ઈઝરાયેલે ઓક્ટોબરમાં થયેલા આતંકી હુમલાનો બદલો લેવા ઈરાનના તહેરાનમાં હમાસના વડા ઈસ્માઈલ હાનિયાને તેના ઘર સહિત ફૂંકી માર્યો છે, જ્યારે હિઝબુલ્લાના કમાન્ડર ફુઆદ શુકરને પણ લેબેનોનમાં જ પતાવી દીધો છે. હવે હમાસ-ઈઝરાયેલનું યુદ્ધ કેવો વળાંક લે છે, અને વૈશ્વિક પ્રત્યાઘાતો કેવા પડે છે, તેના પર બધાની નજર મંડાયેલી છે.
ઈઝરાયેલે ગત્ વર્ષે સાતમી ઓક્ટોબરે દેશમાં થયેલા ખૂની ખેલનો મોટો બદલો લીધો છે. ઈઝરાયેલે બુધવારે સવારે ઈરાનના તહેરાનમાં ઘૂસી હમાસના વડા ઈસ્માઈલ હાનિયાને ઠાર કર્યો છે, તો બીજી તરફ લેબનોનમાં ઘૂસી હિઝબુલ્લાના કમાન્ડર ફુઆદ શુકરને પણ ઠાર કર્યો છે.
આ હુમલાની સૌથી ચોંકાવનારી વાત એ છે કે, આઈડીએફે હાનિયાને ગાઝા, પેલેસ્ટાઈન અથવા કતારમાં નહીં, પરંતુ ઈરાનની રાજધાની તહેરાનમાં ઠાર કર્યો છે. હમાસે પોતે નિવેદન જાહેર કરીને હાનિયાના મોતની પુષ્ટી કરી છે.
વાસ્તવમાં હમાસનો વડો ઈસ્માઈલ હાનિયા મંગળવારે (૩૦ જુલાઈ) એ ઈરાનના નવા રાષ્ટ્રપતિ મસુદ પેજેશ્કિયાનના શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થયો હતો. આ દરમિયાન હાનિયાએ ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખામેનેઈ સાથે પણ મુલાકાત કરી હતી. ત્યારપછી બીજા દિવસે એટલે કે આજે બુધવારે સવારે ઈઝરાયેલે તેના ઘરને ઊડાવી દીધું હતું. જેમાં ઈસ્માઈલ હાનિયા ઠાર થયો છે. આ હુમલામાં હાનિયાના બોડીગાર્ડનું પણ મોત થયું છે.
ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને નવ મહિના કરતા પણ વધુ સમય થયો છે. આ યુદ્ધમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યો છે તો ઘણાં પરિવારોએ પોતાના ઘર છોડવા મજબૂર બન્યા છે. ત્યારે આ યુદ્ધ વચ્ચે હિઝબુલ્લાએ લેબનોનના ગોલાન હાઈટ્સના ફૂટબોલ ગ્રાઉન્ડ પર કરેલા ભીષણ હુમલામાં ૧ર બાળકોના મોત થયા પછી ઈઝરાયેલે આકરો જવાબ આપ્યો છે. મળતા અહેવાલો મુજબ ઈઝરાયેલે બાળકોના મોતનો બદલો લઈ લેબનોમાં ઘૂસી હિઝબુલ્લાહના કમાન્ડરને ઠાર કર્યો છે.
ઈઝરાયેલી સેનાએ એક સત્તાવાર નિવેદનમાં કહ્યું છે કે, અમારી સેનાએ હિઝબુલ્લાના સૌથી વરિષ્ઠ સૈન્ય કમાન્ડર ફુઆદ શુકરને ઠાર કર્યો છે. લેબનોનની સરકારી રાષ્ટ્રીય સમાચાર એજન્સીએ કહ્યું કે, ઈઝરાયેલી સેનાની કાર્યવાહીમાં એક મહિલાનું મોત થયું છે, જ્યારે ઘણાં લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં ખસેડાયા છે.
