લોકોને રાજકીય દાનનો સ્ત્રોત જાણવાનો હક્ક નથીઃ કેન્દ્ર સરકારનું સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું

ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડની અધ્યક્ષતા હેઠળની પાંચ ન્યાયાધીશોની ખંડપીઠ બેંચ 31 ઓક્ટોબરે એટલે કે આવતીકાલે ચૂંટણી બોન્ડ કેસની સુપ્રીમ કોર્ટ સુનાવણી કરશે. ત્યારે આ સુનાવણી પહેલા એટર્ની જનરલ આર.વેંકટરમણીએ સુપ્રીમ કોર્ટેને કહ્યું કે, રાજકીય પક્ષોને મળેલા ફંડનો સ્ત્રોત જાણવાનો મૂળભૂત અધિકાર બંધારણે નાગરિકને આપ્યો નથી.

એટર્ની જનરલ આર.વેંકટરમણીએ કહ્યું કે, બંધારણે આ બોન્ડનો સોર્સ જાણવાનો મૂળભૂત અધિકાર નાગરિકને આપ્યો નથી. ચૂંટણી બોન્ડ યોજના કોઈપણ વ્યક્તિના વર્તમાન અધિકારનું ઉલ્લંઘન કરતી નથી. તેમજ વધુમાં કહ્યું કે, ચૂંટણી બોન્ડ પોલિસી ફંડ આપનારાઓની પ્રાઈવસીનો લાભ આપે છે, જે વર્તમાન અધિકારોનું ઉલ્લંઘન નથી.

ચૂંટણી બોન્ડ સ્કીમ હેઠળ બોન્ડ ખરીદીને કોઈપણ રાજકીય પક્ષને દાન આપી શકાય છે. બોન્ડ કોઈપણ વ્યક્તિ, કંપની અથવા પેઢી દ્વારા ખરીદી શકાય છે. જો કે, વ્યક્તિ ભારતીય નાગરિક હોવી જોઈએ અથવા કંપની ભારતમાં સ્થિત હોવી જોઈએ. તેનો હેતુ રાજકીય પક્ષોને દાન આપવાનો છે.

મૂકેશ અંબાણીને ફરી એકવાર મળી મોતની ધમકીઃ હવે 400 કરોડ માંગ્યા, બેલ્જિયમથી મેઈલ કરાયો

મુકેશ અંબાણીને અઠવાડિયામાં જ ત્રીજી વખત મોતની ધમકી મળી છે અને હવે 200 નહીં 400 કરોડ માંગ્યા છે. આ પહેલા 20 કરોડ અને 200 કરોડ માંગ્યા હતાં, પ્રાથમિક તપાસમાં આ મેઈલ બેલ્જિયમથી આવ્યો હોવાનું ખૂલ્યું છે.

દેશના ઉદ્યોગપતિઓમાંથી મુકેશ અંબાણીને એક અઠવાડિયામાં ત્રીજી વખત જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. ધમકી આપનારે પહેલા બે વખતમાં 20 કરોડ અને ત્યારપછી ર૦૦ કરોડ રૃપિયાની ખંડણી માંગી હતી, ત્યારે હવે તેણે 400 કરોડ રૃપિયાની ખંડણી માંગી છે.

મુકેશ અંબાણીને આ પહેલા શનિવારે ઈમેઈલ કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને 20 કરોડ રૃપિયા માંગ્યા હતાં. આ ઉપરાંત બીજા દિવસે એ જ ઈમેઈલ દ્વારા ફરીવાર ધમકી આપીને રૃપિયા 200 કરોડની ખંડણી માંગી હતી. ત્યારે હવે ધમકી આપનાર વ્યક્તિએ અંબાણી પાસેથી 400 કરોડ રૃપિયાની ખંડણી માંગી છે.

ઉલ્લેખનીય છે કે, અઠવાડિયામાં આ ત્રીજી વખત મુકેશ અંબાણીને ધમકી આપી છે. છેલ્લા ઈમેઈલમાં ખંડણી માંગનાર વ્યક્તિએ લખ્યું છે કે, હવે અમે અમારી માંગ વધારીને 400 કરોડ કરી દીધી છે અને જો પોલીસ મને ન શોધી શકે તો તે મારી ધરપકડ પણ કરી શકશે નહીં. હાલ મહારાષ્ટ્રની સાયબર ક્રાઈમ સેલ અને ક્રાઈમ બ્રાંચ તપાસ કરી રહી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં આ મેઈલ બેલ્જિયમથી આવ્યો હોવાનું સામે આવ્યું છે.

આ અગાઉ ધમકી આપનાર વ્યક્તિએ મુકેશ અંબાણીની કંપનીના ઈમેઈલ આઈડી પર મોકલેલા મેસેજમાં લખ્યું હતું કે, જો તમે અમને 20 કરોડ રૃપિયા નહીં આપો તો અમે તમને જાનથી મારી નાખીશું. અમારી પાસે ભારતમાં બેસ્ટ શૂટર્સ છે. આ ઈમેઈલ મળ્યાં બાદ મુકેશ અંબાણીના સિક્યોરિટી ઈન્ચાર્જની ફરિયાદ પર મુંબઈની ગામ દેવી પોલીસે અજાણ્યા વ્યક્તિ સામે આઈપીસીની કલમ 387 અને 506 (2) હેઠળ કેસ નોંધ્યો હતો.

સાયબર એટેક: ડાર્ક વેબ પર 81.5 કરોડ જેટલા ભારતીયોનો પર્સનલ ડેટા લીક

ભારતમાં સૌથી મોટો સાયબર એટેક થતાં ૮૧.પ કરોડ ભારતીયોનો આધાર ડેટા લીક થયાનો દાવો એક અમેરિકન સાયબર સુરક્ષા ફોર્મે કર્યો છે, જે ચિંતાજનક છે.

આજના આ આધુનિક સમયમાં પર્સનલ ડેટા સોના કરતા પણ વધુ કિંમતી માનવામાં આવે છે. એવામાં અમેરિકાએ રજૂ કરેલ એક અહેવાલ ભારત માટે ચિંતાજનક છે. અમેરિકાના એક સાયબર સુરક્ષા ફોર્મએ એવો દાવો કર્યો છે કે, લગભગ ૬૧.પ કરોડ ભારતીયોનો પર્સનલ ડેટા ડાર્ક વેબ પર લીક થયો છે. એવો દાવો કરવામાં આવે છે કે આ ડેટા નામ, ફોન નંબર, એડ્રેસ, આધાર કાર્ડ અને પાસપોર્ટની જાણકારી સહિત ડેટાની ઓનલાઈન વહેંચણી માટે લીક કરવામાં આવ્યો છે. આ અહેવાલ અનુસાર ડાર્ક વેબની આઈડી દ્વારા એક વ્યક્તિએ બ્રીચ ફર્મ પર એક થ્રેડ પોસ્ટ રજૂ કરી ૮૧.પ કરોડ ભારતીયોના આધાર અને પાસપોર્ટના ડેટાને વહેંચવાની ઓફર કરી હતી. આ અહેવાલમાં તો એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે, હન્ટર યુનિટના તપાસકર્તાઓએ ધમકી આપનાર વ્યક્તિ સાથે સંપર્ક કર્યો હતો, જેમાં માહિતી સામે આવી છે કે, ભારતીય આધાર કાર્ડ અને પાસપોર્ટના ડેટાબેઝ ૮૦,૦૦૦ ડોલરમાં વેચાયો છે.

