અમેરિકામાં નહીં હટશે બર્થ રાઈટ સિટીઝનશીપ, યુએસ સુપ્રીમ કોર્ટે ટ્રમ્પના પ્રતિબંધો રદ્દ કર્યા

યુએસ સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના એક્ઝિક્યુટિવ ઓર્ડરને રદ કર્યો છે જેમાં વિદેશી નાગરિકો અથવા ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને યુ.એસ.માં જન્મેલા બાળકોને આપવામાં આવતી સ્વચાલિત જન્મજાત નાગરિકતાનો અંત લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

કોર્ટે 6-3 બહુમતીથી ઠરાવ્યું કે આ યુ.એસ. બંધારણના 14મા સુધારાનું ઉલ્લંઘન કરે છે. આ સીમાચિહ્નરૂપ ફેસલામાં કોર્ટે સ્પષ્ટ કર્યું કે 14મા સુધારા હેઠળ, યુ.એસ.ની ધરતી પર જન્મેલું કોઈપણ બાળક આપમેળે યુએસની નાગરિકતા મેળવે છે, અને આને ફક્ત એક્ઝિક્યુટિવ ઓર્ડર દ્વારા બદલી શકાતું નથી.

મુખ્ય ન્યાયાધીશ જોન રોબર્ટ્સે બહુમતીનો નિર્ણય લખતા જણાવ્યું હતું કે 14મા સુધારાના નાગરિકતા કલમનો હેતુ યુનાઇટેડ સ્ટેટ્સમાં જન્મેલા દરેક સ્વતંત્ર વ્યક્તિને નાગરિકતા અધિકારો આપવાનો છે, અને કોર્ટ આ વચનને સમર્થન આપશે.

ફેંસલા બાદ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ અને કામચલાઉ વિઝા ધારકોના બાળકોને પણ જન્મજાત નાગરિકતા પ્રાપ્ત થતી રહેશે.

રાષ્ટ્રપતિ ટ્રમ્પે તેમના બીજા કાર્યકાળની શરૂઆતમાં “બર્થ ટૂરિઝમ” ને રોકવા અને ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સના બાળકો માટે નાગરિકતા મર્યાદિત કરવાનો પ્રયાસ કરતો એક કાર્યકારી આદેશ જારી કર્યો.

ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી, અઢી ઈંચ વરસાદથી સુરત જળબંબાકાર

ગુજરાત પહોંચેલ મેઘ સવારીએ આજે સવારથી જુદા-જુદા વિસ્તારોમાં અમીવૃષ્ટિ કરી છે, સુરત અઢી ઈંચ વરસાદમાં જ જળબંબાકાર થતા પ્રિ-મોન્સુનના પ્રપંચોની પોલ ખૂલી ગઈ છે, તો વરાછામાં એક માર્ગ જ જમીનમાં ધસી પડતા નબળી કામગીરી તથા ભ્રષ્ટાચારનો પ્રત્યક્ષ પુરાવો મળ્યો હોય તેમ જણાય છે. રાજ્યના 33 તાલુકાઓમાં વરસાદના વાવડ છે, અને રાજયભરમાં મેઘાવી માહોલ છવાયો છે.

આજે વહેલી સવારથી ઉના, વ્યારા સહિત રાજ્યના 33 તાલુકામાં વરસાદ નોંધાયો. સૌથી વધુ સુરતમાં 2.60 ઈચ વરસાદ પડ્યો, જ્યાં લાંબી રાહ પછી મેઘરાજાની પધરામણી થઈ, જો કે પહેલા જ વરસાદે સુરતમાં એસએમસીની પ્રિ-મોન્સુન કામગીરીની પોલ ખોલી નાંખી હતી અને ઉધના-નવસારી રોડ પર પાણી ભરાયા અને ભીમનગર ગરનાળું સ્વિમિંગ પુલ બન્યું હતું.

સુરતમાં છેલ્લા 15 દિવસની લાંબી રાહ જોયા પછી મોડી રાતથી મેઘરાજાની ધમાકેદાર બેટીંગ સાથે ચોમાસાની વિધિવત શરૂઆત થઈ ગઈ છે. જ્હાંગીરપુરા, અડાજણ અને પાલ સહિતના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડતા લોકોને અસહ્ય બફારામાંથી રાહત મળી છે અન વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.

સુરત શહેરની સાથોસાથ સુરત ગ્રામ્ય અને જિલ્લાના વિસ્તારો જેવા કે કોસંબા, કીમ, કામરેજ અને કડોદરામાં પણ મેઘરાજાએ તોફાની બેટીંગ કરી છે. કડોદરા નગરપાલિકા દ્વારા ચોમાસા પહેલા કરવામાં આવતી પ્રિ-મોન્સુન સફાઈ અને ડ્રેનેજ કામગીરી માત્ર એક જ વરસાદમાં ધોવાઈ ગઈ છે. કડોદરાની શ્રીનિવાસ સોસાયટીમાં પાણીનો યોગ્ય નિકાલ ન થવાને કારણે ગટર અને વરસાદી પાણી ભેગા થઈને રસ્તાઓ તેમજ નિચાણવાળા ઘરોમાં ભરાઈ ગયા છે. આ વિસ્તારમાં ૧૦ હજારથી વધુ લોકોન વસવાટ હોવાથી સવારના સમયે નોકરી પર જતા શ્રમિકો અને સ્કૂલે જતા બાળકો પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે, જેથી સ્થાનિકોમાં પાલિકાની ઘોર બેદરકારી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.

છેલ્લા 24 કલાકના આંકડા પર નજર કરીએ તો સુરત શહેર પછી તાપીના વાલોડમાં બે ઈંચ, જ્યારે સુરતના માંગરોળ અને કામરેજમાં પોણાબે ઈંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરંત પલસાણામાં દોઢ ઈંચ અને અરેઠમાં સવા ઈંચ વરસાદ પડ્યો છે. વલસાડ જિલ્લાના ઉમરગામ અને નાના પોઢામાં એક-એક ઈંચ, જ્યારે તાપીના કુકરમુડા, બોટાદના રાણપુર, નવસારીના ચીખલી અને વલસાડના પારડીમાં પોણો ઈંચ વરસાદ નોંધાયો છે. કપરાડા અને વલસાડ શહેરમાં પણ અડધો ઈંચ વરસાદ પડ્યો છે.

ગુજરાતમાં ધીરે ધીરે ચોમાસાની રમઝટ જામશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. સોમવારે અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં હળવાથી સારો વરસાદ પડ્યો હતો. છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાતના 33 તાલુકામાં વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સૌથી વધુ સુરત શહેમાં અઢી ઈંચ વરસાદ વરસ્યો છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદ નોંધાતા ગરમી અને બફારાથી લોકોને રાહત મળી છે, જો કે આગામી 24 કલાક પછી એટલે કે પહેલી જુલાઈથી ગુજરાતમાં વરસાદની તીવ્રતા વધવાની આગાહી હવામાન વિભાગે કરી છે.

અહેવાલો મુજબ સવારથી ગુજરાતમાં ચોમાસું વિધિવત રીતે જામ્યું છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના અનેક જિલ્લાઓમાં મેઘમહેર જોવા મળી છે, જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયલો છે. જૂન મહિનાના અંતિમ દિવસોમાં વરસાદનું આગમન થતા ખેડૂતો અને નાગરિકોમાં ખુશીની લહેર પ્રસરી ગઈ છે.

સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લામાં પણ મેઘરાજાની મહેર જોવા મળી છે. રાજુલા અને જાફરાબાદ પંથકમાં ભારે વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. બાબરકોટ, મીતીયાળા અને કડિયાળી સહિતના ગામોમાં સારો વરસાદ નોંધાયો છે.

ગુજરાતમાં વરસાદની તીવ્રતા વધવા અંગે હવામાન વિભાગના જણાવ્યા મુજબ 1 જુલાઈએ વરસાદ વધુ સક્રિય બનશે. જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, દીવ, ભાવનગર, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ તેમજ દમણ અને દાદરાનગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે 2 થી 5 જુલાઈ દરમિયાન સમગ્ર ગુજરાતમાં વ્યાપક વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને 3 થી 4 જુલાઈ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં અત્યંત ભારે વારસાદની સંભાવના સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ દરમિયાન સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.

વડોદરા શહેરમાં લાંબા વિરામ પછી આજે સવારે મેઘરાજાએ એન્ટ્રી કરતા સમગ્ર શહેરમાં વરસાદી માહોલ જામ્યો હતો. વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી અને છેલ્લા કેટલાક દિવસોથી ભારે ગરમી અને ઉકળાટથી પરેશાન નાગરિકોએ રાહતનો શ્વાસ લીધો છે. આજે સવારે વરસાદ શરૂ થતા કામ-ધંધા અને ઓફિસ જવા નીકળેલા લોકો રેઈનકોટ અને છત્રીનો સહારો લેતા નજરે પડ્યા હતાં.

 

“વસીમીયત@70”: રંગદર્શી ગઝલોનાં માલિક એટલે ઉર્દુનાં ખ્યાતનામ શાયર વસીમ મલિક

( સૈયદ શકીલ દ્વારા): શબ્દો જ્યારે માત્ર ભાષા નથી રહેતા, પરંતુ લાગણીઓનું ઘર બની જાય છે, ત્યારે શાયરી જન્મે છે. કેટલીક કલમો એવી હોય છે કે જે દિલના ઉંડાણને સ્પર્શી જાય છે, મૌનને અવાજ આપે છે અને પ્રેમ, વિયોગ, યાદો તથા જીવનના વાસ્તવિક તત્વોને એટલી સહજતાથી વ્યક્ત કરે છે કે વાચક પોતાની જ કહાની તેમાં શોધી લે છે. આવી જ સંવેદનશીલ કલમના માલિક છે ઉર્દુના ખ્યાતનામ શાયર સુરત-રાંદેરનાં વસીમ મલિક.

વસીમ મલિક સુરતના સર્વપ્રથમ શાયર છે કે જેમને વિદેશોનાં મુશાયરાઓ માં ભાગ લેવાનું સદ્દભાગ્ય પ્રાપ્ત થયું છે. તેઓ સમગ્ર સાઉથ ગુજરાતના પેહલા ઉર્દુ શાયર છે જેમને ગુજરાત સરકાર દ્વારા ગુજરાત ગૌરવ ગુજરાત એવાર્ડ થી નવજવામાં આવ્યા છે.

ઉર્દૂ શાયરી એ માત્ર શબ્દોની કળા નથી; તે હૃદયના ધબકારાઓને અવાજ આપતી એક એવી પરંપરા છે, જેમાં પ્રેમ છે, પીડા છે, વિયોગ છે, આશા છે અને જીવનના અસંખ્ય રંગો છે. આ પરંપરાને પોતાની નિખાલસ સંવેદનાઓથી સમૃદ્ધ બનાવનારા સમકાલીન શાયરોમાં વસીમ મલિકનું નામ વિશેષ આદરથી લેવામાં આવે છે.

