યુવા બોલરોના જોરે કોલકાતા નાઇટ રાઇડર્સે રાજસ્થાન રોયલ્સને હરાવ્યું

બુધવારે રમાયેલી મેચમાં કોલકાતા નાઇટ રાઇડર્સે મુકેલા 175 રનના લક્ષ્યાંકની સામે કેકેઆરના શિવમ માવી, કમલેશ નાગરકોટી અને વરુણ ચક્રવર્તી સહિતના યુવા બોલરોની જોરદાર બોલિંગના પ્રતાપે રાજસ્થાન રોયલ્સ 9 વિકેટે 137 રન સુધી જ પહોંચતા કેકેઆરનો 37 રને વિજય થયો હતો. રાજસ્થાન વતી ટોમ કરન નોટઆઉટ 54 રનની ઇનિંગ રમ્યો હતો. રાજસ્થાનના માત્ર ત્રણ બેટ્સમેન બે આંકડે પહોંચી શક્યા હતા.
175 રનના લક્ષ્યાંકની સામે રાજસ્થાન રોયલ્સના દાવની શરૂઆત જ ખરાબ થઇ હતી અને બોર્ડ પર માત્ર 15
રન હતા ત્યારે સ્ટીવ સ્મિથ આઉટ થયો હતો અને તેના પછી 39 રનના સ્કોર સુધીમાં સંજૂ સેમસન અને જોસ
બટલર પણ પેવેલિયન ભેગા થઇ ગયા હતા. તે પછી સ્કોર 42 સુધી સ્કોર પહોંચ્યો ત્યાં સુધીમાં વધુ 2 વિકેટ
પડતા 42 રનના સ્કોરે રાજસ્થાનની અડધી ટીમ પેવેલિયન ભેગી થઇ ગઇ હતી અને 20 ઓવરના અંતે તેઓ 9 વિકેટે 137 રન સુધી પહોંચ્યા હતા. કેકેઆરના માવી, નાગરકોટી અને ચક્રવર્તીએ 2-2 જ્યારે કમિન્સ, નરેન અને કુલદીપે 1-1 વિકેટ લીધી હતી.
ટોસ હારીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી કોલકાતા નાઇટ રાઇડર્સે પ્રથમ પાંચ ઓવરમાં 36 રન બનાવી લીધા
હતા ત્યારે સુનિલ નરેન 15 રન કરીને ઉનડકટનો શિકાર બન્યો હતો. તેના પછી બેટિંગમાં પ્રમોટ કરાયેલા
નીતિશ રાણાએ ઝડપથી બેટિંગ કરી હતી જો કે તે 17 બોલમાં 22 રન કરીને રાહુલ તિવેટીયાના બોલે આઉટ
થયો તેની સાથે કેકેઆરે 82 રનમાં બીજી વિકેટ ગુમાવી હતી. પોતાની ઇનિંગને બિલ્ડ કરી રહેલો ગીલ તે પછી
જોફ્રા આર્ચરનો શિકાર બન્યો હતો. તે 34 બોલમાં 47 રન કરીને આઉટ થયો હતો. આન્દ્રે રસેલને ચોથા ક્રમે
પ્રમોટ કરાયો હતો અને તેણે ફટકાબાજી શરૂ જ કરી હતી કે અંકિત રાજપૂતના બોલે તે ડીપ બેકવર્ડ પોઇન્ટ પર
કેચઆઉટ થયો હતો. 115 રનના સ્કોર પર કેકેઆરે 5મી વિકેટ ગુમાવી હતી. પ્રથમ ત્રણ ઓવરમાં માત્ર 4 રન
આપીને બે વિકેટ ઉપાડનાર આર્ચરની ચોથી ઓવરમાં મોર્ગન અને કમિન્સે મળીને 14 રન લેતા તેની એવરેજ
બગડી હતી. મોર્ગન અને કમિન્સે મળીને 3.4 ઓવરમાં 34 રનની ભાગીદારી કરી સ્કોર 149 પર લઇ ગયા ત્યારે
કમિન્સ 10 બોલમાં 12 રન કરીને આઉટ થયો હતો. અંતિમ ઓવરમાં ત્રણ વાઇડ સાથે કુલ 16 રન આવતા
કેકેઆરનો સ્કોર 6 વિકેટે 174 રન થયો હતો.

વરિષ્ઠ નાગરિકો, દિવ્યાંગો અને કોવિડ-19નાં દર્દીઓ કેવી રીતે કરશે વોટીંગ, ચૂંટણી પંચ કરશે આ સુવિધા

ભારતનું ચૂંટણી પંચ, નવી દિલ્હીનાં તા.૧૭/૦૯/૨૦૨૦ના જાહેરનામાં અનુસાર ૮૦ વર્ષથી વધુ વય ધરાવતાં મતદારો અને મતદારયાદીનાં ડેટાબેઝમાં શારિરીક અક્ષમ તરીકે નિર્દિષ્ઠ થયેલાં છે તેવાં દિવ્યાંગ મતદારો સામાન્ય અથવા પેટા-ચૂંટણીઓમાં, જો તેઓ વિનંતી કરે તો, ટપાલ મતપત્ર દ્વારા મતદાન કરી શકશે. તેમજ તા.૧૭/૦૯/૨૦૨૦નાં ભારતના ચૂંટણી પંચના અન્ય જાહેરનામા અનુસાર સક્ષમ સત્તાધિકારી દ્વારા કોવિડ-૧૯ શંકાસ્પદ અથવા પ્રભાવિત હોવાનું પ્રમાણિત કરેલ છે તેવી વ્યક્તિઓ, જો તેઓ વિનંતી કરે તો, આગામી પેટા-ચૂંટણીમાં ટપાલ મતપત્ર દ્વારા મતદાન કરી શકશે.

ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારી ડો.એસ.મુરલી ક્રિષ્ણા આ સંદર્ભે ભારત ચૂંટણીપંચની માર્ગદર્શિકા વિશે જણાવ્યું કે નિયત નમૂના ફોર્મ-૧ર ડી માં જરૂરી વિગતો સાથે સંબંધિત ચૂંટણીનાં જાહેરનામાની તારીખનાં પ દિવસની અંદર, ચૂંટણી અધિકારીને અરજી (ફોર્મ-૧૨ ડી)પહોંચાડવાની રહેશે. કોવિડ-૧૯ શંકાસ્પદ/પ્રભાવિત મતદારોએ પોતે હોસ્પિટલાઇઝડ છે કે ઘરે/સંસ્થાકીય રીતે કર્વારન્ટાઇન હેઠળ છે તેની વિગતો દર્શાવતું સક્ષમ આરોગ્ય સત્તાધિકારીનું પ્રમાણપત્ર/સૂચના પોતાની અરજી સાથે સામેલ કરવાના રહેશે.

ચૂંટણી અધિકારી દ્વારા આવી અરજીઓ અને વિગતોની જરૂરી ચકાસણી કર્યા બાદ ટપાલ મતપત્ર ઇસ્યુ કરવામાં આવશે. જેઓને ટપાલ મતપત્ર ઇસ્યુ કરવામાં આવેલ હોય તેવા મતદારો મતદાન મથક ખાતે જઇને મતદાન કરી શકશે નહિં.

આવા મતદારોની ઘરે મુલાકાત લઇને ટપાલ મતપત્ર મતદાન પ્રક્રિયા અંગે જાણકારી આપવા તથા ટપાલ મતપત્ર આપવા/ એકત્ર કરવા માટે ચૂંટણી અધિકારી દ્વારા મતદાન અધિકારીઓની ટીમોની રચના કરવામાં આવશે. આવી મુલાકાતની તારીખ અને અંદાજિત સમયની જાણ, અરજી નમૂના ફોર્મ-૧૨ ડી માં મતદારનો મોબાઇલ નંબર દર્શાવેલ હોય તો એસ.એમ.એસ.થી અન્યથા ટપાલ/ બી.એલ.ઓ મારફત કરવામાં આવશે.

ટપાલ મતપત્ર આપવા/એકત્ર કરવા માટેની મુલાકાતનાં શેડયુઅલની ઉમેદવારોને જાણ કરવામાં આવશે.

ટપાલ મતપત્રથી મતદાન પ્રક્રિયા હેઠળ મતદારે પોતાની પસંદગીનાં ઉમેદવાર સામે ચોકડી અથવા ખરાંની નિશાની (cross mark or tick mark) કરવાની રહેશે અને મતદાન કરેલ ટપાલ મતપત્ર ધરાવતું સીલબંધ નાનું કવર (ફોર્મ-૧૩બી) તથા નિયત નમૂનામાં મતદારનો એકરાર (ફોર્મ-૧૩એ), મોટા કવર (ફોર્મ-૧૩સી) માં મૂકીને સીલબંધ કરવાનું રહેશે. મતદાન અધિકારી એકરારને પ્રમાણિત કરવા માટે અધિકૃત રહેશે. હોસ્પિટલમાં સારવાર હેઠળના કોવિડ-૧૯ અસરગ્રસ્ત વ્યક્તિનાં કિસ્સામાં સારવાર કરનાર મેડીકલ ઓફિસર પણ એકરારને પ્રમાણિત કરવા અધિકૃત ગણાશે. ટપાલ મતપત્ર દ્વારા મતદાન થયા બાદ મોટું સીલબંધ કવર (ફોર્મ-૧૩સી) મતદાન અધિકારી દ્વારા એકત્ર કરી લેવામાં આવશે.

ઉપર દર્શાવેલ કક્ષાનાં વરિષ્ઠ નાગરિકો, દિવ્યાંગો તથા કોવિડ-૧૯ શંકાસ્પદ/પ્રભાવિત મતદારોની ટપાલ મતપત્ર મતદાન પ્રક્રિયા તથા પરત એકત્ર કરી લેવાની કામગીરી સંબંધિત મતવિસ્તારની ચૂંટણી માટે મતદાનની નિયત કરેલી તારીખનાં એક દિવસ અગાઉ સુધીમાં પૂર્ણ કરી લેવામાં આવશે.

 

 

વલસાડ: ધરમપુરના જંગલોમાં 19 જાતિના દુર્લભ વૃક્ષો મળી આવ્‍યા

લુપ્ત થતી વન સંપદાના સંવર્ધન હેતુ વન વિભાગે બોટનીક નિષ્‍ણાંતોની સહાય મેળવી જુજ પ્રમાણમાં મળી આવતી વનસ્‍પતિઓના ૨૦ હજાર છોડ વન નર્સરીઓમાં ઉછરી રહયા છે

ગુજરાતનો દક્ષિણ ભાગ વન સંપદાથી સમૃદ્વ છે. કંઇ કેટલીય જાતિના વૃક્ષો-વેલાઓએ વિસ્‍તારને હર્યો-ભર્યો કર્યો છે. રાજયના વન વિભાગે પણ તેના સંરક્ષણ અને સંવર્ધનમાં અધિક અગ્ર મુખ્‍ય વન સંરક્ષક શ્રી યુ.ડી.સિંઘના માર્ગદર્શન હેઠળ સરાહનીય કામગીરી કરી રહયું છે.