સૂત્રોને ટાંકીને આવી રહેલા અહેવાલો મુજબ હાલ સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન દ્વારા આ હેકરની શોધ ચાલી રહી છે. અમુક એવા અહેવાલો સામે આવ્યા છે કે, લીક થયેલ ડેટાબેઝ સાથે સંબંધિત હોઈ શકે છે. એક ટ્વિટર યુઝરે તો એવો પણ દાવો કર્યો કે, એક અજાણ હેકર દ્વારા ૮૦ કરોડથી વધુ ભારતીયોના કોવિડ-૧૯ ના ડેટાબેઝને લીક કર્યો છે. આ ભારતમાં સૌથી મોટો ડેટા લીક થયાનો મામલો છે. લીક થયેલા ડેટામાં નામ, પિતાનું નામ, ફોન નંબર, પાસપોર્ટ નંબર, આધાર નંબર, વ્યક્તિની ઉંમરનો સમાવેશ થાય છે. આ પહેલા જૂનમાં પણ એવી વાતો સામે આવી હતી કે, કોવિન વેબસાઈટ પરથી વીવીઆઈપી સહિત વેક્સિન લીધેલ વ્યક્તિના પર્સનલ ડેટા ટેલિગ્રામ ચેનલમાં લીક થયાની માહિતી પછી સરકારે ડેટા ભંગની તપાસનો આદેશ રજૂ કર્યો હતો.

મહારાષ્ટ્રમાં મરાઠા આંદોલન બન્યુ હિંસક, બીડમાં કરફ્યૂ, બસોમાં તોડફોડઃ ઈન્ટરનેટ બંધ

મહારાષ્ટ્રમા મઠારા આંદોલન હિંસક બન્યું છે. બીડમાં કરફયુ લાદવામાં આવ્યો છે. આ કારણે હવે શિંદે સરકાર ફિકસમાં મુકાઈ ગઈ છે. મનોજ જરાંગેની ભૂખ હડતાલના છઠ્ઠા દિવસે મુખ્યમંત્રીએ આ મુદ્દે વાતચીત કરી હતી. આજે આ મુદ્દે વટહૂકમ અંગે નિર્ણય લેવાઈ શકે છે.

મહારાષ્ટ્રમાં મરાઠા આરક્ષણ હિંસક બન્યંુ છે. સૌથી વધુ અસરગ્રસ્ત બીડ જિલ્લામાં સાવચેતીના પગલાં તરીકે કફર્યુ લાદવામાં આવ્યો છે. ઈન્ટરનેટ પણ બંધ કરી દેવામાં આવ્યું છે. જાલનામાં છેલ્લા ૧ર કલાકમાં ત્રણ લોકોએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન, શિંદે સરકાર આખી રાત સક્રિય સ્થિતિમાં રહી. મોડી રાત્રે સીએમ એકનાથ શિંદે અને ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે મિટિંગ કરી હતી.

સુત્રોના જણાવ્યા અનુસાર સરકાર આજે બપોર સુધીમાં કેબિનેટની મિટિંગ બોલાવી શકે છે. આમાં તે તે વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવા પર વિચાર કરી શકે છે. સરકાર મરાઠાઓને અનામત આપવા માટે વટહૂકમ પણ લાવી શકે છે. મરાઠા આરક્ષણ આંદોલનના નેતા મનોજ જરાંગે જાલનાના અંતરૌલીમાં ૬ દિવસથી ભૂખ હડતાળ પર છે. આજે સવારે મુખ્યમંત્રીએ તેમની સાથે વાત કરી હતી. આ પછી તેણે પાણી પીધું હતું.

રાજ્યમાં બે દિવસમાં રાજ્ય પરિવહન નિગમની ૧૩ બસોમાં તોડફોડ કરવામાં આવી છે. જેના કારણે રપ૦ પૈકી ૩૦ ડેપો બંધ કરવા પડ્યા હતાં. પથ્થરબાજી બાદ પુણે-બીડ બસ સેવા બંધ કરી દેવામાં આવી છે. સોમવારે રાત્રે મરાઠા સમુદાયના વિરોધીઓએ બીડ બસ ડેપોમાં તોડફોડ કરી હતી. એક હજાર જેટલા લોકોના ટોળાએ ડેપોમાં ઘૂસી ૬૦થી વધુ બસોના કાચ તોડી નાખ્યા હતાં. સ્ટેશનનો કંટ્રોલ રૃમ પણ તૂટી ગયો હતો.

રાજ્યમાં ૧૧ દિવસમાં ૧૩ લોકોએ આત્મહત્યા કરી છે. હિંગોલીના શિવસેના શિંદે જૂથના સાંસદ હેમંત પાટીલે મરાઠા આરક્ષણના સમર્થનમાં રાજીનામું આપી દીધું છે. જો કે હજુ સુધી રાજીનામું સ્વીકાર્યું નથી.

લાતુરમાં ઘણા મેડિકલ વિદ્યાર્થીઓ પણ મરાઠા આરક્ષણની માગ સાથે ભૂખ હડતાળ પર બેઠા છે. કાર્યકર્તા મનોજ જરાંગેની અપીલ પર, રવિવાર ર૯ ઓકટોબરે મરાઠા ક્રાંતિ મોરચાના ૬ કાર્યકરો અનિશ્ચિત સમયની ભૂખ હડતાળ પર બેઠા હતાં.

મુખ્યમંત્રી શિંદેએ કહ્યું હતું કે મરાઠા આરક્ષણ મુદ્દે ૩ સભ્યોની સમિતિની રચના કરવામાં આવશે, જે રાજ્ય સરકારને સુપ્રિમ કોર્ટમાં મરાઠા આરક્ષણ પર કયુરેટિવ પિટિશન દાખલ કરવા અંગે સલાહ આપશે. આ સમિતિની અધ્યક્ષતા જસ્ટિસ સંદીપ શિંદે (નિવૃત્ત) કરશે. આ મુદ્દો ઘણો જુનો છે. દેવેન્દ્ર ફડણવીસે જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે તેઓએ મરાઠાઓને અનામત આપી હતી, પરંતુ કમનસીબે સુપ્રિમ કોર્ટ તેને રદ કરી હતી અમે એક કમિટિ બનાવી છે. રિપોર્ટ ટૂંક સમયમાં આવશે.

 

સ્ટેચ્યુ ઓફ યુનિટિમાં સરદાર પટેલને પુષ્પાંજલિ અર્પણ કરતા PM મોદી, 160 કરોડના વિકાસ પ્રોજેક્ટોના ખાતમૂહુર્ત-લોકાર્પણ

દેશના પ્રથમ ગૃહમંત્રી સરદાર પટેલની જયંતી આજે રાષ્ટ્રીય એક્તા દિવસ સ્વરૃપે ઉજવાઈ રહી છે. વડાપ્રધાને કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી જઈ સરદાર પટેલને શત શત નમન કર્યા. એક્તા નગરમાં લોકોને રાષ્ટ્રીય એક્તા દિવસના શપથ લેવડાવ્યા હતાં. તેમણે કહ્યું કે, કાશ્મીરમાં હવે શાંતિનો સૂરજ ઉગ્યો છે, અને દેશમાં ગરીબો ઘટ્યા છે. આઈપીસીની જગ્યાએ હવે ભારતીય ન્યાય સંહિતા અમલી બનશે. તેનો ઉલ્લેખ કરીને વડાપ્રધાને સરદાર વલ્લભભાઈ પટેલની મુક્તકંઠે પ્રશંસા કરી હતી.

