સુશાંત સિંહ રાજપૂત આપઘાત કેસમાં ઇડીએ મની લોન્ડરિંગનો કેસ દાખલ કર્યો

નવી દિલ્હી : બોલિવુડના દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના આપઘાત કેસમાં હવે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)ની એન્ટ્રી થઇ છે અને તેમના દ્વારા તપાસ શરૂ કરીને મની લોન્ડરિંગ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. ઇડીના અધિકારીઓએ જણાવ્યું હતું કે આ કેસ બિહાર પોલીસ દ્વારા દાખલ કરવામાં આવેલી એફઆઇઆરના આધારે કરાયો છે, જેમાં અભિનેતાના પિતાએ રિયા ચક્રવર્તી અને તેના પરિવારે સુશાંતને આપઘાત માટે ઉશ્કેર્યો હોવાનો આરોપ મુક્યો હતો.

અધિકારીઓએ કહ્યું હતું કે તપાસ એ થશે કે ક્યાંક સુશાંત સિંહ રાજપૂતની આવકનો ઉપયોગ મની લોન્ડરિંગ અને ગેરકાયદે સંપત્તિ બનાવવા માટે તો નથી કરવામાં આવ્યો ને. અધિકારીઓએ કહ્યું હતું કે રિયા ચક્વર્તી, તેના પરિવાર તેમજ અન્ય છને આવતા અઠવાડિયે સમન્સ પાઠવવામાં આવે તેવી શક્યતા છે.

ઇડીએ એફઆઈઆરની સમાવિષ્ટોનું વિશ્લેષણ કર્યા પછી અને રાજપૂતની આવક, બેંક ખાતાઓ અને કંપનીઓ વિશેની કેટલીક સ્વતંત્ર માહિતી એકઠી કર્યા પછી આ કેસ હાથ ધર્યો હોવાનું માનવામાં આવે છે. અધિકારીઓના મતે, આવી વધુ વિગતો અને રાજપૂતની મોતની તપાસ માટે મુંબઇ પોલીસે દાખલ કરેલી બીજી એફઆઈઆર પણ ઇડીની તપાસનો ભાગ હશે.

કેન્દ્રિય તપાસ એજન્સીએ તાજેતરમાં જ બિહાર પોલીસને મળીને ફર્સ્ટ ઇન્વેસ્ટીગેશન રિપોર્ટ (એફઆઇઆર) માગી હતી અને તેનો અભ્યાસ કર્યા પછી ઇડીએ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ આરોપ લગાવવાનો નિર્ણય કર્યો હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે એન્ફોર્સમેન્ટ કેસ ઇન્ફર્મેશન રિપોર્ટ (ઇસીઆઇઆર) બિહાર પોલીસની એફઆઇઆરમાં જેમના નામ છે તે રિયા ચક્રવર્તી અને તેના પરિવાર તેમજ છ અન્યો સામે દાખલ કરવામાં આવ્યો છે.

 

 

સોમનાથ-દ્વારિકા બાદ ગુજરાતના વિશ્વપ્રસિદ્ધ અંબાજીનો કેન્દ્ર સરકારની પ્રસાદ પરિયોજનામાં સમાવેશ

ગુજરાતના વિશ્વપ્રસિદ્ધ આદ્યશકિત યાત્રાધામ અંબાજીનો ભારત સરકારે ‘પ્રસાદ’ યોજનામાં સમાવેશ કર્યો છે.

કેન્દ્રીય પ્રવાસન મંત્રાલયે દેશના વધુ પાંચ તીર્થયાત્રા સ્થાનોનો આ યોજનામાં સમાવેશ કરવા કરેલી જાહેરાતમાં ગુજરાતના અંબાજીને પણ પ્રસાદ યોજના અન્વયે સાંકળી લેવાનો નિર્ણય કર્યો છે.
પ્રસાદ યોજનામાં અગાઉ સમાવિષ્ટ થયેલા સોમનાથ અને દ્વારકા સાથે હવે અંબાજી ગુજરાતનું ત્રીજું યાત્રા પ્રવાસન તીર્થ બન્યું છે જેનો પ્રસાદ યોજના અન્વયે વિકાસ થશે.

