શિલ્પા શેટ્ટી-રાજ કુન્દ્રા ફરી એક વાર મુશ્કેલીમાં, આ વખતે અંડર વર્લ્ડ કનેક્શન?

હિન્દી ફિલ્મોની અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રા પર ફરી એક વાર મુશ્કેલી સર્જાઈ છે. આઈપીએલ મેચ દરમિયાન મેચ ફિક્સિંગના ઓરોપોનો સામનો કરી ચૂકેલા રાજ કુન્દ્રાની મુશ્કેલીઓમાં ઘટાડો થતો જણાતું નથી. રાજ પર મોસ્ટ વોન્ટેડ ડોવ દાઉદ ઈબ્રાહીમના સાથી ઈકબાલ મીર્ચી સાથે બિઝનેસ સાંઠગાંઠના આરોપો લાગ્યા છે. આ સિલસિલામાં રાજ કુન્દ્રાની બુધવારે ઈડી દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી. રાજ કુન્દ્રા ઈડી સમક્ષ હાજર થયા હતા.

રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે શિલ્પા શેટ્ટીની પણ આ અંગે પૂછપરછ કરવામાં આવી શકે છે. રાજ કુન્દ્રાનું ઈકબાલ મીર્ચી કનેક્શન જમીનનો ધંધો કરતી આરકે ડબ્લ્યુના ડોક્યુમેન્ટ્સની તપાસ દરમિયાન ખૂલવા પામ્યું છે. આરકે ડેવલપર્સે 2011માં 3.46 કરોડ રૂપિયા રાજ કુન્દ્રાની કંપની એસેંશિઅલ હોસ્પિટલિટીને આપ્યા હતા. આ કડી મળતા ઈડીએ રાજ કુન્દ્રાને હાજર થવાનો સમન્સ મોકલ્યો હતો.

આરકેના ડાયરેક્ટર રંજીત બિન્દ્રાની ઈડીએ 11 ઓક્ટોબરે જ ધરપકડ કરી હતી. પ્રખ્યાત ડેવલોપર ધીરજ વાઢવાન પણ ઈડીના નિશાને છે અને તેના વિરુદ્વ પણ તપાસ ચાલી રહી છે.

રાજ કુન્દ્રા પર આરોપ છે કે બિન્દ્રા સાથે મેળાપીપણું કરીને આરકે ડબ્લ્યુ ડેવલોપર્સે શિલ્પા શેટ્ટી એસેંશિઅલ હોસ્પિટલિટીમાં કરોડોનું રોકાણ કર્યું છે. આટલી મોટી રકમ શિલ્પાને કોઈ પણ પ્રકારના વ્યાજ વિના આપવામાં આવી હતી.

ઈડીએ તપાસમાં એ પણ શોધી કાઢ્યું છે કે આ રૂપિયાની લેતી-દેતી અલગ અલગ કંપનીઓના નામે કરવામાં આવી હતી, જેમાં કુન્દ્રાનું પણ નામ સામેલ છે. કુન્દ્રાએ પોતાના અને પત્ની પર લાગેલા ઈન્કાર કર્યો છે અને જાહેરમાં નિવેદન પણ આપ્યું છે. ઈકબાલ મીર્ચીનું 2013માં લંડનમાં હાર્ટ એટેકના કારણે મૃત્યુ થયું હતું.

શું આખરે ઘી-ખીચડીમાં? શિવસેના સાથે સરકાર બનાવીશું, ફડણવીસે કરી દીધી જાહેરાત

મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા માટે ચાલી રહેલી ખેંચતાણ વચ્ચે ભાજપે શિવસેના સાથેના તેના સંબંધો પર બરફ ઓગાળવાનો પ્રયાસ કર્યો છે. દેવેન્દ્ર ફડણવીસે પણ ભાજપના વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટાયા બાદ વિધાનસભાની ચૂંટણીમાં મળેલી જીત બદલ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે આ આદેશ ચોક્કસપણે ભાજપ અને શિવસેના જોડાણ માટે છે કારણ કે અમે મહાગઠબંધન માટે જ મત માંગ્યા હતા. તેમણે કહ્યું કે આવી સ્થિતિમાં કોઈ શંકા હોવી જોઈએ નહીં, રાજ્યમાં ગઠબંધનની સરકાર બનાવવામાં આવશે.

દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, ‘અમે ટૂંક સમયમાં સરકાર બનાવીશું. ચિંતા કરશો નહીં, અમે એક સ્થિર સરકાર આપીશું. ‘ તેમણે પોતાના ધારાસભ્યોને અફવાઓને અવગણવાનું કહી જણાવ્યું કે માત્ર ભાજપ અને શિવસેનાની ગઠબંધન સરકાર બનાવવામાં આવશે. ફડણવીસના આ નિવેદન બાદ હવે માનવામાં આવી રહ્યું છે કે સરકાર બનાવવાની અનિશ્ચિતતાના વાદળો વિખેરાઈ શકે છે.

બુધવારે જ્યારે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને ભાજપ વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા હતા, ત્યારે શિવસેનાના નેતા સંજય રાઉત પાર્ટી અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેને મળવા તેમના નિવાસસ્થાન ‘માતોશ્રી’ પર પહોંચ્યા છે. સરકારની રચના અંગે મંથન ચાલુ છે. શિવસેનાએ ગુરુવારે તેની વિધાનસભા પક્ષની બેઠક બોલાવી છે.

સીએમ ફડણવીસે પાર્ટીના ધારાસભ્યોને તેમનામાં વિશ્વાસ રાખવા અને રાજ્યની સેવા કરવાની બીજી તક આપવા બદલ આભાર માન્યો હત તેમણે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેનો પણ આભાર માન્યો હતો.

નોંધનીય છે કે હાલમાં ગૃહના નેતા દેવેન્દ્ર ફડણવીસે મંગળવારે કહ્યું હતું કે તેઓ આગામી પાંચ વર્ષ સુધી મુખ્યમંત્રી રહેશે. તેમના નિવેદન પછી શિવસેનાએ ભાજપ સાથેની બેઠક રદ કરી હતી. પાર્ટીનું કહેવું છે કે હવે તે માત્ર કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સાથે વાત કરશે જ્યારે તેઓ ઉદ્ધવ ઠાકરેના નિવાસસ્થાન ‘માતોશ્રી’ આવશે.

ભાજપ સાથે સંકળાયેલા સૂત્રોએ કહ્યું છે કે અમિત શાહ પહેલી અથવા બીજી નવેમ્બરના રોજ મુંબઇ આવી શકે છે, પરંતુ તેઓ ઉદ્ધવ ઠાકરે તેમના ઘરે મુલાકાત કરશે કે કેમ તે સ્પષ્ટ નથી. હાલ ભાજપે કેન્દ્રીય પ્રધાન નરેન્દ્રસિંહ તોમર અને પાર્ટી ઉપાધ્યક્ષ અવિનાશ રાય ખન્નાને મહારાષ્ટ્ર વિધાનસભા પક્ષની બેઠક માટે કેન્દ્રીય નિરીક્ષક તરીકે નિયુક્ત કર્યા છે.

બીજી તરફ, શિવસેનાના વરિષ્ઠ નેતાનું કહેવું છે કે, ચૂંટણી દરમિયાન માતોશ્રીના અનેક ચક્કર લગાવનારા દેવેન્દ્ર ફડણવીસના સંદેશવાહકને આ મામલાથી દૂર રહેવાનું કહેવામાં આવ્યું હતું. હમણાં સુધી, ઉદ્ધવ ઠાકરે તરફથી અમિત શાહને કોઈ કોલ આવ્યો નથી. અમે ભાજપની પહેલની રાહ જોઇ રહ્યા છીએ. અમે ગત વિધાનસભાની ચૂંટણી કરતા આ વખતે થોડી ઓછી બેઠકો જીતી લીધી હોવા છતાં, ભાજપ અમને હળવાશથી લઈ શકશે નહીં.

ભાજપ-શિવસેનાને ટેકો આપવા અંગે એનસીપીની મોટી જાહેરાત, જાણો શું કહ્યું પ્રફુલ પટેલે?