આજે વડાપ્રધાન મોદીએ સરદાર પટેલને શ્રદ્ધાંજલિ આપવા અને રાષ્ટ્રીય એક્તા દિવસની પરેડ નિહાળવા ગુજરાતના કેવળિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. આ પરેડમાં બોર્ડર સિક્યુરિટી ફોર્સ અને રાજ્ય પોલીસની વિવિધ ટૂકડીઓએ ભાગ લીધો હતો.

કાર્યક્રમને સંબોધતા મોદીએ કહ્યું કે, તુષ્ટિકરણની રાજનીતિ દેશના વિકાસમાં અવરોધરૃપ છે. તુષ્ટિકરણ કરનારા લોકો માનવતાના દુશ્મનો સાથે ઊભા રહેતા અચકાતા નથી. તુષ્ટિકરણની માનસિક્તા એટલી ખતરનાક છે કે તેઓ આતંકવાદીઓને બચાવવા કોર્ટમાં પહોંચે છે. કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીને બન્યાને આજે પાંચ વર્ષ થઈ ગયા છે.

વડાધાન મોદીએ ૩૧ ઓક્ટોબર ર૦૧૮ ના સરદાર પટેલને સમર્પિત સ્ટેચ્યુ ઓફ યુનિટીનું ઉદ્ઘાટન કર્યું હતું. આ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે, જેની ઊંચાઈ ૧૮ર મીટર છે. આજે વડાપ્રધાને ૧૬૦ કરોડના વિકાસ પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું હતું. ૧૮૭પ માં ગુજરાતમાં જન્મેલા સરદાર વલ્લભભાઈ પટેલ વકીલ હતાં. તેઓ સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન કોંગ્રેસના અગ્રણી નેતા અને મહાત્મા ગાંધીના સહયોગી તરીકે ઉભરી આવ્યા હતાં. તેઓ સ્વતંત્ર ભારતના પ્રથમ ગૃહમંત્રી બન્યા. સેંકડો રજવાડાઓને સરકારમાં ભેળવી દેવાનો શ્રેય તેમને જાય છે.

વડાપ્રધાને આ પ્રસંગે સંબોધન કરતા વધુમાં કહ્યું કે, દુનિયા ભારતની પ્રશંસા કરી રહી છે. વિશ્વની સૌથી મોટી લોકશાહીને નવી ઊંચાઈએ લઈ જવા બદલ અમને ગર્વ છે. અમને ગર્વ છે કે વિશ્વ જ્યારે યુદ્ધ અને અન્ય સંકટનો સામનો કરી રહ્યું છે ત્યારે પણ આપણી સરહદો સુરક્ષિત છે. ભારતીયોને ગર્વ છે કે ટૂંક સમયમાં આપણે વિશ્વની ત્રીજી સૌથી મોટી આર્થિક શક્તિ બનવા જઈ રહ્યા છીએ. અમૃતકાળ દરમિયાન ભારતે ગુલામીની માનસિક્તા છોડીને આગળ વધવાનો સંકલ્પ લીધો છે. આપણે આપણા વારસાનો વિકાસ અને જતન કરી રહ્યા છીએ. ભારતે તેના નૌકા ધ્વજમાંથી ગુલામીનું પ્રતીક હટાવી દીધું છે. ગુલામીના જમાનામાં બનેલા બિનજરૃરી કાયદાઓ પણ દૂર કરવામાં આવી રહ્યા છે. ભારતીય ન્યાયિક સંહિતા પણ આઈપીસી દ્વારા બદલવામાં આવી રહી છે. જ્યાં એક સમયે ઈન્ડિયા ગેટ પર વિદેશી શક્તિના પ્રતિનિધિની પ્રતિમા હતી. ત્યાં હવે નેતાજી સુભાષની પ્રતિમા આપણને પ્રેરણા આપી રહી છે. ૧પ મી ઓગસ્ટે દિલ્હીના લાલ કિલ્લામાં યોજાનાર કાર્યક્રમ, ર૬ મી જાન્યુઆરીએ દિલ્હીના દૂતવા પથ પર પરેડ અને ૩૧ મીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની હાજરીમાં મા નર્મદાના કિનારે રાષ્ટ્રીય એક્તા દિવસનો મુખ્ય કાર્યક્રમ, ઓક્ટોબર, રાષ્ટ્રીય ઉત્થાનની ત્રિમૂર્તિ બની છે.

વડાપ્રધાને કહ્યું કે, આપણે ચૂંટણીની મોસમમાં છીએ અને આવતા વર્ષે લોકસભાની ચૂંટણી છે. કેટલાક રાજકીય પક્ષો માત્ર તુષ્ટિકરણને કારણે હકારાત્મક રાજકારણમાં માનતા નથી. તેઓ માત્ર પોતાની રાજનીતિ માટે દેશની સુરક્ષા સાથે સમાધાન કરવા તૈયાર છે. તેઓ તેમની નકારાત્મક રાજનીતિને કારણે દેશ પર તોળાઈ રહેલા જોખમ વિશે વિચારવા તૈયાર નથી. આવા લોકો અને તેમની વિભાજનકારી રાજનીતિથી રાષ્ટ્રએ સજાગ અને જાગૃત રહેવાની જરૃર છે. આપણી વિકાસ યાત્રામાં રાષ્ટ્રીય એક્તાના માર્ગમાં સૌથી મોટો અવરોધ તુષ્ટિકરણની રાજનીતિ છે. ભારતના છેલ્લા કેટલાક દાયકાઓ એ હકીકતના સાક્ષી છે કે તુષ્ટિકરણ કરનારાઓ ક્યારેય આતંકવાદ, તેની ભયાનક્તા અને ભયંકરતાને જોતા નથી. તુષ્ટિકરણ કરનારા લોકો માનવતાના દુશ્મનો સાથે ઊભા રહેતા અચકાતા નથી. તેઓ આતંકવાદી પ્રવૃત્તિઓની તપાસમાં અવગણના કરે છે અને રાષ્ટ્રવિરોધી તત્ત્વો સામે કડક કાર્યવાહી કરવાનું ટાળે છે.

તુષ્ટિકરણનો આ વિચાર એટલો ખતરનાક છે કે તે આતંકવાદીઓને બચાવવા કોર્ટ સુધી પહોંચે છે. આવી વિચારસરણી કોઈપણ સમાજ કે દેશનું ભલુ કરી શકતી નથી.

