એપ્સ પર પ્રતિબંધથી ચીન થયું રઘવાયું, કહ્યું “બન્ને દેશો વચ્ચે તણાવ વધશે”

ચીનની સરહદ પર સર્જાયેલા તંગ વાતાવરણ વચ્ચે, કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે સુરક્ષા અને ગોપનીયતાને ટાંકીને એક દિવસ અગાઉ ચીનની 59 એપ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો. ભારતના આ પગલા પર ચીની અખબાર ગ્લોબલ ટાઇમ્સે ચેતવણી આપી છે કે આ પ્રતિબંધ ભારતીય આઈટી પ્રોફેશનલ્સને નુકસાન પહોંચાડશે, સાથે સાથે બંને દેશો વચ્ચે તણાવ વધારશે.

ચીનની સરકારના મુખપત્ર ગ્લોબલ ટાઇમ્સે લખ્યું છે કે ભારત અને ચીન વચ્ચેના અંતરાયએ સમગ્ર વિશ્વમાં હેડલાઇન્સ બનાવ્યાં છે, ખાસ કરીને જ્યારે તે હિંસક બને છે અને બંને બાજુ કમનસીબ ઘટનાઓ થાય છે.

અખબાર લખે છે કે બંને પક્ષોના શાંત મનથી તંગ પરિસ્થિતિને દૂર કરવાનો પ્રયાસ થવો જોઇએ, તેમ છતાં આપણે ભારતીય મીડિયાના એક ભાગથી ખૂબ જ અલગ વલણ જોયું. રાષ્ટ્રવાદી વાતાવરણ મુખ્ય પ્રવાહના માધ્યમો દ્વારા બનાવવામાં આવી રહ્યું છે, જેમાં રાષ્ટ્રવાદી પ્રચંડતામાં ફેરવવાની સંભાવના છે.

અખબારના જણાવ્યા અનુસાર, જોકે સરહદ પર દુર્ભાગ્યપૂર્ણ ઘટનાઓ બની છે, પરંતુ આ યુદ્ધોત્તેજક લોકો માટે તકમાં ફેરવી ન જોઈએ. અખબારે જણાવ્યું છે કે ભારત સરકારે લોકોની સુરક્ષા અને ગોપનીયતા ટાંકીને સોમવારે ચીનમાં 59 એપ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો.

અખબારે કહ્યું છે કે ત્યારથી પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. એપલ અને એન્ડ્રોઇડ સ્ટોર્સ તેનો અર્થ કેવી રીતે લગાડવું અને તેને કેવી રીતે ચલાવવું તે નક્કી કરવામાં અસમર્થ છે કારણ કે એપ્લિકેશન્સની વિવિધતા ખૂબ જ વિશાળ છે અને લાખો વપરાશકર્તાઓને અસર કરે છે. અહીં એ નોંધવું મહત્વપૂર્ણ છે કે ચીનના સ્માર્ટફોન ઉત્પાદકો ભારતના સ્માર્ટફોન માર્કેટમાં 80 ટકાથી વધુનું નિયંત્રણ કરે છે, જે વિશ્વનું બીજું સૌથી મોટું બજાર છે.

દેશની સૌ પ્રથમ પ્લાઝમા બેન્ક અમદાવાદમાં ધમધમતી થઈ

અમદાવાદ સિવિલમાં ડેડિકેટેડ 1200 બેડ કોવિડ હોસ્પિટલ ખાતે દેશની સૌ પ્રથમ પ્લાઝમા બેન્ક 24 જૂનથી કાર્યરત કરવામાં આવી છે. અત્યાર સુધીમાં 30 કરતાં વધુ પ્લાઝમા ડોનર દ્વારા રક્તદાન કરવામાં આવ્યું છે જેમાં સિવિલ હોસ્પિટલના ડોક્ટર્સનો પણ સમાવેશ થાય છે.

ડિપાર્ટમેન્ટ ઑફ ઇમ્યુનોહિમેટોલોજી અને બ્લડ ટ્રાન્સફ્યુઝન (IHBT) દ્વારા અદ્યત્તન મશીન મારફતે કોવિડના સાજાં થયેલાં દર્દીઓને પ્લાઝમા ડોનેટ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. ડોનર પાસેથી પ્લાઝમા એકત્ર કરતી વખતે ICMR અને NBTCની ગાઈડલાઈનને સંપૂર્ણપણે અનુસરવામાં આવે છે. પ્લાઝમા લેતી વખતે ડોનરનું એન્ટી બોડી સ્ક્રિનિંગ ટેસ્ટ પણ કરવામાં આવે છે. કોરોનામુક્ત થયેલાં દર્દીમાં એન્ટીબોડી ડેવલપ થાય તેનું જ પ્લાઝમા લેવામાં આવે છે.