મહેદુદ ન કર મુઝકો ખ્યાલોં કે સફર તક.
જાના હૈ મુઝે ઝીંંદા મિસાલોં કે સફર તક.

એ એહદે ગઝલ દેખ મેરી ફ્રિક કે સાયે,
ફૈલે હૈ અંધેરોં સે ઉજાલોં કે સફર તક.

સુરત માત્ર વેપાર અને હીરા ઉદ્યોગનું શહેર નથી, પરંતુ સાહિત્ય અને સંસ્કૃતિની સમૃદ્ધ પરંપરા પણ ધરાવે છે. આ પરંપરાને આગળ ધપાવનારા અગ્રણી ઉર્દૂ કવિઓમાં, સાહિત્ય જગતમાં ‘વસીમ મલિક’ તરીકે જાણીતા ઇકબાલ મલિકનું ખૂબ સન્માન કરવામાં આવે છે. રાંદેર સાહિત્યિક જગત માટે શાયરોની જાહોજલાલીનું પ્રતિક રહ્યું છે. અનેક ગુજરાતી, ઉર્દુનાં નામવર શાયરોની રાંદેર ધરતી રહી છે અને આ ધરતી પર ઈકબાલ મલિક-વસીમ મલિક જેવા સંવેદનશીલ શાયરની શાયરીનું ગુલિસ્તાન ખીલ્યું છે. ઓગષ્ટ મહિનામાં તેમનો 70મો જન્મદિવસ આવી રહ્યો છે. તેમના દિર્ધાયુની પ્રાર્થના કરીએ છીએ.

જો શખ્સ મેરા દસ્તે હુનર કાટ રહા હૈ,
નાદાન હૈ, શાદાબ શઝર કાટ રહા હૈ.

ગુજરાત ગૌરવ પુરસ્કારની સ્વીકૃતિ પ્રસંગે વસીમ મલિક
ગુજરાત ગૌરવ પુરસ્કારની સ્વીકૃતિ પ્રસંગે વસીમ મલિક

વસીમ મલિકે તેમની ગઝલો દ્વારા પ્રેમ, માનવતા, સામાજિક ચિંતાઓ અને માનવીય લાગણીઓને શક્તિશાળી રીતે વ્યક્ત કરી છે. તેમની ગઝલો અને કવિતાઓ સ્વાભાવિક રીતે સામાન્ય માણસની લાગણીઓ, સંબંધોની હૂંફ અને સમાજના સત્યોને પ્રતિબિંબિત કરે છે. આ જ કારણ છે કે તેમની કવિતા માત્ર સુરતમાં જ નહીં પરંતુ દેશભરના અસંખ્ય મુશાયરોમાં પણ પ્રશંસા પામી છે. તેમના અડઘા ડઝનથી વધુ ગઝલ સંગ્રહો પ્રકાશિત થઈ ગયા છે.

અજદાદ કી હર એક નિશાની સે કટ ગયે,
હમલોગ ખુદ હી અપની કહાની સે કટ ગયે.

વસીમ મલિકનું સાચું નામ મુહમ્મદ ઇકબાલ મલિક છે. તેમનો જન્મ 28 ઓગસ્ટ, 1956 ના રોજ ગુજરાતના સાંસ્કૃતિક અને વ્યાપારી શહેર સુરતનાં રાંદેરમાં થયો હતો. નાનપણથી જ તેમને સાહિત્યમાં, ખાસ કરીને ઉર્દૂ ગઝલોમાં ઊંડો રસ હતો. આ રસ તેમને ગઝલોની દુનિયામાં લઈ ગયો, અને તેમણે વરિષ્ઠ શાયરોના માર્ગદર્શન હેઠળ તેમની સર્જનાત્મક યાત્રા શરૂ કરી.

મૈં ઈસલિયે ઝીંદા હું કે મૈં બોલ રહા હું,
દુનિયા કીસી ગૂંગે કી કહાની નહી લિખતી.

1980 થી 1983 ની વચ્ચે, તેમને પ્રખ્યાત શાયરો અમીર સુરતી અને રફીક ટોંકી પાસેથી ગઝલમાં પ્રારંભિક સાહિત્યિક માર્ગદર્શન મળ્યું. આ સમયગાળાએ તેમની કાવ્યાત્મક સંસ્કૃતિને આકાર આપ્યો અને તેમને ગઝલની સૂક્ષ્મતાનો પરિચય કરાવ્યો. ત્યારબાદ, 1986 માં, તેઓ પ્રખ્યાત ઉર્દૂના ઉસ્તાદ શાયર વાલી આસીના શિષ્ય બન્યા. વાલી આસીના માર્ગદર્શન હેઠળ, તેમની ગઝલો વધુ પરિપક્વ થઈ, અને તેમના કાર્યમાં વિચાર, કલા અને ભાષાનો સંતુલિત વિકાસ જોવા મળ્યો.

તારીખ અપને અહદ કી લિખને કે વાસ્તે,
આઁસુ મે ભી કલમ કો ભીગોના પડા હમેં.

સાહિત્યની સાથે, વસીમ મલિક સામાજિક અને જાહેર જીવનમાં પણ સક્રિય હતા. તેમણે 1987 થી 1993 અને ફરી 2001 થી 2005 સુધી સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કાઉન્સિલર તરીકે જનતાની સેવા કરી. સામાજિક ચિંતાઓ અને જાહેર જીવન સાથે તેમનો ઊંડો સંબંધ તેમની ગઝલોમાં સ્પષ્ટપણે દેખાય છે, જ્યાં સામાન્ય માણસની વેદના, સામાજિક વિસંગતતાઓ અને માનવ મૂલ્યો પ્રત્યેની ચિંતા મુખ્ય વિષયો તરીકે ઉભરી આવે છે.

રાહત ઈન્દોરી સાથે વસીમ મલિક
રાહત ઈન્દોરી સાથે વસીમ મલિક

કત્લ કર ડાલો સભી ઝીંદા ઝમીરોં “વસીમ”
 ફિર તો આસાન હૈ લાશોં પે હકુમત કરના.

ઉર્દૂ ભાષા અને સાહિત્યમાં તેમના નોંધપાત્ર યોગદાનને માન્યતા આપતા, ગુજરાત ઉર્દૂ સાહિત્ય અકાદમીએ તેમને વર્ષ 2010 માટે “ગુજરાત ગૌરવ પુરસ્કાર” થી સન્માનિત કર્યા. આ સન્માન તેમના લાંબા ગાળાના સાહિત્યિક કાર્યો, ઉર્દૂ સાહિત્ય પ્રત્યેના સમર્પણ અને તેમની સર્જનાત્મક સિદ્ધિઓનો મહત્વપૂર્ણ પુરાવો છે.

યે દુનિયા હૈ યહાં સબ કામ લે કે છોડ દેતે હૈં,
નયે કપડે પહનતે હૈં, પુરાને છોડ દેતે હૈં. 

તેમણે ત્રણ દાયકાથી વધુ સમય સુધી ઉર્દૂ સાહિત્યની સેવા કરી. ભારત અને વિદેશમાં અસંખ્ય મુશાયરોમાં તેમની ભાગીદારીએ સુરતની સાહિત્યિક ઓળખને નવી ઊંચાઈએ પહોંચાડી. ભાષાની સરળતા, વિચારની ઊંડાઈ અને અભિવ્યક્તિની અસરકારકતા તેમના કાર્યોમાં ખાસ કરીને સ્પષ્ટ છે.

શાખ સે કટ કર અલગ હોને કા હમ કો ગમ નહીં, 
ફૂલ હૈં, ખુશબૂ લૂટા કર ખાક હો જાયેંગે હમ.

સાહિત્યની સાથે, વસીમ મલિક સામાજિક જીવનમાં પણ સક્રિય હતા. તેમણે સુરતના રાંદેર વિસ્તારમાંથી કાઉન્સિલર તરીકે સેવા આપવાના સમયગાળા દરમિયાન સામાજિક સેવા પ્રવૃત્તિઓમાં નોંધપાત્ર રીતે સામેલ રહ્યા છે. સાહિત્ય અને સમાજ વચ્ચે સંતુલન જાળવવાની તેમની દ્રષ્ટિ તેમને સંવેદનશીલ કવિ અને જાગૃત નાગરિક બંને સાબિત કરે છે.

અંધેરે ઘર કો ઉજાલે કી આસ હૈ યા રબ,
બસ ઈક ચરાગ અતા કર દે, આફતાબ ન દે.

વસીમ મલિકની ગઝલો તેમના સમયની સામાજિક અશાંતિ, માનવ લાગણીઓ અને સંબંધોની હૂંફને પ્રતિબિંબિત કરે છે. ગઝલની પરંપરાગત સુંદરતા જાળવી રાખીને, તેઓ તેમાં સમકાલીન જીવનના પ્રશ્નોનો સમાવેશ કરે છે. તેમની ભાષા સરળ છે, છતાં તેમના વિચારો ગહન છે. આ જ કારણ છે કે તેમનું કાર્ય સામાન્ય વાચક અને ગંભીર સાહિત્ય પ્રેમી બંને સાથે સમાન રીતે પડઘો પાડે છે.

કલ સાથ થા કોઈ તો દર-ઓ-બામ થે રૌશન,
તન્હા હું “વસીમ” આજ તો ઘર કાટ રહા હૈ.

તેમની ગઝલોમાં, પ્રેમ ફક્ત એક વ્યક્તિગત અનુભવ નથી, પરંતુ માનવતા અને સમાજ પ્રત્યે જવાબદારીની ભાવના પણ છે. તેઓ અન્યાય, મૌન અને અસંવેદનશીલતા સામે પોતાનો અવાજ ઉઠાવે છે. તેઓ એકલતા, આશા, પીડા અને લડવાની હિંમત વ્યક્ત કરે છે.

નિદા ફાઝલી સાથે વસીમ મલિક
નિદા ફાઝલી સાથે વસીમ મલિક

હર એક ખેત ધુપ મેં તપતા હૈ આજકલ.
પાની સમંદરો પે બરસતા હૈ આજકલ.

વસીમ મલિકનો એક મહત્વપૂર્ણ ગુણ એ છે કે તે મુશ્કેલ બાબતોને પણ સરળ અને અસરકારક રીતે વ્યક્ત કરે છે. તેમના શેર સીધા હૃદય સુધી પહોંચે છે અને લાંબા સમય સુધી વાચક સાથે પડઘો પાડે છે. કદાચ આ જ કારણ છે કે તે મુશાયરાઓમાં માત્ર એક લોકપ્રિય કવિ જ નથી પણ વ્યાપકપણે વંચાતા કવિ પણ છે.