ગુજરાત પ્રવાસન નિગમે યાત્રાધામ અંબાજીનો પ્રસાદ પરિયોજનામાં સમાવેશ કરીને પ્રવાસન સુવિધા કેન્દ્ર, કોમ્યુનીટી કિચન, ગબ્બર પગથિયાં નવિનીકરણ જેવી પ્રવાસન-યાત્રી સુવિધાઓ વિકસાવવા ભારત સરકારમાં કરેલી દરખાસ્તનો કેન્દ્રીય પ્રવાસન મંત્રાલયે સ્વીકાર કરતાં હવે, અંબાજીને પ્રસાદ પરિયોજનામાં આવરી લેવાશે.

અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, યાત્રાધામ અંબાજીને તાજેતરમાં જ શ્રેષ્ઠ યાત્રીક સુવિધાઓ માટે ISO 9001 સર્ટીફિકેટ પણ પ્રાપ્ત થયેલું છે.

બકરી ઈદને લઈ બહાર પાડવામાં આવ્યું જાહેરનામું, આટલા નિયમોનું કરવું પડશે પાલન

તા. ૦૧/૦૮/૨૦૨૦ ના રોજ મુસ્લિમ ધર્મનો તહેવાર “બકરી ઈદ” (ઇદ ઉલ અદહા) આવે છે. આ તહેવારની ઉજવણી પ્રસંગે અમુક પ્રકારના જાનવરની કુરબાની આપવામાં આવે છે જેથી જાહેર કે ખાનગી સ્થળે દેખાય તે રીતે કોઇપણ પશુની કતલ કરવાથી અન્ય ધર્મ/સમુદાયના લોકોની લાગણી દુભાવાના કારણે સુલેહ શાંતિ ભંગ થવાનો સંભવ રહે છે.

હાલમાં સમગ્ર દેશમાં કોરોનાના વધી રહેલા સંક્રમણને ધ્યાનમાં રાખીને કોરોના વાયરસને નિયંત્રિત કરવા માટૅના તમામ તકેદારીના પગલા લેવામાં આવી રહ્યા છે. સરકારની ગાઇડલાઇન અનલૉક-1 મુજબ કોઈ પણ જાતના સામાજીક કે ધાર્મીક કાર્યક્રમો, સામાજિક મેળાવડા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. સુરત જીલ્લા ગ્રામ્ય વિસ્તારમાં આવેલી મોટી મસ્જીદો, ઇદગાહોમાં બકરી ઇદના તહેવાર અન્વયે મોટા પ્રમાણમાં લોકો નમાજ માટે એકત્રિત થવાની કે ઝુલુસ યોજાવાની શક્યતા હોવાથી ધાર્મિક આગેવાનો, ટ્રસ્ટીઓ, સંચાલકો તથા મૌલવીઓને કોવિડ-૧૯ અંતર્ગત સરકાર દ્વારા કેટલાક જરૂરી પગલાં લેવા જણાવાયુ છે જે નીચે મુજબ છે.

(૧) કોઈપણ વ્યકિતએ કોઇપણ પશુની જાહેર કે ખાનગી જગ્યામાં શેરીઓમાં કે મહોલ્લામાં વિગેરે જગ્યાએ જાહેર જનતાને દેખાય તે રીતે કતલ કરવી નહીં. તેમજ કોઈપણ પ્રાણીને શણગારીને ઍકલા અગર સરઘસ આકારે જાહેરમાં લઇ જવા કે ફેરવવા નહી.

(૨) બકરી ઇદ’ તહેવાર નિમિતે કુરબાની પછી જાનવરના માંસ, હાડકા અને અવશેષો જાહેરમાં
ફેંકવા નહીં.

