આઠ લાખના લાંચ કેસમાં આરોપી Dy.Sp જે.એમ ભરવાડ સસ્પેન્ડ

આઠ લાખની લાંચ લેનાર જેતપુરના તત્કાલીન ડીવાયએસપી જે.એમ. ભરવાડને ફરજ મોકુફ હેઠળ મુકવાનો ગુજરાત સરકારના ગૃહ વિભાગે આદેશ કર્યો છે. તેની વિરૂદ્ધ રાજકોટ એસીબીમાં ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ 1988 (સુધારા અધિનિયમ 2018)ની કલમ 7, 12, 13(1) મુજબ ગુનો નોંધાયો હતો. જે.એમ. ભરવાડ વતી કોન્સ્ટેબલ વિશાલકુમાર ગોવિંદભાઇ સોનારાએ ફરિયાદી પાસેથી આઠ લાખ રૂપિયાની લાંચ ત્રીજી ઓગસ્ટના રોજ આવકાર હોટલ, ધોરાજીમાં સ્વીકારી હતી. આથી 23 ડિસેમ્બરના ગુજરાત સરકારના ગૃહ વિભાગના આદેશ મુજબ ફરજ મોકુફ હેઠળ મુકવામાં આવ્યા છે. ફરજ મોકુફી દરમિયાન તેનું મુખ્ય મથક પોલીસ અધિક્ષકની કચેરી છોટા ઉદેપુર રાખવામાં આવ્યું છે.

લાંચ કેસમાં નામ ખુલતા જ જે.એમ. ભરવાડ ત્રણ મહિના સુધી ફરાર થયા હતા. બાદમાં સુપ્રિમ કોર્ટમાંથી આગોતરા જામીન મેળવ્યા બાદ જે.એમ. ભરવાડ રાજકોટ એસીબીમાં હાજર થઈ પોતાનું નિવેદન નોંધાવ્યું હતું. અમદાવાદ એસીબી દ્વારા કોન્સ્ટેબલ વિશાલ સોનારાને આઠ લાખ રૂપિયાની લાંચની રકમ સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. જેમાં સહ આરોપી તરીકે જેતપુરના ડીવાયએસપી ભરવાડનું નામ પણ ખૂલ્યું હતું.

સુરતના ચકચારી દિશીત જરીવાલા હત્યા કેસ: પત્ની વેલ્સી, પ્રેમી સુકેતુને નિર્દોષ જાહેર કરાયા

સુરતના સૌથી વધુ ચકચારી દિશીત જરીવાલાની હત્યામાં આજે પુરાવાના અભાવે કોર્ટે પત્ની વેલ્સી, પ્રેમી સુકેતુ અને ડ્રાઇવર ધીરેન્દ્રસિંહને નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કર્યો છે. આ કેસ હાઈપ્રોફાઈલ હોવાથી સુરતમાં ભારે ચર્ચામાં રહ્યો હતો. આજે આ કેસનો ચૂકાદો આવી જતાં મુખ્ય આરોપી ગણાતા હતા તેઓ નિર્દોષ જાહેર થયા છે. આ કેસમાં સાક્ષીઓ હોસ્ટાઇલ થઈ જતાં એડિશનલ સેશન્સ જજ ગોહિલે ફરિયાદ પક્ષ પુરાવો રજૂ કરવામાં નિષ્ફળ જતા શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મૂકવા હુકમ કર્યો છે.
ચકચારી કેસમાં આજે એક કેસ કાર્યવાહી ચાલી જતા કોર્ટે શંકાનો લાભ આપી આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મૂકવા હુકમ કર્યો છે. આ કેસની ફરિયાદ પક્ષે તપાસ પંચમાં તથા સાક્ષીઓ હોસ્ટાઇલ જાહેર થયા હતા જ્યારે આ કેસમાં નજરે જોનાર સાક્ષીઓ આ અન્ય સાક્ષીઓ તેઓ હોસ્ટાઇલ જાહેર થતા પુરાવાના અભાવે છોડી મુકવામાં આવ્યાં છે.