ખુદ્દાર તબિયતને કલંદર રખા હમકો,
ગુરબત ને ખુશામદ કા લિબાદા નહીં પહના.

વસીમ મલિકનું વ્યક્તિત્વ સાહિત્ય અને સમાજ બંનેનું સુંદર મિશ્રણ છે. જ્યારે તેઓ સ્ટેજ પર તેમની શક્તિશાળી ગઝલોથી શ્રોતાઓને મોહિત કરે છે, ત્યારે તેમણે સામાજિક જીવનમાં પણ સક્રિય ભૂમિકા ભજવી છે. તેમનો સુરતના રાંદેર વિસ્તાર સાથે ઊંડો સંબંધ છે અને તેમણે જનપ્રતિનિધિ તરીકે સમુદાયની સેવા કરી છે. સાહિત્ય અને સમાજ વચ્ચેનું આ સંતુલન તેમના વ્યક્તિત્વને અનન્ય બનાવે છે. આનું પ્રતિબિંબ તેમની ગઝલોમાં સ્પષ્ટપણે દેખાઈ આવે છે.

અહેબાબ મેરે નામ કા સૂરજ નિગલ ગયે,
મૈં ઝીંદગી કા કર્ઝ ચૂકાને મેં રહ ગયા.

વસીમ મલિકની ગઝલોમાં કોઈ એક વિષય સુધી મર્યાદિત નથી. તેમની ગઝલો પ્રેમ વિશે છે, પરંતુ તે ફક્ત એક પ્રેમી અને તેના પ્રિયજનની વાર્તા નથી; તે માનવ સંબંધોના પ્રેમ વિશે પણ છે. પીડા છે, પરંતુ તે નિરાશામાં ફેરવાતી નથી; તે સંઘર્ષને પ્રેરણા આપે છે. તે સમાજની અસંગતતાઓ અને માનવતામાં અતૂટ વિશ્વાસ પર પણ તીક્ષ્ણ વ્યંગ રજૂ કરે છે.

બૈઠે બૈઠે અપને હી ઘર મેં મુસાફીર હો ગયે,
હમને હિજરત ભી નહીં કી ઔર મુહાજીર હો ગયે.

તેમની ગઝલોની સૌથી આકર્ષક વિશેષતા એ છે કે તે સૌથી જટિલ વિષયોને પણ સરળ અને શક્તિશાળી ભાષામાં રજૂ કરે છે. શ્રોતાઓ તેમના શેરો સરળતાથી યાદ રાખે છે કારણ કે તે જીવનના અનુભવો અને લાગણીઓના સત્યને પ્રતિબિંબિત કરે છે.

વસીમ મલિકની ભાષા ન તો ખૂબ જટિલ છે કે ન તો બિનજરૂરી રીતે અલંકૃત છે. તેઓ બોલચાલના શબ્દોમાં ગહન વિચારો વ્યક્ત કરવાની કળા જાણે છે. તેમની ગઝલોમાં પરંપરાગત ઉર્દૂની મીઠાશ અને આધુનિક સંવેદનાઓની તાજગી બંને છે.

ખૂન સે અપને ચરાગોં કો જલાના હૈ હમેં,
 યાંદ ધરતી પર ઉતરકર નહીં આનેવાલા.

વસીમ મલિકે દેશભરમાં અનેક મુશાયરાઓમાં તેમના પ્રભાવશાળી પ્રદર્શનથી પ્રેક્ષકોના દિલ જીતી લીધા છે. તેમનો અવાજ, સ્વર અને મધુર અવાજ તેમની કવિતાને વધુ અસરકારક બનાવે છે. તેઓ સ્ટેજ પર માત્ર ઘોંઘાટથી નહીં, પરંતુ વિચાર અને ભાવનાની શક્તિથી શ્રોતાઓને પ્રભાવિત કરે છે.

પ્યાસ હોટોં પે લિયે હમ ભી ભરી બરસાત મે થે,
તુઝ સે બિછડે તો અજબ તરહ કે હાલાત મે થે.

ઉર્દૂ સાહિત્યમાં તેમના ઉત્કૃષ્ટ યોગદાન માટે, તેમને ગુજરાત ઉર્દૂ સાહિત્ય એકેડેમી દ્વારા “સાહિત્ય ગૌરવ પુરસ્કાર” એનાયત કરીને સન્માનિત કરવામાં આવ્યા તો આ સન્માન તેમના લાંબા સમયથી ચાલતા સાહિત્યિક યોગદાનની જાહેર માન્યતા છે.

રખતા હૈ કૌન સારી ઉમ્ર ભલા કૌન કીસ કો યાદ,
 કુુછ દિન કે બાદ, તુમ ભી મુઝે ભૂલ જાઓગે.

ઇકબાલ મલિક ‘વસીમ મલિક’ એવા શાયરોમાંના એક છે જેમની ગઝલો ફક્ત વાંચવામાં કે સાંભળવામાં આવતી નથી, પરંતુ અનુભવાય છે. તેમની ગઝલો એક સાથે માનવતાની સુગંધ, સમાજની વેદના, પ્રેમનું ગૌરવ અને સત્ય બોલવાની હિંમતને પ્રતિબિંબિત કરે છે. તેમણે સુરતની સાહિત્યિક પરંપરાને એક નવી ઓળખ આપી છે અને ઉર્દૂ સાહિત્યની દુનિયામાં પોતાના માટે એક અનોખું સ્થાન બનાવ્યું છે.

વસીમ બરેલવી સાથે વસીમ મલીક...બે વસીમોની જોડી
વસીમ બરેલવી સાથે વસીમ મલીક…બે વસીમોની જોડી

જીસે બડાઈ કા અહેસાસ હો નશે કી તરહ,
બડા ભી હો કે વો લગતા નહીં બડે કી તરહ.

તેમની ગઝલો એવી માન્યતા જગાડે છે કે શબ્દો, જો સાચા હોય તો, સમયની સીમાઓ ઓળંગે છે અને પેઢીઓ સુધી લોકોના હૃદયમાં જીવંત રહે છે.

સુબહ કો પેડ ભી મસ્જિદ કી તરહ લગતા હૈ,
ઉઠ કે દેખો કભી ચીડિયોં કા તિલાવત કરના.

વસીમ મલિક એવા શાયરોમાંના એક છે જેમની ગઝલો ફક્ત શબ્દોનો ખેલ નથી, પરંતુ જીવનના અનુભવોનો સાર છે. તેમની ગઝલોમાં પ્રતિકાર, પ્રેમ, એકલતા અને માનવતાનો પ્રકાશ છે. તેમની ગઝલો પ્રતીકો દ્વારા ઊંડા સામાજિક અને માનવીય અર્થો પ્રગટ કરે છે.

વસીમ મલિકનાં શેરોની લાક્ષણિકતાઓ

  • સરળ શબ્દોમાં વ્યક્ત કરાયેલા ઊંડા સંદેશાઓ.
  • સામાજિક ચિંતાઓ અને માનવ સંવેદનશીલતા.
  • પ્રતિકાર અને આશાને સંતુલિત કરવી.
  • પ્રતીકોનો અસરકારક ઉપયોગ.
  • મુશાયરા અને સાહિત્યિક ગંભીરતાના પ્રવાહનું સુંદર મિશ્રણ.
  • ગઝલના પરંપરાગત સૌંદર્ય શાસ્ત્રને જાળવી રાખીને આધુનિક થીમ્સ રજૂ કરવી.

હમ કો અજદાદને કિરદાર કી દૌલત દી હૈ,
ગમ નહીંં ઈસ કા કે ધનવાન નહીં હૈ હમલોગ.

વસીમ મલિકની ગઝલો આપણને ખાતરી આપે છે કે એક સારો કવિ-શાયર ફક્ત પ્રેમની વાત જ કરતો નથી, પણ તેના સમયના દુઃખ, સમાજની વિડંબનાઓ અને માણસના ગૌરવનું પણ રક્ષણ કરે છે. તેમના શેર વાંચીને એવું લાગે છે કે તેઓ શબ્દોથી નહીં પણ પોતાના અનુભવોથી ગઝલો લખે છે. આ જ કારણ છે કે તેમની ગઝલો વાચકના મનમાં ઊંડે સુધી છવાઈ જાય છે.

પેટ્રોલ અને ડીઝલ અંગે ગૂડ ન્યૂઝ: 1 જુલાઈથી પ્રતિબંધો હટાવવામાં આવશે, સરકારી જાહેરાત

કેન્દ્ર સરકારે 1 જુલાઈથી પેટ્રોલ અને ડીઝલના વેચાણ પરના કામચલાઉ પ્રતિબંધો હટાવવાનો નિર્ણય લીધો છે. મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષને કારણે વૈશ્વિક પુરવઠા શૃંખલામાં વિક્ષેપો વચ્ચે આ મહિનાની શરૂઆતમાં આ પ્રતિબંધો લાદવામાં આવ્યા હતા. સોમવારે જારી કરાયેલા એક સરકારી આદેશમાં જણાવાયું હતું કે કટોકટીના પગલા તરીકે લાદવામાં આવેલા આ પ્રતિબંધો 1 જુલાઈથી સમાપ્ત થશે.

આ પ્રતિબંધો સૌપ્રથમ 12 જૂનના રોજ લાદવામાં આવ્યા હતા, જ્યારે પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે ઔદ્યોગિક, વાણિજ્યિક અને સંસ્થાકીય ગ્રાહકોને રિટેલ ફ્યુઅલ સ્ટેશનોમાંથી પેટ્રોલ અને ડીઝલ ખરીદવા પર પ્રતિબંધ મૂક્યો હતો અને તેમને અધિકૃત બલ્ક સપ્લાયર્સ પાસેથી ઇંધણ ખરીદવાનો નિર્દેશ આપ્યો હતો.

સરકારે આ પ્રતિબંધો લાદ્યા હતા

મંત્રાલયે “મોટર સ્પિરિટ અને હાઇ સ્પીડ ડીઝલ ઓર્ડર, 2026” જારી કર્યો હતો, જેમાં ઓઇલ માર્કેટિંગ કંપનીઓ અને ઇંધણ રિટેલર્સને 90 દિવસ માટે રિટેલ આઉટલેટ્સમાંથી જથ્થાબંધ ખરીદી મર્યાદિત કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. સરકારે કહ્યું હતું કે આ નિર્ણય ‘વિશ્વના ભાગોને અસર કરતી વર્તમાન ભૂ-રાજકીય પરિસ્થિતિ’ને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે, જેના કારણે આંતરરાષ્ટ્રીય પેટ્રોલિયમ સપ્લાય ચેઇન, શિપિંગ લોજિસ્ટિક્સ અને પેટ્રોલિયમ ઉત્પાદનોની ઉપલબ્ધતામાં વિક્ષેપ પડ્યો છે.