આ પ્લાઝમામાં કોરોના વાયરસ સામેની એન્ટીબોડી હોય છે. કોરોનાની બીમારીમાંથી સાજા થયેલાં દર્દીના શરીરમાં વાયરસ સામે એન્ટીબોડી ઉત્પન થાય છે. આ એન્ટીબોડી સાજા થયેલાં દર્દીના શરીરમાંથી નીકાળીને કોરોનાગ્રસ્ત દર્દીના શરીરમાં દાખલ કરવામાં આવે છે. લોહીમાં રક્તકણો અને તેનો પ્રવાહી ભાગ હોય છે જેને પ્લાઝમા તરીકે ઓળખવામાં આવે છે. કોવિડ-19ના ઈન્ફેક્શનમાંથી સાજા થઈ ગયેલા દર્દીઓના પ્લાઝમામાં રો

ગપ્રતિકારક એન્ટીબોડી હોવાની શક્યતા હોય છે. સાજા થયેલાં દર્દીના પ્લાઝમાને “કન્વેર્લિસેન્ટ પ્લાઝમા” કહેવાય છે જે કોરોનાના દર્દીને આપવાથી દર્દી સાજો થવાની શક્યતા વધી જાય છે. આ પ્રકારના દર્દીઓ માટે વિશેષ રીતે પ્લાઝમા બેન્ક શરૂ કરવામાં આવી છે. કોવિડ હોસ્પિટલમાં કોરોનાની સારવાર માટે દાખલ થયેલા દર્દીઓ કે જેઓને તાવ અને કફ જેવા કોવિડ-૧૯ ના લક્ષણો, RT-PCR થી કોવિડ-19નો પોઝેટીવ રીપોર્ટ હોય તેવા દર્દીઓ જ્યારે રોગમુક્ત થયાના ૨૮ દિવસ પછી અથવા ૧૪ દિવસ પછી ૨૪ કલાકના અંતરે કોવિડ-19ના ૨ RT-PCR નેગેટીવ રીપોર્ટ ધરાવતા હોય તેવા સાજાં થયેલાં દર્દીઓની ઉંમર 18 થી 65 વર્ષ, વજન 50 કિલોથી વધારે તેમજ હિમોગ્લોબિન 12.05 ટકાથી વધારે હોય તેવા ડોનર પાસેથી ડિપાર્ટમેન્ટ ઑફ ઇમ્યુનોહિમેટોલોજી અને બ્લડ ટ્રાન્સફ્યુઝન (IHBT) દ્વારા પ્લાઝમા લેવામાં આવે છે.

રક્તદાતાને તમામ પ્રકારની માહિતી આપી અને મંજૂરી પ્રાપ્ત કર્યા બાદ બ્લડ બેંકમાં એફેરેસીસ નામના મશીનમાં લોહીના ઘટકો અલગ પાડીને 500 મીલી પ્લાઝમા એકત્ર કરવામાં આવે છે અને બાકીના રક્તદાતાના શરીરમાં પરત આપી દેવામાં આવે છે. કન્વેર્લિસેન્ટ પ્લાઝમા ડોનેશન એકદમ સરળ અને સંપૂર્ણપણે સુરક્ષિત પક્રિયા છે. જેમાં માત્ર લોહીનો એકજ ઘટક પ્લાઝમા ડોનેટ કરવામાં આવે છે. પ્લાઝમા ડોનર એકવાર ડોનેટ કર્યા બાદ બીજા 15 દિવસ પછી ફરી કન્વેર્લિસેન્ટ પ્લાઝમા ડોનેટ કરી શકે છે.

સિવિલ હોસ્પિટલના ખાસ ફરજ પરના અધિકારી ડૉ.એમ.એમ.પ્રભાકરે જણાવ્યું કે, કોરોનાનાં મધ્યમ કક્ષાનાં લક્ષણો ધરાવતા હોય અને બાહ્ય ઓક્સિજનની જરૂર હોય તેવા દર્દીને પ્લાઝમા આપવાથી તેના સ્વાસ્થયમાં ઝડપથી સુધારો જોવા મળે છે. દરેક દર્દીને 200 મિલી લિટર કન્વેર્લિસેન્ટ પ્લાઝના બે ડોઝ ચડાવવામાં આવે છે. 100 મીલી પ્લાઝમા સંશોધન પક્રિયા માટે રાખવામાં આવે છે. પ્લાઝમા ડોનેટની સમગ્ર પક્રિયા બે કલાકમાં પૂર્ણ કરવામાં આવે છે. સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટશ્રી ડૉ.જે.પી.મોદીએ કહ્યું કે, કોરોનાના દર્દીઓના સ્વાસ્થયમાં પ્લાઝમા ટ્રાન્સમિશનથી ખૂબજ ઝડપથી સુધારો જોવા મળે છે જેને પરિણામે સિવિલ હોસ્પિટલના 19 ડૉક્ટર્સ દ્વારા સ્વયંભૂ રીતે પ્લાઝમા ડોનેટ કરવામાં આવ્યું છે જેને પરિણામે ઘણાબધા દર્દીઓમાં બાહ્ય ઓક્સિજનની જરૂરિયાત પણ ઘટી છે. આમ, સિવિલ હોસ્પિટલના ડૉક્ટર્સ વોર્ડમાં તો દર્દીઓની સાર-સંભાળ રાખી રહ્યા છે સાથો-સાથ પોતે પ્લાઝમા ડોનેટ કરીને દર્દીને સાજા કરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપી બેવડી ભૂમિકા ભજવી રહ્યા છે.