આ કેસની વિગત મુજબ 27 જૂન 2016ના રોજ સુરતના પાર્લેપોઈન્ટ વિસ્તારમાં આવેલી સર્જન સોસાયટીમાં દિશિત જરીવાલાની હત્યા તેની પત્ની વેલ્સી જરીવાલાના ઈશારે તેના પ્રેમી સની ઉર્ફે સુકેતુ હર્ષદભાઈ મોદી અને તેના ડ્રાઈવર ધીરેન્દ્રસિંહ જબરસિંહ ચૌહાણે કરી નાંખી હતી અને કોઇને જાણ ન થાય તે માટે પોલીસમાં લૂંટની ફરિયાદ નોંધાવી હતી. જોકે, પોલીસે ગણતરીના દિવસોમાં જ વેલ્સી, સુકેતુ અને ધીરેન્દ્રને જેલના હવાલે કરી દીધા હતા.

વેલ્સી અને સુકેતુ લગ્ન અગાઉથી જ એકબીજાના પ્રેમમાં હતાં. પરંતુ દૂર દૂર પણ લોહીના સંબંધમાં ભાઈ બહેન થતાં હોવાથી બન્નેના લગ્ન થઈ શક્યા નહોતા. જેથી સુકેતુ અને વેલ્સીના અલગ-અલગ લગ્ન થઈ ગયાં હતાં. વેલ્સી અને સુકેતુ પોત પોતાના લગ્ન જીવનથી ખુશ નહોતા. બીજી તરફ છેલ્લા ઘણા સમયથી સુકેતુની પત્ની પણ તેને છોડી પિયર જતી રહી હતી. જેથી સુકેતું અને વેલ્સીને ફરી એક થવા માટે દિશીતનો કાંટો કાઢી નાખવાનો પ્લાન બનાવ્યો હતો.

કેસમાં શરૂઆતમાં વેલ્સી ફરિયાદી બની હતી અને પોલીસે લૂંટ વિથ મર્ડરની થીયરી પર તપાસ આગળ વધારી હતી. તપાસ દરમિયાન વેલ્સીના ચહેરા પરથી નકાબ ચિરાતો ગયો ને હત્યાકાંડમાં પોલીસનો સકંજો પ્રેમી સુકેતુ અને ડ્રાઇવર ધીરેન્દ્ર સુધી પહોંચ્યો હતો. આથી પોલીસે ત્રણેયની ધરપકડ કરી હતી. ચકચારી દિશીત જરીવાલા હત્યા કેસના આરોપી સુકેતુ મોદી, દિશીતની પત્ની વેલ્સી અને ડ્રાઇવર ધર્મેન્દ્ર સહિતના આરોપીઓ સામે પોલીસે કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. આ કેસમાં આરોપી સુકેતુથી જુદી રહેતી પત્ની સાક્ષી બની હતી. મૂળ 15 પાનાની ચાર્જશીટ ઉપરાંત કોલ ડિટેઇલ અને 108 પંચોની વિગતો હતી. આમ, પુરાવા સાથેની માહિતી કુલ 238 પાનાની હતી.

એક વખતના નેશનલ હોકી પ્લેયર અને પોલીસમાં જોડાયેલા આશિષ દવેની આત્મહત્યા, રાજકોટ પોલીસ બેડામાં શોક

એક વખતના હોકીમાં નેશનલ પ્લેયર રહેલા અને રાજકોટના પોલીસ હેડ ક્વાટર્રમાં રહેતા થોરાળાના કોન્સ્ટેબલે ગઈ મોડી રાત્રે પંખામાં દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા બ્રાહ્મણ પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો છે. લગ્નજીવનના સાત વર્ષ દરમિયાન પત્નીને બબ્બે વખત કસૂવાવડ થતા તે સતત ચિંતાતુર રહેતો હતો અને તેના કારણે જ આ પગલું ભરી લીધું હોવાની પરિવારજનોએ શંકા વ્યક્ત કરી છે.

ગઈ રાત્રે ખુરશીનો અવાજ આવતા પત્નીએ ઉઠીને જોતા પતિનો લટકતો મૃતદેહ જોવા મળ્યો હતો સ્પોટ્‌ર્સ કોટામાં ભરતી પામેલા આશીષ દવે હોકીમાં નેશનલ સુધી રમી ચુક્યા છે તેમાં તેના રેન્ક પણ સારા હતા. તેમને ગાર્ડ ઓફ ઓનર અપાયું હતું. રાજકોટ શહેરના પોલીસ હેડ ક્વાટર્રમાં ચાર માળના બ્લોક નંબર-52માં રહેતા અને થોરાળા પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા આશિષ દીપકભાઈ દવે નામના 31 વર્ષીય પોલીસેમેને ઘરમાં મોડી રાત્રે ગળેફાંસો ખાઈ લીધો હોય તે અંગે કંટ્રોલ મારફતે જાણ કરાતા પ્રનગર પોલીસ સ્ટેશનના એએસઆઇ સુરેશભાઈ જોગરાણા સહિતનો સ્ટફ દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