ગ્લોબલ ટ્રેડમાં ભારે અફરાતફરી છતાં ગુજરાતનો ડંકો, 110 અબજ ડોલરની નિકાસ સાથે સતત છઠ્ઠા વર્ષે નંબર-વન

વિશ્વમાં ચાલી રહેલી ઉથલપાથલ વચ્ચે ગુજરાતે દેશમાં ડંકો વગાડ્યો હતો. ગુજરાતમાં નિકાસમાં સતત છઠ્ઠા વર્ષે દેશમાં ટોપ પર રહ્યું હતું. રાજ્યમાંથી 110 અબજ ડૉલરની નિકાસ થઈ હતી. ફાર્મા સેક્ટરની નિકાસમાં અમદાવાદ અગ્રેસર રહ્યું હતું. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, અમેરિકાએ લગાવેલો તોતિંગ ટેરિફ, નબળી માંગ અને સપ્લાય ચેઇનમાં અવરોધો જેવા મુશ્કેલ વૈશ્વિક વેપાર વાતાવરણ છતાં વર્ષ 2025-26માં ગુજરાતે સતત છઠ્ઠા વર્ષે ભારતના સૌથી મોટા નિકાસકાર રાજ્ય તરીકેનું પોતાનું સ્થાન જાળવી રાખ્યું હતું.

ગત નાણાકીય વર્ષ કરતાં ઓછી નિકાસ છતાં દબદબો

ડિરેક્ટોરેટ જનરલ ઑફ ફોરેન ટ્રેડ (DGFT)ના ડેટા અનુસાર, નાણાકીય વર્ષમાં રાજ્યના નિકાસ આશરે 110 અબજ ડૉલર રહી હતી.જે ગત નાણાકીય વર્ષના 116.33 અબજ ડૉલર કરતાં સહેજ ઓછી હતી. જોકે તેમ છતાં ગુજરાતે દેશમાં નિકાસમાં પોતાનો દબદબો જાળવી રાખ્યો હતો. જો કે, વૈશ્વિક વેપારને અસર કરનારા અનેક બાહ્ય આંચકાઓને જોતાં ઈન્ડસ્ટ્રી આ પ્રદર્શનને ખૂબ જ મજબૂત અને સ્થિતિસ્થાપક માની રહ્યું છે.

પેટ્રોલિયમ પેદાશો નિકાસમાં મોખરે

નિકાસમાં પેટ્રોલિયમ પેદાશોનો દબદબો યથાવત રહ્યો હતો, ત્યારબાદ જેમ્સ અને જ્વેલરી, ફાર્માસ્યુટિકલ્સ, ઓર્ગેનિક કેમિકલ્સ, એન્જિનિયરિંગ ગુડ્સ, ઓટોમોબાઈલ્સ, ટેક્સટાઈલ, સિરામિક્સ અને એગ્રો-કેમિકલ્સ રહ્યા હતા. સૂત્રોના કહેવા પ્રમાણે, ચલણની મૂવમેન્ટ, માર્કેટ ડાયવર્સિફિકેશન અને ઓપરેશનલ કાર્યક્ષમતાએ પરંપરાગત બજારોમાં નબળી માંગની અસરને ઘટાડવામાં મદદ કરી છે.

આ ઉપરાંત નૂર ભાડામાં અસ્થિરતા, બદલાતી વૈશ્વિક માંગ અને ટેરિફની અનિશ્ચિતતા જેવી મુશ્કેલીઓનો સામનો કરવા છતાં નિકાસકારોએ આ પ્રદર્શન કર્યું છે. નબળા પડતા રૂપિયાએ નિકાસ સ્પર્ધાત્મકતાને થોડો ટેકો આપ્યો હતો, જ્યારે કંપનીઓએ પશ્ચિમ એશિયા, આફ્રિકા, લેટિન અમેરિકા અને દક્ષિણ-પૂર્વ એશિયામાં પોતાની હાજરી વિસ્તારવા માટે પરંપરાગત બજારોથી આગળ જોવાનું શરૂ કર્યું છે. ઉદ્યોગના પ્રતિનિધિઓ ગુજરાતની આ મજબૂતાઈ પાછળ તેના વૈવિધ્યસભર મેન્યુફેક્ચરિંગ બેઝ, પોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સ્પેશિયલ ઈકોનોમિક ઝોન (SEZs) ને શ્રેય આપ્યો હતો.

સૂત્રોએ જણાવ્યા અનુસાર, ગુજરાત તેના વૈવિધ્યસભર ઔદ્યોગિક આધાર અને મજબૂત વૈશ્વિક-બજાર અભિગમને કારણે નિકાસમાં અગ્રેસર છે, જે રાજ્યને કોઈપણ એક ક્ષેત્ર પર વધુ પડતી નિર્ભરતા ટાળવામાં મદદ કરે છે. ભારતનો સૌથી લાંબો દરિયા કિનારો અને કાર્યક્ષમ બંદરોનું મોટું નેટવર્ક હોવાને કારણે ગુજરાતને ઉચ્ચ ક્ષમતાવાળી વૈશ્વિક કનેક્ટિવિટીનો લાભ મળે છે. SEZ આધારિત ઔદ્યોગિક ક્લસ્ટરો, ઔદ્યોગિક કોરિડોર, વિશ્વસનીય ઈન્ફ્રાસ્ટ્રક્ચર, અવિરત વીજ પુરવઠો અને સતત વિદેશી પ્રત્યક્ષ રોકાણ (FDI) એ સ્પર્ધાત્મકતાને વધુ મજબૂત બનાવી છે.

આ ઉપરાંત ગુજરાત સ્થિત ઉત્પાદકો યુએસ, યુરોપ, પશ્ચિમ એશિયા અને દક્ષિણ-પૂર્વ એશિયાના દેશોમાં તેમના ઉત્પાદનો નિકાસ કરી રહ્યા છે. ઘણા દેશો ચીનમાંથી આયાત ઘટાડી રહ્યા છે, જેનો સીધો ફાયદો રાજ્યને થઈ રહ્યો હોવાનું સૂત્રોએ ઉમેર્યું હતું.

DGFT ના અધિકારીઓએ જણાવ્યું કે ગુજરાતે ભારતના પ્રીમિયર ફાર્માસ્યુટિકલ હબ તરીકે પોતાનું સ્થાન મજબૂત કર્યું હતું, જેમાં અમદાવાદ દવાઓ અને ફાર્માસ્યુટિકલ્સ ક્ષેત્રે ટોચનું પ્રદર્શન કરનાર જિલ્લો બનીને ઉભરી આવ્યો હતો. આ જિલ્લાએ નાણાકીય વર્ષ 26 માં 2.58 અબજની નિકાસ નોંધાવી હતી. નાણાકીય વર્ષ દરમિયાન ફાર્માસ્યુટિકલ ક્ષેત્ર માટે યુએસ, યુકે, દક્ષિણ આફ્રિકા, બ્રાઝિલ અને ફ્રાન્સ ભારતના ટોચના પાંચ નિકાસ સ્થળો હતા. ભારતની ફાર્માસ્યુટિકલ નિકાસનો લગભગ 50 ટકા હિસ્સો ઉત્તર અમેરિકા અને યુરોપ જેવા બજારોમાં મોકલવામાં આવે છે. આ દેશોમાં નિયમોનું પાલન, ઉત્પાદન ગુણવત્તા અને દસ્તાવેજીકરણના ધોરણોના મહત્વ પર ભાર મૂકવામાં આવે છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ગુજરાત સતત અગ્રણી ફાર્માસ્યુટિકલ મેન્યુફેક્ચરિંગ અને નિકાસ કરતું રાજ્ય રહ્યું છે. રાજ્યમાં યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (USFDA) દ્વારા મંજૂર કરાયેલા 100થી વધુ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ્સ છે અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના ગુડ મેન્યુફેક્ચરિંગ પ્રેક્ટિસિસ (WHO-GMP) દ્વારા પ્રમાણિત મોટી સંખ્યામાં યુનિટ્સ છે. સસ્તા દરે ગુણવત્તાયુક્ત દવાઓ સપ્લાય કરવાની ગુજરાતની ક્ષમતાએ તેને વૈશ્વિક બજારોમાં અગ્રણી સપ્લાયર બનાવ્યું છે.

રાજ્યની સૌથી વધુ નિકાસ કમાણી કરનારા ક્ષેત્રોમાંના એક એવા ગુજરાતના કેમિકલ્સ સેક્ટરમાં નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન નિકાસમાં 5-7 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. સૂત્રોના કહેવા પ્રમાણે, ભૌગોલિક રાજકીય તણાવ, ગેસના ઊંચા ભાવ, યુએસ ડોલરના મૂલ્યમાં વધારો અને મુખ્ય કાચા માલની અછતને કારણે ઉત્પાદન ખર્ચ વધ્યો અને માર્જિન ઘટ્યું હતું.નાણાકીય વર્ષ 26માં કેમિકલ નિકાસમાં ઘટાડો થયો હતો, જેનું મુખ્ય કારણ યુએસ ટેરિફના મુદ્દા હતા. જો કે, ગુજરાત સ્થિત ઉત્પાદકો અને નિકાસકારો તેમના નિકાસ બજારોમાં વિવિધતા લાવવા માટે સતત પ્રયાસ કરી રહ્યા છે.

ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડનું અધિવેશન ઓકટોબરમાં અમદાવાદ ખાતે યોજાશેઃ મૌલાના ખાલિદ સૈફુલ્લા રહેમાની

(હબીબ શેખ દ્વારા) અમદાવાદ:દેશમાં અત્યારે જે રીતે મુસ્લિમો પર અત્યાચાર ગુજરવામાં આવે છે, મોબ લિંચીંગ કરવામાં આવે છે અને મસ્જિદોને શહીદ કરવામાં આવે છે તેવા વાતાવરણમાં મુસ્લિમ ઉમ્માને હિંમત આપવા અને સમાજના પ્રશ્નોના હલ માટે મુસ્લિમ પર્સનલ લો બોર્ડના મહત્વના સભ્યોની એક બેઠક અમદવાદના ફૈઝાને કુર્આન મદ્રેસા, સરસપુર ખાતે યોજાઇ હતી જેમાં સમગ્ર ગુજરાતમાંથી આલિમો, દાનિશ્વરો અને સમાજના રહેબરો આવ્યા હતા. બોર્ડના પ્રમુખ હઝરત મૌલાના ખાલિદ સેફુલ્લા રહેમાનીએ મહત્તવની જાહેરાત કરતાં કહ્યું હતું કે આ વખતે 30માં અધિવેશનું આયોજન અમદાવાદમાં તૈ. 23-24 અને 25 ઓકટોબર, 2026ના રોજ યોજવા નક્કી કરાયું છે.