આજે વડાપ્રધાનના હસ્તે  જે પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું તેમાં એક્તા નગરથી અમદાવાદ સુધીની હેરિટેજ ટ્રેન, નર્મદા આરતી લાઈવ માટેનો પ્રોજેક્ટ, કમલમ્ પાર્ક, સ્ટેચ્યુ ઓફ યુનિટી સંકુલની અંદર એક વોક-વે, ૩૦ નવી ઈ-બસ, ર૧૦ ઈ-સાઈકલ અને અનેક ગોલ્ફ કાર્ટ છે. એક્તાનગરમાં સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક અને ગુજરાત રાજ્ય સહકારી બેંકના ‘સહકાર ભવન’નો સમાવેશ થાય છે. કેવડિયામાં સોલાર પેનલ સાથે ટ્રોમા સેન્ટર અને પેટા જિલ્લા હોસ્પિટલનો શિલાન્યાસ પણ થયો છે.

આ પહેલા પીએમ મોદીએ પણ એક્સ પર પણ એક પોસ્ટ લખીને સરદાર વલ્લભભાઈ પટેલને યાદ કર્યા હતાં અને કહ્યું હતું કે, સરદાર પટેલની જન્મ જયંતી પર આપને તેમની અદમ્ય ભાવના, દૂરંદેશી રાજનેતા અને અસાધારણ સમર્પણને યાદ કરીએ છીએ. જેનાથી તેમણે આપણા દેશનું ભાગ્ય ઘડ્યું હતું. રાષ્ટ્રીય એક્તા પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા આપણને માર્ગદર્શન આપે છે. તેમની સેવા માટે અમે હંમેશાં ઋણી રહીશું.

આ પ્રસંગે વડાપ્રધાને વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના મિશનને પાર કરવાનો રોડ મેપ પણ રજૂ કર્યો હતો. આજે સમગ્ર દેશમાં રાષ્ટ્રીય એક્તા દિવસની ઉજવણી થઈ રહી છે, ત્યારે વડાપ્રધાને સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં સરદાર પટેલના વિશાળ સ્ટેચ્યુના ચરણ સ્પર્શ કરીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. તેમણે એક્તા પરેડનું પણ નિરીક્ષણ કર્યું હતું, તો કેવડિયામાં અનેક વિકાસકાર્યોનું લોકાર્પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે થયું છે.

ઉલ્લેખનિય છે કે, આજે સરદાર વલ્ભભાઈ પટેલની ૧૪૯ મી જન્મ જયંતી છે ત્યારે દેશને એક કરનાર સરદારને અંજલિ આપવા માટે તેમને જન્મદિવસ એક્તા દિવસ તરીકે ઉજવાય છે. વર્ષ ર૦૧૯ થી ૩૧ ઓક્ટોબરે એક્તા દિવસ ઉજવવાની જાહેરાત કેન્દ્ર સરકારે કરી હતી. દર વર્ષે એક્તા દિવસ પણ કેવડિયા સહિત રાજ્યભરમાં કાર્યક્રમોનું આયોજન થાય છે. એક્તા દિવસે કેવડિયામાં ખાસ પરેડ કરવામાં આવે છે. આ વખતે આ પરેડમાં પ્રધાનમંત્રી મોદી હાજરી આપી રહ્યા છે. ગુજરાતના એક્તાનગરમાં સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી નિમિત્તે કાર્યક્રમને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુમાં કહ્યું હતું કે, આવનારા રપ વર્ષ ભારત માટે આ સદીના સૌથી મહત્ત્વપૂર્ણ રપ વર્ષ છે. આપણે સમૃદ્ધ બનવાનું છે. વિકસિત બનવાનું છે. છે. અમૃતકાળમાં ભારતે ગુલામીની માનસિક્તા છોડીને આગળ વધવાનો સંકલ્પ કર્યો છે. આપણે આપણી વિરાસતને સાચવવાની સાથે સાથે વિકાસ પણ કરી રહ્યા છીએ. ભારતે તેના નૌકા ધ્વજ પરથી ગુલામીનું પ્રતીક હટાવી દીધું છે. ગુલામી યુગમાં બનેલા બિનજરૃરી કાયદાઓને પણ હટાવવામાં આવી રહ્યા છે. જ્યાં એક સમયે ઈન્ડિયા ગેટ પર વિદેશી સત્તાના પ્રતિનિધિની પ્રતિમા હતી ત્યાં હવે નેતાજી સુભાષની પ્રતિમા આપણને પ્રેરણા આપી રહી છે.

વિશ્વ ભારતની પ્રશંસા કરી રહ્યું છે. વિશ્વની સોથી મોટી લોકશાહીને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે ભારતીયોને ગર્વ છે. અમને ગર્વ છે કે વિશ્વ જ્યારે યુદ્ધ અને અન્ય સંકટનો સામનો કરી રહ્યું છે ત્યારે પણ આપણી સરહદો સુરક્ષિત છે. આપણને ગર્વ છે કે અમે ટૂંક સમયમાં વિશ્વની ત્રીજી સૌથી મોટી આર્થિક શક્તિ બનીશું.

દેશના અન્ય રાજ્યોમાં પાછલા 49 વર્ષથી કાર્યરત સંગીથા મોબાઈલ અમદાવાદમાં 20 નવા સ્ટોર્સ શરૂ કરશે

પાછલા 49 વર્ષથી કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણા, તમિલનાડુ, પોંડિચેરી અને ગોવામાં ગ્રાહકોના હૃદયમાં ગુંજતા નામ સંગીથા મોબાઈલ્સે હવે ગુજરાતના અમદાવાદમાં તેની હાજરી વિસ્તારી છે. 1974ના વારસા સાથે, આ સુપ્રસિદ્ધ બ્રાન્ડે અમદાવાદમાં 20 નવા સ્ટોર ખોલ્યા છે, જે ગ્રાહકોના ઘરઆંગણે નવીનતાની દુનિયા લાવે છે.

આ 20 નવા સ્ટોર મોટેરા, ચાંદખેડા, ન્યુ રાણીપ, ધોળકા, વાસણા, નવા નારોલ, ઈસનપુર, મણિનગર, કૃષ્ણનગર-2, વિરાટનગર, મેઘાણીનગર, વસ્ત્રાલ, નવા નરોડા, સ્વસ્તિક ચાર રસ્તા, ઉસ્માનપુરા, આશ્રમ રોડ, ગુરુકુલ, બોડકદેવ, સાઉથ બોપલ અને સાણંદ સહિતના અગ્રણી વિસ્તારોમાં છે જે ગ્રાહકોના ઘર સુધી સંગીથા મોબાઈલની સુવિધા લાવી રહ્યા છે.

સંગીથા મોબાઈલ્સની સફળતાનો આધાર તેણે તેના ગ્રાહકોમાં કેળવેલા વિશ્વાસમાં રહેલો છે. પરંપરાગત ફ્રેન્ચાઈઝી મોડલથી દૂર જઈને, સંગીથા મોબાઈલ્સ હવે કંપનીની માલિકીના અને તેના દ્વારા સંચાલિત માળખા થકી તેના તમામ સ્ટોર્સમાં સમાન ગુણવત્તા અને સેવાની ખાતરી આપે છે.