(૩) તમામ વ્યકિતઓએ ફરજિયાત માસ્ક પહેરવાનું તથા સોશિયલ ડીસ્ટન્સ જાળવવાનું રહેશે.

(૪) જાહેર જગ્યામાં કોઇપણ વ્યકિતએ થુંકવું નહિ.

(૫) ભારત સરકાર તથા ગુજરાત સરકારના COVID-19 ને અટકાવવા માટેના વખતો-વખતના
હુકમોથી અપાયેલા આદેશો તથા માર્ગદર્શક સુચનાઓનો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે.
આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર થશે.

નર્સિંગ કોલેજોમાં ફાઈનલ યરની જ પરીક્ષા લેવાશે, બાકીના વિદ્યાર્થીઓને અપાશે માસ પ્રમોશન

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યુ છે કે, સમગ્ર દેશમાં ચાલી રહેલ કોરોના મહામારીને ધ્યાનમાં રાખી ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ દ્વારા તા.૧૪.૦૫.૨૦૨૦ અને તા.૧૦.૦૭.૨૦૨૦ ના રોજ નર્સિંગની પરીક્ષા અંતર્ગત માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. તે સંદર્ભે ગુજરાતની નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરતાં છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓની જ પરીક્ષા લેવાશે જ્યારે અન્ય તમામ વિદ્યાર્થીઓને આંતરિક મૂલ્યાંકન અને વર્ષ દરમ્યાનના પરફોર્મન્સના આધારે માર્ક્સ આપી આગળના વર્ષમાં પ્રમોટ કરાશે.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ઉમેર્યુ કે, ઇન્ડિયન નર્સિંગ કાઉન્સીલની ગાઇડલાઇન મુજબ રાજ્યમાં જો કોરોનાને કારણે પરીક્ષા લેવી શક્ય ના હોય તો ફાઇનલ યર સિવાયના વિદ્યાર્થીઓને આંતરીક મૂલ્યાંકન અને તેના વર્ષ દરમ્યાનના પરફોર્મન્સના આધારે માર્ક્સ આપી આગલા વર્ષમાં પ્રમોટ કરવા સૂચવેલ છે. જે મુજબ ગુજરાત રાજ્યમાં નર્સિંગના શિક્ષકો અને નર્સિંગના વિદ્યાર્થીઓ કોરોના દર્દીઓની સારવાર અને સર્વેની કામગીરીઓમાં જોડાયેલા છે.

તેમણે જણાવ્યું કે  રાજ્યમાં હાલ કોરોના મહામારીની પરિસ્થિતિ ધ્યાને રાખી ગુજરાત નર્સિંગ કાઉન્સીલની પરીક્ષા સમિતિની તા.૧૪.૭.૨૦૨૦ ના રોજ મળેલ બેઠકમાં ઇન્ડીયન કાઉન્સીલ ઓફ નર્સિંગની માર્ગદર્શિકાની ચર્ચા કરી સર્વાનુમતે આ નિર્ણય લેવાયો છે કે, છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની જ પરીક્ષા લેવામાં આવશે. તે સિવાયના નર્સિંગનો અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને પરીક્ષા લીધા સિવાય તેમના અભ્યાસક્રમના આંતરીક મુલ્યાંકનના આધારે આગળના વર્ષમાં માસ પ્રમોટ કરી યોગ્ય જણાયેલ વિદ્યાર્થીઓને પાસ જાહેર કરવામાં આવશે.

