ્વારા સંકલિત કરવામાં આવેલી આંકડાકીય માહિતીમાં જણાવ્યું છે.

સરકારે કોવિડ-19 રોગચાળાને નિયંત્રણમાં રાખવા માટે ગત 25 માર્ચથી રાષ્ટ્રીય સ્તરના લોકડાઉનનો અમલ કર્યો હતો અને 20 એપ્રિલ પશ્ચાત અમુક આર્થિક પ્રવૃત્તિ શરૂ કરવાની રાહત આપી હતી. આમ લોકડાઉનની અર્થતંત્ર પર વિપરીત અસર પડતાં પહેલા ત્રિમાસિકગાળાના જીડીપીમાં ઘટાડો થયો હતો. તેમ જ ગત જુલાઈ મહિનાના અંતે દેશની રાજકોષીય ખાધ અંદાજપત્રીય લક્ષ્યાંકના 103 ટકા અથવા રૂ. 8.21 ટ્રિલિયન (111.7 અબજ ડૉલર)ના સ્તરે રહી હોવાનું યાદીમાં ઉમેર્યું હતું. વધુમાં વર્તમાન નાણાકીય વર્ષમાં ખાધ જીડીપીનાં 7.5 ટકાના સ્તરે રહેવાનો અંદાજ મુકવામાં આવ્યો છે.

સુશાંત સિંહ રાજપૂત કેસ: રિયા ચક્રવર્તી પર કસાયો શિકંજો, નાર્કોટિક્સ બ્યુરો દ્વારા કેસ દાખલ

બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત કેસની સીબીઆઈ તપાસ કરી રહી છે. તાજેતરમાં જ સમાચાર આવ્યા કે સુશાંત ડ્રગ્સ લેતો હતો. કહેવામાં આવી રહ્યું છે કે તેના પરિવારજનોને આ અંગેની જાણ હતી. આ કેસમાં ડ્રગ્સનું એંગલ સામે આવતાંની સાથે જ સીબીઆઈની સાથે એનસીબી (નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો) ની ટીમે પણ આ કેસમાં તેમની સંડોવણીની માંગ કરી હતી. હવે એનસીબીએ રિયા ચક્રવર્તી અને ઘણા લોકો વિરુદ્ધ ફોજદારી કેસ નોંધ્યો છે.

26 ઓગસ્ટે, એનસીબીએ એનડીપીએસ (નાર્કોટિક ડ્રગ્સ અને સાયકોટ્રોપિક સબસ્ટન્સ) એક્ટની કલમ 20, 22, 27 અને 29 હેઠળ કેસ દાખલ કર્યો હતો. એનસીબીમાં રિયા ચક્રવર્તી, ભાઈ શોવિક ચક્રવર્તી સહિત અનેક લોકોનાં નામ સામેલ છે. ઇડીએ એનસીબીને આ તમામ સામે કેસ કરવા કહ્યું હતું. હવે એજન્સીએ ગુનાહિત કેસ દાખલ કરી અભિનેત્રી સામે કેસ નોંધ્યો છે.

25 ઓગસ્ટે ઇડીએ એનસીબીને સુશાંત સિંહ રાજપૂત કેસમાં ડ્રગ્સ એંગલની તપાસ કરવા જણાવ્યું હતું. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના ડિરેક્ટર રાકેશ અસ્થાનાએ ઇન્ડિયા ટુડેને પુષ્ટિ આપી હતી, “અમે સુશાંત સિંહ રાજપૂત કેસમાં પણ તપાસ શરૂ કરવા જઈ રહ્યા છીએ.”

સીબીઆઈ દ્વારા આજે સતત ચોથા દિવસે રિયા ચક્રવર્તીની પૂછપરછ કરવામાં આવી રહી છે. સુશાંતના પૂર્વ મેનેજર શ્રુતિ મોદી પણ સીબીઆઈ ગેસ્ટહાઉસની બહાર હાજર હતા. રિયા અને શ્રુતિ સિવાય સીબીઆઈ હાલમાં સિદ્ધાર્થ પિથની, મેનેજર સેમ્યુઅલ મીરાંડા હાઉસ કેશવ અને એકાઉન્ટન્ટ રજત મેવાતીની પૂછપરછ કરી રહી છે.