તાજેતરમાં વલસાડ જિલ્લાના ધરમપુરના જંગલોમાં ઇ.ચા. નાયબ વન સંરક્ષક અને સહાયક વન સંરક્ષક યુવરાજસિંહ ઝાલા, રેન્‍જ ફોરેસ્‍ટ ઓફિસર હિરેન પટેલ અને વનકર્મીઓએ 19 જાતિના દુર્લભ વૃક્ષોની ભાળ મેળવી છે. જેમાં બોથી, ખડશિંગ, કવીશા, પંગારો, કરમલ, સફેદ પાઘળ, પીળો ખાખરો, મેઢાશિંગ, નાની ચમોલ, મોટી ચમોલ, રગત રોહિડો, ચંડીયો, કંપીલો, દવલો, કુંભ, હુંભ, વરસ, કાયલી(જંગલી આંબલી), પીળા ફુલ ધરાવતો શીમળો (સામર) જેવા વૃક્ષો અને વેલાઓ કે જેના નામ આપણે કદી સાંભળ્‍યા ન હોય કે જોયા ન હોય તેવી આ વનસ્‍પતિઓ શોધી કાઢી છે.

કપરાડાના જાણીતા વૈદ્ય મનોજભાઇ જાદવ આ વનસ્‍પતિઓનું મુલ્‍ય જણાવતાં કહે છે કે, હાથપગના દુઃખાવામાં ખડસિંગનું વૃક્ષ ઉપયોગી છે. તો ઘૂંટણના દુઃખાવામાં કાયલી (જંગલી આંબલી) રાહત આપે છે. પથરીના ઇલાજમાં પાઘળ તો મરડામાં મેઢાસિંગ અકસીર છે.

આયુર્વેદિક દૃષ્‍ટિએ ખુબ જ મહત્‍વની સાથે પર્યાવરણ જાળવતી આ વનસંપદાથી જંગલો વધુ સઘન બને અને ઉપયોગી વૃક્ષ-વેલાઓ સરળતાથી ઉપલબ્‍ધ થાય તે માટે વન વિભાગે નાનાપોંઢાના બોટની પ્રોફેસર ડૉ.સંદીપ પટેલની મદદ લીધી છે. ઉપરાંત સ્‍થાનિક ગ્રામજનોને વનસ્‍પતિઓના મહત્ત્વને સમજાવી તેમના સહયોગ થકી બીજ એકત્રિકરણની કામગીરી વન વિભાગે બખૂબી રીતે કરી છે. લોકડાઉનના સમયમાં વન વિસ્‍તારો ખુંદીને દુર્લભ વૃક્ષોના બીજ એકત્ર કરવામાં આવ્‍યા. જેના છોડ નર્સરીઓમાં તૈયાર થઇ રહયા છે.

અત્રે ઉલ્લેખનિય છે કે, વલસાડ ઉત્તર વન વિભાગ હસ્‍તક ધરમપુર રેન્‍જમાં 14021 હેકટર, પંગારબારીમાં-12574, હનમતમાળમાં-11482, વલસાડમાં-712, વાંસદા પુર્વમાં- 9721, વાંસદા પશ્વિમમાં-10541 અને ચીખલી રેંજમાં 3782 હેકટર રીઝર્વ ફોરેસ્‍ટનો સમાવેશ થાય છે. દક્ષિણ વન વિભાગમાં કપરાડા તાલુકામાં 50 હજાર હેકટર રીઝર્વ ફોરેસ્‍ટ છે.

આ બધા જ વનક્ષેત્રના અધિકારી-કર્મચારીઓ સ્‍થાનિક ગ્રામીણોના સહયોગ થકી જંગલોના સંરક્ષણ અને સંવર્ધન સાથે લુપ્ત થતી અને દુર્લભ વનસ્‍પતિઓને બચાવવા પણ આગવી કામગીરી કરી રહયા છે.

રાજયમાં લુપ્ત થતી વન્‍યસંપદાના સંવર્ધન માટે વનવિભાગનું શીલ્‍વા એકમ નર્મદા ખાતે કાર્યરત છે. રાજયમાં પ્રથમવાર વલસાડ જિલ્લામાં ઉત્તર વનવિભાગના અધિકારીઓએ આ પ્રકારનો સરાહનીય પ્રયાસ કર્યો છે.

વૃક્ષોનું જતન અને સંવર્ધન વન વિભાગના અધિકારીઓની દીર્ઘદ્રષ્‍ટિ અને કુનેહથી લુપ્ત થતા દુર્લભ વૃક્ષોને આ વૃક્ષો આયુર્વેદિક અને પર્યાવરણની દૃષ્‍ટીએ પણ ખુબ જ મહત્ત્વના છે. પ્રાચીન ગ્રંથોમાં વૃક્ષોનું મહાત્‍મ્‍ય સમજાવ્‍યું હોવાનું સહાયક વન સંરક્ષક શ્રી ઝાલા જણાવે છે.
કપરાડા, ધરમપુર, વાંસદા રેન્‍જમાં દુર્લભ વૃક્ષોનું સંવર્ધન કરવા ૨૦ હજાર જેટલા છોડનો ઉછેર કરવામાં આવી રહયો છે. જેને આવતા વર્ષે રીઝર્વ ફોરેસ્‍ટ વિસ્‍તારમાં વાવેતર કરવામાં આવશે.