24 ઓક્ટોબરના રોજ મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીના પરિણામોની ઘોષણા થયા બાદ સરકારની રચના અંગેની પરિસ્થિતિ હજી સાફ થઈ નથી. એકમાત્ર મોટા પક્ષ તરીકે ઉભરી રહેલા ભાજપ અને તેના જોડાણ ભાગીદાર શિવેસના વચ્ચેની ઝઘડો ચાલુ છે, જ્યારે રાજ્યની અન્ય મુખ્ય પાર્ટી એનસીપીએ સ્પષ્ટતા કરી છે કે તે ભાજપ કે શિવસેનાને ટેકો નહીં આપે.

નોંધનીય છે કે 288 સદસ્યોની વિધાનસભામાં ભાજપને 105 બેઠકો, શિવસેનાને 56 બેઠકો, એનસીપીની 54 બેઠકો અને કોંગ્રેસને 44 બેઠકો મળી છે અને કોઈ પણ પક્ષ બહુમતીના આંકને સ્પર્શી શક્યું નથી. શિવસેનાને પાંચ અપક્ષ ધારાસભ્યો અને અન્ય નાના પક્ષના નેતાઓનું સમર્થન છે. આ સાથે જ અન્ય પાંચ અપક્ષ ધારાસભ્યોએ ભાજપને સમર્થન જાહેર કર્યું છે.

એનસીપીના નેતા પ્રફુલ પટેલે બુધવારે ભાજપ અથવા શિવસેનાને સમર્થન આપવાની શક્યતાને નકારી કાઢતાં કહ્યું હતું કે સરકારને લઈને બંને પક્ષો વચ્ચે ચાલી રહેલી ઝઘડો ફક્ત એક દેખાડો છે. પટેલે પત્રકારોને જણાવ્યું હતું કે, ‘2014ની ચૂંટણી અને 2019ની ચૂંટણીના વાતાવરણ વચ્ચે ઘણો તફાવત છે. તે સમયે તમામ પક્ષો પોતપોતાની તાકાત પર લડતા હતા. પરંતુ આ વખતે આપણે બધાએ અમારા સાથી પક્ષો સાથે ચૂંટણી લડી હતી. એનસીપી ભાજપને સમર્થન નહીં આપે. ‘

તેમણે કહ્યું કે જનતાએ એનસીપીને વિપક્ષમાં બેસવાનો આદેશ આપ્યો છે જ્યારે ભાજપ-શિવસેનાએ તેમના મતભેદ દૂર કરવા જોઈએ. પ્રફુલ પટેલે કહ્યું, “શિવસેના અને ભાજપ વચ્ચે જે ચાલી રહ્યું છે તે માત્ર ઢોંગ છે અને તેઓ સરકાર બનાવશે.” તેઓએ સરકાર બનાવવી જોઈએ. જો તેમનામાં કેટલાક વિખવાદ છે તો તેઓએ દૂર થવા જોઈએ. અમે કોઈ પણ પાર્ટી સાથે વાત કરવા માંગતા નથી. લોકોનો આદેશ અમને વિપક્ષમાં બેસવાનો છે. જો પરિસ્થિતિઓ બદલાઈ જાય, તો આપણે જોઈશું. ‘

શું દરિયામાં ગરક થઈ જશે મુંબઈ? 2050 સુધીમાં શું થશે? વાંચો કંપારી છોડાવતો રિપોર્ટ

નવા સંશોધન મુજબ દરિયાની વધતી જળ સપાટી 2050 સુધીમાં અંદાજિત સંખ્યા કરતા ત્રણ ગણી વસ્તીને અસર કરી શકે છે. આને કારણે ભારતની આર્થિક રાજધાની મુંબઈનો ‘સંપૂર્ણ નાશ’ થઈ શકે છે. તમને જણાવી દઈએ કે આ સંશોધન પેપર ન્યૂ જર્સીની ‘ક્લાયમેટ સેન્ટ્રલ’ નામની વિજ્ઞાન સંસ્થા દ્વારા તૈયાર કરાયું છે અને તે ‘નેચર કમ્યુનિકેશન્સ’ જર્નલમાં પ્રકાશિત થયું છે.