ડ્રગ્સ વિશે વાત કરતા રિયા ચક્રવર્તીના વકીલે તાજેતરમાં કહ્યું હતું કે રિયાએ ક્યારેય ડ્રગ્સ લીધું નથી. આ સાબિત કરવા માટે તે તેની રક્ત પરીક્ષણ કરાવવા માટે તૈયાર છે. આ કેસમાં રોજ નવા નવા ખુલાસા થઈ રહ્યા છે. લોકો સોશિયલ મીડિયા પર ન્યાયની માંગ કરી રહ્યા છે. બોલિવૂડ એક્ટ્રેસ કંગના રણાઉતે પણ સુશાંતના મોત માટે રિયાને દોષી ઠેરવી છે અને કહ્યું છે કે રિયા માસ્ટર માઈન્ડ છે.

કોરોના ક્યારે કાબૂમાં આવશે? આરોગ્ય મંત્રી ડો. હર્ષવર્ધને કરી આ મોટી વાત

કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો. હર્ષવર્ધને કહ્યું હતું કે દિવાળી સુધીમાં કોવિડ-19 મહામારી એટલે કે કોરોનાના સંક્રમણને મહદ્અંશે અંકુશમાં લેવામાં આપણે સફળ થશું. તેમણે કહ્યું કે આશા છે કે આગામી થોડા મહિનાઓમાં સંભવતઃ દિવાળી સુધીમાં આપણે કોરોના વાઈરસના સંક્રમણના ફેલાવાને મહદ્અંશે નિયંત્રિત કરી લેશું.

ડો. હર્ષવર્ધન અનંતકુમાર ફાઉન્ડેશન દ્વારા આયોજીત ‘નેશન ફર્સ્ટ’ વેબિનારમાં બોલી રહ્યા હતાં. તેમણે કહ્યું કે ડો. દેવીપ્રસાદ શેટ્ટી અને ડો. સી.એમ. મંજુનાથ જેવા વિશેષજ્ઞો એ વાત પર સંભવતઃ સહમત હશે કે થોડા સમય પછી કોરોના પણ ભૂતકાળમાં આવેલા અન્ય વાઈરસની જેમ માત્ર સ્થાનિક સમસ્યા બનીને જ રહી જશે, પરંતુ આ વાઈરસે આપણને બોધપાઠ આપ્યો છે કે આપણે બધાએ આપણી જીવનશૈલી પ્રત્યે વધુ સજાગ અને સાવધાન રહેવું પડશે.

ગુજરાતભરમાં યોજાશે JEE તથા NEETની પરીક્ષા, રાજ્યભરના 13 જિલ્લાના 32 કેન્દ્રો થયા સુસજ્જ

રાજ્યભરમાં કોરોના સંક્રમણ સંબધિત સંપૂર્ણ તકેદારી સાથે રાજ્યના વિદ્યાર્થીઓના હિતમાં National Testing Agency, New Delhi દ્વારા લેવામાં આવનાર JEE (main) તથા NEET (UG) પરીક્ષા યોજાશે. આ પરીક્ષાના સુચારુ આયોજનની શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ સમીક્ષા કરતા જણાવ્યું હતુ કે, સમગ્ર પરીક્ષા Covid-19ની મહામારીની પરિસ્થિતિમાં તથા વધુ વરસાદના સંજોગોમાં સારી રીતે પરિપૂર્ણ થાય તે માટે વહીવટીતંત્ર સંપૂર્ણપણે સુસજ્જ છે.