હાથ ધુઓ ઝૂંબેશ: ગાંધી જયંતી નિમિત્તે રાજ્યભરની પાંચ લાખથી વધુ મહિલાઓ એક સાથે હેન્ડ વોશ કરશે

મહિલા બાળકલ્યાણ મંત્રી ગણપત વસાવાએ જણાવ્યું છે કે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારત સ્વસ્થ ભારતના સંકલ્પને સાકાર કરવા માટે ગુજરાત સરકારે મક્કમ નિર્ધાર કરીને સમયબદ્ધ આયોજન કરીને દેશને રાહ ચીંધ્યો છે ત્યારે પૂજ્ય મહાત્મા ગાંધીજીના જન્મદિન-રાષ્ટ્રીય સ્વસ્થતા દિવસે ગુજરાતની પાંચ લાખથી વધુ મહિલાઓ એક સાથે હેન્ડવોશનો પ્રયોગ કરીને સ્વચ્છતાના સંકલ્પને સાકાર કરવા સંકલ્પબદ્ધ બનશે.

તેમણે ઉમેર્યુ કે, રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના નેતૃન્વ હેઠળની રાજ્ય સરકારે સ્વચ્છતા અંગે જાગૃતિ માટેના અનેકવિધ સીમાચિન્હો પ્રસ્થાપિત કર્યા છે ત્યારે આ નવતર અભિગમ પણ દેશને નવો રાહ ચીંધશે એવો મને દ્રઢ વિશ્વાસ છે.

તેમણે ઉમેર્યુ કે બીજી ઓક્ટોબર સ્વચ્છતાદિને પૂજ્ય બાપુને શ્રદ્ધાંજલી આપવા માટે મહિલા અને બાળકલ્યાણ વિભાગ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાનાર છે. જેમાં મુખ્યમંત્રીના હસ્તે આંગણવાડી કચેરી અને બ્લોક ઓફિસના નવ નિર્મીત ભવનોનું ઇ-લોકાર્પણ તથા ઇ-ભૂમિપજન પણ કરવામાં આવશે.

તેમણે કહ્યું કે, આંગણવાડી કેન્દ્રો ખાતે તેડાગર બહેનો તથા આંગણવાડી કાર્યકરોની શ્રેષ્ઠ કામગીરી માટે વડાપ્રધાનએ માતા યશોદા એવોર્ડની જાહેરાત કરી હતી. એ પ્રતિ વર્ષ આપવામાં આવે છે. જેના ભાગરૂપે જિલ્લા કક્ષાના માતા યશોદા એવોર્ડનું વિતરણ પણ આ દિવસે કરવામાં આવશે.
તેમણે કહ્યુંકે નંદઘર ખાતે ભૂલકાઓને અપાતી માળખાકીય સવલતો જેવી કે પીવાના પાણી, શૌચાલય સહિતની વિવિધ સુવિધાની કામગીરી માટે રાજ્ય સરકાર દ્વારા નંદઘર ઇન્ફ્રાસ્ટ્રક્ચરની માળખાકીય સુવિધાઓના ટ્રેકીંગ માટે એપ્લીકેશન પણ તૈયાર કરાઇ છે. આ એપ્લીકેશનનું મુખ્યમંત્રીશ્રીના હસ્તે લોન્ચીંગ પણ આ જ દિવસે કરવામાં આવશે.

અનલોક-5: કેન્દ્ર સરકારે ઈશ્યુ કરી ગાઈડલાઈન, 15મી ઓક્ટોબરથી શરૂ થશે મલ્ટિપ્લેક્સ ,સ્વિમિંગ પૂલ અને સિનેમા હોલ

કેન્દ્ર સરકારે અનલોક-5ની ગાઈડલાઈન ઈશ્યુ કરી છે અને અનલોકના પાંચમા તબક્કામાં વધુ છૂટછાટો આપવાની જાહેરાત કરવામાં આવી છે.

ગૃહ મંત્રાલયે અનલોક 5 માટે 15 ઓક્ટોબરથી ફરીથી ખોલવા માટે વિસ્તૃત માર્ગદર્શિકા જાહેર કરી છે. દેશમાં કોવિડ -19 કેસોમાં તીવ્ર વધારો થવા છતાં ગૃહમંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે તેમાં વધુ છૂટછાટ અને ઓછા પ્રતિબંધો હશે, જોકે કેટલાક રાજ્યોમાં સ્થાનિક વહીવટીતંત્ર સ્વૈચ્છિક કર્ફ્યુ, સ્થાનિક લોકડાઉન વગેરે પર વિચારણા કરવાનું સૂચન કરવામા આવ્યું છે.

અા છે ગાઈડલાઈન

* સિનેમા / થિયેટરો / મલ્ટીપ્લેક્સને તેમની બેઠક ક્ષમતા 50 ટકા રાખીને ખોલવાની મંજૂરી આપવામાં આવશે, જેના માટે, માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા એસઓપી જારી કરવામાં આવશે.