જોકે, આ સંશોધન પેપર ભવિષ્યની વસ્તી વૃદ્ધિ પર અપેક્ષિત નથી. ધ ન્યૂ યોર્ક ટાઇમ્સના અહેવાલમાં જણાવાયું છે કે લેખકોએ “ઉપગ્રહ વાંચનના આધારે જમીનની ઉંચાઇની ગણતરી કરવાની એક વધુ સચોટ પદ્ધતિ વિકસાવી છે, જે વિશાળ વિસ્તારો પર સમુદ્ર-સપાટીના પ્રભાવોનો અંદાજ લગાવવાની એક પ્રમાણભૂત પદ્ધતિ છે, અને જાણવા મળ્યું કે ભૂતકાળની સંખ્યા વાસ્તવિકતાથી ઘણી દૂર હતી.”

નવા સંશોધન મુજબ હાલમાં લગભગ 150 કરોડ લોકો આવી જમીનો પર વસવાટ કરી રહ્યા છે જે ભવિષ્યમાં ભારે ભરતીની આવી જશે. નવા અંદાજ મુજબ ભારતની આર્થિક રાજધાની મુંબઇ સંપૂર્ણ રીતે નષ્ટ થવાનો ભય છે. ખાસ કરીને મુંબઈની નીચલા કિનારા પર સૌથી મોટો ખતરો છે.

તમને જણાવી દઈએ કે અગાઉ ઘણા સંશોધનોમાં એ વાત સામે આવી છે કે સમુદ્રની સપાટી વધતા અને આબોહવા પરિવર્તનને કારણે દેશની આર્થિક રાજધાની મુંબઈ પર જોખમ ઉભું થયું છે અને મુંબઈનો દરિયામાં ગરક થવાનો ભય ઉભો થયો છે.

PM મોદીની ગુજરાત મુલાકાત, કાલે જશે સ્ટેચ્યુ ઓફ યૂનિટી, જાણો સમગ્ર કાર્યક્રમ

આજે રાત્રે PM મોદી રાત્રે 9:30 કલાકે અમદાવાદ એરપોર્ટ ખાતે આવી પહોંચશે. જે બાદમાં તેઓ સીધા જ ગાંધીનગર જવા રવાના થશે. PM મોદી રાત્રી રોકાણ ગાંધીનગરના રાજભવન ખાતે કરશે.

PM મોદી 31મીએ સવારે 6:30 કલાકે ગાંધીનગર ખાતેથી હેલિકોપ્ટર મારફતે કેવડિયા કોલોની જવા માટે રવાના થશે. તેઓ 7:45 વાગ્યે કેવડિયા પહોંચશે. સવારે આઠ વાગ્યે તેઓ સ્ટેચ્યૂ ઓફ યુનિટિ ખાતે પુષ્પાંજલિ કરશે.

PM મોદી સવારે 8:30થી 10:00 વાગ્યા સુધી પરેડમાં ઉપસ્થિત રહેશે. જે બાદ 11 વાગ્યે આર્મ્ડ પ્રદર્શનનું ઉદ્ઘાટન કરશે. બપોરે 12:30 વાગ્યાથી 2:30 વાગ્યા સુધી PM મોદી અધિકારીઓ સાથે સંવાદ કરશે. બપોરે એક વાગ્યે PM મોદી સંબોધન કરશે.

કેવડિયા કોલોનીથી સાંજે પાંચ વાગ્યે વડોદરા જવા માટે રવાના થશે. વડોદરાથી વિમાન મારફતે તેઓ નવી દિલ્હી જવા માટે રવાના થશે.

ભાજપ-શિવસેનાની ખેંચતાણ હંગામી, બન્ને સાથે રહી સરકાર બનાવશે, ફડણવીસ એકલા શપથ લઈ શકે છે

ભલે મહારાષ્ટ્રમાં સત્તાની ભાગ બટાઈના મામલે ભાજપ શિવસેના વચ્ચે તણખલા ઝરી રહ્યા હોય પણ એવું લાગે છે કે છેવટે ઘી-ખીચડીમાં જ રહેશે. ભાજપને પણ આશા છે કે તે સરકારમાં જોડાવા સંમત થશે. આ આશા સાથે દેવેન્દ્ર ફડણવીસ શુક્રવારે બીજી વખત મુખ્યમંત્રી પદના શપથ લઈ શકે છે. જો કે, જો ભાજપના સહયોગી શિવસેના મહત્વપૂર્ણ મંત્રાલયો અને સીએમ પદ અંગેના પોતાના વલણને નરમ પાડશે તો અન્ય વિકલ્પો પર વિચારણા કરવામાં આવી રહી છે.