આ નિર્ણયનો લાભ જી.એન.એમ. ના ૧૪૬૭૧ અને એ.એન.એમ.ના ૩૮૨૭ વિદ્યાર્થીઓને મળશે. જયારે જી.એન.એમ.ના ૪૫૬૧ અને એ.એન.એમ.ના ૩૧૦૮ વિદ્યાર્થીઓની પરીક્ષા ૩૧ ઓગસ્ટથી લેવામાં આવશે. આ પરીક્ષામાં social distance, hand sanitization અને mask ના ઉપયોગનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

રક્ષાબંધનની ગિફટ: કીડની અને કેન્સર હોસ્પિટલનાં ડોક્ટરો, નર્સીંગ સ્ટાફ, પેરા મેડીકલ સ્ટાફ અને ક્લેરિકલ સ્ટાફને મળશે સાતમા પગાર પંચનો લાભ

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યુ છે કે, ગુજરાત સરકારની ગ્રાન્ટ-સહાયથી ચાલતી અમદાવાદ મેડિસીટી કેમ્પસમાં આવેલ કેન્સર હોસ્પિટલ અને કીડની હોસ્પિટલમાં સુપર સ્પેશિયાલીટી સારવાર ખૂબ સારી રીતે આપવામાં આવે છે. આ બંને હોસ્પિટલોમાં ગુજરાત રાજ્યની સાથે સાથે પડોશી રાજ્યો એવા રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાંથી પણ અનેક દર્દીઓ મોટા પ્રમાણમાં સારવાર  મેળવે છે.

તેમણે  ઉમેર્યુ કે રાજ્ય સરકાર દ્વારા ગુજરાત યુનિવર્સિટી ઓફ ટ્રાન્સપ્લાન્ટેશન એન્ડ સાયન્સીઝ પણ ચલાવવામાં આવે છે. જ્યાં કીડનીની સારવાર માટેના નિષ્ણાંત ડૉક્ટરો, પેરા મેડિકલ સ્ટાફને તબીબી શિક્ષણ પુરુ પાડવામાં આવે છે. આ ત્રણેય સંસ્થાઓમાં ડૉક્ટરો સહિત ૧૨૦૩ જેટલા મેડિકલ અને પેરામેડિકલનો સ્ટાફ ફરજ બજાવે છે. આ સંસ્થાઓના નિયામકશ્રીઓ દ્વારા નાયબ મુખ્યમંત્રીશ્રી અને આરોગ્ય મંત્રી શ્રી નીતિનભાઇ પટેલ સમક્ષ આ બંને હોસ્પિટલોના કર્મીઓને ૭મા પગારપંચનો લાભ આપવાની રજુઆત કરવામાં આવી હતી. જેને ધ્યાનમાં લઇને નાયબ મુખ્યમંત્રીશ્રી અને નાણા મંત્રી શ્રી નીતિનભાઇ પટેલે કેન્સર, કીડની હોસ્પિટલ અને ગુજરાત યુનિવર્સિટી ઓફ ટ્રાન્સપ્લાન્ટેશન સાયન્સીઝના ડૉક્ટરો તથા પેરા મેડીકલ સ્ટાફ માટે તા.૧/૧/૧૬ થી અમલમાં આવે એ મુજબ ૭મા પગાર પંચની મંજૂરી આપી છે અને હવે તા.૧/૮/૨૦૨૦થી ૭મા પગારપંચ પ્રમાણે પગાર આપવામાં આવશે.

તેમણે ઉમેર્યુ કે, કોરોનાની મહામારી વચ્ચે રાજ્ય સરકાર દ્વારા આરોગ્ય વિભાગના ડૉક્ટરો અને પેરા મેડિકલ સ્ટાફને શક્ય બને એ બધી જ મદદ કરવામાં આવી રહી છે જેના કારણે આરોગ્ય વિભાગ સહિત ખાનગી તબીબો અને પેરા મેડિકલ સ્ટાફ પણ સમગ્ર રાજ્યમાં કોરોનાને લડત આપવા અને દર્દીઓની સેવા કરવામાં અગ્રેસર રહ્યા છે.

આમ, રક્ષાબંધન પર્વ નિમિત્તે આ ત્રણેય સંસ્થાના કર્મચારી ભાઇ-બહેનોને રાજ્ય સરકાર તરફથી રક્ષાબંધનની ભેટ આપવામાં આવી છે.