* બિઝનેસ ટુ બીઝનેસ (બી 2 બી) પ્રદર્શનો ખોલવાની મંજૂરી આપવામાં આવશે, જેના માટે વાણિજ્ય વિભાગ દ્વારા એસઓપી બહાર પાડવામાં આવશે.

* રમતવીરોની તાલીમ માટે ઉપયોગમાં લેવાતા સ્સીમીંગ પૂલને ખોલવાની મંજૂરી આપવામાં આવશે, જેના માટે યુવા બાબતો અને રમત મંત્રાલય (મોઆઈએ અને એસ) દ્વારા એસઓપી કરવામાં આવશે.

* મનોરંજન ઉદ્યાનો અને સમાન સ્થાનો ખોલવાની મંજૂરી આપવામાં આવશે, જેના માટે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય (એમએચએફડબ્લ્યુ) દ્વારા એસઓપી જારી કરવામાં આવશે.

* શાળાઓ અને કોચિંગ સંસ્થાઓ ફરીથી ખોલવા માટે, રાજ્ય / કેન્દ્રશાસિત રાજ્ય સરકારોને ક્રમશ એસઓપી સાથે રીતે 15 ઓક્ટોબર, 2020 પછી નિર્ણય લેવાની રાહત આપવામાં આવી છે. નિર્ણય સંબંધિત શાળા, સંસ્થા સંચાલન સાથેની પરામર્શમાં લેવામાં આવશે, પરિસ્થિતિના આકારણીના આધારે અને નીચેની શરતોને આધિન:

* ઓનલાઇન / અંતર શિક્ષણ એ શિક્ષણની પસંદગીની રીત રહેશે અને પ્રોત્સાહિત કરવામાં આવશે.

* જે શાળાઓ ઓનલાઇન વર્ગો ચલાવે છે, અને કેટલાક વિદ્યાર્થીઓ શારીરિક ધોરણે શાળામાં જવાને બદલે ઓનલાઇન વર્ગોમાં હાજરી આપવાનું પસંદ કરે છે, ત્યાં તેમને મંજૂરી આપવામાં આવી શકે છે.

* વિદ્યાર્થીઓ ફક્ત માતાપિતાની લેખિત સંમતિથી શાળાઓ અને સંસ્થાઓમાં ભાગ લઈ શકે છે.

* હાજરી લાગુ થવી જોઈએ નહીં, અને માતાપિતાની સંમતિ પર સંપૂર્ણ આધાર રાખવી આવશ્યક છે.

* રાજ્યો, કેન્દ્રશાસિત કેન્દ્રો, સ્થાનિક સરકારની જરૂરીયાતોને ધ્યાનમાં રાખીને, ભારત સરકારના શિક્ષણ શિક્ષણ અને સાક્ષરતા વિભાગ, શિક્ષણ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવતી એસ.ઓ.પી. પર આધારીત શાળાઓ – સંસ્થાઓ ફરીથી ખોલવા માટે આરોગ્ય અને સલામતીની સાવચેતી અંગે પોતાનો એસઓપી તૈયાર કરશે.

* જે શાળાઓને ખોલવાની મંજૂરી છે, તેઓએ રાજ્યો, કેન્દ્રશાસિત રાજ્યશાળાના શિક્ષણ વિભાગો દ્વારા જારી કરવામાં આવતી એસઓપી.નું પાલન કરવું પડશે.

* ઉચ્ચ શિક્ષણ વિભાગ ((DHE), શિક્ષણ મંત્રાલય, પરિસ્થિતિના આકારણીના આધારે ગૃહ મંત્રાલય (એમએચએ) ની સલાહ સાથે કોલેજ, ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ ખોલવાના સમય અંગે નિર્ણય લઈ શકે છે. ઓનલાઇન અને અંતર ભણતર એ શિક્ષણની પસંદગીની રીત રહેશે અને પ્રોત્સાહિત કરવામાં આવશે.

ઓક્ટોબર મહિનામાં દુર્ગાપૂજા સહિત અનેક ધાર્મિક તહેવારો યોજાનારા હોવાથી અનલોક 5.0 સૌથી નિર્ણાયક બનવાની સંભાવના છે. બિહાર વિધાનસભાની ચૂંટણી 2020 નો પ્રથમ તબક્કો 28 ઓક્ટોબરના રોજ યોજાનાર છે. કેન્દ્ર એક સ્થળે ભેગા થઈ શકે તેવા મહત્તમ લોકો સાથે સંબંધિત તેના ઓર્ડરમાં સુધારો કરે તેવી સંભાવના છે.

તબક્કાવાર અનલોકની શરૂઆત જૂન મહિનામાં ફક્ત કેટલીક આવશ્યક પ્રવૃત્તિઓથી જ કંટેનમેન્ટ ઝોનની બહાર થઈ હતી. છેલ્લા ચાર મહિનામાં, મેટ્રો, ઘરેલુ ફ્લાઇટ્સ, ધાર્મિક સ્થળો, રેસ્ટોરાં, હોટલ, જિમ, શાળાઓ અને કોલેજો સહિતની ઓફિસો, જાહેર પરિવહનને પ્રવૃત્તિઓ ફરીથી શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે, જોકે સંબંધિત રાજ્ય સરકારો અંતિમ નિર્ણય લેવા બંધાયેલી છે.