ડિપાર્ટમેન્ટ ઑફ ઇમ્યુનોહિમેટોલોજી અને બ્લડ ટ્રાન્સફ્યુઝન (IHBT) ના પ્રોફેસર ડૉ. મૈત્રેય ગજ્જર અને એસોસિયેટ પ્રોફેસર ડૉ. નિધી ભટનાગરે જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલ ખાતેથી સાજા થઈને ઘરે ગયેલા દર્દીઓનો સંપર્ક કરી પ્લાઝમા ડોનેટ કરવા માટે તેમને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. ડિપાર્ટમેન્ટ દ્વારા આગામી સમયમાં વિવિધ બ્લડ ગ્રુપ ધરાવતા પ્લાઝમા ડોનર પાસેથી પ્લાઝમા એકત્ર કરી નિયમોનુસાર પ્લાઝમા બેન્કમાં સંગ્રહ કરવામાં આવશે. ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એક્ટના બલ્ક ટ્રાન્સફર નિયમ મુજબ જરૂર જણાય તો ગુજરાત અને દેશમાં અન્ય સ્થળોએ પણ પ્લાઝમા ટ્રાન્સફર કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદની સ્મૃતિ ઠક્કર દેશની સૌ પ્રથમ પ્લાઝમા ડોનર બની હતી. પેરિસથી પરત આવેલ સ્મૃતિ કોરોનામાંથી મુક્ત થયા બાદ તેઓએ અમદાવાદ સિવિલ હોસ્પિટલની બ્લડ બેન્ક ખાતે 19 એપ્રિલ 2020ના રોજ પ્લાઝમા ડોનેટ કર્યું હતું જેનો ઉપયોગ એસવીપી હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહેલ કોરોનાગ્રસ્ત દર્દી માટે કરવામાં આવ્યો હતો.

ગુજરાતમાં કોરોનાનાં નવા 620 કેસ, કુલ કેસ 23,670, વધુ 20 મોત સાથે કુલ મરણાંક 1848

પાછલા ચોવીસ ક્લાકમાં ગુજરાતમાં કોરોનાનાં 620 નવા કેસ નોંધાયા છે. જેમાં 619 દર્દીઓ રાજ્યના વિવિધ જિલ્લામાં અને એક દર્દી અન્ય રાજ્યના નોંધાયેલા છે. આજે 422 દર્દીઓ સાજા થઈને ઘરે ગયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 3,73,663 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

રાજ્યના જુદા-જુદા જિલ્લાઓમાં કુલ 2,47,783 વ્યક્તિઓને ક્વોરોન્ટાઈન કરવામાં આવ્યા છે. જે પૈકી 2,33,370 વ્યક્તિઓ હોમ ક્વોરોન્ટાઈન છે અને 3,412 વ્યક્તિઓને ક્વોરોન્ટાઈન હેઠળ રાખવામાં આવ્યા છે.

સુરત કોરોના અપડેટ

  • આજના પોઝિટિવ : 205
  • નવા સિટી : 183
  • કુલ સિટી : 4713
  • નવા ડિસ્ટ્રિક્ટ : 22
  • કુલ ડિસ્ટ્રિક્ટ : 547
  • કુલ પોઝિટિવ : 5260
  • આજે મોત : 05
  • કુલ મોત : 189
  • ( સિટી : 173, ડિસ્ટ્રિક્ટ : 16 )
  • ડિસ્ચાર્જ સિટી : 136
  • ડિસ્ટ્રિક્ટ : 11
  • કુલ ડિસ્ચાર્જ : 3245 ( 287 ડિસ્ટ્રિક્ટ )

રાજ્યમાં કુલ એક્ટીવ કેસ 6928 છે અને 71 લોકો વેન્ટીલેટર પર છે, જ્યારે 6857 દર્દીઓ સ્ટેબલ છે. કુસ ડિસ્ચાર્જનો આંકડો 23,670 પર પહોંચ્યો છે અને કુલ મોત 1848 થયા છે. પાછલા 24 કલાકમાં વધુ 20 દર્દીઓ મોતને ભેટ્યા છે.

ડૉક્ટર દિવસ: બંદૂક –તોપ નહીં પરંતુ જ્ઞાનરૂપી હથિયારથી કોરોના સામેની જંગમાં લડતા ડૉક્ટર્સ..