એવું માનવામાં આવે છે કે સરકારની રચના કરવા માટે દબાણ બનાવી સરકારમાં પોતાની વગ વધારવાનો મામલો હોઈ શકે છે. શિવસેના સરકારમાં પોતાનું ધાર્યું કરાવવાની વેતરણમાં હોવાની ચર્ચા ચાલી રહી છે.

પ્રથમ વખત શિવસેનાએ ઓછી બેઠકો પર ચૂંટણી લડી હતી અને ભાજપને 2014ની સરખામણીએ ઓછી બેઠકો મળી છે. આમાં શિવસેનાને એક મોકો દેખાઈ રહ્યો છે. મંગળવારે ભાજપ અને શિવસેનાના નેતાઓ વચ્ચે સરકાર બનાવવા માટેની મીટીંગ નક્કી કરવા માટે બેઠક યોજાવાની હતી પરંતુ શિવસેનાએ તેને રદ કરી દીધી હતી.

જોકે અગાઉ જોવા મળ્યું છે કે શિવસેનાના મુખપત્ર સામનામાં પીએમ મોદીને નિશાન બનાવવામાં આવે છે, તેમ છતાં મહાગઠબંધન ચાલુ છે. 2019ની લોકસભાની ચૂંટણી પહેલા થયેલી ડીલને જોતાં એમ કહી શકાય કે મતભેદો હંગામી છે અને બન્ને પક્ષો સાથે મળીને જ સરકાર રચશે.

દરમિયાન, ભાજપના વિધાનસભા પક્ષની બેઠક આજે બુધવારે બોલાવવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ બેઠકમાં દેવેન્દ્ર ફડણવીસને મહારાષ્ટ્ર વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટી કાઢવામાં આવે તેવી શક્યતા છે.

આર્થિક સ્થિતિને લઈ મોદી સરકાર અંગે મુકેશ અંબાણીનું મોટું નિવેદન, મંદીને લઈ કરી આ વાત

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ કહ્યું છે કે ભારતીય અર્થવ્યવસ્થામાં આર્થિક મંદી કામચલાઉ છે. તેમનું કહેવું છે કે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે તાજેતરમાં લીધેલા પગલાથી આગામી ક્વાર્ટર્સમાં સકારાત્મક પરિણામો આવશે તેવી અપેક્ષા છે. સાઉદી અરેબિયામાં એન્યુઅલ ઈન્વેસ્ટમેન્ટ કોન્ફરન્સ ‘રણમાં દાવોસ’ માં મુકેશ અંબાણીએ કહ્યું હતું કે વડા પ્રધાન મોદી (પીએમ મોદી)ની સરકાર દ્વારા ઓગસ્ટ પછીથી કરવામાં આવેલા સુધારાના પરિણામો આવતા ક્વાર્ટર્સમાં જોવા મળવાના છે.

મુકેશ અંબાણીએ કહ્યું કે ભારતીય અર્થવ્યવસ્થામાં ગતિ થોડી મંથર ચાલી રહી છે, પરંતુ મને લાગે છે કે તે કામચલાઉ છે. તેમણે કહ્યું હતું કે છેલ્લા કેટલાક મહિના દરમિયાન જે પણ સુધારાનાં પગલાં લેવામાં આવ્યા છે, તેના પરિણામો બહાર આવશે અને મને વિશ્વાસ છે કે આવનારા ક્વાર્ટર્સમાં આ સ્થિતિ બદલાશે. ભારતીય અર્થવ્યવસ્થાને વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા કહેવામાં આવે છે.

જોકે, છેલ્લા પાંચ ક્વાર્ટર્સમાં ભારતના જીડીપી રેટમાં સતત ઘટાડો જોવા મળ્યો છે. એપ્રિલ-જૂન 2019 ક્વાર્ટરમાં, તે પાંચ ટકા પર આવી ગયું છે. એક વર્ષ અગાઉ, આ સમયગાળા દરમિયાન જીડીપી વૃદ્ધિ દર (જીડીપી ગ્રોથ રેટ)  આઠ ટકા પર હતો. 2013 પછીનો આ સૌથી નીચો વિકાસ દર છે. આના માટે રોકાણમાં સુસ્તી અને વપરાશમાં ઘટાડાને કારણભૂત માનવામાં આવે છે.