કોરોનામાં ફેફસાં પથ્થર થઈ ગયા? રાજકોટ મેડીકલ કોલેજના ડો.કિયાડાએ ઓટોપ્સી રિપોર્ટનો કર્યો ઈન્કાર

રાજકોટની પંડિત દીનદયાળ ઉપાધ્યાય હોસ્પિટલના ફોરેન્સિક મેડિસીન વિભાગના વડા ડો. હેતલ કિયાડાએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે, રાજકોટ મેડિકલ કોલેજ ખાતે થઇ રહેલી કોરોના દર્દીઓની ઓટોપ્સી અંગે ડોકટર્સ કોઇ તારણ પર પહોંચ્યા હોવાની વાતમાં કોઇ વજૂદ નથી.

તેમણે જણાવ્યું કે ફેફસાં પથ્થર જેવા થઇ જવા, લોહીની નળી જામી જવી, ફાઇબ્રસીસ થવું વગેરે જેવાં તારણો કોરોના દર્દીઓની ઓટોપ્સી કરવાથી બહાર આવ્યા હોવાના અહેવાલો અમુક અખબારોમાં પ્રસિધ્ધ થયેલ છે, જે વજૂદ વગરના છે, કેમ કે હજુ તો કોરોના સંક્રમિત મૃતદેહોની ઓટોપ્સીની કામગીરી પ્રગતિ હેઠળ છે. એટલે ઓટોપ્સીના તારણો વિષે અત્યારે કંઇ પણ કહેવું ખૂબ વહેલું ગણાાશે.

તેમણે જણાવ્યું કે હાલ તો ઓટોપ્સીના સંશોધન અંગે અવલોકન અને નિરીક્ષણ ચાલી રહયું છે. આ સમયગાળા બાદ જ કોઇ નિષ્કર્ષ પર આવી શકાશે સંપૂર્ણ સંશોધન પુરૂં થયા બાદ જ તજજ્ઞ ડોકટર્સ કોરોના અંગેની સારવારમાં ઓટોપ્સીના અવલોકનમાંથી તારવેલા તથ્યો કોરોના સંક્રમિ દર્દીઓની સારવાર માટે સૂચવી શકશે.. ઓટોપ્સીના સંશોધનની સમાપ્તિ બાદ જ કોઇ તારણ પર આવી શકાશે.

વિધાનસભાની પેટાચૂંટણી: ભાજપ માટે માથાનો દુખાવો બનશે કોંગ્રેસના બળવાખોરો, ટીકીટને લઈ થશે તડાફડી

ભાજપ પ્રદેશ પ્રમુખ તરીક જીતુ વાઘાણીના સમયમાં કોંગ્રેસ છોડી દેનારા પૂર્વ ધારાસભ્યો એટલે કે કોંગ્રેસના બળવાખોરો ભાજપ માટે માથાનો દુખાવો બનશે એવી રાજકીય વર્તુળોમાં અટકળો ચાલી રહી છે. આઠ વિધાનસભાની પેટાચૂંટણીને લઈ વર્તમાન પ્રમુખ સીઆર પાટીલે સ્પષ્ટ કર્યું છે કે ભાજપના કાર્યકરો અને ભાજપના નેતાઓને અગ્રીમતા આપવામાં આવશે. આવી સ્થિતિમાં કોંગ્રેસ છોડી ભાજપમાં આવેલા કે આ ભાજપમાં આવવા માંગતા પૂર્વ કોંગ્રેસીઓની હાલત સૂડી વચ્ચે સોપારી જેવી બની જવા પામી છે તો વર્ષો જૂના ભાજપના સંનિષ્ઠ કાર્યકરોમાં પણ હવે ઉકળતો ચરું જેવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે.

પેટાચૂંટણીમાં ટીકીટોને લઈ ભાજપમાં ધમાસાણ મચશે એને લઈ અત્યારે ચર્ચાએ જોર પકડ્યું છે. પ્રદેશ પ્રમુખ બન્યા બાદ સીઆર પાટીલની આ પ્રથમ ચૂંટણી છે અને આ ચૂંટણી એક રીતે જોવા જઈએ તો સેમી ફાઈનલ બની રહેવાની છે. પેટાચૂંટણી બાદ મહાનગરપાલિકા, નગરપાલિકા અને પંચાયતોની ચૂંટણી આવી રહી છે, આ ચૂંટણીઓ ફાઈનલ તરીકે જોવામાં આવી રહી છે.

એક તરફ ગુજરાત સરકારનો કોરોના કાળમાં સર્વશ્રેષ્ઠ કામગીરી કરવામાં આવી હોવાનો દાવો છે તો વિપક્ષ તરીકે કોરોના કાળમાં પ્રજા વચ્ચે જવામાં નિષ્ફળ રહી છે તેવી પણ છાપ ઉપસી રહી છે. આ બધાની વચ્ચે ભાજપ માટે આઠે આઠ બેઠકો પર ઉમેદવારોની પસંદગી કરવાની માથાપચ્ચી ખાસ્સી એવી ખટરાગો ઉભી કરશે. એક બાજુ કોંગ્રેસમાંથી આવેલા પૂર્વ ધારાસભ્યોને સાચવવા અને બીજી બાજુ ભાજપના ચૂસ્ત કાર્યકરો, નેતાઓેને સાચવવાની બેવડી જવાબદારી આવી પડી છે. સીઆર પાટીલ માટે આ એક મોટી કસોટી સાબિત થશે.