વિશ્વ વ્યાપી કોરોના મહામારી સામેની લડત કોઇ જંગથી ઓછી નથી. યુધ્ધ દરમિયાન એક સૈનિક પોતાન વતન પરસ્તી બતાવી વીરતાનો પરચો આપે છે… તેવું જ આજે કોરોનાના તબીબી યોદ્ધાઓ કરી રહ્યા છે.
સરહદ પર જંગના મેદાનમાં દુશમનને જોઇ શકાય છે. તેના પર પ્રહાર કરીને વિજય મેળવી શકાય. પરંતુ કોરોના નામનો દુશમન તો અદ્શ્ય છે. શરીરના કયા ખુણામાં છુપાઇને ઘર કરી ગયો તે જોઇ શકાતુ નથી. કયા વ્યક્તિમાં આ વાયરસની કેટલી સંવેદનશીલતા-ગંભીરતા છે તે નક્કી કરવું અધરુ બની રહે છે. આ તમામ પ્રતિકુળ પરિસ્થિતિ વચ્ચે સફેદ રંગમા પી.પી.ઇ. કીટમાં સજ્જ યોદ્ધા(ડૉક્ટર) અવિરત સેવા આપી રહ્યા છે. કોરોના સામેની જંગમાં પોતાનો જુસ્સો બતાવીને વાયરસને શરીરમાંથી હાંકી કાઢવા કાર્યરત છે.
વર્ષોથી ૧ જુલાઇના રોજ ડૉક્ટર દિવસ ઉજવવામાં આવે છે પરંતુ ૨૦૨૦નો આ ડૉક્ટર દિવસ ખરા અર્થમાં તબીબોને સમર્પિત છે. બંદુક કે તોપ નહીં પરંતુ જ્ઞાનરૂપી હથિયાર વડે કોરોના સામે લડત આપી રહેલા. કોરોનાથી ઝઝુમતા દર્દીઓને ગમે તે ભોગે બચાવવાની પ્રતિબધ્ધતા દાખવતા તમામ ડૉક્ટરને સમર્પિત છે આ ડૉક્ટર દિવસ.
એશિયાની સૌથી મોટી સિવિલ સંકુલની હોસ્પિટલના ડૉક્ટર આજે તમામ અન્ય ડૉક્ટર માટે પોતાનો સંદેશો પાઠવી રહ્યા છે. કોરોના સામેની જંગમાં સમર્પણ ભાવનાથી સેવા-સુશ્રુષા કરી પોતાની ફરજ અદા કરતા તમામ તબીબોને સિવિલના ડૉક્ટર અભિનંદન પાઠવી રહ્યા છે.
સિવિલ હોસ્પિટલમાં ખાસ ફરજ પરના અધિકારી ડૉ. એમ.એમ. પ્રભાકર કહે છે કે દર વર્ષે ડૉ. બી.સી. રોયની યાદમાં ડૉક્ટર દિવસ મનાવવામાં આવે છે. જે પશ્ચિમ બંગાળ રાજ્યના મુખ્યમંત્રી હતા. હાલ કોરોનાની મહામારી વચ્ચે તમામ ડૉક્ટર પોતાની ફરજ બજાવી રહ્યા છે. કોરોના સામેની લડતમાં ભાગ બનેલા તમામ તબીબો, નર્સીંગ સ્ટાફ, પેરામેડિકલ સ્ટાફને હું અભિનંદન પાઠવુ છું. સાથે સાથે કોરોના સંક્રમિત થઇને સાજા થઇને ફરીથી ડ્યુટી પર હાજર તમામ તબીબોના જુસ્સાને બિરદાવું છે.
સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડેન્ટ ડૉ.જે.પી.મોદી કહે છે કે એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલના તમામ તબીબો,સ્ટાફ મિત્રોએ કોરોના સામેની જંગમાં સામેલ થઇ બહુમુલ્ય યોગદાન આપ્યુ છે. તેની સાથે એશિયાની સૌથી મોટી હોસ્પિટલ હોવાનું ગૌરવ કાયમી પણે ટકાવી રાખ્યુ છે.જે માટે હું તમામ ડૉક્ટર અને સ્ટાફ મિત્રોનો આભાર માની આજના દિવસે અભિનંદન પાઠવુ છું.
સિવિલ હોસ્પિટલ સંકુલમાં આવેલી ગુજરાત કેન્સર રીસર્ચ ઇન્સ્ટીટ્યુટના ડાયરેક્ટર ડૉ.શશાંક પંડ્યા કહે છે કે અમારી હોસ્પિટલના મેડીકલ પેરામેડિકલ સ્ટાફની દિવસ-રાત અથાગ મહેનત અને પરિશ્રમના કારણે મહદઅંશે કોરોનાથી પીડિત દર્દીઓને સાજા કરી શક્યા છીએ. કોરોના મહામારીમાં ડૉકટર્સએ પોતાના જીવ પોતાના પરિવાર ની ચિંતા કર્યા વગર સહર્ષ પોતાની ફરજ બજાવી છે તેમનું આ યોગદાન હરહંમેશ યાદ રહેશે.આજનો ડૉક્ટર દિવસ આ તમામ કોરોનાયોદ્ધાને સમર્પિત છે.
સિવિલ હોસ્પિટલમાં ખાસ ફરજ પરના અધિકારી ડૉક્ટર મૈત્રેય ગજ્જર કહે છે કે સિવિલના કાર્યરત તબીબો અને પેરામેડિકલ સ્ટાફ કોરોનાગ્રસ્તને ગમે તે ભોગે બચાવવાની પ્રતિબધ્ધતા દાખવી છે.સારવાર દરમિયાન પોતે પણ કોરોના પોઝીટીવ થવા છતાં સાજા થઇ ફરીથી ફરજ પર લાગીને દર્દીઓની દરકાર કરીને જે સહર્ષ સેવાઓ આપી છે તે સરાહનીય છે.
એડીશનલ એમ.એસ. ડૉક્ટર રજનીશ પટેલ કહે છે કે છેલ્લા ૨ મહિનાથી સિવિલ હોસ્પિટલની ડેડિકેટેડ ૧૨૦૦ બેડ હોસ્પિટલમાં કાર્યરત છીએ. અહીં આવતા તમામ દર્દીઓ સાજા થઇને જ ઘરે પાછા ફરે તે જોમ અને જુસ્સા સાથે અમે અમારી ફરજ બજાવી રહ્યા છીએ. જેના પરિણામ સ્વરૂપ ઘણાં બધા દર્દીઓ કોરોનાને મ્હાત આપી સાજા થઇ ઘરે પરત ફર્યા છે જે અમારા માટે આશીર્વાદ રૂપ બની રહે છે. આજે ડૉક્ટર દિવસે હું અમારા તમામ તબીબો,સ્ટાફ મિત્રો, રેસીડેન્ડ તબીબોને અભિનંદન પાઠવું છું.