સુસ્ત અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા માટે મોદી સરકારે છેલ્લા કેટલાક મહિનામાં નીતિ સ્તરે અનેક નીતિગત પગલા લીધા છે. નોન-બેંકિંગ ફાઇનાન્સિયલ કંપનીઓ (એનબીએફસી)માં પ્રવાહિતાની સ્થિતિને સરળ બનાવવા માટે પગલાં લેવામાં આવ્યા છે. બેંકોને ઉચ્ચ ગુણવત્તાની એનબીએફસી સંપત્તિ ખરીદવા માટે પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. પીએસયુ બેંકોમાં નવી મૂડી ઉમેરવામાં આવી છે અને કંપનીઓ માટે ટેક્સના દરને સ્પર્ધાત્મક બનાવવા માટે મોટા કાપ મૂકવામાં આવ્યા છે.

મુકેશ અંબાણીએ કહ્યું કે ભારત અને સાઉદી અરેબિયા બંને પાસે આર્થિક વિકાસને આગળ ધપાવવા ટેકનોલોજી, યુવા ધન અને નેતૃત્વ બંને છે. મહત્ત્વની વાત એ છે કે તેલ અને રસાયણોના વ્યવસાયમાં 20 ટકા હિસ્સો ખરીદવા માટે મુકેશ અંબાણી સાઉદી અરબની તેલ કંપની અરામકો સાથે વાતચીત કરી રહ્યા છે.

 

 

ભાજપના સાથી રામદાસ અઠાવલેએ મહારાષ્ટ્રમાં સરકાર રચવા ભાજપ-શિવસેનાને આપી આવી ફોર્મ્યુલા

કેન્દ્ર સરકારમાં મંત્રી અને મહારાષ્ટ્રમાં ભાજપની ગઠબંધન પાર્ટી આરપીઆઈના વડા રામદાસ અઠાવલેએ ભાજપ અને શિવસેનાને સરકાર રચવા માટે એક નવી ફોર્મ્યુલા આપી છે અને તેમણે કહ્યું કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ મુંબઈ આવે અને બન્ને પક્ષો વચ્ચે સમજૂતીના દ્વાર ખોલે.

હિન્દુસ્તાન ટાઈમ્સ સાથે વાત કરતાં રામદાસ અઠાવલેએ કહ્યું કે મહારાષ્ટ્રમાં ભાજપને 103 સીટ મળી છે એટલે મુખ્યમંત્રી પદ પર ભાજપનો અધિકાર છે. શિવસેનાએ ડેપ્યુટી સીએમ પદ લઈ લેવું જોઈએ અને ભાજપે શિવસેનાને કેબિનેટમાં વધારે પોર્ટફોલિયો પણ આપવા જોઈએ. મહારાષ્ટ્રમાં શિવસેના વિના ભાજપ સરકાર બનાવી શકે એમ નથી. તો શિવસેનાને પણ ભાજપ વિના ચાલી શકે એમ નથી. એટલે મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના અને આરપીઆઈની સરકાર બનાવવા માટે આ પગલું જરૂરી છે.

તેમણે કહ્યું કે ભાજપ અને શિવસેના વચ્ચે 32 વર્ષથી જોડાણ ચાલી રહ્યું છે. અને વખતની ચૂંટણીમાં ભાજપને શિવસેના કરતાં વધારે સીટ મળી છે. એટલે સ્વભાવિક છે કે મુખ્યમંત્રી ભાજપનો જ બની શકે છે. મુખ્યમંત્રી પદ માટેનો દાવો અને ફિફ્ટી-ફિફ્ટી ફોર્મ્યુલાની મમત શિવસેનાએ છોડી દેવી જોઈએ.

મહારાષ્ટ્રમાં કોઈ દુષ્યંત નથી, શા માટે શિવસેનાના નેતા સંજય રાઉતે આવું કહ્યું?