કોંગ્રેસ છોડી ભાજપમાં આવેલા પૂર્વ ધારાસભ્યોમાંથી કોને ટીકીટ મળે છે કે કહેવું હાલ વધારે પડતું છે. છતાં કેટલાક નામો ચાલી રહ્યા છે અને કેટલાક નામો કપાઈ રહ્યા છે એવી અટકળો ચાલી રહી છે. લીમડી બેઠક પરથી સોમાભાઈ ગાંડાભાઈ પટેલ, ડાંગ બેઠક પરથી મંગળ ગાવિત અને ગઢડા બેઠક પર પ્રવિણ મારૂની ટિકિટ કપાશે એ નક્કી મનાય છે. આ બેઠકો ભાજપના દાવેદારો ટીકીટ મેળવવા એડીચોટીનુ જોર લગાવી રહ્યા છે. ડાંગ બેઠક પર કોંગ્રેસ છોડીને આવેલા પૂર્વ ધારાસભ્ય મંગળ ગાવિત અને સોમા ગાંડા પટેલે તો હજુ કેસરિયો ખેસ ધારણ કર્યો નથી અને ભાજપમાં જોડાયા પણ નથી.

ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે પક્ષપલટુઓને ટીકિટ આપવા સામે અણગમો બતાવેલો પણ ભાજપનાં સૂત્રોના મતે કોંગ્રેસના પાંચ પક્ષપલટુઓની ટીકિટ પાકી છે.

ગુજરાતમાં કોરોનાનાં નવા 1390 કેસ, કુલ કેસ 1,37,394, વધુ 11 લોકોનાં મોત, કુલ મૃત્યુઆંક 3453

પાછલા ચોવીસ ક્લાક દરમિયાન ગજરાતમાં કોરોનાનાં નવા  1390 કોરોના કેસ નોંધાયા હતા. આ સાથે જ કુલ કેસનો આંકડો 1,37,394 પર પહોંચી ગયો છે. વધુ 11 લોકોના મોત સાથે કોરોનાનો કુલ મૃત્યુઆંક 3453 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 16,710 એક્ટિવ કેસ છે, જ્યારે 1,17,231 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 86 દર્દી વેન્ટીલેટર પર છે અને 16,624 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,37,394 પર પહોંચી છે.

રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 3, સુરતમાં 2, સુરત કોર્પોરેશનમાં 2, કચ્છમાં 1, મહેસાણામાં 1, રાજકોટ કોર્પોરેશનમાં 1, વડોદરા કોર્પોરેશનમાં મળી કુલ 11 લોકોના મોત થયા હતા.

સુરત કોર્પોરેશનમાં 180, અમદાવાદ કોર્પોરેશનમાં 179, સુરતમાં 118, રાજકોટ કોર્પોરેશનમાં 105, વડોદરા કોર્પોરેશનમાં 92, જામનગર કોર્પોરેશનમાં 68, રાજકોટમાં 46, મહેસાણામાં 41, વડોદરામાં 41, બનાસકાંઠામાં 37, પંચમહાલમાં 32, અમરેલી અને પાટણમાં 30-30, ગાંધીનગર કોર્પોરેશનમાં 26, ભાવનગર કોર્પોરેશનમાં 25, ભરૂચમાં 24 કેસ નોંધાયા હતા.

રાજ્યમાં આજે કુલ 1372 દર્દી સાજા થયા હતા અને 61,966 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 43,56,062 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 85.32 ટકા છે.

રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે 5,88,158 વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે, જે પૈકી 5,87,748 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઈન છે અને 410 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.

કોંગ્રેસના દબાણ હેઠળ નમી ઉદ્ધવ સરકાર, નવો કૃષિ કાયદો લાગુ કરવાનો આદેશ પાછો ખેંચ્યો

કોંગ્રેસે મંત્રીમંડળની બેઠકનો બહિષ્કાર કરવાની ધમકી આપ્યા બાદ મહારાષ્ટ્ર સરકારે બુધવારે ઓગસ્ટ મહિનામાં નવા કૃષિ કાયદો લાગુ કરવાના આદેશને પાછો ખેંચી લીધો હતો.

રાજ્ય સરકારમાં કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) દ્વારા મહારાષ્ટ્રમાં કૃષિ કાયદાઓને ‘ખેડૂત વિરોધી’ ગણાવ્યા બાદ કૃષિ સુધારણા કાયદાના અમલ અંગે ઉદ્ધવ ઠાકરેની આગેવાનીવાળી સરકાર મૂંઝવણમાં છે. તાજેતરમાં ભારે વિરોધ વચ્ચે સંસદના બંને ગૃહોમાં આ કાયદો પસાર કરવામાં આવ્યો હતો.

ગયા અઠવાડિયે, મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અને એનસીપી નેતા અજિત પવારે જાહેરાત કરી હતી કે રાજ્ય સરકાર રાજ્યમાં કૃષિ સુધારણા કાયદા લાગુ કરશે નહીં.