એડીશનલ એમ.એસ. ડૉક્ટર રાકેશ જોષી કહે છે છે ડોક્ટર બન્યાની સમગ્ર કારકિર્દી દરમ્યાનનો કોવિડ હોસ્પિટલમાં સેવાનો અનુભવ અકલ્પનીય અને અદ્વિતીય રહ્યો છે. આવી મહામારી ક્યારેય જોઇ નથી. ૨૦૨૦ના વર્ષનો ડૉક્ટર દિવસ અમારા માટે હરહંમેશ યાદગાર રહેશે… કોરોનાની મહામારી વચ્ચેનો આ દિવસ હું તમામ કોરોના યોદ્ધાઓને સમર્પિત કરૂ છું. છેલ્લા બે મહિનામાં કોરોનાની મહામારી વચ્ચે અકલ્પનીય દ્રશ્યો સામે આવ્યા છે. કોરોનાગ્રસ્ત દર્દીને સારવાર માટે પોતાના સગાથી દૂર રહેવું પડે છે ત્યારે અમારા તબીબો, અન્ય સ્ટાફ મિત્રો દર્દીને તેમના સગા સાથે વિડિયો કોલ કરાવીને રૂબરૂ કરાવી અનોખી સુશ્રુષા કરી રહ્યા છે. આગામી સમયમાં ગમે તેવી પ્રતિકુળ પરિસ્થિતિમાં અમારા તમામ સ્ટાફ મિત્રો હાલની જેમ જ એકજૂથ થઇને લડત આપશે તેનો મને વિશ્વાસ છે.
૧૨૦૦ બેડ ડેડિકેટ હોસ્પિટલના કોવિડ નોડલ ઓફિસર ડૉ. કાર્તિકેય પરમાર કહે છે કે ફક્ત ગુજરાત રાજ્યના જ નહીં પરંતુ દેશ-વિદેશના ઘણા દર્દીઓ ૧૨૦૦ બેડ હોસ્પિટલમાં સારવાર માટે આવ્યા. હોસ્પિટલની સેવા-સુશ્રુષા સાથે તેઓ હાંશકારો અનુભવી કોરોનાને મ્હાત આપી ઘરે પરત ફર્યા છે. કોરોનાને મ્હાત આપી જ્યારે દર્દી સ્વગૃહે પરત ફરે છે ત્યારે લાગણીસભર સ્વરે અને ભીની પલકો સાથે અમને જે આશીર્વાદ આપે છે તેનો અમને અનેરો આનંદ છે. કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવારમાં સંલ્ગન તમામ ડૉક્ટરમાં નવી શક્તિનો સંચાર થયો છે અને કોરોના મહામારીએ તબીબોનો આત્મવિશ્વાસ મજબૂત કર્યો છે. અમારા તમામ રેસીડેન્ટ ડોક્ટર કે જેઓ અભ્યાસના પ્રથમ વર્ષમાં જ હોય તે છતાં પણ કોરોના સામની જંગમાં અમારા સહકારમાં ડગલે ને પગલે જુસ્સા સાથે કાર્યરત રહ્યા છે તેમને હું બિરદાવું છું. તમામ કોરોનાયોદ્ધાને હું એક જ સંદેશ આપુ છું કે કોરોના થી ચિંતા કરવાની જરૂર નથી પરંતુ એખ યોદ્ધા બનીને તેને પડકારવાની જરૂર છે.
જી.સી.આર.આઇ.ના હેડ ઓફ માઇક્રોબાયોલોજી ડૉ. પારિજાત ગોસ્વામી કહે છે કે ડૉક્ટર તરીકે મારી કારકિર્દીને ત્રણ દાયકા વીતી ગયા પરંતુ કોરોના મહામારી જેવી ગંભીર બિમારી આજદિન સુધી જોઇ નથી. કોરોનાગ્રસ્ત દર્દીની પાસે તેનું કોઇ સંબંધી રહી શકતુ નથી ત્યારે દર્દીને એકલાયુ-કંટાળાજનક લાવા લાગે તે સ્વાભાવિક છે ત્યારે અમારા તબીબો દ્વારા મ્યુઝિકલ થેરાપી વડે દર્દીને હુંફ આપવામાં આવે છે જે અલગ પ્રકારની ખાસ સેવા છે. જે બદલ હું આજે ડૉક્ટર દિવસે દર્દીને હુંફ આપીને મનૌસ્થિત મજબુત કરવા મદદરૂપ બની રહેલા તમામ ડૉક્ટરને અભિનંદન આપુ છું.સાથે સાથે રાજ્યના જ નહીં પરંતુ રાષ્ટ્રના તમામ કોરોના યોદ્ધાના જુસ્સાને સલામ કરૂ છું.
સિવિલની ૧૨૦૦ બેડ હોસ્પિટલના ડૉક્ટર મોક્ષેશ કહે છે છેલ્લા ત્રણ મહિનાથી કોરોનાગ્રસ્ત દર્દીઓની સેવા સુશ્રુષા કરી રહ્યા છે અને તેના પરિણામ સ્વરૂપ ઘણા બધા દર્દીઓ હસતા મુખે પોતાના ઘરે પરત ફર્યા છે જેનો અમને આનંદ છે. દેશ પર આવી પડેલી આપદા સામે સૌ ડૉક્ટરો એકજૂથ થઇને લડ્યા તે બદલ હું રાજ્યની સાથે સમગ્ર દેશના તબીબોને ડૉક્ટર દિવસે અભિનંદન પાઠવું છું. In The need of our..be a warrior..throw away your fear.
આર.એમ.ઓ. ડૉ. સંજય કાપડીયા કહે છે કે કોરોનાની મહામારીમાં અમે સૌ તબીબો જુસ્સા સાથે અમારી ફરજ બજાવી રહ્યા છીએ.તબીબી ડિગ્રી મળતી વખતે લેવાતી હિપોક્રેટીક સપથમાં અમને તમામ દર્દી એકસમાન છે અને ગમે તે ભોગે સારવાર અર્થે આવેલા દર્દીનો જીવ બચાવવો તે સમજાવવામાં આવે છે જેની દિમાગ-દિલમા રાખીને જ અમારા સૌ ડૉક્ટર મિત્રો કોરોના મહામારીમાં ફરજ બજાવી છે.આજે આ તમામ તબીબોને ડૉક્ટર દિવસની શુભકામનાઓ.
રેસીડેન્ટ તબીબ સુવિકા કહે છે કે, કોરોનાની મહામારી એક અંધારી રાત સમાન હતી.. જેમાંથી હવે આપણે ધીમે ધીમે અજવાળા તરફ જઇ રહ્યા છીએ… આનો શ્રેય તમામ તબીબો, નર્સિંગ, પેરામેડિકલ સ્ટાફને જ જાય છે… હું આજે ડૉક્ટર દિવસે તમામ તબીબોને એ જ સંદેશો આપવા માગું છું કે આપણે સૌ નવઉત્સાહ સાથે દરરોજ કોરોના સામે લડત આપી જલ્દીથી હકારાત્મક પરિણામ મેળવીએ…..