શિક્ષણ મંત્રીએ રાજ્યના ૧૫ જેટલા જિલ્લા કલેક્ટરો સાથે વેબીનારના માધ્યમથી સંપૂર્ણ તકેદારી સાથે પરીક્ષા પાર પડે તે માટે વહીવટીતંત્રને જરૂરી માર્ગદર્શન આપતા જણાવ્યું હતુ કે, ઇજનેરી અને ફાર્મસીમાં પ્રવેશ માટે JEE (Main) તા.૦૧/૦૯/ર0ર0 થી તા. ૦૬/૦૯/૨૦૨૦ દરમિયાન તથા મેડિકલ સંલગ્ન અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે NEET (UG) તા.૧૩/૦૯/ર૦૨૦ના રોજ યોજાશે. રાજ્યભરના ૧૩ જિલ્લાના ૩૨ કેન્દ્રો ખાતેથી ૩૮,૧૬૭ વિદ્યાર્થીઓ JEE (Main) પરીક્ષામાં તથા ૧૦ જિલ્લાના ૨૧૪ કેન્દ્ર ખાતેથી ૮૦,૨૯૦ વિદ્યાર્થીઓ NEET (UG)ની પરીક્ષામાં જોડાશે.

કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા પરીક્ષા સંદર્ભે અપાયેલ માર્ગદર્શન મુજબ રાજ્ય સરકાર દ્વારા જ્યાં પરીક્ષાઓ યોજાવાની છે તે 15 જિલ્લાઓના સંબંધિત તમામ કલેક્ટરોને કેંદ્ર સરકારના Ministry of Human Resource Development દ્વારા જાહેર કરવામાં આવેલ Standard Operating Procedure (SOP) અનુસાર પરીક્ષાની કાર્યવાહી થાય તે માટે શિક્ષણ મંત્રી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

શિક્ષણમંત્રીએ આ પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓ તથા વાલીઓને તકલીફ ન પડે તે મુજબ તંત્રને જરૂરી વ્યવસ્થા ગોઠવવા જણાવ્યું હતુ. જેમાં ખાસ કરીને પરીક્ષા સ્થળો અને પરીક્ષા ખંડો સેનેટાઈઝ થાય, પરીક્ષા સ્થળો ઉપર વિદ્યાર્થીઓને પ્રવેશ-નિકાસ દરમિયાન તથા પરીક્ષાર્થીઓની બેઠક વ્યવસ્થામાં પણ સામાજિક અંતર જળવાય, કોઈ પણ જાતની ભીડ ન થાય, પરીક્ષા સ્થળો ઉપર વિદ્યાર્થીઓને જો જરૂર હોય તો વધારાના માસ્ક મળી રહે અને થર્મલ ગન વડે પરીક્ષા કેન્દ્રમાં તમામ વિદ્યાર્થીઓના શરીરનું તાપમાન માપીને પરીક્ષા ખંડમાં પ્રવેશ આપવામાં આવે. તદઉપરાંત સેશન પુરૂ થાય ત્યારબાદ તરત જ બેઠક વ્યવસ્થાનું સેનીટાઈઝેશન થાય તે પ્રકારે તમામ વ્યવસ્થા ગોઠવવા મંત્રીશ્રીએ વહીવટી તંત્રને સુચના આપી હતી.

શિક્ષણમંત્રી ચૂડાસમાએ વીજ કંપનીઓ, એસ.ટી. તથા આરોગ્ય તંત્ર અને મ્યુનિ. કોર્પોરેશન તથા મ્યુનિસિપાલિટીઓ તથા પરીક્ષા કેન્દ્રો પર કાયદો વ્યવસ્થા જળવાય તે માટે જિલ્લા પોલીસ તંત્ર સાથે સંકલન કેળવી પરીક્ષા સ્થળ ઉપર બિનજરૂરી ભીડ ન થાય તેવી વ્યવસ્થા ગોઠવાય તેની કાળજી લેવા પણ તેમણે સુચના આપી હતી.

આ વેબીનારમાં રાજ્ય શિક્ષણમંત્રી  વિભાવરી દવે, શિક્ષણ વિભાગના અગ્રસચિવ અંજુ શર્મા, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના અધ્યક્ષ એ. જે. શાહ તથા શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રાજ્યમાં યોજાનાર JEE અને NEET પરીક્ષાના જિલ્લાવાર કેન્દ્રોની યાદી