આ કાર્યક્રમમાં બોર્ડના જનરલ સેક્રેટરી હઝરત મૌલાના ફઝલુર્રેમાન મુજદ્દ્દી, બોર્ડના સેક્રેટરી અબુ તાલિબ રહેમાન. ઉપ પ્રમુખ મુફતી અહમદ દેવલા, બોર્ડની લીગલ કમીટીના સભ્ય અને જાણીતા વકીલ તાહિર હકિમ, જમાતે ઇસ્લામીના શફી મદની, જમીઅત ઉલમા ગુજરાતના જનરલ સેક્રેટરી પ્રો. નિસાર અન્સારી, ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા, આયોજક અને મદ્રેસા ફૈઝાને કુર્આનના મોહતમીમ મૌલાના મોહમ્મદ હબીબ અહેમદ બિન મૌલાના ફઝલ અહેમદ અને આખા રાજ્યમાંથી આવેલા અનેક ઉલેમાઓ, વિચારકો અને ટ્રસ્ટીઓ આવ્યા હતા.

મૌલાના મુજદ્દ્દી એ કહ્યું હતું કે હાલના સંજોગોમાં ઉમ્મતને એક પ્લેટફોર્મ પર આવવાની સખ્ત જરુર છે. આગામી સમય સમગ્ર દેશ માટે ખુબ જ કટોકટીભર્યો હોઇ શકે છે. મુસ્લિમો સામે અનેક પડકારો ઊભા કરવવામાં આવી રહ્યા છે. યુસીસી, વકફ, એસઆઇએર જેવા જટીલ પ્રશનોને કારણે ઉમ્મતને ખુબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યા છે. તે માટે પણ સક્રિય થવું પડશે.

મૌલાના અબુ તાલીબ રહેમાનીએ ગુજરાતના મુસ્લિમોને આ અધિવેશને સફળ બનાવવા અને મોટી સંખ્યામાં અધિવેશનમાં આવવા અપીલ કરી હતી. એડવોકેટ તાહીર હકીમે યુસીસી અને વકફ જેવા રાક્ષસી કાયદાઓ અને ગુજરાતનો અશાંત વિસ્તાર ધારા અંગે માહિતી આપીને આવનાર પડકારો માટે સમાજને તૈયાર થવાની હાકલ કરી હતી.

કાર્યક્રમમાં જનાબ શફી મદની, પ્રોફેસર નિસાર અન્સારી, આયોજક મૌલાના હબીબ અહેમદે પોતે આ અધિવેશનમાં મહત્તવ ભૂમિકા ભજવશે તેની ખાતરી આપી તમામ મહેમાનો અને સભ્યોને શક્ય એટલી આસાની કરાવવાની ખાતરી આપી હતી.

એડવોકેટ ઇકબાલ શેખે વિવિધ સમિતિઓની રચના કરવાની યોજનાની માહિતી આપી હતી. સૌથી મહત્તવની વાત એ હતી કે અધિવેશન માટેના ખર્ચની જાહેરતા થતાં લગભગ 90 ટકા રકમ કાર્યક્રમમાં જ મળી ગઇ હતી. કાર્યક્રમના અંતે પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું.

ફ્રાન્સમાં હીટવેવ, 1,000 લોકોના મોત: જર્મની, સ્પેન અને યુકે સહિત 16 દેશોમાં રેકોર્ડબ્રેક તાપમાન, રસ્તાઓ પીગળી ગયા, શાળાઓ બંધ, જંગલોમાં આગ 

યુરોપ હાલમાં રેકોર્ડબ્રેક ગરમીના મોજાથી પીડાઈ રહ્યું છે. ભારે ગરમીને કારણે ફ્રાન્સમાં લગભગ 1,000 લોકોના મોત થયા છે. આરોગ્ય એજન્સીએ રવિવારે અહેવાલ આપ્યો કે આ મૃત્યુ 24 જૂનથી 27 જૂન દરમિયાન થયા છે. વધારાના મૃત્યુનો અર્થ એ છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં સરેરાશ મૃત્યુઆંક કરતાં આ વખતે આશરે 1,000 લોકો મૃત્યુ પામ્યા છે.

જોકે સરકારે અગાઉના કે આ વખતના ચોક્કસ આંકડા આપ્યા નથી, અધિકારીઓ કહે છે કે 85% મૃત્યુ વૃદ્ધોના છે. મોટાભાગના મૃત્યુ ઘરે થયા છે.

રાજધાની, પેરિસ અને તેની આસપાસના વિસ્તારોમાં આવા કેસોની સંખ્યા ખાસ કરીને ઊંચી છે. દરમિયાન, જર્મની, સ્પેન, યુકે, ડેનમાર્ક, ઇટાલી અને સ્વિટ્ઝર્લૅન્ડ સહિત 16 દેશોમાં તાપમાને દાયકાઓ જૂના રેકોર્ડ તોડી નાખ્યા છે.

AFP ન્યૂઝ એજન્સીના અંદાજ મુજબ, રવિવારે યુરોપમાં આશરે 191 મિલિયન લોકોએ 35°C કે તેથી વધુ તાપમાનનો સામનો કર્યો હતો. રસ્તાઓ પીગળી રહ્યા હતા, શાળાઓ બંધ કરવાની ફરજ પડી હતી અને અન્યત્ર મોટા પાયે જંગલોમાં આગ લાગી હતી.

વૈજ્ઞાનિકો કહે છે કે યુરોપમાં તાપમાન વૈશ્વિક સરેરાશ કરતા ઝડપથી વધી રહ્યું છે. ભવિષ્યમાં, આવા ગરમીના મોજા વધુ વારંવાર આવશે અને લાંબા સમય સુધી ચાલશે.

યુરોપિયન દેશોમાં ગરમીની સ્થિતિ

બ્રિટન: 50 વર્ષ જૂન ગરમીનો રેકોર્ડ ત્રણ વખત તૂટ્યો

બ્રિટિશ ઇતિહાસમાં પહેલીવાર, સતત ત્રણ દિવસ માટે ‘રેડ ચેતવણી’ જારી કરવામાં આવી છે. અગાઉનો 50 વર્ષ જૂનનો રેકોર્ડ (35.6°C) આ અઠવાડિયે ત્રણ વખત તૂટ્યો હતો.

દક્ષિણ ઇંગ્લેન્ડમાં તાપમાન 36.4°C સુધી પહોંચ્યું, જે આ જૂનનો નવો રેકોર્ડ છે. બ્રિટિશ ઇતિહાસમાં સૌથી વધુ તાપમાન 40.3°C છે, જે જુલાઈ 2022 માં નોંધાયું હતું. એવું માનવામાં આવે છે કે તે આ વર્ષે તૂટી શકે છે.

ગરમીને કારણે, વીજળીની માંગ 45 વર્ષમાં તેના ઉચ્ચતમ સ્તરે પહોંચી ગઈ છે. ગરમીના સ્ટ્રોક, ડિહાઇડ્રેશન અને શ્વાસોચ્છવાસની સમસ્યાઓથી પીડાતા દર્દીઓની સંખ્યામાં અચાનક વધારો થયો છે, જેના કારણે ઘણી મોટી હોસ્પિટલોને કટોકટી જાહેર કરવી પડી છે.

બ્રિટનમાં 1,000 થી વધુ શાળાઓ બંધ કરવી પડી છે. કોંક્રિટ અને જૂની ટેકનોલોજીથી બનેલી વર્ગખંડની ઇમારતો એટલી ગરમ થઈ ગઈ છે કે બાળકો અને શિક્ષકો માટે તેમાં બેસવું મુશ્કેલ બની ગયું છે.

ગરમી લોખંડના રેલ્વે ટ્રેકને પહોળા કરી રહી છે અને તેમના વળાંકનું જોખમ વધારી રહી છે. આને કારણે, ટ્રેનો પર કડક ગતિ મર્યાદા (60 માઇલ પ્રતિ કલાક) લાદવામાં આવી છે. વધુમાં, પાણી બચાવવા માટે, ઘણા વિસ્તારોમાં હોઝપાઈપ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

સ્પેન: યુરોપમાં સૌથી ગરમ સ્થળ, તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસથી વધુ 

સ્પેન હાલમાં યુરોપમાં સૌથી ગરમ હવામાનનો અનુભવ કરી રહ્યું છે. અંદુજર શહેરમાં તાપમાન 45.1 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે. ઉત્તરીય શહેર બિલબાઓમાં, પારો 42.7 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયો છે, જે જૂનનો સર્વકાલીન રેકોર્ડ તોડી નાખે છે. ગરમીને કારણે છેલ્લા ચાર દિવસમાં દેશમાં 200 થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે.

ભારે દુષ્કાળ અને તીવ્ર ગરમીને કારણે, સ્પેનમાં જંગલોમાં ભીષણ આગ લાગી છે. અગ્નિશામક વિભાગો આગ ઓલવવા માટે ચોવીસ કલાક કામ કરી રહ્યા છે, અને ઘણા શહેરોને ખાલી કરાવવા પડ્યા છે.

જર્મની: 41.5 ડિગ્રી સેલ્સિયસ, ઇતિહાસની સૌથી ગરમ રાત

શનિવારે, જર્મન શહેર ડ્રોવિટ્ઝમાં 41.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું, જે જર્મન ઇતિહાસમાં અત્યાર સુધીનું સૌથી વધુ તાપમાન છે. દરમિયાન, કુબશુટ્ઝ શહેરમાં રાત્રિનું તાપમાન 29.4 ડિગ્રી સેલ્સિયસથી નીચે આવ્યું ન હતું. લગભગ 150 વર્ષ પહેલાં રેકોર્ડ શરૂ થયા પછી આ દેશની સૌથી ગરમ રાત હતી.

ગરમી એટલી તીવ્ર છે કે ઘણા હાઇવે પીગળી ગયા છે અને તિરાડો પડી ગઈ છે, જેના કારણે તેમને બંધ કરવા પડ્યા છે. જર્મનીમાં ઘણા રમતગમત કાર્યક્રમો, સંગીત ઉત્સવો અને કોન્સર્ટ સલામતીના કારણોસર રદ કરવા અથવા મુલતવી રાખવા પડ્યા છે.

ડેનમાર્ક: ઠંડા દેશમાં તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું

જર્મનીનો પાડોશી દેશ ડેનમાર્ક તેના ઠંડા હવામાન માટે જાણીતો છે. આ વર્ષે, દેશમાં ઇતિહાસમાં ક્યારેય ન જોવા મળેલી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. શનિવારે તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું.

1874 માં રેકોર્ડ શરૂ થયા પછી ડેનમાર્કમાં આ સૌથી વધુ તાપમાન નોંધાયું છે. અગાઉનો રેકોર્ડ ઓગસ્ટ 1975 માં 36.4 ડિગ્રી સેલ્સિયસ હતો.