PM મોદીના સંબોધન પર બોલ્યા ઔવેસી, “ચીન પર બોલવાનું હતું, ચણા પર બોલી ગયા, ઈદ પણ ભૂલ્યા”

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. જેમાં મુખ્ય ફોક્સ કોરોના વાયરસ અને લોકડાઉન પર હતું. જોકે અટકળો થઈ રહી હતી કે વડા પ્રધાન ચીનના મુદ્દા પર પણ બોલશે. ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇતેહાદુલ મુસલીમિન (એઆઈએમઆઈએમ)ના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ વડા પ્રધાન મોદી પર તેમના સંબોધનમાં ચીનનો ઉલ્લેખ ન કરવા પર નિશાન સાધ્યું છે. ઓવૈસીએ કહ્યું કે આજે તેમને ચીન પર બોલવાનું હતું, તે ચણા પર બોલ્યા.

ટવિટર હેન્ડલ પીએમઓ ઈન્ડિયાને ટેગ કરી અસદુદ્દીન ઓવૈસીએ લખ્યું, “આજે ચીન પર બોલવાનું હતું, ચણા પર બોલી ગયા. ખરેખર, આ પણ જરૂરી હતું કારણ કે તમારા અનિયંત્રિત લોકડાઉનથી ઘણા લોકોને ભૂખ લાગી છે.” ઓવૈસીએ તહેવારોને લઈને વડા પ્રધાન મોદીના સંબોધન પર પણ નિશાન સાધ્યું હતું. ઓવૈસીએ કહ્યું, “તમે આવતા મહિનામાં ઘણા તહેવારોના નામ આપ્યા છે પરંતુ બકરી ઈદને ભૂલી ગયા છો. ચાલો, કંઈ નહીં, તેમ છતાં તમને ઇદ મુબારક.”

કોંગ્રેસે એક ટવીટમાં એમ પણ કહ્યું છે કે ‘વડા પ્રધાને દેશવાસીઓને બિનઆયોજિત લોકડાઉનનાં ફાયદા જણાવવા જોઈએ. લોકડાઉન એ કોરોના નિયંત્રણના લક્ષ્યમાં સંપૂર્ણ નિષ્ફળતા સાબિત થયું છે. દેશ જાણવા માંગે છે કે શું દેશ બિનઆયોજિત લોકડાઉન લક્ષ્ય પ્રાપ્ત કરવામાં સફળ રહ્યું છે?

આ સાથે કોંગ્રેસે વડા પ્રધાનના સંબોધનમાં ચીનના મુદ્દાના ઉલ્લેખની ગેરહાજરી પર પણ સવાલ ઉઠાવ્યા હતા. એક ટ્વિટમાં કોંગ્રેસે કહ્યું કે ચીનની ટીકાને ભૂલી જજો, તેઓ (વડા પ્રધાન) તેમના રાષ્ટ્રીય સંબોધનમાં તેનો ઉલ્લેખ કરતા ડરતા હોય છે. કોંગ્રેસે એમ પણ કહ્યું હતું કે વડા પ્રધાન મોદીનું સંબોધન સત્તાવાર સરકારી સૂચના થઈ શકતું હતું. જોકે, નવેમ્બર સુધી કોંગ્રેસે ગરીબો માટે અનાજ યોજના વધારવાની પ્રશંસા કરી.

કોંગ્રેસે કહ્યું કે વડા પ્રધાને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની વિનંતી સાંભળી છે તે જાણીને આનંદ થયો છે, જેમાં ગરીબોને મફત અનાજ આપવાની યોજના આગળ ધપાવાની માંગ કરવામાં આવી છે.