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ સોમવારે પાર્ટી શાસિત રાજ્યોની સરકારોને કેન્દ્ર સરકારના ‘કૃષિ વિરોધી કાયદા’ ને નિષ્પ્રભાવી કરવા કાયદો પસાર કરવાની સંભાવના પર વિચાર કરવા જણાવ્યું છે. પાર્ટીના જનરલ સેક્રેટરી, કેસી વેણુગોપાલ દ્વારા જારી કરવામાં આવેલા એક નિવેદનમાં  સોનિયાએ કોંગ્રેસ શાસિત રાજ્યોને બંધારણની કલમ 254 (એ) હેઠળ કાયદો પસાર કરવાની શક્યતાઓ પર વિચાર કરવાની સલાહ આપી છે.

કેસી વેણુગોપાલે કહ્યું કે અનુચ્છેદ રાજ્યની વિધાનસભાઓને ‘રાજ્યોના અધિકારક્ષેત્રમાં દખલ કરતા કૃષિ વિરોધી અને કેન્દ્રીય કાયદા’ રદ કરવા કાયદાઓ પસાર કરવાની સત્તા આપે છે. નોંધનીય છે કે હાલમાં પંજાબ, રાજસ્થાન, છત્તીસગઢ અને પુડ્ડુચેરીમાં કોંગ્રેસની સરકાર છે. જ્યારે મહારાષ્ટ્ર અને ઝારખંડમાં ગઠબંધન સરકારનો ભાગ છે.

વેણુગોપાલે દાવો કર્યો, “રાજ્યના આ પગલાથી ત્રણ કૃષિ કાયદાની અસ્વીકાર્ય અને ખેડૂત વિરોધી જોગવાઈઓને અવગણવામાં આવશે.” આ જોગવાઈઓમાં લઘુતમ ટેકાના ભાવને નાબૂદ કરવા અને કૃષિ પેદાશ માર્કેટિંગ સમિતિઓ (એપીએમસી) ના વિક્ષેપનો સમાવેશ થાય છે. ”

મહારાષ્ટ્ર કોંગ્રેસ અધ્યક્ષ બાલા સાહેબ થોરાટે અગાઉ દાવો કર્યો હતો કે ત્રણેય શાસક પક્ષોએ બિલનો વિરોધ કર્યો છે. આજે મળેલી કેબિનેટની બેઠકમાં પક્ષોએ આ મુદ્દો ઉઠાવવામાં આવનાર હતો.

મથુરાના શ્રી કૃષ્ણ જન્મ સ્થળના પરિસરમાંથી ઈદગાહને નહીં ખસેડાય, કોર્ટે ફગાવી અરજી

ઉત્તર પ્રદેશના મથુરામાં શ્રી કૃષ્ણ જન્મસ્થળ કેસમાં દાખલ કરેલી અરજીની સુનાવણી પછી તેને સિવિલ કોર્ટે નકારી કાઢી હતી. સિવિલ જજ સિનિયર ડિવિઝન એવાં છાયા શર્માએ અરજદારોની તમામ દલીલોને નકારી કાઢી હતી. 1968 ના કરારને વકીલો હરીશંકર જૈન અને વિષ્ણુશંકર જૈન દ્વારા 57 પાનાના દાવામાં પડકારવામાં આવ્યા હતા, જેને કોર્ટે નકારી કાઢ્યો હતો.

આ અરજીમાં 13.37 એકર જમીનની માલીકી અને ઇદગાહને હટાવવાની માંગણી સાથે કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જેમાં શ્રીકૃષ્ણ જન્માસ્થાન સેવા સંસ્થા, ઇદગાહ ટ્રસ્ટ અને સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડને પ્રતિવાદી બનાવવામાં આવ્યા હતા.

ફરિયાદી તરફેના વરિષ્ઠ વકીલો હરીશંકર જૈન અને વિષ્ણુશંકર જૈને જણાવ્યું હતું કે, અરજીની સુનાવણી માટે કોર્ટે રામ મંદિરને લગતા મામલામાં કોર્ટના નિર્ણયના પેરા 116 ટાંક્યા હતા અને કહ્યું હતું કે મંદિર નિર્માણની વિભાવના અચૂક છે અને કોર્ટનો અધિકાર વિસ્તારની બહાર છે. મહામના મદન મોહન માલવીયા વગેરે દ્વારા લેવાયેલી પરિકલ્પના મંદિરના નિર્માણ પછી પણ જાળવવામાં આવી છે.

બુધવારની સુનાવણીમાં શ્રી કૃષ્ણ જન્માસ્થાન અને કટરા કેશવદેવના પરિસરમાં ભગવાન શ્રીકૃષ્ણના ભવ્ય મંદિરના નિર્માણથી સંબંધિત ઇતિહાસની વિગતો આપતાં તેમણે કહ્યું હતું કે શ્રી કૃષ્ણ જન્મસ્થાન સેવા સંસ્થાને ઇદગાહ મેનેજમેન્ટ સમિતિ તરફથી કોઈ પણ પ્રકારનો અધિકાર નથી. તેથી તેમના દ્વારા દાખલ કરાર કોઈપણ અરજી ગેરકાયદેસર છે. જેની સાથે શાહી ઇદગાહના નિર્માણ માટે કબજે કરેલી જમીનનો તેનો કબજો અનધિકૃત છે.

તેમણે કૃષ્ણ સખીના રૂપમાં અરજદાર રંજના અગ્નિહોત્રીને વિનંતી કરી કે આખી જમીનનો કબજો શ્રી કૃષ્ણ બિરાજમાનને સોંપવામાં આવે. જો કે કોર્ટે આ અરજી ફગાવી દીધી હતી.