ડેનમાર્કના રસ્તાઓ પીગળી રહ્યા છે. પરિણામે, રસ્તાઓ ધોવાણથી બચવા માટે ભારે વાહનોના ટ્રાફિક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

ગરમીથી બચવા માટે લાખો સ્થાનિકો અને પ્રવાસીઓ કોપનહેગનના પ્રખ્યાત અમાગર બીચ અને દેશના અન્ય દરિયાકાંઠાના વિસ્તારોમાં ઉમટી પડ્યા હતા. પરિસ્થિતિ એવી હતી કે ઠંડા પાણીમાં સ્નાન કરવા અને ગરમીથી બચવા માટે બીચ પર પગ મૂકવાની પણ જગ્યા નહોતી.

ફ્રાન્સ: ઇતિહાસનો સૌથી ગરમ દિવસ, તાપમાન 44.3 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું

ફ્રેન્ચ શહેર પિસોસમાં 44.3 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું. દરમિયાન, રાષ્ટ્રીય સરેરાશ તાપમાન 30°C ને વટાવી ગયું, જેના કારણે તે ફ્રાન્સનો રેકોર્ડ પરનો સૌથી ગરમ દિવસ બન્યો.

રાત્રિનું તાપમાન પણ સરેરાશ 22°C થી નીચે ન આવ્યું. પાટા પરથી ફેલાતી ગરમીને કારણે ટ્રેનો રોકી દેવામાં આવી હતી, અને પાવર ગ્રીડ નિષ્ફળ ગયો હતો, જેના કારણે 50,000 ઘરો વીજળી વગરના રહ્યા હતા.

ફ્રાન્સમાં, સરકારે જાહેર સ્થળોએ દારૂ પીવા પર પ્રતિબંધ મૂક્યો છે. તીવ્ર ગરમીને કારણે 1,350 થી વધુ શાળાઓ બંધ કરવામાં આવી છે.

ઇટાલી: 18 શહેરોમાં રેડ એલર્ટ, પો નદી દુષ્કાળના જોખમમાં

ઇટાલીમાં ગરમીનું મોજું સતત વધી રહ્યું છે. સરકારે રોમ, મિલાન, વેનિસ, ફ્લોરેન્સ અને તુરીન સહિત 18 શહેરોમાં સૌથી વધુ રેડ હીટ એલર્ટ જારી કર્યું છે.

તીવ્ર ગરમીને કારણે, દેશની સૌથી લાંબી નદી, પોનું પાણીનું સ્તર ઝડપથી ઘટી રહ્યું છે. આના કારણે નદીમાં ખારું પાણી પ્રવેશી રહ્યું છે, જેના કારણે ખેતી અને પીવાના પાણી માટે ખતરો ઉભો થયો છે.

સરકારે ઘણા વિસ્તારોમાં લોકોને બપોર દરમિયાન બહાર ન જવાની સલાહ આપી છે અને કામના કલાકોમાં પણ ફેરફાર કર્યા છે.

ચેક રિપબ્લિક: 40 ડિગ્રીનો ઐતિહાસિક આંકડો પાર

હીટવેવથી ચેક રિપબ્લિક પણ બચ્યું નથી. શનિવારે, ડોક્સાની શહેરમાં 40.6 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું.

અગાઉનો રાષ્ટ્રીય સર્વકાલીન રેકોર્ડ 40.4 ડિગ્રી સેલ્સિયસ હતો, જે લગભગ 14 વર્ષ પહેલાં 20 ઓગસ્ટ, 2012 ના રોજ ડોબ્રીચોવિસ શહેરમાં નોંધાયો હતો.

હવામાન વિભાગે સમગ્ર દેશ માટે રેડ એલર્ટનું ઉચ્ચતમ સ્તર જારી કર્યું છે અને લોકોને બપોર દરમિયાન ઘરની બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે. સ્વિટ્ઝર્લૅન્ડ: જૂનનો સૌથી ગરમ દિવસ રેકોર્ડ પર

સ્વિસ શહેર બાસેલમાં તાપમાન ૩૮.૮ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યું. દેશના ઇતિહાસમાં આ જૂનનું સૌથી વધુ તાપમાન છે.

તીવ્ર ગરમીને કારણે હિમનદીઓ ઝડપથી પીગળી રહ્યા છે. વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે આ વર્ષે હિમનદીઓમાંથી બરફનું પતન રેકોર્ડ સમય પહેલા શરૂ થઈ ગયું છે.

યુરોપની તીવ્ર ગરમીને કારણે સ્વિટ્ઝર્લૅન્ડના હિમનદીઓ ઝડપથી પીગળી રહ્યા છે.

પોલેન્ડ: 100 વર્ષ જૂનો તાપમાનનો રેકોર્ડ તૂટવાની શક્યતા

પોલેન્ડ પણ રેકોર્ડબ્રેક ગરમીનો અનુભવ કરી રહ્યું છે. હવામાન વિભાગે દેશના ઘણા ભાગોમાં તાપમાન 40°C થી વધુ થવાની આગાહી કરી છે.

જો આવું થાય, તો 1921માં સ્થાપિત 40.2°C નો રાષ્ટ્રીય રેકોર્ડ તૂટી જશે. સરકારે આરોગ્ય ચેતવણી જારી કરી છે અને લોકોને બપોરે બહાર ન નીકળવાની સલાહ આપી છે. ઘણા શહેરોમાં ઠંડક કેન્દ્રો ખોલવામાં આવ્યા છે.

પોર્ટુગલ: તાપમાન 40°C થી વધુ, જંગલમાં આગ લાગવાનું જોખમ

પોર્ટુગલમાં તાપમાન પણ સતત 40°C થી વધુ થઈ રહ્યું છે. દેશના ઘણા વિસ્તારોમાં રેડ એલર્ટ લાગુ છે. તીવ્ર ગરમી અને દુષ્કાળને કારણે જંગલમાં આગ લાગવાનું જોખમ નોંધપાત્ર રીતે વધ્યું છે.

ફાયર વિભાગને હાઇ એલર્ટ પર રાખવામાં આવ્યું છે, અને લોકોને જંગલોમાં આગ લગાડવા અથવા બાર્બેક્યુ કરવાનું ટાળવા કહેવામાં આવ્યું છે.

ભારતમાં 40°C તાપમાન સામાન્ય કેમ છે? યુરોપમાં તે કેવી રીતે આપત્તિ બની જાય છે?

ભારતમાં જ્યારે તાપમાન 43°C સુધી પહોંચે છે, ત્યારે લોકો તેને મે-જૂનની લાક્ષણિક ગરમી માને છે, માથા પર ગમછા પહેરે છે અને કેરીના પન્નાનો ચૂસકો લેતા કામ પર જાય છે. પરંતુ જ્યારે યુરોપમાં તે જ તાપમાન 40°C ને વટાવી જાય છે, ત્યારે રેડ એલર્ટ જારી કરવામાં આવે છે, ટ્રેનો અટકી જાય છે અને તેને ‘રાષ્ટ્રીય આપત્તિ’ જાહેર કરવામાં આવે છે.

આ પાછળ ફક્ત એક જ કારણ નથી, પરંતુ ભૂગોળ, માળખાગત સુવિધાઓ અને માનવ શરીરના વર્તનનું આખું વિજ્ઞાન છે.

1. માળખાગત સુવિધાઓમાં તફાવત

યુરોપ: ઘરો અને ઇમારતો ગરમીને અંદર ફસાવવા માટે બનાવવામાં આવે છે, જેનાથી શિયાળામાં ગરમીની જરૂરિયાત ઓછી થાય છે. જ્યારે ગરમી હોય છે, ત્યારે આ ઘરો ‘ઓવન’ (તંદૂર) ની જેમ કાર્ય કરે છે. ગરમી અંદર ખેંચાય છે પણ બહાર નીકળી શકતી નથી.

ભારત: ઘરો ક્રોસ-વેન્ટિલેશન માટે બનાવવામાં આવે છે. ઊંચી છત, માર્બલ અથવા ટાઇલ ફ્લોર અને ખુલ્લી બારીઓ ગરમીને ફસાવવાને બદલે તેને છોડવામાં મદદ કરે છે.

2. માનવ શરીરની આદતો

ભારત: આપણા શરીર બાળપણથી જ ઊંચા તાપમાનથી ટેવાયેલા હોય છે. ભારતીયોમાં સારી થર્મોરેગ્યુલેશન સિસ્ટમ (શરીરના તાપમાનને નિયંત્રિત કરવાની ક્ષમતા) હોય છે. તેમના શરીર ભારે ગરમીમાં પરસેવો કરે છે, જે તેમને ઝડપથી ઠંડુ કરે છે.

યુરોપ: યુરોપિયનો નીચા તાપમાનથી ટેવાયેલા હોય છે. જ્યારે તાપમાન અચાનક 40°C સુધી પહોંચે છે, ત્યારે તેમના શરીર આંચકો સહન કરી શકતા નથી. આ ઝડપથી હીટ સ્ટ્રોક, ડિહાઇડ્રેશન અને અંગ નિષ્ફળતાનું જોખમ વધારે છે.

3.ભેજમાં તફાવત

ગરમી ફક્ત તાપમાન દ્વારા જ નહીં, પરંતુ હવામાં ભેજ દ્વારા નક્કી થાય છે. ભારતમાં, મે અને જૂનના શુષ્ક ઉનાળા દરમિયાન પરસેવો ઝડપથી બાષ્પીભવન થાય છે, જે શરીરનું તાપમાન ઘટાડવામાં મદદ કરે છે.

યુરોપમાં જ્યારે ગરમી હોય છે, ત્યારે હવા ખૂબ ભેજવાળી હોય છે. ભેજ પરસેવાને બાષ્પીભવન થવાથી અટકાવે છે, જે શરીરને ઠંડુ થવાથી અટકાવે છે. 40°C તાપમાન 45°C કે તેથી વધુ અનુભવી શકે છે.

આધારથી પાસપોર્ટ સુધી: 1 જુલાઈથી આવી રહ્યા છે આ ફેરફારો, શું-શું બદલાઈ રહ્યું છે? જુઓ લિસ્ટ

આગામી મહિનો શરૂ થવામાં હવે થોડા જ દિવસો બાકી છે. દરેક મહિનો કેટલાક ફેરફારો સાથે શરૂ થાય છે. 1 જુલાઈથી, આધાર, પાસપોર્ટ, વાહનના ભાવ અને LPGના ભાવમાં પણ મોટા ફેરફારો થવાના છે, જે બધા તમારા ખિસ્સા પર સીધા અસર કરશે.