આપઘાતના આ બનાવ અંગે મૃતક આશિષ દવેના નાથદ્વારામાં રહેતા કાકા રમેશભાઈ દવેએ માહિતી આપતા જણાવ્યું હતું કે આશિષ અને તેમની પત્ની અંજલીબેન હેડ ક્વાટર્રમાં રહે છે તેમનો મોટોભાઈ હિરેન અહીં નાથદ્વારામાં રહે છે. ગત રાત્રે દંપતી સુઈ ગયા બાદ આશિષ મોડી રાત્રે એકાદ વાગ્યે ઉઠીને બાજુમાં રૂમમાં ગયો હતો અને પંખામાં દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો. ખુરશી પટકાવવાનો અવાજ આવતા પત્ની અંજલીબેનની ઊંઘ ઉડતા તેણે બાજુના રૂમમાં જઈને જોતા પતિનો લટકતો મૃતદેહ જોઈ ભાંગી પડી હતી. પાડોશીઓ અને પરિવારજનોને જાણ કરતા બધા દોડી આવ્યા હતા. ત્યાર બાદ 108ને જાણ કરતા 108નો સ્ટાફ પણ દોડી આવ્યો હતો. પરંતુ ઇએમટી ચિરાગભાઈએ જોઈ તપાસી મૃત જાહેર કર્યા હતા.

આશિષ દવેના પિતા પણ એએસઆઇ તરીકે પોલીસમાં ફરજ બજાવતા હતા. દવે પરિવાર મૂળ લખતરનો છે. આશિષ દવે સ્પોટ્‌ર્સ કોટામાંથી પોલીસમાં ભરતી થયા હતા તેઓ હોકીની રમતમાં નેશનલ સુધી રમી આવ્યા છે તેમાં તેને સ્પોટ્‌ર્સના સારા રેન્ક હોવાથી સાત વર્ષ પૂર્વે થોરાળા પોલીસ સ્ટેશનમાં ભરતી થઇ પોલીસની નોકરીની શરૂઆત કરી હતી ત્યારથી તેઓ ત્યાં જ ફરજ બજાવતા હતા. લગ્નના સાત વર્ષ થઇ ગયા હતા અને બબ્બે વખત પત્નીની કસૂવાવડ થઇ ગઈ હોવાથી પોતે સંતાન નહીં થતા હોય ચિંતાતુર રહેતો હતો અને તેને લીધે જ આ પગલું ભરી લીધું હોવાની શંકા દર્શાવાઈ છે. આશાસ્પદ યુવાનના મોતથી બ્રાહ્મણ પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો છે. સાથે નોકરી કરતા કર્મચારીઓ અને અધિકારીઓ પણ સ્તબ્ધ થઇ ગયા છે મૃતદેહ અંતિમવિધિ માટે રેલનગરમાં રહેતા ભાઈને ત્યાં લઇ ગયા હોય પોલીસ વિભાગ દ્વારા ગાર્ડ ઓફ ઓનર અપાયું હતું.

આપઘાત કરી જિંદગીનો અંત આણી લેનાર આશિષ દવેએ થોરાળા પોલીસ સ્ટેશનમાંથી ફરજ ઉપરથી બે દિવસની સીક્લીવ લીધી હતી. પત્ની બીમાર હોવાનું જણાવી સીક્લીવ ઉપર હોવાનું જાણવા મળ્યું છે મૃતક આશિષ દવે ભોળાનાથના પરમ ભક્ત હતા તેઓ દરરોજ પોતાના મોબાઈલ સ્ટેટ્‌સમાં રામનાથ મહાદેવના ફોટા અપલોડ કરતા હતાં.

આકાશમાં જોવા મળશે અદ્દભૂત નજારો: આજથી ચોથી તારીખ સુધી જોઈ શકાશે ઉલ્કા વર્ષા

દુનિયાભરમાં લોકોએ ડિસેમ્બરમાં 7મી અને 14મીએ ઉલ્કાવર્ષા ઉપરાંત કંકણાવૃતિ અને ખંડગ્રાસ સૂર્યગ્રહણનો સ્પષ્ટ નજારો નિહાળ્યો હતો. વિશ્વના ખગોળ વૈજ્ઞાનિકોએ દરિયાઇ તથા પર્વતીય વિસ્તારોમાં પડાવ નાખવાની તૈયારી આરંભી છે. હવે ગુજરાતમાં અવકાશી ઉલ્કાવર્ષાનો અદ્દભુત નજારો જોવા મળવાનો છે. રાજ્યભરમાં ખગોળીય આનંદ લૂંટવા માટે જન વિજ્ઞાન જાથાએ ખાસ આયોજન આદર્યા છે. રાજકોટ વિસ્તારમાં ચોથી જાન્યુઆરીએ આકાશમાં ઉલ્કાવર્ષા સ્પષ્ટ જોઇ શકાશે.