ગત્ સપ્તાહે ગોલન હાઈટ્સ પર રોકેટ હુમલા કરાતા ૧ર બાળકોના મોત થયા હતાં. ઈઝરાયેલે આ હુમલા પાછળ આતંકવાદી સંગઠન હિઝબુલ્લાનો હાથ હોવાનો આક્ષેપ કર્યો છે, જો કે હિઝબુલ્લાએ ઈઝરાયેલના આક્ષેપને રદિયો આપ્યો છે. આ ઉપરાંત લેબનોને પણ રોકેટ હુમલા મામલે ઈઝરાયેલે કરેલી કાર્યવાહીની ટીકા કરી છે. આ મુદ્દે લેબનોનના વિદેશમંત્રી અબ્દુલ્લા હબીબે પણ સંયુક્ત રાષ્ટ્રમાં ફરિયાદ કરવાની તૈયારી કરી રહ્યા છે. આ ઉપરાંત રશિયાની સરકારી સમાચાર એજન્સીએ કહ્યું છે કે, ઈઝરાયેલે રાજધાની બેરુત પર હુમલા કરી આંતરરાષ્ટ્રીય કાયદાઓનું ઉલ્લંઘન કર્યું છે.
લેબનોનની સરકારી રાષ્ટ્રીય સમાચાર એજન્સીએ કહ્યું કે, ઈઝરાયેલી સેનાએ રાજધાની બેરૂતમાં વિમાની હુમલાઓ કરી હિઝબુલ્લાના શૂરા કાઉન્સિલ પાસેના વિસ્તારને નિશાન બનાવ્યું છે. તેઓએ દક્ષિણી બેરૂતમાં વિમાન દ્વારા ડ્રોન હુમલા કર્યા હતાં. આઈડીએફએ નિવેદનમાં કહ્યું કે, અમારી સેનાએ હિજબુલ્લાના સૌથી વરિષ્ઠ સૈન્ય કમાન્ડર ફુઆદ શુકરને ઠાર કર્યો છે. સેનાએ કહ્યું કે, લેબનોનમાં મંગળવારે ફરી રોકેટમારો કરાયો હતો જેમાં ઈઝરાયેલી નાગરિકનું મોત થયું છે.
ઈઝરાયેલી સેનાએ યુનિસ ખાનમાં એક સપ્તાહ સુધી વિમાની હુમલા કર્યા છે, જેમાં હમાસના ૧પ૦ થી વધુ આતંકવાદીઓના મોત થયા હોવાનો દાવો કરાયો છે. ઈઝરાયેલની એન૧ર રિપોર્ટ મુજબ સેનાએ લેબનોન તરફ મંગળવારે ૧૦ રોકેટ છોડ્યા હતાં, જેમાં એકનું મોત થયું છે.
હમાસ ચીફ ઈસ્માઈલ હાનિયાની હત્યા ઈઝરાયેલ માટે મોટી સફળતા છે. ૭ ઓક્ટોબર ર૦ર૩ ના હમાસે ઈઝરાયેલને મોટો ઘા આપ્યો હતો. તે જ દિવસે, હમાસે મિસાઈલો અને રોકેટ વડે ઈઝરાયેલ પર મોટો હુમલો કર્યો, જેમાં ડઝનેક ઈઝરાયેલીઓ માર્યા ગયા. આ પછી જ ઈઝરાયેલે યુદ્ધની જાહેરાત કરી. ત્યારથી ઈઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે.
ઈઝરાયેલની હિંમતની ખાસ વાત એ છે કે તેણે ઈરાનની રાજધાની તેહરાનમાં ઘૂસીને હમાસના વડા ઈસ્માઈલ હાનિયાની હત્યા કરી નાખી. ઈરાનમાં ઘૂસીને હમાસના વડાની હત્યા કરવાનો અર્થ એ છે કે સ્થિતિ વધુ ખરાબ થવાની છે. ઈરાન ઈઝરાયેલના આ પગલાં પર ચૂપ રહેવાનું નથી. ઈરાન ચોક્કસપણે ઈઝરાયેલ સામે બદલો લેવાનો પ્રયાસ કરશે. આવી સ્થિતિમાં ઈઝરાયેલ-હમાસ યુદ્ધ ક્યા રસ્તે વળે છે તે જોવું રહ્યું.
ઉલ્લેખનિય છે કે, એપ્રિલ-ર૦ર૪ માં ઈઝરાયેલી સૈન્યએ હાનિતાના ત્રણ પુત્રોને ઠાર માર્યા હતાં. ઈઝરાયેલે ગાઝા પટ્ટી પર એર સ્ટ્રાઈક કરી હતી, જેમાં હાનિયાના ત્રણ પુત્રો મોતને ભેટ્યા હતાં. ઈઝરાયેલની સૈન્યએ જણાવ્યું કે હાનિયાના ત્રણ પુત્ર આમિર, હાઝેમ અને મોહમ્મદ ગાઝામાં આતંકી ગતિવિધિઓમાં સંડોવાયેલા હતાં.