 આધારમાં ઇમેઇલ ID મફતમાં અપડેટ કરી શકાશે

યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI) એ જાહેરાત કરી છે કે જો તમે આધારમાં તમારું ઇમેઇલ ID અપડેટ કરવા માંગતા હો, તો તમે 1 જુલાઈથી 31 ડિસેમ્બર સુધી મફતમાં તે કરી શકો છો. પહેલાં, આધારમાં તમારું ઇમેઇલ સરનામું અપડેટ કરવા માટે ₹75નો ખર્ચ થતો હતો. આ પગલું લોકોને તેમની આધાર માહિતી અપડેટ કરવા માટે પ્રોત્સાહિત કરવાનો છે.

1 જુલાઈથી પાસપોર્ટ ફીમાં વધારો જરૂરી બનશે

સરકારે સ્ટાન્ડર્ડ પાસપોર્ટ મેળવવા માટે ફીમાં વધારો કર્યો છે. હવે, ₹1,50 ને બદલે, તમારે ₹2,500 ચૂકવવા પડશે. દરમિયાન, તાત્કાલિક પાસપોર્ટ માટે, તમારે ₹5,000 ચૂકવવા પડશે, જે અગાઉના ₹3,500 ફી કરતાં વધુ છે. આ નવી ફી 1 જુલાઈથી અમલમાં છે.

કારના ભાવ વધવાની તૈયારી છે.

ઘણી ઓટોમોબાઈલ કંપનીઓએ 1 જુલાઈથી ભાવ વધારાની જાહેરાત કરી છે. આમાં ટાટા મોટર્સ, કિયા મોટર્સ, એમજી મોટર્સ અને બીએમડબ્લ્યુનો સમાવેશ થાય છે. ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ્સ (પીવી) એ 1.5 ટકા ભાવ વધારાની જાહેરાત કરી છે. ટાટા મોટર્સ કોમર્શિયલ વ્હીકલ્સ (સીવી) એ 2.5 ટકા ભાવ વધારાની જાહેરાત કરી છે. કિયા મોટર્સ અને બીએમડબ્લ્યુએ દરેકે 2 ટકા ભાવ વધારાની જાહેરાત કરી છે, અને એમજી મોટર્સે 3 ટકા વધારાની જાહેરાત કરી છે.

ક્રેડિટ કાર્ડ નિયમોમાં કયા ફેરફારો છે?

વધુમાં, 1 જુલાઈથી ઘણા ક્રેડિટ કાર્ડ નિયમોમાં ફેરફાર થવાની તૈયારી છે. અહેવાલો અનુસાર, એસબીઆઈ કાર્ડે પસંદગીના ફોનપે એસબીઆઈ કાર્ડ્સ માટે રિવોર્ડ પોઈન્ટ્સમાં સુધારો કર્યો છે. આ હેઠળ, ઘણી નવી મર્યાદાઓ લાદવામાં આવી છે અને કેટલાક વ્યવહારોને રિવોર્ડ પોઈન્ટ શ્રેણીમાંથી દૂર કરવામાં આવ્યા છે. દરમિયાન, HDFC રીગાલિયા ગોલ્ડ ક્રેડિટ કાર્ડ ધારકો હવે દરેક કેલેન્ડર વર્ષના ત્રિમાસિક ગાળામાં ત્રણ વખત ડોમેસ્ટિક એરપોર્ટ લાઉન્જનો મફતમાં ઉપયોગ કરી શકશે. જોકે, તેમને પ્રતિ ત્રિમાસિક ગાળામાં ઓછામાં ઓછા ₹60,000 ખર્ચ કરવાની જરૂર પડશે.

LPGના ભાવ પણ બદલાઈ શકે છે

સરકાર દર મહિનાની શરૂઆતમાં LPGના ભાવની સમીક્ષા કરે છે. તેથી, LPGના ભાવ પણ 1 જુલાઈએ બદલાઈ શકે છે.

ITR ફાઇલ કરવાની અંતિમ તારીખ અને જો તમે તે ચૂકી જાઓ તો શું થશે?

નાણાકીય વર્ષ 2025-26 (મૂલ્યાંકન વર્ષ 2026-27) માટે ITR-1 અને ITR-2 ફોર્મ ફાઇલ કરવાની અંતિમ તારીખ 31 જુલાઈ, 2026 છે. જો તમે આ સમયમર્યાદામાં તમારું રિટર્ન ફાઇલ કરવામાં નિષ્ફળ જાઓ છો, તો તમારે ભારે દંડ ચૂકવવો પડી શકે છે. વધુમાં, રિટર્ન ફાઇલ કરવામાં વિલંબ તમને ચોક્કસ કર વ્યવસ્થા પસંદ કરવાથી રોકી શકે છે અને તમને આગામી વર્ષોમાં નુકસાન આગળ વધારવા પર પણ પ્રતિબંધોનો સામનો કરવો પડી શકે છે.

મુંબઈ: મહોરર્મનાં જુલુસ દરમિયાન ફૈયાઝ પ્રેમજી ઝેર કેમ વહેંચી રહ્યો હતો? જૂના વીડિયો દ્વારા થઈ રહ્યા છે સનસનાટીપૂર્ણ ખુલાસા

મુંબઈના મહોરર્મનાં જુલુસ દરમિયાન ઝેરની કેપ્સ્યુલ વહેંચવાનો મામલો આ દિવસોમાં સતત ચર્ચાનો વિષય બન્યો છે. જો ઝેરની કેપ્સ્યુલ વહેંચનાર વ્યક્તિ ફૈયાઝ પ્રેમજી પોતાના મિશનમાં સફળ થયો હોત, તો મુંબઈમાં હાહાકાર મચી ગયો હોત. ફૈયાઝ 15,000 લોકોને ઝેરની કેપ્સ્યુલ વહેંચવાની યોજના બનાવી રહ્યો હતો. ફૈયાઝે આટલું ખતરનાક કાવતરું કેમ ઘડ્યું? આ અંગે સતત ખુલાસાઓ થઈ રહ્યા છે. હવે, ફૈયાઝનો ચાર વર્ષ જૂનો પોડકાસ્ટ વીડિયો સમાચારમાં છે, જે દર્શાવે છે કે ફૈયાઝને પોતાના ધર્મ પ્રત્યે નફરત થઈ ગઈ હતી અને તે હિન્દુ ધર્મમાં પાછા ફરવા માંગતો હતો.

મહોરર્મ દરમિયાન ઝેર વહેંચનાર ફૈયાઝ ચોંકાવનારા દાવા કરે છે
આ 4 વર્ષ જૂના વીડિયોમાં, ફૈયાઝ શિયા સમુદાય વિશે અનેક વિવાદાસ્પદ દાવા કરે છે. તે કહેતો જોવા મળે છે કે શિયાઓ ઉદારવાદી નથી પણ જો તેઓ સત્તા મેળવશે તો આક્રમક બનશે. ફૈયાઝ પ્રેમજી ઇસ્લામમાં પ્રચલિત ઘણી અંધશ્રદ્ધાઓને નાબૂદ કરવા માંગતો હતો. તે પોતાના સમુદાયના સભ્યો પ્રત્યે ખૂબ જ નારાજ હતો.

આ માટે, તેણે અનેક વિરોધ પ્રદર્શનોનું આયોજન કર્યું અને લોકોને સમજાવવા માટે વ્યાપક પ્રયાસો કર્યા. કોઈએ તેનું સાંભળ્યું નહીં, જેના કારણે ફૈયાઝ પ્રેમજી નાસ્તિક બન્યો.

ફૈયાઝ શિયા-સુન્ની વૈચારિક તફાવતોની ચર્ચા કરે છે
લગભગ ચાર વર્ષ પહેલાં (નીરજ અત્રી દ્વારા આયોજિત) એક ઇન્ટરવ્યુ/પોડકાસ્ટમાં, પ્રેમજીએ દાવો કર્યો હતો કે તે ધર્મમાં સકારાત્મક પરિવર્તન લાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. આ લાઇવ ચર્ચામાં, મહેમાન ફયાઝ પ્રેમજી શિયા અને સુન્ની મુસ્લિમો વચ્ચેના વૈચારિક તફાવતો અને બિન-મુસ્લિમો પ્રત્યેના તેમના વલણની ચર્ચા કરે છે.

ફૈયાઝ દાવો કરે છે કે ભારતમાં શિયા સમુદાય ફક્ત એટલા માટે ઉદાર અથવા બિનસાંપ્રદાયિક દેખાય છે કારણ કે તેઓ એક નાની લઘુમતી છે. જો તેઓ કાલે રાજકીય સત્તા મેળવશે, તો તેમનું વર્તન ઐતિહાસિક આક્રમણકારો અથવા કટ્ટરપંથીઓ જેવું જ હશે!

ફૈયાઝ પોતે ખોજા શિયા સમુદાયનો છે અને તેણે ઘરે પાછા ફરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.

ફૈયાઝ પોતે ખોજા શિયા સમુદાયના છે. તેમણે સમજાવ્યું કે આ સમુદાયના પૂર્વજો હિન્દુ હતા અને હિન્દુ પરંપરાઓ હજુ પણ તેમનામાં પ્રચલિત છે. વીડિયોમાં, તે સૂચવે છે કે જો હિન્દુ સંગઠનો પ્રયાસો કરે, તો સમુદાયનું હિન્દુ ધર્મમાં “ઘરવાપસી” સૌથી સરળતાથી પ્રાપ્ત થઈ શકે છે કારણ કે તેઓ સુન્ની અને શિયા વચ્ચેના આંતરિક સંઘર્ષોથી પરેશાન છે અને હિન્દુઓથી પણ ડરે છે.

ફૈયાઝ ભૂરાજનીતિની પણ ચર્ચા કરે છે

વીડિયોમાં, ફૈયાઝ ભૂરાજનીતિની ચર્ચા કરે છે અને કહે છે કે ભારતે તેલ માટે ઈરાન, ઇરાક વગેરે જેવા મધ્ય પૂર્વીય દેશો પર સંપૂર્ણપણે નિર્ભર ન રહેવું જોઈએ. તેના બદલે, ભારતે તેની સુરક્ષા અને વ્યૂહાત્મક શક્તિ માટે ઇઝરાયલ, અમેરિકા અને રશિયા સાથેના સંબંધોને વધુ મજબૂત બનાવવા જોઈએ.

તે પોતાના અંગત અનુભવો પણ શેર કરે છે, જેમાં તે વર્ણવે છે કે ધર્મ વિશે તાર્કિક પ્રશ્નો પૂછવા, અંધશ્રદ્ધાઓનો વિરોધ કરવા અથવા તેની ટીકા કરવાથી સમુદાયમાં તીવ્ર વિરોધ, બહિષ્કાર અને જીવલેણ પરિસ્થિતિઓ પણ થઈ શકે છે.