જન વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યા જણાવે છે કે પહેલીથી ચોથી જાન્યુઆરી એમ ચાર દિવસ સુધી આકાશમાં ક્વોડરેન્ટીડ્‌સ ઉલ્કાવર્ષા જોવા મળશે. ત્રીજીએ આકાશમાં રીતસર ઉલ્કાવર્ષાનો વરસાદ જોવા મળી શકે છે. કલાકના 15થી 100 અને વધુમાં વધુ ઉલ્કાવર્ષાનાં દિવાળીના ફટાકડાની આતશબાજી જેવા રોમાંચક દ્રશ્યો આકાશમાં જોવા મળશે. ઉલ્કાવર્ષા મહત્તમ ચાર દિવસ મધ્યરાત્રિથી પરોઢ સુધી જોવાં મળશે. નરી આંખે નિજર્ન જગ્યાએથી સ્પષ્ટ જોઇ શકાય છે. ઉલ્કાવર્ષા વર્ષા 10થી 12 વખત અને વધુમાં વધુ પાંચ વખત આકાશમાં જોવા મળે છે. આ ઉલ્કાવર્ષાઓ પાછળ ધૂમકેતુઓ કારણભૂત છે.

જન વિજ્ઞાન જાથાનો પ્રયાસ લોકોને અવકાશ તરફ નજર કરતાં થાય, તેમાં રસ લઇ, બાળકો સાથે ખગોળીય માહિતી મેળવતા થાય, નજારો નિહાળવા માટે રાજ્યભરમાં આયોજન ગોઠવ્યું છે તેમાં રાજકોટ, અમરેલી, ભાવનગર, જુનાગઢ, પોરબંદર, જામનગર, સુરેન્દ્રનગર, કચ્છ, અમદાવાદ,મોરબી, પાવાગઢ, ગોધરા વિગેરે નાના- મોટા નગરોમાં એમ દિવસીય મધ્યરાત્રિ-પરોઢે વ્યવસ્થાની આખરી ઓપની તૈયારી આરંભી છે. રાજ્યમાં ઉલ્કાવર્ષા સંબંધી વિશેષ માહિતી મોબાઇલ 98252 16689 અને 94269 80955 પર સંપર્ક સાધવા યાદીમાં જણાવવામાં આવ્યું છે.

હાર માને એ બીજા: 2020માં ભારત ચંદ્ર પર સોફ્ટ લેન્ડીંગ કરીને જ જંપશે, સત્તાવાર જાહેરાત

ચંદ્રયાન-2નું ચંદ્ર પર સફળ સોફ્ટ લેન્ડીંગ નહીં થયા બાદ ભારત ફરી એક વાર 2020માં ચંદ્રયાન-3 મારફત ચંદ્ર પર સોફ્ટ લેન્ડીંગ કરવા માટે મિશન શરૂ કરવા જઈ રહ્યું છે. મંગળવારે સ્પેસ ડિપાર્ટમેન્ટના રાજ્યકક્ષાના મંત્રી જીતેન્દ્રસિંહે આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે 2020માં ચંદ્રયાન-3ને લોન્ચ કરવામાં આવશે.

તેમણે જણાવ્યું કે ચંદ્રયાન-2 મિશન નિષ્ફળ રહ્યું છે એવું કહી શકાય નહીં. કારણ કે ચંદ્રયાન-2ના ઓર્બિટર મારફત અનેક મહત્વપૂર્ણ જાણકારી મળી રહી છે અને ઘણી વસ્તુઓ શીખવાની મળી છે. અમેરિકાએ અનેક વાર પ્રયાસો કર્યા હતા ચંદ્ર પણ ઉતરાણ કરવાના અને ત્યાર બાદ સફળ રહ્યું હતું. પરંતુ ભારતને આટલા બધા પ્રયત્નોની જરૂર પડશે નહીં. ચંદ્રયાન-3 મિશનને સફળ બનાવશે.