સંગીથા અમદાવાદમાં તેના ગ્રાહકો માટે આકર્ષક ઓફરો ધરાવે છે. તેઓ અગ્રણી પ્રાઇસ ડ્રોપ પ્રોટેક્શન પોલિસી ધરાવે છે, જે બજારમાં વિશ્વસનીયતાનું પ્રતીક છે. અવારનવાર નવા મોડલ રિલીઝ અને સ્પર્ધાત્મક કિંમતોને કારણે સતત વધઘટ થતી કિંમતો માટે જાણીતા ઉદ્યોગમાં, સંગીથા એક અનોખી સુરક્ષા પ્રદાન કરે છે. જો ખરીદેલ ફોનની કિંમતમાં ઘટાડો થાય છે, તો સંગીથા વ્યક્તિગત રીતે તેમના ગ્રાહકોનો સંપર્ક કરે છે અને કિંમતના તફાવતની રકમ રિફંડ કરે છે. આ નીતિ 2015માં રજૂ કરવામાં આવી હતી અને તેનાથી 3 લાખથી વધુ ગ્રાહકોને લાભ થયો છે, પરિણામે તેના મૂલ્યવાન ગ્રાહકોને કુલ 33 કરોડનું કેશબેક મળ્યું છે.

ગ્રાહક સંતુષ્ટિ સુનિશ્ચિત કરવા માટે કંપનીની પ્રતિબદ્ધતા આ ઓફર દ્વારા સ્પષ્ટ થાય છે, કારણ કે જો ફોનની કિંમતમાં ઘટાડો થાય તો તફાવતના રકમ રિફંડ કરવાની ખાતરી આપે છે, પછી ભલે તે રૂ. 500નો નજીવો ઘટાડો હોય કે રૂ. 10,000નો નોંધપાત્ર ઘટાડો. દેશમાં ક્યારેય કોઈ આ રીતે તેમના ગ્રાહકોને સેવા આપી શક્યું નથી.

સંગીથા મોબાઈલ અકસ્માતે ફોન પડી જવાથી કે લિક્વિડ ડેમેજના લીધે ફિઝિકલ ડેમેજને આવરી લઈને વ્યાપક ડેમેજ પ્રોટેક્શન પણ પ્રદાન કરે છે. આનો અર્થ એ છે કે ગ્રાહકો ખર્ચની માત્ર 30% રકમ ચૂકવીને તેમના ફોનને કોઈ સવાલ પૂછ્યા વિના બદલી શકે છે. બાકીના 70% રકમ સંગીથા ભોગવશે જે ગ્રાહક સંતોષ માટે તેમની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

સંગીથા મોબાઈલના ગ્રાહકો રૂ. 10,000 સુધી કેશબેક આપીને લાભદાયી કેશબેક પ્રોગ્રામનો પણ આનંદ લઈ શકે છે. પ્રથમ રૂ. 5,000 તરત જ જમા થઈ જાય છે, વધારાના રૂ. 5,000 તેમની એપ દ્વારા સુવિધા સાથેની આગામી ખરીદી માટે રિડીમ કરી શકાય છે. વધુમાં, સંગીથા પ્રારંભિક કેશબેક સિવાય રૂ. 7,500 સુધીની કેશબેક ઓફર પ્રદાન કરવા માટે બેંકો અને નાણાંકીય સંસ્થાઓ સાથે સહયોગ કરે છે. મર્યાદિત સમયની ઓફરમાં ફક્ત અમદાવાદ માટે જ, સંગીથા પાવર બેંક, ટ્રીમર અને ઇયરફોન જેવી એસેસરીઝ પર ડીલ્સ ઓફર કરે છે.

તેમની કિંમતમાં વિશ્વાસ રાખીને, સંગીથા મોબાઇલ્સ પ્રાઇસ મેચ ગેરંટી ઓફર કરે છે. સંગીથા મોબાઈલ એ સુનિશ્ચિત કરે છે કે જો ગ્રાહકો એમેઝોન અથવા ફ્લિપકાર્ટ જેવા પ્લેટફોર્મ પર કોઈ કિંમતે પ્રોડક્ટ શોધે છે તો તેઓ તે કિંમત સાથે મેળ ખાશે અથવા તો તેને મ્હાત આપશે. વધુમાં, સંગીથા મોબાઈલ 24-મહિનાનો શૂન્ય ટકા વ્યાજના ઈએમઆઈનો વિકલ્પ ઓફર કરે છે જે ગ્રાહકો માટે હાઈ-એન્ડ ફોનને વધુ સસ્તા બનાવે છે.

તેને એક પગલું આગળ લઈ જતા, સંગીથા મોબાઈલ્સ તેમની વેબસાઈટ અને એપ દ્વારા ડિલિવરી સેવાઓ પ્રદાન કરે છે. ગ્રાહકો તેમના ઘરેથી આરામથી ઓર્ડર આપી શકે છે અને મોબાઇલ નિષ્ણાંત પાસેથી બે કલાકમાં ડિલિવરી મેળવી શકે છે. આ સેવામાં ડેટા ટ્રાન્સફર, ગ્લાસ અથવા ફિલ્મ ફિક્સિંગ અને વિવિધ મૂલ્યવર્ધિત સેવાઓનો પણ સમાવેશ થાય છે જે સ્ટોરમાં ખરીદી કરવાના અનુભવને અનુસરે છે.

અમદાવાદમાં લોન્ચિંગના અનુસંધાનમાં સંગીથા મોબાઈલ્સ મર્યાદિત સમયગાળા માટે વિશિષ્ટ પ્રમોશન રજૂ કરે છે. ગ્રાહકો પાવર બેંક, ટ્રીમર અને ઈયરફોન સહિત એસેસરીઝ પર નોંધપાત્ર ડિસ્કાઉન્ટનો લાભ લઈ શકે છે. આ એસેસરીઝ ગ્રાહકના એકંદર શોપિંગ અનુભવને વધારતા, નોંધપાત્ર રીતે ઓછી કિંમતે ઓફર કરવામાં આવે છે.

અમે જેમ અગાઉ કહ્યું હતું તેમ અમારા ગ્રાહકો માટે લાભોની યાદી અનંત છે.

સંગીથા મોબાઇલ્સની વિશ્વસનીયતા, ગ્રાહક સંતોષ અને મૂલ્ય પ્રત્યેની પ્રતિબદ્ધતા તેમની અનન્ય ઓફરોમાં સ્પષ્ટ છે. જેમ જેમ સંગીથા મોબાઈલ તેની હાજરી વિસ્તરે છે, અમદાવાદમાં વિસ્તારના રહેવાસીઓ આ બ્રાન્ડ પાસેથી ઉત્તમ સેવા અને અવિશ્વસનીય ઓફર્સની અપેક્ષા રાખી શકે છે.

સંગીથા મોબાઈલ વિશે

સંગીથા મોબાઈલ્સ પ્રાઈવેટ લિમિટેડ એ ભારતમાં મોબાઈલ ફોનના અગ્રણી મલ્ટી-બ્રાન્ડ રિટેલર્સમાંની એક છે. વર્ષોથી, સંગીથા મોબાઈલ્સે ગુણવત્તાયુક્ત પ્રોડક્ટ્સ અને નવીન રિટેલ સોલ્યુશન્સ પ્રદાન કરવા માટે વિશિષ્ટ પ્રતિષ્ઠા સાથે, પોતાના માટે એક વિશિષ્ટ સ્થાન બનાવ્યું છે. 1974માં સાધારણ શરૂઆતથી, જ્યારે એલપી નારાયણ રેડ્ડી અને મિત્રો દ્વારા ગ્રામોફોન વેચતી એક દુકાન તરીકે તેની સ્થાપના કરવામાં આવી હતી, ત્યારથી આ બ્રાન્ડ સતત વિકસિત થઈ છે.