ક્રમ જિલ્લો JEE પરીક્ષા કેન્દ્ર NEET પરીક્ષા કેન્દ્ર
1. અમદાવાદ 03 39
2. આણંદ 02 07
3. ભાવનગર 01 14
4. ગાંધીનગર 01 20
5. સાબરકાંઠા (હિંમતનગર) 01
6. જામનગર 03
7. જૂનાગઢ 01
8. મહેસાણા 02
9. નવસારી 01
10. પંચમહાલ 07
11. પાટણ 18
12. રાજકોટ 04 39
13. સુરત 06 38
14. વડોદરા 03 20
15. વલસાડ 04 12
કુલ 32 214

પૂર્વ રાષ્ટ્રપતિ, ભારત રત્ન પ્રણવ મુખર્જીનું નિધન, રાષ્ટ્રપતિ, વડાપ્રધાન સહિત અનેક નેતાઓએ આપી શ્રદ્વાંજલિ

‘ભારત રત્ન’ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનું નિધન થયું છે. પ્રણવ મુખર્જીએ સોમવારે સાંજે 84 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. છેલ્લા ઘણા દિવસોથી તેઓ બીમાર હતા અને તેમને દિલ્હીની આર્મી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તાજેતરમાં પ્રણવ મુખર્જી કોરોના પોઝિટિવ જોવા મળ્યા હતા, તેમની સર્જરી પણ થઈ હતી. પ્રણવ મુખર્જીના પુત્ર અભિજિત મુખર્જીએ ટ્વીટ કરીને પ્રણવ મુખરજીના નિધનની માહિતી આપી હતી.

પ્રણવ મુખર્જી કોરોના વાયરસ પોઝીટીવ હોવાનું જાણવા મળ્યું હતું અને તાજેતરમાં જ તેમના મગજની સર્જરી કરવામાં આવી હતી. પ્રણવ મુખર્જીની તબિયત ખરાબ હોવાને કારણે 10 ઓગસ્ટે દિલ્હીની આરઆર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમના મગજમાં લોહીના ગંઠાઈ ગયા પછી આ સર્જરી કરવામાં આવી હતી, તે જ સમયે એવા અહેવાલ મળ્યા હતા કે તેઓ કોરોના પોઝિટિવ છે.

છેલ્લા ઘણા દિવસોથી મોટા ડોકટરો તેમનું નિરીક્ષણ કરી રહ્યા હતા, પરંતુ તેમની તબિયત સતત બગડતી હતી. જે બાદ તેણે સોમવારે અંતિમ શ્વાસ લીધા હતા. 84 વર્ષના પ્રણવ મુખર્જી વર્ષ 2012માં દેશના રાષ્ટ્રપતિ બન્યા, 2017 સુધી તેઓ રાષ્ટ્રપતિ હતા. વર્ષ 2019માં તેમને ભારત રત્ન એનાયત કરાયો હતો.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રણવ મુખર્જીના નિધન પર દુખ વ્યક્ત કર્યું હતું. પીએમ મોદીએ લખ્યું હતું કે પ્રણવ મુખરજીના નિધનથી આખું દેશ દુખી છે, તેઓ સ્ટેટસમેન હતા. જેમણે રાજકીય ક્ષેત્ર અને સામાજિક ક્ષેત્રના દરેક વર્ગની સેવા કરી છે. પ્રણવ મુખર્જીએ તેમની રાજકીય કારકીર્દિ દરમિયાન આર્થિક અને વ્યૂહાત્મક ક્ષેત્રે ફાળો આપ્યો. તેઓ શાનદાર સાંસદ હતા જેમણે હંમેશાં સંપૂર્ણ તૈયારી સાથે જવાબ આપતા હતા.

પ્રણવ મુખરજીના અવસાન પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટ્વિટ કરીને શ્રદ્ધાંજલિ આપી હતી. રામનાથ કોવિંદે એક ટ્વિટમાં લખ્યું છે કે પ્રણવ મુખરજીના નિધનનાં સમાચાર સાંભળીને દુખ થયું છે. તેમની વિદાય એ એક યુગનો અંત છે. પ્રણવ મુખર્જીએ દેશની સેવા કરી, આજે તેમના ગયાથી આખું રાષ્ટ્ર દુખી છે.