કોરોનાવાયરસના ઓછાયા હેઠળ માત્ર સ્થાનિક લોકો દ્વારા હજની મુખ્ય વિધિઓ સંપન્ન

રિયાધ : દુનિયાભરના મુસ્લિમોના પવિત્ર યાત્રાધામો એવા મક્કા અને મદીના શહેરો દર વર્ષે આ સમયે લાખો લોકોથી ઉભરાતા હોય છે પણ આ વર્ષે માંડ થોડાક સ્થાનિક લોકો હજ કરી રહ્યા છે અને કોરોનાવાયરસના રોગચાળાના નિયંત્રણો હેઠળ આજે વાર્ષિક હજયાત્રાની મુખ્ય વિધિઓ પૂરી થઇ હતી. જ્યાં વાર્ષિક હજયાત્રાના મુખ્ય યાત્રાધામો આવેલા છે તે સાઉદી અરેબિયા સહિત વિશ્વના અનેક દેશોમાં આજે ઉદ-ઉલ-અદહાની ઉજવણી થઇ હતી જ્યારે ભારત સહિતના કેટલાક દેશોમાં શનિવારે આ ઇદની ઉજવણી થનાર છે.

મક્કા અને મદીના શહેરોમાં પણ હજયાત્રીઓએ કોરોનાવાયરસને લગતા નિયંત્રણો વચ્ચે જ ઇદની ઉજવણી સાદાઇ પૂર્વક કરી હતી અને આજે અહીં હજની મુખ્ય વિધિઓ સમાપ્ત થઇ હતી.  શુક્વારના સૂર્યોદય સાથે નાના જૂથોમાં હજયાત્રીઓ માસ્ક પહેરીને અને સોશ્યલ ડિસ્ટન્સિંગ જાળવીને મીના ખીણના જમરાત વિસ્તાર તરફ આગળ વધ્યા હતા અને શેતાનને કાંકરીઓ મારવાની વિધિ કરી હતી.

દર વર્ષે આ વિધિ વખતે સાઉદી અરેબિયા સરકાર ખૂબ ટેન્શનમાં હોય છે અને ધક્કા મુક્કી જેવા બનાવો રોકવા સુરક્ષા દળોએ ભારે જહેમત ઉઠાવવી પડતી હોય છે પણ આ વખતે એવું નહીં હતું. આ વખતે વિદેશોમાંથી હજયાત્રીઓને આવવા દેવાયા ન હતા અને માત્ર થોડા પ્રમાણમાં સ્થાનિક લોકોએ જ હજ અદા કરી હતી. જો કે સાઉદી અરેબિયા સરકારે સ્થાનિક હજયાત્રીઓમાં રોગચાળો ફેલાય નહીં તે માટે વ્યાપક ટેસ્ટિંગ કરાવવું પડ્યું હતું.

સોનિયા ગાંધીની તબિયત બગડ્યા બાદ રાહુલ ગાંધીને ફરી કોંગ્રેસ પ્રમુખ બનાવવાની હિલચાલ

ગઈકાલે રાત્રે કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીને રૃટીન ચેકઅપ માટે ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરાયા હોવાના અહેવાલ આવ્યા હતાં. કોંગ્રેસના કાર્યવાહક અધ્યક્ષ તરીકે તેઓ હાલમાં જવાબદારી સંભાળી રહ્યાં છે, અને બીમારી તથા વધતી જતી ઉંમરના પડકારો છતાં તેઓ કોંગ્રેસને ચેતનવંતી રાખવાના પ્રયાસો કરી રહ્યાં છે, તે ઉપરાંત પ્રિયંકા ગાંધી દેશના સૌથી મોટા રાજય ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસના સંગઠનને મજબૂત બનાવાની સાથે-સાથે યોગી સરકારને ઘેરી રહ્યાં છે, જ્યારે રાહુલ ગાંધી પ્રમુખ પદેથી રાજીનામું આપ્યા પછી પણ નિષ્ક્રિય રહ્યાં જ નથી, બલ્કે વધુ સક્રિય થઈ ગયા હોય અને એક પીઢ રાજકારણી થઈ રહ્યાં હોય તેમ દરરોજ મોદી સરકારને પડકારતા ટ્વીટનો મારો ચલાવી રહ્યાં છે.