ચંદ્રયાન -2 મિશન એ ભારતનો આકાશી પરિધી પર ઉતરવાનો પ્રથમ પ્રયાસ હતો. દેશનું ચંદ્ર પરનું બીજું મિશન તેની સફરના છેલ્લા 2.1 કિલોમીટરમાં ડચકા ખાઈ ગયું હતું જ્યારે તેનું લેન્ડર વિક્રમ 7 સપ્ટેમ્બરના રોજ નક્કી કરેલી લેન્ડીંગ સાઇટથી માત્ર 500 મીટર દૂર સંપર્ક વિહોણું થઈ ગયું હતું. સંસદમાં જીતેન્દ્રસિંહ હાર્ડ લેન્ડીંગની વાતને સમર્થન આપ્યું હતું.

નાણામંત્રી નિર્મલા સીતારમણનું બૂસ્ટર ડોઝ: ઈન્ફાસ્ટ્રક્ટર માટે ખર્ચાશે 100 લાખ કરોડ

કેન્દ્રીય નાણાંકીય નિર્મલા સીતારમણે મંગળવારે બજેટના પ્રમોશન અને અર્થતંત્રને પાંચ ટ્રિલિયન ડોલર સુધી લઈ જવા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં પાંચ વર્ષ દરમિયાન 100 લાખ રૂપિયા ખર્ચની યોજના ઓફર કરે છે. સંપાદકના સંમેલનમાં જણાવ્યું હતું કે, PM મોદીએ આઝાદ દિને કરેલા ભાષણ દરમિયાન ઈન્ફાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં 100 લાખ કરોડ રૂપિયાના રોકાણ કરવાની જાહેરાત કરી હતી.

તેમણે કહ્યું કે માત્ર ચાર મહિના દરમિયાન 70 સ્ટેકહોલ્ડર્સ સાથે પરામર્શ કરીને 102 લાખ કરોડ રૂપિયાની યોજનાઓનું આયોજન કરવામાં આવ્યું છે. ત્રણ લાખ કરોડ રૂપિયાની અન્ય યોજનાઓને પણ આની સાથે જોડી શકાય છે. વર્ષના છેલ્લા દિવસે નાણામંત્રી નિર્મલા સીતારમણે પ્રેસ કન્ફ્રેસન્સ કરીને 2019માં કરવામાં આવેલી કામગીરીનો ચિતાર રજૂ કર્યો હતો. તેમણે મોદી સરકારનો રિપોર્ટ કાર્ડ રજૂ કર્યો હતો અને કહ્યું કે સરકારને વાયદાઓ યાદ છે અને તેને પૂર્ણ કરવા પ્રતિબદ્વ છે.

નાણામંત્રીએ કહ્યું કે આનવારા પાંચ વર્ષમાં ઈન્ફાસ્ટ્રક્ચર પાછળ 100 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. આ માટે રચવામાં આવેલી ટાસ્ક ફોર્સે 102 લાખ કરોડ રૂપિયાના પ્રોજેક્ટ માટેનો મુસદ્દોદ તૈયાર કર્યો છે. 80 અલગ અલગ સ્ટેકહોલ્ડર્સ સાથે ચર્ચા કરવામાં આવી હતી અને ત્યાર બાદ પ્રોજેક્ટ્સને ફાઈનલ કરવામાં આવ્યા હતા. પાછલા 6 વર્ષથી સરકારનું ફોક્સ ઈન્ફાસ્ટ્રક્ચર પર રહ્યો છે. આ દરમિયાન કેન્દ્ર અને રાજ્ય સરકારોએ મળીને 51 લાખ કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે જે જીડીપીના 5-6 ટકા છે.

જાન્યુઆરીમાં આટલું બદલાઈ જશે: ફાસ્ટટેગ, SBI, PF, IT રિટર્ન, ATM અને ડેબિટ કાર્ડના નિયમો, જાણો વધુ

2019 વિદાય લેશે અને 2020 શરૂ થશે, ત્યારે નવા વર્ષના પ્રારંભથી થનારા કેટલાક ફેરફાર આપણા સૌના જીવન પર અસર કરશે. દેશભરમાં કેટલાક નવા નિયમો લાગુ કરવામાં આવનાર છે અને આ નિયમોની સીધી અસર લોકોને થવાની છે.

