હાલમાં કેન્દ્રિય તપાસ એજન્સી ઈ.ડી. દ્વારા ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન, બિહારના લાલુ યાદવ, તેજસ્વી યાદવ સહિતના વિપક્ષના નેતાઓ સામે ચાલી રહેલી ઈ.ડી.ની તપાસ ભાજપના ઈશારે થઈ રહી હોવાના આક્ષેપો લાગી રહ્યા છે, ત્યારે પ્રેસ-મીડિયામાં પણ આ મુદ્દો અગ્રીમ હરોળમાં ચર્ચાઈ રહ્યો છે. આ દરમિયાન કોંગ્રેસના નેતૃત્વમાં યુપીએના શાસનકાળમાં ઈ.ડી.એ પાડેલા દરોડાઓમાં કેટલા વિપક્ષી નેતાઓ હતાં, અને એનડીએના વર્ષ ર૦૧૪ પછીના શાસનકાળમાં કેટલા દરોડાઓ પડ્યા, જેમાં કેટલા વિપક્ષી નેતાઓ સામેલ છે, અને તેમાંથી કેટલાને ભાજપમાં ગયા પછી રાહત થઈ છે, તેના આંકડા પણ ચર્ચામાં છે, જો કે આ આંકડાઓને લઈને મીડિયામાં થતી ચર્ચામાં તથ્યાત્મક મત-મતાંતરો પણ છે.
અહેવાલો મુજબ વર્ષ ર૦૦૪ થી વર્ષ ર૦૧૪ દરમિયાન યુપીએના સમયગાળામાં ઈ.ડી.એ પ્રથમ પાંચ વર્ષના કાર્યકાળમાં ૧૧ર દરોડા પાડ્યા હતાં અને વર્ષ ર૦૧૪ થી વર્ષ ર૦રર દરમિયાન મોદી સરકારના કાર્યકાળમાં ઈ.ડી.એ ૩૦૦૦ થી વધુ દરોડા પાડ્યા છે. યુપીએ સરકારના સમયગાળામાં ઈ.ડી.ની ર૪ નેતાઓ સામે તપાસ ચાલી રહી હતી, તેમાંથી ૧૪ નેતાઓ વિપક્ષના હતાં, જ્યારે મોદી સરકાર દરમિયાન વર્ષ ર૦રર સુધીમાં ઈ.ડી. દ્વારા ૧ર૧ નેતાઓની તપાસ થઈ, તેમાં ૧૧પ વિપક્ષી નેતાઓ છે. યુપીએ સરકાર દરમિયાન મનમોહનસિંહના કાર્યકાળમાં ઈ.ડી.એ ભ્રષ્ટાચાર કે કાળા નાણા જેવા આરોપો સામે રૂા. પ૩૪૬ કરોડની રકમ જપ્ત કરી હતી, જ્યારે વર્ષ ર૦૧૪ થી ર૦રર વચ્ચે મોદી સરકારના કાર્યકાળમાં ઈ.ડી.એ આ પ્રકારની શંકાસ્પદ રૂા. ૯૯,૩પ૬ કરોડ રૂપિયાની રકમ જપ્ત કરી હોવાના આંકડા બહાર આવ્યા છે.
ભાજપના વર્તુળોના દાવા મુજબ મોદી સરકારે સખ્ત કાર્યવાહી કરીને ભ્રષ્ટાચારીઓ સામે કડક કદમ ઊઠાવ્યા છે, અને જે ભ્રષ્ટ છે, તેણે જ ડરવું જોઈએ, કારણ કે સુનાવણી પછી સજા તો અદાલતો જ કરતી હોય છે, જયારે વિપક્ષના કેટલાક સણસણતા સવાલોનો જવાબ ક્યાંયથી મળતો નથી. દૃષ્ટાંત તરીકે હાલના હેમંતા વિસ્વા સરમા સામે ભ્રષ્ટાચારના આરોપો હતાં, ત્યારે તેઓ કોંગ્રેસમાં હતાં,અને ગૌહાટી વોટર સપ્લાઈ યોજનામાં કથિત ભ્રષ્ટાચારને લઈને તેની સામે તપાસ ચાલી રહી હતી, પરંતુ ભાજપમાં જોડાયા પછી તેની સામે તપાસ અને કાર્યવાહી થંભી ગઈ છે. આ જ પ્રકારના ઉદાહરણો પ. બંગાળના શુભેન્દુ અધિકારી અને મહારાષ્ટ્રના અજીત પવારના છે, જેઓ અનુક્રમે ટીએમસી અને એનસીપીમાંથી ભાજપમાં જોડાયા પછી તેની સામે કાર્યવાહી થંભી ગઈ છે.
કેન્દ્રિય તપાસ એજન્સીઓ માત્ર વિપક્ષના નેતાઓ પર જ ભ્રષ્ટાચાર વિરોધી કાર્યવાહી કરે છે, અને પક્ષાંતર કરીને શાસક પક્ષમાં જોડાતા નેતાઓ સામે અલગ વલણ દાખવવામાં આવે છે, તેવા વિપક્ષના દાવાઓ સાથે કેટલાક ઉદાહરણો અપાય છે, ત્યારે ભાજપ પાસે પાપ ધોવાનું વોશીંગ મશીન હશે, તેવા કટાક્ષો પણ થાય છે.
બીજી તરફ એક આંતરરાષ્ટ્રીય ટ્રાન્સપરન્સી ઈન્ટરનેશનલના રિપોર્ટ મુજબ ભારત ભ્રષ્ટાચારના ક્ષેત્રે ૯૩ મા ક્રમે પહોંચ્યું છે, અને ભ્રષ્ટાચાર વધ્યો છે. બીજી તરફ અમેરિકાની વ્યાપાર ક્ષેત્રની સંસ્થાના રિપોર્ટ કોપીરાઈટ ભંગ, ટ્રેડ માર્કની નકલ વગેરે કારસ્થાનો કરતા બદનામ માર્કેટોની યાદીમાં ભારતની ૬ માર્કેટો છે. આ જુદા જુદા રિપોર્ટો જોતા એમ કહી શકાય છે કે જે ઝળહળાટ દેખાડવામાં આવે છે, તે ભ્રમ છે, અને હકીકત કાંઈક ઓર છે!