નર્મદા નદીમાં જળસ્તર વધતા 30 ગામોને અસર, ગોલ્ડન બ્રિજનું લેવલ 32.86, ગરૂડેશ્વરનો પુલ ધોવાયો

નર્મદા નદીના વધતા જળસ્તર મામલે આજે સવારે જિલ્લા કલેક્ટરે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે જણાવ્યું કે ભરૂચ,અંકલેશ્વર, ઝઘડિયા, તાલુકાના મળી 4977 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. 30 ગામોને પુરની અસર થઇ છે. NDRF બે ટીમ કાર્યરત કરવામાં આવી છે. અધિકારીઓ દ્વારા સ્થિતિ પર સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે.

ગોલ્ડન બ્રિજ ખાતે નદીની સપાટી 32.86 ફૂટ છે. સપાટી હજુ  વધવાની સંભાવના છે. લોકોને નદી કિનારે ન જવા અપીલ કરવામાં આવી છે. અસરગ્રસ્તો માટે જમવા તેમજ મેડિકલની સુવિધા કરવામાં આવી છે. આ ઉપરાંત ખેતીના નુકશાનનું સર્વે કરાશે.

ગરુડેશ્વર પુલનો પિલ્લર ધોવાય જવાથી પુલ બંધ કરી દીધો છે. હવે ગોરા પુલ પરથી વાહન વ્યવહાર ચાલી રહ્યો છે. ભરૂચના ફુરજા બંદર પિકનિક સ્પોટ બની જવા પામ્યું છે.

ભરૂચ શહેરના ફુરજા ચાર રસ્તા વિસ્તારના બજારમાં પૂરના પાણી પ્રવેશી જતા વેપારીઓને મોટું નુકસાન થવાનો અંદાજ છે.

નર્મદા નદીમાં ભાડભૂત ગામેથી સરફુદ્દીન તરફ આવતા બોટ બંધ થઈ જતા, પાંચ ઈસમો નર્મદા નદીમાં ફસાઈ ગયેલ હતા, તેઓને તાલુકા વિકાસ અધિકારી અને NDRFની ટીમ સાથે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી, તમામને સહી સલામત બહાર કાઢવામાં આવ્યા હતા.

કોવિડ સ્મશાનમાં પાણી ભરાતા મૃતદેહના અંતિમક્રિયા માટે ગોલ્ડન બ્રિજની બાજુમાં આવેલા નવા બ્રિજ નીચે અને તેની બાજુ માં આવેલી ખુલ્લી જગ્યામાં તંત્ર દ્વારા સૂચના અપાતા બે અગ્નિસંસ્કાર ત્યાં કરવામાં આવ્યા હતા.

 

 

ડ્રેનેજ લાઈનની ભાંજગડ: દેશના 50 ટકા શહેરી વિસ્તારોમાં સીવર લાઈન જ નથી, ભારે વરસાદે સર્જી દુર્દશા

લગભગ પખવાડિયા પહેલાં દેશના સૌથી ધનિક શહેરોમાંના એક સુરતને સ્વચ્છતાના ધોરણો પર નંબર -2 એવોર્ડ મળ્યો હતો. બધાને તે જ દિવસની બીજી ઘટના યાદ હશે. વરસાદ બાદ સુરતનો મોટો ભાગ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો, ગટરમાંથી બહાર નીકળી દૂષિત પાણી શેરીઓ અને ઘરોમાં ઘુસી ગયા હતા. આકરા ઉનાળા પછી, જ્યારે દરેક ચોમાસાની શોધમાં હોય છે, ત્યારે સુરતની વસ્તી કદાચ ચોમાસાને શ્રાપ આપી રહી હતી.

દુર્ભાગ્યપૂર્ણ છે કે સુરત એકલું શહેર નથી, અચાનક ભારે વરસાદ પછી દેશના કોઈ પણ શહેર સ્વચ્છ અને વ્યવસ્થિત થવાને બદલે ગંદા થઈ ગયા છે. દેશનું સૌથી સ્વચ્છ શહેર ઈંદોર હોય કે રાજધાની દિલ્હી, મહાનગર મુંબઇ અથવા એનસીઆરનું શહેર ગુરુગ્રામ, કોઈ એવું શહેર એવું નથી કે જ્યાં ગટર અથવા સ્ટ્રોમ વોટરના નિકાલ સંપૂર્ણ વ્યવસ્થા હોય. આખા દેશની વાત કરીએ તો લગભગ 50 ટકા ભાગોમાં ગટર નથી. પછી પાણી જાય તો ક્યાં જાય. ગટરનું ગંદુ પાણી શેરીઓ અને ઘરોમાં ઘૂસી જાય છે. વધુ ગંભીર વાત એ છે કે આ ગંદુ પાણી જળાશયો દ્વારા ભૂગર્ભ જળને પણ દૂષિત કરી રહ્યું છે.