2018-19 નું આઈટી રીટર્ન હજુ સુધી ન ભર્યું હોય તો 31 ડિસેમ્બર સુધીમાં ભરીને ભારે દંડથી બચી શકાય છે. આમ તો આટી રીટર્ન ભરવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2020 સુધી છે, પણ તેનો દંડ 10 હજાર રૂપિયા છે. 31 ડિસેમ્બર 2019 સુધીમાં તે ભરી દો તો દંડની રકમ 5000 રૂપિયા છે. નવા વર્ષથી એમ્પ્લોઈ પ્રોવીડન્ટ ફંડ (ઈપીએફ) ના નવા નિયમો લાગુ થશે. નિયમો અનુસાર પહેલા કોઈપણ સંસ્થા, ફર્મ, ઓફિસમાં 20થી વધુ કર્મચારીઓ હોય ત્યાં લાગુ પડતો હતો. હવે કેન્દ્ર સરકારે આ લિમિટ ઘટાડીને 10 કરી છે. એટલે હવે જે સંસ્થાઓમાં 10 અથવા તેનાથી વધુ કર્મચારી કામ કરતા હોય તેને ઈપીએફ લાગુ પડશે.

નવા વર્ષમાં બધી ગાડીઓ મોંઘી થઈ જશે. બી ઓટો કંપનીઓ ભાવ વધારશે. મારૃતિ અને ટાટા તેની જાહેરાત કરી ચૂકી છે. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ પણ ભાવ વધારવાનું કહ્યું છે. નેશનલ હાઈ-વે પર ઈલેક્ટ્રોનિક રીતે વસૂલવાનું શરૂ થઈ ગયું છે. પંદર જાન્યુઆરીથી બધી ગાડીઓ પર ફોસ્ટેગ ફરજિયાત થઈ જશે. હાઈ-વે પર ટોલનાકા પરથી પસાર થતા બધા વાહનો પર ફાસ્ટેગ જરૂરી બનશે. ફાસ્ટેગ વગરની ગાડીઓ પર ટોલ ચાર્જ બમણો લાગશે.

જો તમારૂ ખાતુ એસીબીઆઈમાં હોય અને તમારી પાસે એટીએમ કાર્ડ હોયતો સાવધાન થઈ જાવ. એસબીઆઈએ ટવિટ કરીને કહ્યું છે કે ગ્રાહકો જુના મેગ્નેટિક એટીએમ-ડેબીટ કાર્ડ બદલાવી લે. આ કામ 31 ડિસેમ્બર સુધીમાં કરાવવું જરૂરી છે. પહેલી જાન્યુઆરી 2020થી ગ્રાહકોને બેંકોમાં એનઈએફટી દ્વારા કરવામાં આવતી લેવડ દેવડ માટે કોઈ ચાર્જ નહીં દેવો પડે. 15 ડિસેમ્બરથી 24 કલાક એનઈએફટી ટ્રાન્ઝેક્શન સર્વિસ શરૂ થઈ ગઈ છે.

જીએસટી રજિસ્ટ્રેશનને સરળ બનાવવા માટે આધાર દ્વારા રજિસ્ટ્રેશનનો નિર્ણય લેવામાં આવ્યો છે. નવી જીએસટી રીટર્ન ફાઈલીંગ સિસ્ટમ પહેલી જાન્યુઆરી 2020 થી લાગુ થઈ જશે. સોના-ચાંદીના દાગીના પર હોલમાર્કિંગ હવે ફરજિયાત છે. જો કે ગ્રામીણ વિસ્તારોમાં એક વર્ષની છૂટ રહેશે. જ્વેલરી પર હોલમાર્કિંગના નિયમ લાગુ છે, પરંતુ હોલમાર્કિંગ ફરજિયાત નહતું. તેથી ભાવ પણ વધી શકે છે. 31 ડિસેમ્બર સુધી પાનને આધાર સાથે લિંક કરવાનું જરૂરી હતું. તેથી પહેલી જાન્યુઆરીથી પાન કાર્ડ બેકાર થઈ જાત, પરંતુ હવે તેને માર્ચ 2020 સુધી સમય લંબાવાયો છે. એસીબીઆઈ એ રેપોરેટ સાથે સંબંધિત લોનનો વ્યાજ 0.25 ટકા ઘટાડ્યો. નવા દરનો લાભ જુના ગ્રાહકોને પણ મળશે.