સુભાષ ચંદ્રાના ગતિશીલ નેતૃત્વ હેઠળ સંગીથાએ લાંબી મજલ કાપી છે. તેનો ગ્રાહક-કેન્દ્રિત અભિગમ સંગીથાને માત્ર નવી ઊંચાઈઓ પર જ નથી લઈ ગયો પરંતુ મોબાઈલ સેક્ટરમાં તેને સૌથી પ્રિય બ્રાન્ડ પણ બનાવી છે.

આદરણીય ગ્રાહકોએ મૂકેલા વિશ્વાસના લીધે સંગીથા મોબાઈલ 7 રાજ્યોમાં 800 શોરૂમ સાથે 60 મિલિયનથી વધુ આનંદિત ગ્રાહકોને સેવા આપે છે.

આંધ્રમાં બે ટ્રેન અથડાતા 13 ના મોત, 50થી વધુને ઈજા, બન્ને ટ્રેનનાં પાંચ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા

રેલવેમંત્રીએ આર્મસ સિસ્ટમ વિશે વર્ષ ર૦રર માં કરેલો દાવો પોકળ ઠરે તેવી ઘટના બની છે, અને આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ્થી ઉપડેલી બે ટ્રેનો ટકરાતા અત્યાર સુધીમાં ૧૩ લોકોના મૃત્યુ નોંધાયા છે. પ૦ ઘાયલ થયા છે. કેટલાકની સ્થિતિ ગંભીર હોવાથી મૃતાંક વધી શકે છે.

આંધ્રપ્રદેશના વિજિયા નગરમાં જિલ્લામાં રવિવારે સાંજે બે ટ્રેનો અથડાઈ હતી. આ અકસ્માતમાં ૯ મુસાફરોના મોત થયા હતાં, જ્યારે આજે સવારે મૃત્યુઆંક વધીને ૧૩ થયો હતો. આ અકસ્માતમાં પ૦ મુસાફરો ઘાયલ થયા હતાં. આ અકસ્માત વિજિયાનગરમ જિલ્લાના અલામંદા-કંકટપલ્લી વચ્ચે થયો હતો.

રેલવેના જણાવ્યા અનુસાર, વિશાખાપટ્ટનમ-પલાસા પેસેન્જર ટ્રેનને વિશાખાપટ્ટનમ-રાયગડા પેસેન્જર ટ્રેને પાછળથી ટક્કર મારી હતી. ઈસ્ટ કોસ્ટ રેલવેના સીપીઆરઓ વિશ્વજીત સાહુએ જણાવ્યું કે, અકસ્માત માનવીય ભૂલને કારણે થયો હતો. પાછળથી આવી રહેલી વિશાખાપટ્ટનમ-રાયગડા પેસેન્જર ટ્રેનના ડ્રાઈવરે સિગ્નલને ઓવરશોટ કર્યું, જેના કારણે ટક્કર થઈ. આજે સવારે મળતા અહેવાલો મુજબ કેટલાક લોકો ગંભીર સ્થિતિમાં છે.

સુત્રોના જણાવ્યા મુજબ મૃતાંક હજુ વધી શકે છે. વોલ્ટેજ ડિવિઝન રેલવે મેનેજર સૌરભ પ્રસાદે જણાવ્યું હતું કે, આ અથડામણને કારણે બંને ટ્રેનના પાંચ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતાં, જેમાંથી ત્રણ કોચ આગળની ગાડીના અને બે કોચ પાછળની ગાડીના હતાં.

ઈસ્ટકોસ્ટ રેલવેએ ઈમરજન્સી નંબર જારી કર્યા છે. તેમાં ભુવનેશ્વર-૦૬૭૪-ર૩૦૧૬રપ, ર૩૦૧પરપ, ર૩૦૩૦૬૯ અને વોલ્ટર ડિવિઝન-૦૮૯૧-ર૮૮પ૯૧૪ નો સમાવેશ થાય છે.

રેલવેમંત્રીની અશ્વિની વૈષ્ણવે મે ર૦રરમાં ટ્રેનમાં લગાવવામાં આવનાર આર્મર સિસ્ટમ વિશે જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે કવચ એ ઓટોમેટિક રેલ પ્રોટેકશનની ટેકનોલોજી છે. આમા શું થાય છે કે ધારો કે એક જ ટ્રેક પર બે ટ્રેન આકસ્મિક રીતે આવી જાય તો ટ્રેન તેની નજીક આવે તે પહેલા જ આર્મર બ્રેક લગાવી દે છે, જેનાથી અકસ્માત થતો અટકશે.

રેલ મંત્રીના આ નિવેદન બાદ ટ્રેન પાટા પરથી ઉતરી જવાના ઘણાં કિસ્સાઓમાં સામે આવ્યા છે. જેથી તંત્રોનો દાવો પોકળ ઠર્યો છે.

વોલ્ટેર ડિવિઝન રેલવે મેનેજર (ડીઆરએમ)એ જણાવ્યું કે બચાવ કામગીરી ચાલી રહી છે, સ્થાનિક વહીવટીતંત્ર અને એનડીઆરએફને સહાય અને એમ્બ્યુલન્સ માટે જાણ કરવામાં આવી છે. અકસ્માત રાહત ગાડીઓ, ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. તે જ સમયે મુખ્યમંત્રી કાર્યાલયે કહ્યું કે સીએમ વાયએસ જગનમોહન રેડ્ડીએ રાહત કાર્ય માટે તમામ વ્યવસ્થા કરવા કહ્યું છે. એમ્બ્યુલન્સ અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓને ઘટના સ્થળે મોકલવામાં આવી છે.

 

ગુજરાતમાં વડાપ્રધાન મોદીઃ રૂપિયા 5950 કરોડના વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્તઃ લોકાર્પણ કાર્યક્રમ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આજે તેઓના વતનના વિસ્તારોમાં રૃા. પ૯પ૦ કરોડના વિકાસકામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત થયા હતાં. તે પહેલા તેઓએ અંબાજીમાં દર્શન કર્યા હતાં અને રોડ-શો કર્યો હતો. તે પછી ખેરાલુમાં જનસભા સંબોધી હતી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસ ગુજરાતના પ્રવાસે છે. આજે તેઓ માદરે વતન ઉત્તર ગુજરાતના મહેમાન બન્યા છે. પ્રધાનમંત્રીએ સવારે ૧૦-૩૦ વાગે અંબાજી મંદિરમાં પૂજા અને દર્શન કર્યા હતાં. ત્યારપછી ખેરાલુના ડભોડા (કેસરપુરા) ગામે જનસભાને સંબોધન કર્યું હતું. આ ઉપરાંત અહીંથી ઉત્તર ગુજરાત સહિત રાજ્યના સાત જિલ્લાને સીધી રીતે સ્પર્શતા રૃા. પ૯પ૦ કરોડના વિવિધ ૧૬ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત કર્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ ગુજરાત પ્રવાસે છે જેમાં આજે અંબાજીમાં દર્શન પછી ખેરાલુમાં જનસભાને સંબોધન તથા ખેરાલુમાં વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમો પછી તેઓ આવતીકાલે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેશે, જેમાં એસઓયુમાં સરદાર પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે તથા રાષ્ટ્રીય એક્તા દિવસે પરેડ પછી તાલીમાર્થી ઓફિસરને સંબોધશે.