આંકડાઓની વાત કરીએ તો દેશના 50 ટકા શહેરી વિસ્તારોમાં ગટર કે સીવર લાઈન નથી. 4500 શહેરી સંસ્થાઓમાંથી મોટાભાગની ગટર અને ડ્રેનેજ સિસ્ટમની દ્રષ્ટિએ ખોડગાંતી રહી છે. ખુલ્લામાં વહેતી ગટરને જ ડ્રેનેજ લાઇન માનવામાં આવે છે. ડ્રેનેજ સિસ્ટમની હાલત પણ ખરાબ છે. દેશના 56.4 ટકા શહેરી વોર્ડમાં ગટર લાઇન નેટવર્ક નથી. શહેરી વિકાસના નિષ્ણાતોનો અંદાજ છે કે ભારતમાં ગટરના ઉત્સર્જનના 80 ટકા ભાગને સીધી નદીઓ, જળાશયો, તળાવો અને તળાવોમાં વિસર્જન કરવામાં આવે છે. મોટાભાગના શહેરો અને શહેરી સંસ્થાઓમાં ગટર નેટવર્કના અભાવને લીધે વિસર્જન જમીનમાં નાખવામાં આવે છે. ભૂગર્ભ જળ આધારિત પાણી પીવાના પુરવઠા માટે આ ગંભીર ચિંતા છે.

ઉત્તર પ્રદેશના શહેરોમાં માત્ર 30 ટકા ગટર લાઇનો પડી છે. તેવી જ રીતે બિહારના શહેરોમાંથી છોડવામાં આવતા ગટરના માત્ર 13 ટકાની સારવાર કરી શકાય છે. બાકીની સીધી આસપાસની નદીઓ અથવા જળાશયોમાં વિસર્જન કરવામાં આવે છે. ચોથી વખત સ્વચ્છતાની રેસ જીતીને ઈન્દોરે પ્રથમ સ્થાન મેળવ્યું હશે, પરંતુ તે શહેરની ગટર અને ગટર વ્યવસ્થા પણ અન્ય શહેરોની તુલનામાં ખૂબ સારી નથી. આ શહેરના 69 વોર્ડ ધરવાતા આ શહેરનો ત્રીજો ભાગ ગટર વગરનો છે. ડ્રેનેજ લાઇનની હાલત એ છે કે અહીં માત્ર 126 કિ.મી. ભૂગર્બ સ્ટ્રોમ વોટર ડ્રેનેજ બનાવવામાં આવી છે, જ્યારે રસ્તાઓની લંબાઈ 1912 કિ.મી. છે અને  ગટર માત્ર 6.59 ટકા છે.

રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને તેના ઉપગ્રહ શહેરની હાલત કફોડી થવા લાગી છે. આ શહેરો વાર્ષિક 800 મીમી વરસાદનો પણ સામનો કરી શકતું નથી. વરસાદી પાણીના નિકાલ માટે કોઈ ગટર નથી. રસ્તાઓના અંડરપાસમાં વાહનોના ડૂબી જવાથી મોત થવાનું સામાન્ય બન્યું છે. વર્તમાન ચોમાસાની સિઝનમાં ચોમાસા દરમિયાન રાજધાનીના ઘણા ભાગો ગટરોમાં ડૂબી ગયા હતા. પાણીની નીચે ઉતર્યા પછી કાદવ અને ગંધ દ્વારા ત્યાં રહેતા લોકોની હાલતનો અંદાજ લગાવી શકાય છે.