ભારતમાં ટીકટોક થઈ શટડાઉન, ઓપન કરતાં જોવા મળે છે આ નોટીસ

ભારત સરકારે સોમવારે ટીકટોક સહિત 59 ચીની એપ્સ પર પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરી હતી. આજ સવારથી આ એપ્લિકેશન્સને ગૂગલ પ્લે સ્ટોર અને એપ સ્ટોરથી દૂર કરવાનું પ્રારંભ કરાયું. જો કે, ટીકટોકે હવે કામ કરવાનું બંધ કરી દીધું છે.

નોંધનીય છે કે અગાઉ ભારતમાં, જ્યારે ટીકટોક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, ત્યારે યુઝર્સના સ્માર્ટફોન પર પહેલાથી ઇન્સ્ટોલ કરેલી એપ્લિકેશન કામ કરતી હતી. પરંતુ આ વખતે સરકારે તેને ટેલિકોમ કંપનીઓ અને ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર્સ દ્વારા બ્લોક કરાવી દીધી છે.

હવે ટીકટોક ખોલતાં, એક સૂચના દેખાય છે. આ લખાય છે ત્યાં સુધી આઇફોન પર ટીકટોક કામ કરવાનું બંધ કરી દીધું છે અને નવા વીડિયો લોડ થતા નથી. હોમ પેજ ખાલી છે. જોકે તે હજી પણ એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં કામ કરી રહી છે.

ટીકટોક ઓપન કરતાંની સાથે જ નોટિસમાં લખ્યું છે કે અમે ભારત સરકાર દ્વારા 59 એપ્સને  બ્લોક કરવાના નિર્ણયનું પાલન કરી રહ્યા છીએ. બધા યૂઝર્સની ગોપનીયતા અને સલામતીની ખાતરી કરવી અમારી પ્રથમ અગ્રતા છે.

જો કે, ટીકટોક સિવાય, અન્ય ચીની એપ્લિકેશન્સ જેવી કે કેમ સ્કેનર, શેર ઇટ અને યુસી હજી પણ કાર્યરત છે. આમાંથી કેટલીક એપ્લિકેશનો ડાઉનલોડ કરવા માટે ઉપલબ્ધ છે.

નોંધપાત્ર વાત એ છે કે ભારત સરકારે ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડર્સ અને ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર્સને આ 59 ચાઇનીઝ એપ્સને બ્લોક કરવા કહ્યું છે. જો તે લાગુ પડે છે કે ટીકટોક જેવી તમામ 59 એપ્લિકેશનો સ્માર્ટફોનમાં કામ કરવાનું બંધ કરશે. આ ક્ષણે તે સ્પષ્ટ થઈ શક્યું નથી કે ટીકટોક પર પહેલેથી ડાઉનલોડ અથવા ડાઉનલોડ થઈ ગયેલા યૂઝર્સના વીડિયોનું શું થશે.

જામનગરના એડવોકેટ તુષાર મહેતાની સોલીસીટર જનરલ ઓફ ઈન્ડિયા તરીકે નિમણૂક

મૂળ જામનગરના વતની એડવોકેટ તુષાર મહેતાની ભારત સરકારે સોલીસીટર જનરલ ઓફ ઈન્ડિયા તરીકે નિમણૂક કરી છે.

તેમણે બીએસસી એલએલબી સુધીનો અભ્યાસ કરી ગુજરાત હાઈકોર્ટમાં એડવોકેટ કૃષ્ણકાંત વખારીયાના જુનીયાર તરીકે 1987થી પ્રેકટીસ શરૃ કરી હતી. 2007માં ગુજરાત હાઈકોર્ટ દ્વારા તેમને સિનિયર એડવોક્ટનું સન્માન આપવામાં આવ્યું હતું.

અત્રે ખાસ ઉલ્લેખનિય છે કે તુષાર મહેતા જામનગરના જ છે અને તેમણે જામનગરના રણજીતનગરમાં રહીને કોલેજ સુધીઓ અભ્યાસ કર્યો હતો. ભારતના કાનૂન વિભાગમાં ઉચ્ચપદ પ્રાપ્ત કરીને તેમણે જામનગરનું અને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.

ખળભળાટ: કોરોના પછી ચીનમાંથી જ મળ્યો મહામારી ફેલાવતો નવો વાયરસ

કોરોના સામે સમગ્ર વિશ્વ લડી રહ્યું છે ત્યારે ચીનથી ચિંતા ઉપજાવે તેવા સમાચાર સામે આવ્યા છે. સંશોધનકારોને ચીનમાં એક નવો સ્વાઈન ફ્લૂ મળ્યો છે. જે કોરોનાની મહામારીમાં મુસીબત વધારી શકે છે. આ સ્ટડી અમેરિકી સાયન્સ જર્નલ ‘પીએનએએસ’માં પ્રકાશિત થયેલ છે. બહાર આવેલી નવી સ્વાઈનફલૂ બીમારી 2009માં સમગ્ર વિશ્વમાં ફેલાયેલ H1N1 સ્વાઈન ફ્લૂનું જ આનુવાંશિક વંશ જ છે, એટલે કે જેનેટિકલ ડિસેન્ડન્ટ પર તે વધુ ખતરનાક છે. ચીનની અનેક યુનિ. અને ચીનના સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્સનના  વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે નવું સ્વરૃપ એટલું તાકતવર છે કે તે માણસોને તરત બીમાર પાડી શકે છે. નવા સ્વાઈન ફ્લૂનું સંક્રમણ જો કોરોના મહામારી દરમિયાન ફેલાશે તો ઘણી મોટી સમસ્યા ઊભી થઈ જશે.

