મહારાષ્ટ્રના રખેવાળ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની તબિયત અચાનક વધારે બગડી ગઈ છે. તાવ અને થાકને કારણે ડોક્ટરે તેમને આરામ કરવાની સલાહ આપી છે. અત્યારે તેઓ પોતાના વતન સાતારાના ડેરે ગામમાં છે. દિલ્હીથી પરત આવ્યા બાદ તેઓ થોડો સમય મુંબઈમાં રહ્યા અને પછી અચાનક સાતારા ચાલ્યા ગયા હતા.
બીજી તરફ એકનાથ શિંદે નારાજ હોવાની રાજકીય વર્તુળોમાં જોરદાર ચર્ચા છે, પરંતુ શનિવારે તેમની તબિયત વધુ બગડી હોવાના સમાચાર આવ્યા હતા.
એકનાથ શિંદેના ગામના ઘરમાં ડોક્ટરોની એક ટીમ શનિવારે દાખલ થઈ હતી. તેમની પાસેથી મળતી માહિતી મુજબ એકનાથ શિંદેને 104 ડિગ્રી જેટલો તાવ છે અને તેમને સલાઈન લગાવવામાં આવ્યું છે. નાદુરસ્ત તબિયતને કારણે તેઓ ઘરની બહાર પણ નીકળ્યા નહોતા અને આરામ કર્યો હતો.
રાજ્યમાં આટલી મોટી રાજકીય હિલચાલ વચ્ચે તેમની તબિયત બગડી છે. એકનાથ શિંદેની પાર્ટીના મોટા નેતા દિપક કેસરકર તેમને મળવા માટે ગયા હતા, પરંતુ તેમની તબિયત વધુ બગડી હોવાથી બંગલાના દરવાજાથી જ કેસરકરને પાછા ફરી જવું પડ્યું હતું.
નવી સરકાર હજુ બની નથી
તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્રમાં ચૂંટણીના પરિણામો આવ્યાને એક અઠવાડિયું વીતી ગયું છે પરંતુ હજુ સુધી નવી સરકાર બની નથી. મહાયુતિની મહત્વની બેઠક પણ થઈ નથી. હવે રવિવારે પણ મુંબઈમાં મહાયુતિની બેઠક યોજાવા આડે શંકા ઊભી થઈ છે. રાજ્યમાં નવી સરકારની શપથ ગ્રહણ આગામી અઠવાડિયે થવાની શક્યતા છે.
બે દિવસથી છે પોતાના ગામ સતારામાં
શુક્રવારે સવારે મુંબઈ પરત ફર્યા બાદ એકનાથ શિંદે સાંજે સાતારા જિલ્લાના તેમના વતન ડેરે જવા રવાના થયા હતા. અગાઉ, શિંદે દક્ષિણ મુંબઈમાં મુખ્ય પ્રધાનના સત્તાવાર નિવાસસ્થાન ‘વર્ષા’ પર હતા, જ્યાં તેઓ પક્ષના નેતાઓ અને વિધાનસભ્યો સહિત ઘણા લોકોને મળ્યા હતા. જો કે, શિંદેએ ઘણી વખત કહ્યું છે કે તેઓ મુખ્ય પ્રધાનને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને શાહના નિર્ણયને સ્વીકારશે.