31 ડિસેમ્બર સુધી જુના ડેબિટ કાર્ડને ઈલેક્ટ્રોનિક ચિપવાળા કાર્ડથી બદલાવવા જરૂરી છે. નવા વર્ષમાં જુના ડેબિટ કાર્ડથી રોકડ ઉપાડી શકાશે નહીં. તેમાં મેગ્નેટિક સ્ટ્રીપ બેકાર થઈ જશે. જેનાથી એટીએમ ગ્રાહકનો ડેટા ઓળખે છે. 15 જાન્યુઆરી પછી એનએચથી પસાર થનારી ગાડીઓમાં ફાસ્ટટેગ ફરજિયાત હશે. એક કરોડ ફાસ્ટેગ જારી થયા છે. તેના વિના ડબલ ટોલ ભરવાનું થશે. એટીએમ-ઓટીપીઃ એસબીઆઈ એ એટીએમમાંથી 10,000 થી વધુના ઉપાડ અંગે નિયમો બદલ્યા છે. રાત્રે 8 થી સવારે 8 સુધી ઉપાડ માટે ઓટીપી જરૂરી થઈ જશે. 50 કરોડથી વધુ ટર્નઓવરવાળી કંપનીઓને એમડીઆર યુપીઆઈ ક્યૂઆર કોડ દ્વારા ચૂકવણીની સુવિધા આપશે.

સ્વચ્છ ભારત અભિયાનમાં રાજકોટ અને સુરતે મારી બાજી, દેશભરના શહેરોમાં મળ્યું સ્થાન

કેન્દ્ર સરકાર દ્વારા સ્વચ્છતા અંગે કરવામાં આવેલા સરવેમાં સુરતે ફરી એક વાર બાજી મારી છે. અત્યાર સુધી સ્વચ્છતાને લઈ સુરતે દેશના અન્ય શહેરોને પાછળ ધકેલી દીધા છે. સુરત ઉપરાંત રાજકોટે પણ સ્વચ્છતામાં મેદાન માર્યું છે.

કેન્દ્ર સરકારના સ્વચ્છતા સર્વેક્ષણમાં સતત ચોથી વાર દેશના સૌથી સ્વચ્છ શહેર તરીકે ઈન્દોરની પસંદગી કરવામાં આવી છે. કેન્દ્ર સરકારના સ્વચ્છતા સર્વેક્ષણના એપ્રિલથી જૂનના પહેલા ક્વાર્ટરમાં ભોપાલ દેશમાં બીજા સ્થાને રહ્યું છે. જુલાઈથી સપ્ટેમ્બરના બીજા ક્વાર્ટરની વાત કરીએ તો રાજકોટ અંતિમ પરિણામોમાં બીજા સ્થાને છે.

આ ઉપરાંત 10 લાખ કરતા ઓછી વસ્તીવાળા શહેરોની શ્રેણીમાં જમશેદપુર પ્રથમ ક્રમે આવ્યું. સરવેના પ્રથમ ક્વાર્ટરમાં સુરત અને બીજા ક્વાર્ટરમાં નવી મુંબઈને સ્થાન આપ્યું હતું. તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકાર દ્વારા કરાયેલા સરવેના પરિણામો મંગળવારે જાહેર કરાયા હતા.

ભારત સરકારે બીજી ઓક્ટોબર 2014 ના રોજ સ્વચ્છ ભારત અભિયાનની શરૂઆત કરી હતી. હવે તેના પાંચ વર્ષ પૂરા થઈ ગયા છે. આ સમયગાળા દરમિયાન સ્વચ્છતાને દેશભરમાં જન આંદોલન બનાવવાના કેન્દ્ર સરકારના પ્રયત્નોએ પણ તેની અસર દેશના ઘણા શહેરોમાં જોવા મળી રહી છે.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની પેટાચૂંટણીમાં કોંગ્રેસનો ફરી વાર કરૂણ રકાસ, ભાજપનો વિજય ડંકો

ગુજરાતભરમાં જિલ્લા-તાલુકા પંચાયતોમાં ખાલી પડેલી બેઠકો માટે થયેલી પેટા ચૂંટણીની મત ગણતરી કરવામાં આવી હતી. પેટાચૂંટણીમાં ભાજપનો વિજય ડંકો થયો છે તો કેટલીક બેઠકો કોંગ્રેસે જીતી લીધી છે. અમદાવાદ જિ.પં.ની ત્રણમાંથી બે બેઠકો પર કોંગ્રેસનો વિજય થયો છે. ભાજપે દાવો કર્યો છે જિલ્લા અને તાલુકા પંચાયતની 33 સીટની ચૂંટણીમાં ભાજપનો 29 સીટ પર વિજય થયો છે.