મહારાષ્ટ્રમાં સરકારની રચના અંગે ભાજપ અને શિવસેના વચ્ચે આંતરિક ઝઘડા વચ્ચે શિવસેનાના નેતાનું મોટું નિવેદન આવ્યું છે. જ્યારે સાંસદ અને પાર્ટીના મુખ્ય પ્રવક્તા સંજય રાઉતને જ્યારે પૂછવામાં આવ્યું કે, ચૂંટણી પૂર્વે ભાજપ સાથે જોડાણ હોવા છતાં સરકાર બનાવવામાં કેમ વિલંબ થાય છે, ત્યારે તેમણે ભાજપ પર નિંદા કરતાં કહ્યું કે અહીં કોઈ દુષ્યંત નથી, જેના પિતા જેલમાં હોય. અહીં આપણે ધર્મ અને સત્યની રાજનીતિ કરીએ છીએ.

સંજય રાઉતે કહ્યું કે શરદ પવારે ભાજપ અને કોંગ્રેસ વિરુદ્ધ વાતાવરણ બનાવ્યું છે. તેઓ ક્યારેય ભાજપ સાથે નહીં જાય. શિવસેનાના નેતા રાઉતે કહ્યું કે ઉદ્ધવ ઠાકરેએ કહ્યું છે કે અમારી પાસે વધુ વિકલ્પો છે, પરંતુ અમે તે વિકલ્પને સ્વીકારીને પાપ કરવા માંગતા નથી. શિવસેનાએ હંમેશા સત્યનું રાજકારણ કર્યું છે. શિવસેના સત્તા ભૂખી નથી.

શિવસેના અઢી વર્ષ માટે પોતાના મુખ્યમંત્રીની માગણી પર મક્કમ છે. ત્યાંજ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું છે કે, પાંચ વર્ષમાં હું જ મુખ્યમંત્રી બનીશ. ફડણવીસના નિવેદન બાદ શિવસેનાએ ભાજપ સાથેની મીટીંગ રદ્દ કરી દીધી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ, ગૃહમંત્રી અમિત શાહ શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાત કરી શકે છે. જો ઉદ્ધવ ઠાકરેની સાથેની બેઠકમાં વાત નહીં બને તો પછી ધારાસભ્યોની બેઠકો બાદ ફડણવીસ રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી સાથે મળીને સરકાર ગઠનનો દાવો કરી શકે છે.

અત્રે નોંધનીય છે કે હરિયાણામાં ભાજપને ટેકો આપનારી દુષ્યંત ચૌટાલાની જેજેપીના નેતા દુષ્યંત ચૌટાલા છે. તેમના પિતા જેલમાં છે. ભાજપને સમર્થન આપ્યા બાદ દુષ્યંત ચૌટાલાના પિતાને જેલમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. સંજય રાઉતે આ બાબત તરફ આવી રીતે કટાક્ષ કર્યો હતો.

મધ્યપ્રદેશ: રીવામાં બજરંગ દળના કાર્યકરનું ગળું રહેંસી હત્યા

સોમવારે મધ્ય પ્રદેશના રીવામાં ગોવિંદગઢ પોલીસ સ્ટેશનની ગલ્લા મંડી માર્કેટમાં યુવકની ગળું રહેંસીને હત્યા કરવામાં આવી હતી. સોમવારે રાત્રે આ હત્યાકાંડ બાદ વિસ્તારમાં આક્રોશ ફેલાયો હતો. મળતી માહિતી મુજબ મૃતક વિકાસ ગુપ્તા બજરંગદળ સાથે સંકળાયેલો હતો. પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહનો કબ્જોલીધો હતો. ફોરેન્સિક ટીમે ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી હતી.

પોલીસના જણાવ્યા મુજબ મૃતક વિકાસ ગુપ્તા તેની દુકાન પર બેઠો હતો. ત્યારબાદ અજાણ્યા શખ્સો દુકાનમાં ઘૂસી ગયા હતા અને વિકાસનું ગળું દબાવ્યું હતું અને તેની હત્યા કરી હતી. વિકાસ સ્ટેશનરીની દુકાન ચલાવતો હતો. હત્યાનું કારણ હજી જાણવા મળ્યું નથી. આ ઘટનાથી નારાજ પરિવારના સભ્યો અને વેપારીઓએ બજાર બંધ રાખ્યું હતું અને તેનો વિરોધ કર્યો હતો. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.