મહેસાણાના ખેરાલુંમા ૯ વર્ષ પછી પીએમ મોદીની સભા યોજાઈ છે. જેમાં પ૮૬૬ કરોડના ૧૬ વિકાસના કામોના થયેલા ખાતમુહૂર્ત-લોકાર્પણો પૈકી મહેસાણા જિલ્લાને ૩૭ર૪ કરોડના ૬ વિકાસના કામો ૩૧પ૪ કરોડના ભાન્ડુ-સાણંદ રેલવે કોરિડોર પ્રોજેક્ટની ૩૭પ કરોડના કટોસન-બહુચરાજી રેલવે લાઈન પ્રોજેક્ટ મળીને કરોડોના ૭ પ્રોજેક્ટના લોકાર્પણ અને ૪ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત થયા છે.

વડાપ્રધાને ખેરાલુની સભામાં કેન્દ્ર સરકારની સિદ્ધિઓ દર્શાવી હતી. ખેરાલુના ડભોડામાં સભાને લઈ લોખંડી સુરક્ષા વ્યવસ્થા કરાઈ હતી. ડભોડામાં વિશાળ સભામંડપ અને ૪ હેલીપેડ તૈયાર કરાયા છે. પીએમ મોદીના કાર્યક્રમને લઈ ખેરાલુમાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત રખાયો હતો.

 

સુપ્રીમ કોર્ટે મનિષ સિસોદિયાની જામીન અરજી ફગાવી: ટ્રાયલ કોર્ટને આપી 6 થી 8 મહિનાની મુદ્દત

દિલ્હીના પૂર્વ ડે. સીએમ મનિષ સિસોદિયાને ઝટકો લાગ્યો છે. સુપ્રિમ કોર્ટે જામીન અરજી ફગાવી દીધી છે. બીજી તરફ સર્વોચ્ચ અદાલતે ઈ.ડી.-સી.બી.આઈ.ને ૬ થી ૮ મહિનામાં ટ્રાયલ કોર્ટને સુનાવણી પૂરી કરવા સૂચવાયું છે, અને જો કાર્યવાહી ધીમી ચાલે તો સિસોદીયા ૩ મહિના પછી જામીન માંગી શકશે.

સુપ્રિમ કોર્ટમાં સોમવારે દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી મનિષ સિસોદિયાની જામીન અરજી પર સુનાવણી થઈ. સુપ્રિમ કોર્ટે સુનાવણી પછી સિસોદિયા તરફથી દાખલ કરવામાં આવેલી જામીન અરજીને નામંજુર કરી દીધી. જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ એસવીએન ભટ્ટીની પીઠે કેન્દ્રિય તપાસ એજન્સી (સીબીઆઈ) અને એન્ફોર્મેશન ડિરેક્ટોરેટ (ઈડી) દ્વારા સિસોદિયા સામે તપાસ કરાઈ રહેલા કેસ પર ચૂકાદો સંભળાવ્યો છે.

સુપ્રિમ કોર્ટે આ પહેલા કથિત દિલ્હી એક્સાઈઝ પોલિસી અને સિસોદિયા સામે કેસોના સંબંધમાં સીબીઆઈ અને ઈડીને કેટલાક સવાલો પૂછ્યા હતાં. સિસોદિયા ફેબ્રુઆરથી જ કથિત લિકર કૌભાંડમાં જેલમાં બંધ છે. સુપ્રિમ કોર્ટે આ મહિનાની શરૃઆતમાં સિસોદિયાની જામીન અરજી પર પોતાનો ચૂકાદો સંભળાવ્યો હતો. સિસોદિયાએ પોતાની સામે બે અલગ-અલગ કેસોમાં જામીન માંગ્યા છે. જેમાંથી એક કેસ સીબીઆઈ અને બીજો કેસ ઈડી એ દાખલ કર્યો છે.

સુપ્રિમ કોર્ટે ભલે સિસોદિયાની જામીન અરજી નામંજુર કરી દીધી હોય, પરંતુ કોર્ટે એ વાતનો આદેશ આપ્યો છે કે, સિસોદિયા સામેના કેસને ૬ થી ૮ મહિનામાં પૂર્ણ કરી દેવો જોઈએ. જો કેસની પ્રક્રિયા ધીમી રહેશે તો સિસોદિયા ૩ મહિનામાં ફરીથી જામીન અરજી કરવા માટે હક્કદાર ગણાશે. તેવામાં હવે એ જોવાનું છે કે, સિસોદિયા શું ફરી ત્રણ મહિના પછી કોર્ટ પહોંચે છે.

સિસોદિયા પર શું છે આરોપ?

જો કે, દિલ્હી લિકર કૌભાંડમાં મનિષ સિસોદિયા ફેબ્રુઆરીથી જેલમાં બંધ છે. ૧૭ ઓક્ટોબરે જ્યારે તેમની જામીન અરજી પર સુનાવણી થઈ તો કોર્ટે પોતાનો ચૂકાદો સુરક્ષિત રાખ્યો હતો. સિસોદિયા પર દિલ્હી લિકર પોલિસીમાં કૌભાંડ અને મની લોન્ડ્રીંગ કરવાનો આરોપ છે. ગત્ સુનાવણીમાં સિસોદિયાના વકીલ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું હતું કે, સિસોદિયા સામે કોઈ પુરાવા નથી અને કૌભાંડ સાથે તેના કોઈ લેવાદેવા નથી. તેમ છતાં પણ તેમને આરોપી બનાવાયા છે.

દિલ્હી લિકર પોલિસી કૌભાંડમાં ધરપકડ કરાયેલા સિસોદિયા એક માત્ર નેતા નથી. હાલમાં જ આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ સંજયસિંહની પણ ઈડી એ ધરપકડ કરી હતી. તેમના તાર પણ ઈડી એ આ કૌભાંડ સાથે જોડ્યા હતાં. સંજયસિંહ પણ હજુ કસ્ટડીમાં જ છે. આમ આદમી પાર્ટીએ પોતાના નેતાઓ પર લાગેલા આરોપોને ફગાવ્યા છે.

હાઇ-ટેક સ્વીટ વોટર કંપનીએ 100 કરોડના બેંક ફ્રોડના આરોપોને નકાર્યા, ડિરેક્ટર વિજય શાહે શું કહ્યું?

હાઇ-ટેક સ્વીટ વોટર ટેક્નોલોજીસ પ્રાઇવેટ લિમિટેડ તેની સામે કરવામાં આવેલ બેંક છેતરપિંડી અને લોન ડિફોલ્ટના પાયાવિહોણા અને બદનક્ષીભર્યા આરોપોને સખત રીતે નકારી કાઢે છે. આ આરોપો સૂચવે છે કે કંપનીના ડિરેક્ટરો બેંક ઓફ બરોડા પાસેથી રૂ. 100 કરોડની લોનમાં કથિત રીતે ડિફોલ્ટ થઈને દેશની બહાર ભાગી ગયા હતા.