પ્રાચીન શહેર બનારસના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સંસદીય ક્ષેત્રમાં ગટર લાઇનો નાખવાની પ્રક્રિયા ખૂબ જ ઝડપથી શરૂ થઈ ગઈ છે. શહેરને કુલ 1596 કિલોમીટર ગટર લાઇનની જરૂર છે, જેની સામે માત્ર 805 કિલોમીટર ગટર લાઇન નાખવામાં આવી શકે છે. 791 કિમી ગટર લાઇનની દિશામાં કામ ચાલુ છે. જ્યારે દેવભૂમિ ઉત્તરાખંડના શહેરી વિસ્તારોમાંથી આવતા મળમૂત્રની માત્ર 10 ટકા નિકાલની વ્યવસ્થા થઈ શકી છે. પરંતુ, વર્ષોથી, ઘણા શહેરો જુદા જુદા ધોરણો પર સ્વચ્છતા એવોર્ડ મેળવે છે અને જીતી પણ છે. વરસાદ તેમના ગૌરવને ધોઈ નાખે છે.

ચીને ફરી મારી ગુલાંટ, ઘુષણખોરીને સ્વીકારવાની હિંમત ન બતાવી, જાણો શું કહ્યું ડ્રેગને…

લદ્દાખમાં ફરી એકવાર ઘુસણખોરીના નિષ્ફળ પ્રયાસ બાદ ચીને સ્પષ્ટપણે ફરી ગુલાંટ મારી છે અને કહ્યું છે કે ચીની સૈનિકોએ સરહદ પાર કરવાનો પ્રયાસ કર્યો નથી. ભારત અને ચીની સૈનિકો વચ્ચે 29-30ની રાત વચ્ચે અથડામણ થતાં હોવાના અહેવાલો દરમિયાન ચીનના વિદેશ મંત્રાલયે પોતાને ચોખ્ખું હોવાનું જણાવ્યું છે અને કહ્યું છે કે ચીની સૈનિકોએ વાસ્તવિક નિયંત્રણ રેખાનું સખ્તાઇથી પાલન કર્યું છે.

ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઇમ્સ અનુસાર, ચીનના વિદેશ મંત્રાલયે સોમવારે કહ્યું હતું કે, ચીની સરહદે સૈનિકોએ હંમેશાં લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલનું કડક પાલન કર્યું છે અને ક્યારેય સીમા પાર કરી નથી. ચીની પક્ષે એમ પણ કહ્યું છે કે, જમીન મુદ્દે બંને દેશોની સૈન્ય વચ્ચે વાતચીત ચાલી રહી છે.

ખરેખર આ ચીનની વ્યૂહરચનાનો એક ભાગ છે. એક તરફ, ચીની સૈનિકો સરહદ પર આક્રમકતા દર્શાવે છે, ચીન વિશ્વની સામે શાંતિ જપવાનું શરૂ કરે છે. આ પહેલા 15 જૂને લદ્દાખમાં ભારત-ચીન સૈન્ય વચ્ચે થયેલી હિંસક અથડામણ બાદ તેણે આ જ વલણ અપનાવ્યું હતું. આ હિંસામાં ભારતના 20 સૈનિકો શહીદ થયા હતા. ચીની સૈનિકોની પણ જાનહાનિ થઈ હતી, પરંતુ નાક બચાવવા માટે મૃત્યુઆંક જાહે કરાતો નથી. વારંવાર પૂછાતા પ્રશ્નો પર ચીને કહ્યું કે મૃત્યુઆંક જાહેર કરી શકાતો નથી કારણ કે આનાથી પરિસ્થિતિને વધુ વણસશે.

ભારતીય સેનાએ સોમવારે કહ્યું હતું કે, પેંગોંગ સો વિસ્તારમાં એકતરફી સ્થિતિ બદલાવવા માટે ચીની સેના દ્વારા ઉશ્કેરણીજનક હરકત કરતાં ભારતીય સૈનિકોએ તેને નિષ્ફળ બનાવી છે. સેનાના પ્રવક્તા કર્નલ અમન આનંદે કહ્યું કે પીએલએ પૂર્વ લદ્દાખમાં લશ્કરી અને રાજદ્વારી વાટાઘાટો દ્વારા અગાઉની સર્વસંમતિનું ઉલ્લંઘન કર્યું હતું અને 29 અને 30 ઓગસ્ટની વચ્ચેની રાતે સ્થિતિમાં ફેરફાર કરવાનો પ્રયાસ કર્યો હતો.