ચીની વૈજ્ઞાનિકોએ ફ્લૂની એક એવી નસલની ભાળ મેળવી છે જે કોરોના વાયરસની જેમ મહામારીનું રૃપ ધારણ કરી શકે છે. આ વાયરસ G4EA-H1N1 અંગે હમણાં જ ખબર પડી છે અને તે સુવરની અંદર મળી આવ્યો છે. વૈજ્ઞાનિકોએ કહ્યું કે આ વાયરસ માણસોને પણ સંક્રમિત કરવાની ક્ષમતા ધરાવે છે. રિસર્ચરોને ભય છે કે આ વાયરસ મ્યુટેટ થઈને સહેલાઈથી એક માણસમાંથી બીજા માણસમાં ફેલાઈ શકે છે.

આખી દુનિયામાં આ મહામારીનું જોખમ ઊભું થઈ શકે છે. ચીની વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે આ ફ્લૂ વાયરસએ બધા લક્ષણો છે જે માનવોને સંક્રમિત કરી શકે છે. આ વાયરસ ઉપર ધ્યાન રાખવાની જરૃર છે. તેમણે કહ્યું કે આ વાયરસ નવો હોવાથી લોકોમાં કાં તો બહુ ઓછી રોગ પ્રતિકારક શક્તિ હશે અથવા હશે જ નહીં.

પબુભા માણેક માંગશે મોરારિ બાપુની માફી, મુખ્યમંત્રીએ સાધુ-સંતોને આપી હૈયાધારણા

દ્વારકામાં કથાકાર મોરારિબાપુ દ્વારકાધીશ સમક્ષ માફી માંગવા આવ્યા ત્યારે તેમના પર પબુભા માણેકના હુમલાના પ્રયાસ અંગેની ઘટના સંદર્ભમાં બારથી વધુ મહામંડલેશ્વરોએ ગાંધીનગરમાં મુખ્યમંત્રીના નિવાસસ્થાને જઈને પબુભા માણેક સામે સરકારે શું પગલાં લીધા તે અંગેની જાણકારી મેળવવા મુખ્યમંત્રી વિજયભાઈ રૃપાણી સાથે મુલાકાત કરી હતી.

લીંબડીના નિમ્બાર્ક પીઠના લલિત કિશોરબાપુ સાથે દૂધરેજના કનીરાયજી, જગન્નાથ મંદિરના દિલીપદાસજી, સાયલા, પાળીયાદ, દુધઈ સહિતના મહામંડલેશ્વરો જોડાયા હતાં.

મુખ્યમંત્રી વિજયભાઈ રૃપાણીએ સાધુ-સંતોના પ્રતિનિધિ મંડળને એવી હૈયાધારણા આપી હતી કે પબુભા માણેક મોરારિ બાપુને ત્યાં જઈને તેમની માફી માંગી લેશે, જો કે આ તકે સાધુ-સંતોના પ્રતિનિધિ મંડળે પબુભા માણેક સામે ભાજપ પણ કડક પગલાં ભરી તેમને ભાજપમાંથી હાંકી કાઢવાની માંગણી કરી હતી.

મુખ્યમંત્રી વિજયભાઈ રૃપાણીએ અખબારી અહેવાલો અને સાધુ-સંતોના જણાવ્યા પ્રમાણે પબુભા માફી માંગી લેશે તેના કારણે દ્વારકા પંથકમાં રાજકારણમાં ગરમાવો આવે તેવી શક્યતા છે. પબુભા માણેક માફી માંગે તો શું અને ન માંગવાની જીદ પર અડગ રહે તો શું તેવી ચર્ચાઓ વહેતી થઈ છે.

મહામંડલેશ્વર સાથેની મુલાકાત વેળાએ મુખ્યમંત્રી વિજય રૃપાણી સાથે રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા તથા ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા પણ હાજર રહ્યા હતાં.

મુંબઈની તાજ હોટલ પર 26/11 જેવો આતંકી હુમલો કરવાની ધમકી, કરાચીથી આવ્યો હતો ફોન

મુંબઈની તાજ હોટલ પર ફરીથી મોટો આતંકવાદી હુમલો કરવાની ધમકી મળતા મુંબઈ પોલીસ સહિત સમગ્ર દેશનું આઈ.બી. તથા સુરક્ષા તંત્ર એલર્ટ મોડ ઉપર આવી ગયું છે.

ગઈકાલે પાકિસ્તાનના કરાંચીમાં સ્ટોક એક્સચેન્જ પર હુમલો થયા પછી પાકિસ્તાનથી મુંબઈની તાજ હોટલમાં ધમકી ભર્યો ફોન આવ્યો હતો. ફોનમાં ધમકી આપવામાં આવી હતી કે કરાંચી સ્ટોક એક્સચેન્જની જેમ જ તાજ હોટલ પર ફરીથી 25/11 જેવા આતંકી હુમલો કરવામાં આવશે.

સમગ્ર ઘટનાક્રમ પછી મુંબઈ પોલીસે તાજ હોટલની સુરક્ષા સમીક્ષા કરી હોટલમાં રોકાયેલા મહેમાનોની પણ તપાસ કરી હતી.