ફૈયાઝ દાવો કરે છે: શિયાઓ હિન્દુઓને અશુદ્ધ માને છે
ત્રણ વર્ષ જૂના બીજા એક પોડકાસ્ટ વીડિયો (મધુ કિશ્વર દ્વારા હોસ્ટ કરાયેલા) માં ફૈયાઝ પોતાને ભૂતપૂર્વ શિયા અને ઈરાનમાં રહેતા ઉદ્યોગપતિ તરીકે વર્ણવે છે અને પુનરાવર્તન કરે છે કે શિયાઓ સુન્નીઓ કરતા વધુ ઉદાર નથી. તે કહે છે કે ભારતમાં શિયાઓનો શાંતિપૂર્ણ અને કંઈક અંશે બિનસાંપ્રદાયિક ચહેરો ફક્ત તેમના લઘુમતી દરજ્જાને કારણે છે. જો તેઓ સત્તા મેળવે છે, તો તેઓ સુન્નીઓની જેમ વર્તે છે. વીડિયોમાં, ફૈયાઝ દાવો કરે છે કે શિયા ધાર્મિક નિયમો અનુસાર, હિન્દુઓને કાફિર (નાજી), અસ્પૃશ્ય માનવામાં આવે છે.

‘કટ્ટરપંથી શિયા હિન્દુ દ્વારા સ્પર્શ કરેલો ખોરાક ખાશે નહીં’

તે કહે છે કે સુન્ની મુસ્લિમ હિન્દુ પાસેથી ખોરાક ખાશે, પરંતુ એક કટ્ટરપંથી શિયા હિન્દુ દ્વારા સ્પર્શ કરેલો ખોરાક ખાશે નહીં. તે માને છે કે શિયાઓ શારીરિક સંપર્ક ટાળે છે અને જો કોઈ હિન્દુ આકસ્મિક રીતે તેમને સ્પર્શ કરે તો તેમના હાથ ધોઈ નાખે છે. વીડિયોમાં, ફૈયાઝ દાવો કરે છે કે કટ્ટરપંથી શિયા વિચારધારા અનુસાર, હિન્દુઓએ રક્ત કે અંગોનું દાન ન કરવું જોઈએ કારણ કે તેઓ માને છે કે હિન્દુ સ્વસ્થ થયા પછી મૂર્તિઓની પૂજા કરશે, જેનાથી તેઓ પાપમાં ભાગીદાર બનશે. જો તેઓ બળજબરીથી હિન્દુનું લોહી સ્વીકારે તો તેઓ તેનું લોહી સ્વીકારી શકે છે, પરંતુ મુસ્લિમનું લોહી સ્વીકારવું વધુ સારું છે.

ફૈયાઝે આરોપ લગાવ્યો હતો કે લેબનીઝ આતંકવાદી સંગઠન હિઝબુલ્લાહનો મુંબઈ, પુણે, હૈદરાબાદ અને ગુજરાત સહિત ઘણા ભારતીય શહેરોમાં શિયા સમુદાયમાં નરમ પ્રભાવ છે. બાળકોને રમતગમતના બહાને લલચાવીને હિઝબુલ્લાહની વિચારધારા શીખવવામાં આવે છે.

પોલીસ તપાસ કઈ દિશામાં જઈ રહી છે?

ફૈયાઝના આ બે વીડિયો જાહેર થયા પછી, પોલીસ તપાસની દિશામાં ફેરફાર થવાની ચર્ચા થઈ રહી છે. પોલીસ હવે તપાસ કરી રહી છે કે શું આ ગુસ્સાએ તેને આ ગુનો કરવા માટે પ્રેરિત કર્યો હતો, કે પછી કોઈ આંતરરાષ્ટ્રીય દળો તેને આવું કરવા માટે ઉશ્કેરી રહ્યા હતા. પોલીસ સમગ્ર મામલાની સંપૂર્ણ તપાસ કરી રહી છે.

ખોજા શિયા ઈશ્ના અશરી જમાત ફૈયાઝને સમુદાયમાંથી હાંકી કાઢ્યો
પુણેના ખોજા શિયા ઈશ્ના અશરી જમાત (KSIJ) એ ફૈયાઝ પ્રેમજી વિરુદ્ધ કડક વલણ અપનાવતા સત્તાવાર જાહેરાત કરી છે. જમાતે તેની સામેના ગંભીર આરોપોની નિંદા કરી છે, જેમાં મહોરર્મના જુલૂસ દરમિયાન ઝેરી કેપ્સ્યુલ વહેંચવાના કથિત પ્રયાસનો સમાવેશ થાય છે અને તેને અમાનવીય અને અસામાજિક કૃત્ય ગણાવ્યું છે.

જમાતે સ્પષ્ટતા કરી હતી કે ફૈયાઝ પ્રેમજી સમુદાયના હિતોને નુકસાન પહોંચાડતી પ્રવૃત્તિઓમાં સામેલ હતો. તેના પર ટ્રસ્ટીઓ અને સમુદાયના સભ્યોને હેરાન કરવાનો અને બદનામ કરવાનો આરોપ છે. વધુમાં, તે અનેક પ્રસંગોએ ઝપાઝપી અને ઝઘડાઓમાં સામેલ રહ્યો છે.

ફૈયાઝને લઈને ગઈકાલે જમાતની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો 
થોડા વર્ષો પહેલા ફૈયાઝ પ્રેમજીએ શિયા ધર્મ અને સમુદાય વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરી હતી અને સોશિયલ મીડિયા પર જાહેરમાં શિયા ધર્મ છોડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. આ બધી ઘટનાઓને ધ્યાનમાં રાખીને, 28 જૂન, 2026 ના રોજ યોજાયેલી એક મહત્વપૂર્ણ બેઠકમાં તેને જમાતમાંથી હાંકી કાઢવાનો સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો.

આ જાહેરાતમાં એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે ફૈયાઝ પ્રેમજીનો છેલ્લા આઠથી દસ વર્ષથી જમાત સાથે કોઈ સંબંધ કે સંપર્ક નહોતો. તેથી, તેના કોઈપણ કૃત્ય માટે જમાત જવાબદાર રહેશે નહીં. અંતે, જમાતે માંગ કરી હતી કે સંબંધિત સરકાર અને પોલીસ અધિકારીઓ ફૈયાઝ પ્રેમજી સામે કડક કાનૂની કાર્યવાહી કરે.

ફૈયાઝ પ્રેમજીના પરિવારની પૂછપરછ કરતી ATS
આતંકવાદ વિરોધી ટુકડી (ATS) એ આરોપી ફૈયાઝ પ્રેમજીના માતાપિતા અને ભાઈની લગભગ પાંચ કલાક સુધી પૂછપરછ કરી. પુણે સ્થિત તેના ઘરે, તપાસ એજન્સીઓએ આરોપીની પ્રવૃત્તિઓ, જીવનશૈલી અને તાજેતરના વ્યવહારો વિશે પરિવાર પાસેથી માહિતી એકત્રિત કરી. પ્રાથમિક માહિતી અનુસાર, ફૈયાઝ પ્રેમજી છેલ્લા બે વર્ષથી તેના પરિવારથી અલગ મુંબઈમાં રહેતો હતો. તપાસ એજન્સીઓ આ સમયગાળા દરમિયાન તેના સંપર્કમાં રહેલા લોકો અને તેના સંબંધોની પણ તપાસ કરી રહી છે.

કેન્દ્રીય કેબિનેટમાં મોટા ફેરફારની અટકળો, અનેક કેબિનેટ મંત્રીઓના મંત્રાલયમાં બદલાવની શકયતા

કેન્દ્રીય કેબિનેટમાં મોટા ફેરફારની અટકળો તેજ થઇ છે. તેમજ આ ફેરફાર આગામી બે દિવસમાં થઇ શકે છે. જેમાં મળતી માહિતી મુજબ કેન્દ્રીય રોડ, ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રી નીતિન ગડકરીના મંત્રાલયમાં પણ બદલાવ થઇ શકે છે. આ ઉપરાંત નીતિશ કુમારને મંત્રીમંડળમાં સમાવવા આવી શકે છે. તેમજ વિવાદોમાં રહેલા કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની હકાલપટ્ટી પણ થઇ શકે છે.

સોશિયલ એન્જિનિયરીંગના મોડેલને અનુસરશે

આ ઉપરાંત રાજકીય વર્તુળોના મંત્રીમંડળ ફેરફાર અંગે અનેક ચર્ચાઓ ચાલી રહી છે. ભાજપ આગામી લોકસભા અને રાજ્યોની વિધાનસભા ચૂંટણી પૂર્વે એનડીએના સાથીઓ સાથે પ્રતિનિધીત્વ સંતુલન બનાવી રાખવા માંગે છે . તેમજ મંત્રીમંડળમાં સોશિયલ એન્જિનિયરીંગના મોડેલને અનુસરવા માંગે છે.

મહત્વપૂર્ણ મંત્રાલયો ધરાવતા મંત્રીઓના વિભાગોમાં ફેરફાર

આ મંત્રીમંડળમાં બદલાવ પૂર્વે અનેક રાજ્યોમાં સંગઠનાત્મક બદલાવ પણ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત કેટલાક સૌથી મહત્વપૂર્ણ મંત્રાલયો ધરાવતા મંત્રીઓના વિભાગોમાં ફેરફાર કરવામાં આવી શકે છે. આ સંદર્ભમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ, માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી અને ઉર્જા મંત્રી મનોહર લાલ ખટ્ટર જેવા નામોની ચર્ચા થઈ રહી છે.

પંજાબ પર ખાસ ધ્યાન આપવામાં આવી શકે છે

જ્યારે મંત્રીમંડળ વિસ્તરણમાં પંજાબ પર ખાસ ધ્યાન આપવામાં આવી શકે છે. પંજાબના અન્ય એક શીખ વ્યક્તિ અથવા અગ્રણી નેતા વર્તમાન પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીનું સ્થાન લઈ શકે છે. આ રેસમાં રાઘવ ચઢ્ઢાનું નામ દાવેદાર તરીકે ઉભરી આવ્યું છે. આ ઉપરાંત પીએમ મોદીના વર્તમાન મુખ્ય સચિવ શક્તિકાંત દાસને મંત્રી તરીકે સીધા મંત્રી તરીકે સામેલ કરવા અંગે તીવ્ર અટકળો ચાલી રહી છે. તેમને દેશના નવા નાણાં મંત્રી બનાવવામાં આવી શકે છે.

મહારાષ્ટ્રમાંથી શ્રીકાંત શિંદેને પણ મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે

આ ઉપરાંત મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના પુત્ર શ્રીકાંત શિંદેને પણ મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે. શિવસેના (UBT)માંથી છ સાંસદોને તોડીને એનડીએમાં લાવવામાં શ્રીકાંત શિંદેએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. જ્યારે ટીએમસી છોડનારા નેતા સુખેન્દુ શેખર રોયને પણનો સમાવેશ થઇ શકે છે.