આ નિયમો આવતીકાલથી બદલાશે, સીધી અસર સામાન્ય માણસના ખિસ્સા પર પડશે

કોરોના રોગચાળાની વચ્ચે, ઘણા નવા નિયમો લાગુ કરવામાં આવ્યા, જે ઘણી વખત બદલાયા હતા. આવતીકાલેપહેલી સપ્ટેમ્બરથી ઘણા નિયમો અને વસ્તુઓ બદલાવા જઈ રહી છે, જે તમને સીધી અસર કરશે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઈ) દ્વારા જાહેર કરાયેલા લોન મોરટોરિયમ અવધિ 31 ઓગસ્ટના રોજ સમાપ્ત થશે. એટલે કે, જે લોકો પોતાનું વેતન ગુમાવે છે અને નોકરી ગુમાવે છે તેમને મોટો આંચકો લાગશે. આ સિવાય એલપીજી ગેસ સિલિન્ડર, એરલાઇન્સ ભાડા વગેરેને લગતા નિયમો પણ બદલાવા જઈ રહ્યા છે. તમને જણાવીદઈએ કે પહેલી સપ્ટેમ્બરથી કયા નિયમો બદલવામાં આવશે, જે તમારા ખિસ્સા પર સીધી અસર કરશે.

મોરેટોરિયમ અવધિ થશે સમાપ્ત

ઇએમઆઈ જેવા મોટા ખર્ચથી કોરોનાકોમાં લોકોને થોડો સમય રાહત આપવા માટે આરબીઆઈએ માર્ચ મહિનામાં મોરટોરિયમ અવધિ શરૂ કરી હતી, જે 31 ઓગસ્ટના રોજ સમાપ્ત થાય છે. મોરટોરિયમ સમયગાળામાં લોકો પાસે ઇએમઆઈ ન ભરવાનો વિકલ્પ હતો. આવી સ્થિતિમાં EMIનો પુન:પ્રારંભ તમારા ખિસ્સા પરનો ભાર વધારી શકે છે. આરબીઆઈએ બેંકોને ગ્રાહકોને રાહત આપવાનો અધિકાર આપ્યો છે અને આગામી સપ્તાહે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (એસબીઆઇ) અને પંજાબ નેશનલ બેંક (પીએનબી) દ્વારા તેનો નિર્ણય લેવાય તેવી સંભાવના છે.

સિલિન્ડરના ભાવમાં ફેરફાર

આવતીકાલે પહેલી સપ્ટેમ્બરથી એલપીજીના ભાવમાં ફેરફાર થઈ શકે છે. દર મહિનાની પ્રથમ તારીખે એલપીજી સિલિન્ડરના ભાવ બદલાય છે. એવું માનવામાં આવે છે કે કંપનીઓ એલપીજી, સીએનજી અને પીએનજીના ભાવ ઘટાડી શકે છે.

હવાઈ મુસાફરોનો ખર્ચ વધશે

પહેલી સપ્ટેમ્બરથી, એરલાઇન્સ મોંઘી થઈ શકે છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે પહેલી સપ્ટેમ્બરથી ઘરેલું અને આંતરરાષ્ટ્રીય મુસાફરો પાસેથી ઉચ્ચ ઉડ્ડયન સુરક્ષા ફી (એએસએફ) વસૂલવાનો નિર્ણય લીધો છે. ઘરેલું મુસાફરો પર હવે એએસએફ ફી તરીકે 150ની જગ્યાએ 160 રૂપિયા લેવામાં આવશે, જ્યારે આંતરરાષ્ટ્રીય મુસાફરો પાસેથી 85 4.85 ને બદલે 5.2 ડોલર લેવામાં આવશે. એટલે કે, આંતરરાષ્ટ્રીય હવાઈ મુસાફરી માટે તમારે 40 રૂપિયા વધુ ચૂકવવા પડશે.