અમદાવાદ જિલ્લા ૫ચાયતની બે અને તાલુકા પંચાયતોની 27 બેઠકનું પરિણામ જાહેર થયા. જિલ્લાના ત્રણ મુખ્ય મથકોએ મતગણતરી હાથ ધરાઈ હતી. આ મતગણતરીના સ્થળો પર પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. અત્યાર સુધી આવેલા પરિણામના આંકડા પર નજર કરીએ તો, જિલ્લા અને તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં ભાજપ આગળ ચાલી રહ્યું છે. કેટલીક બેઠકો પર ભાજપે જીત પણ મેળવી લીધી છે. પેટાચૂંટણીમાં શરૃઆતી પરિણામથી ભાજપમાં જશ્નનો માહોલ છવાયેલો છે.

જો કે, અમદાવાદ જિલ્લા પંચાયતની બે અને વિરમગામ તાલુકા પંચાયતની એક એમ મળીને કુલ ત્રણ બેઠકોની રવિવારે પેટા ચૂંટણી યોજાઈ હતી. આજે હેબતપુર, શિયાળ અને ઓગાણ બેઠકનું પરિણામ આવ્યું છે, જેમાં બે બેઠકો પર કોંગ્રેસે સત્તા કાયમ કરી છે. હેબતપુર અને શિયાળ બેઠકો પર કોંગ્રેસે ભાજપને હરાવ્યું છેે. અમદાવાદ જિલ્લા પંચાયતની શિયાળ બેઠક પર કોંગ્રેસનો વિજય થયો છે.

શિયાળ જિલ્લા પંચાયત બેઠક પર કોંગ્રેસના બાબુભાઈ પઢાર 1569 મતથી જીતી ગયા છે. આમ, શિયાળ બેઠક પર કોંગ્રેસનો કબજો જોવા મળ્યો છે. અમદાવાદમાં ઓગાણ તાલુકા પંચાયતની બેઠક પર ભાજપની જીત થઈ છે. વિષ્ણુભાઈ જાદવ ઓગાણ બેઠક પર 1384 મતથી જીતી ગયા છે. હેબતપુર બેઠક પર કોગ્રેસના નિરૃભાઈ ખસિયા 211 મતે જીત્યા છે. તિથોર બેઠક પર ભાજપના ઉમેદવારની જીત થઈ છે. ટિકર બેઠક પર ભાજપ ઉમેદવાર ગોવિંદ ગરચરની જીત થઈ છે.

ફાફ ટૂ પ્લેસીસ આ કારણોસર ભારત, ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની સુપર સીરીઝનાં વિરોધમાં છે

દક્ષિણ આફ્રિકાની ક્રિકેટ ટીમના કેપ્ટન ફાફ ડુ પ્લેસીસનું માનવું છે કે ક્રિકેટને વધુ ટીમોની જરૂર છે, ઓછી નહીં. આ કારણોસર ડુ પ્લેસીસે ભારત, ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે સૂચિત વન ડે સુપર સિરીઝની ટીકા કરી છે.

પ્લેસીસે કહ્યું, ‘તમે આગળ જોશો કે બિગ -3 વચ્ચેની શ્રેણીમાં શું થાય છે. આ ત્રણેય ટીમો વચ્ચે આમ પણ વધુ મેચો રમવામાં આવી રહી છે. મને લાગે છે કે જો વધુ ટીમો શામેલ કરવામાં આવે તો તે વધુ સારું રહેશે. મારો મતલબ એ છે કે આપણે રમતને આગળ લઈ જવા વિશે વિચારવું જોઈએ.”

પ્લેસીસે એમ પણ કહ્યું હતું કે ટેસ્ટ બિરાદરીમાં સામેલ નવી ટીમોને વધુ મેચ મળતી નથી. દક્ષિણ આફ્રિકાના કેપ્ટને કહ્યું, ‘ઘણા નાના દેશ છે,  જેઓ વધુ ટેસ્ટ મેચ નથી રમતા. તેઓ ખરેખર ઓછી મેચ રમી રહ્યા છે.”

સેન્ચ્યુરીયન ટેસ્ટમાં ઇંગ્લેન્ડ સામે 107 રનની શાનદાર જીત બાદ ડુ પ્લેસિસે આ નિવેદન આપ્યું હતું. પ્રથમ ટેસ્ટ જીત્યા બાદ યજમાન ટીમ ત્રણ મેચની શ્રેણીમાં 1-0થી આગળ છે. શ્રેણીની બીજી મેચ ત્રીજી જાન્યુઆરીથી કેપટાઉનમાં રમાવાની છે.