આ અંગે માહિતી આપતા હાઇ-ટેક સ્વીટ વોટર ટેક્નોલોજીના ડિરેક્ટર વિજય શાહે પીએનએનને જણાવ્યું હતું કે કશ્યપ ઇન્ફ્રાપ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડના હિરેન ભાવસાર દ્વારા આવા પાયાવિહોણા આક્ષેપો કરવામાં આવ્યા હતા, જેઓ હાઇ-ટેક સ્વીટ વોટર ટેક્નોલોજીસ સાથે વ્યવસાયિક વિવાદોનો ઇતિહાસ ધરાવતી વ્યક્તિ છે. વધુમાં, ભૂતકાળમાં કૈલાશ લોહિયાએ કંપનીના બિહાર વોટર પ્રોજેક્ટમાં છેતરપિંડી કરી હતી. પ્રોજેક્ટ માટે સબ-પાર સોલાર પેનલ્સ/પંપ હિરેન ભાવસાર દ્વારા સપ્લાય કરવામાં આવ્યા હતા. કૈલાશ લોહિયાએ હાઇ-ટેક સ્વીટ વોટર ટેક્નોલોજીસ ગ્રૂપ કંપનીના શેર ગેરકાયદેસર રીતે તેમના નામે ટ્રાન્સફર કર્યા હતા અને તેમની પત્ની દિશા લોહિયાના નામે નોંધપાત્ર ફંડનો દુરુપયોગ કર્યો હતો.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે સુરતની ક્રાઈમ બ્રાન્ચમાં કૈલાશ લોહિયા વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી હતી, જેમણે ખાસ્સા સમય સુધી જેલવાસ ગાળ્યો હતો. હાલમાં કૈલાશ લોહિયા અને દિશા લોહિયા બંને જામીન પર બહાર છે. એવું માનવાનાં કારણો છે કે કૈલાશ લોહિયા, હિરેન ભાવસાર અને અન્ય લોકો સાથે મળીને, હાઇ-ટેક સ્વીટ વોટર ટેક્નોલોજીસની પ્રતિષ્ઠા અને બ્રાન્ડને કલંકિત કરી રહ્યા છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે બેંક ઓફ બરોડાની એસએમઈ બ્રાન્ચ, જ્યાં હાઇ-ટેક સ્વીટ વોટર ટેક્નોલોજીસ તેનું ખાતું ધરાવે છે, તેણે 25 ઓક્ટોબરના રોજ બેંક ખાતાની સંતોષકારક કામગીરીની ઈ મેઈલ પર પુષ્ટિ કરી છે કે હાઇ-ટેક સ્વીટ વોટર ટેક્નોલોજીસના એકાઉન્ટ્સ (કેશ ક્રેડિટ એકાઉન્ટ અને ટર્મ લોન એકાઉન્ટ)માં કોઈ બાકી/ઓવરડ્યૂ રકમ નથી અને આ એકાઉન્ટ્સ “સ્ટાન્ડર્ડ” ક્લાસિફિકેશન ધરાવે છે.

બે કંપનીઓ વચ્ચેના વિવાદોનો ઈતિહાસ રજૂ કરતા, હાઇ-ટેક સ્વીટ વોટર ટેક્નોલોજીના ડિરેક્ટર વિજય શાહે પીએનએનને જણાવ્યું હતું કે બિહાર પ્રોજેક્ટ માટે પંપ સેટના સપ્લાયમાં કશ્યપ ઈન્ફ્રાપ્રોજેક્ટ તરફથી ખામીયુક્ત મટિરિયલ અને ડિલિવરીમાં વિલંબને કારણે સમસ્યાઓ ઊભી થઈ હતી. શરૂઆતમાં ખામીયુક્ત પંપ સેટ બદલવા માટે સંમત થયા હોવા છતાં, હિરેન ભાવસારે તેનું પાલન કર્યું ન હતું અને નાણાંની વસૂલાત માટે સીઆઈડી સુરત અને અઠવાલાઇન્સ પોલીસમાં ફરિયાદો નોંધાવી હતી. ત્યારપછીની પોલીસ તપાસમાં આરોપો પાયાવિહોણા હોવાનું જાહેર થયું હતું.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે 2022માં નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (એનસીએલટી)ની અમદાવાદ બેંચ દ્વારા પણ હાઇ-ટેક સ્વીટ વોટર ટેક્નોલોજીસ સામે ઇન્સોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી કોડ (આઈબીસી) હેઠળ હિરેન ભાવસારની અરજી નકારી કાઢવામાં આવી હતી.

એનસીએલટીમાં થયેલી પીછેહઠ બાદ, કશ્યપ ઈન્ફ્રાપ્રોજેક્ટે સીબીઆઈ ગાંધીનગરમાં અરજી કરી હતી. ત્યારપછી આ કેસ સુરતની ઈકોનોમિક ઓફેન્સ વિંગને ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. પીઆઈ અજય રાજપૂતે તપાસ હાથ ધરી હતી અને મીડિયા અહેવાલો મુજબ હાઇ-ટેક સ્વીટ વોટર ટેક્નોલોજીસ તરફથી કોઈ ગેરરીતિના પુરાવા મળ્યા નથી.

તેમણે પોતાનો બચાવ કરતાં જણાવ્યું હતું કે હિરેન ભાવસારના આક્ષેપોનો હેતુ ખંડણીના ઇરાદાથી હાઇ-ટેક સ્વીટ વોટર ટેક્નોલોજીસ અને તેના ડિરેક્ટર્સની છબિ અને બ્રાન્ડને ખરડવાનો છે. પરિણામે, હાઇ-ટેક સ્વીટ વોટર ટેક્નોલોજીસ અને તેના ડિરેક્ટરોએ હિરેન ભાવસાર અને કશ્યપ ઇન્ફ્રાપ્રોજેક્ટ સામે રૂ. 500 કરોડનો ફોજદારી માનહાનિનો દાવો માંડવાની યોજના ધરાવે છે. પાયાવિહોણા આક્ષેપો કરવા બદલ તેમની સામે કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે.

હાઇ-ટેક સ્વીટ વોટર ટેક્નોલોજીસ એ 24-વર્ષના વારસા સાથે એક નામાંકિત અને પ્રતિષ્ઠિત કંપની છે તથા પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે 2,000થી વધુ વ્યક્તિઓને રોજગારી આપે છે. વિજય શાહ અને તેમનો પરિવાર 25 વર્ષથી ભારત, થાઈલેન્ડ અને યુએસમાં બિઝનેસ કરે છે. તેઓએ 25 વર્ષ પહેલા યુ.એસ.થી આરઓ સિસ્ટમ ટેકનોલોજી ભારતમાં રજૂ કરી હતી અને ભારતમાં આરઓ વોટર સિસ્ટમના પ્રણેતા છે. તેઓ અને કંપની પાયાવિહોણા અને બનાવટી આરોપોને દ્રઢતાથી નકારી કાઢે છે.