હવે કોંગ્રેસમાંથી મજબૂત રીતે અવાજ ઉઠવા લાગ્યો છે કે, રાહુલ ગાંધીને ફરીથી કોંગ્રેસનું સુકાન સોંપી દેવું જોઈએ. ગઈકાલે જ સોનિયા ગાંધીએ કોંગ્રેસના રાજયસભાના સભ્યોની વીડિયો કોન્ફરન્સના માધ્યમથી મિટિંગ બોલવી હતી અને સંસદીય પાંખની રણનીતિ ઘડવા ઉપરાંત રાજકીય અને સંગઠનના મુદ્દે ચર્ચાઓ થઈ હોવાના અહેવાલો આવ્યા હતાં.

રાજયસભાના કોંગી સભ્યોએ આ વર્ચ્યુઅલ બેઠક દરમિયાન રાહુલ ગાંધીને ફરીથી કોંગ્રેસ પ્રમુખ બનાવવા માટે જોરદાર રજુઆત કરી હતી. સૂત્રોના હવાલાથી એવા અહેવાલો પણ આવ્યા હતા કે આ બેઠક દરમિયાન રિપુન બોરા, પી.એસ.પુનિયા, છાયા વર્મા સહિતના વરિષ્ઠ સાંસદોએ રાહુલ ગાંધીને કોગ્રેસનું સુકાન સોંપવા માટે જોરદાર માંગણી ઉઠાવીને કહ્યું હતું કે કોંગ્રેસમાંથી સીધા મોદીને પડકાર આપી શકે તેવી ક્ષમતા ધરાવતા નેતા માત્ર રાહુલ ગાંધી જ છે, અને હવે તેઓ પરિપકવ પણ થઈ ગયા છે, તેથી હવે રાહુલ ગાંધીને ફરીથી માનભેર કોંગ્રેસ પ્રમુખ બનાવવા જોઈએ. આવું થશે તો કોંગ્રેસના કાર્યકરોમાં પણ જોમ-જુસ્સો વધશે અને કોંગ્રેસને મજબૂત નેતાગીરીની સાથે સાથે યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધીનું સતત માર્ગદર્શન મળતું રહેશે, જેથી પાર્ટીને બેવડો ફાયદો થશે. રાહુલ ગાંધી કોંગ્રેસની જવાબદારી સંભાળી લેશે, તો સોનિયાગાંધી યુપીએના વિસ્તૃતિ કરવા અને મજબૂતી કરણ માટે વધુ સમય પણ ફાળવી શકશે.

બીજી તરફ રાહુલ ગાંધી દરરોજ કોઈને કોઈ મુદ્દે મોદી સરકારને ઘેરતા જ રહે છે. ગઈકાલે રાજસ્થાનની મુખ્યમંત્રી અશોક ગેહલોતે પણ રાહુલ ગાંધીના એક ટ્વીટને રિટ્વીટ કર્યું હતું. જેની સાથે ગેહલોતે લખ્યું હતું ‘પ્રધાનમંત્રી મોદીની ખોટી નીતિઓ દેશ માટે વિનાશકારી પુરવાર થઈ છે.

જેમ કે રાહુલ ગાંધીએ નિર્દેશ કર્યો છે, કે ભલે નોટબંધી હોય કે જીએસટીનો અધકચરો અમલ હોય કે પછી કોરોનાને લઈને ગેરવ્યવસ્થા હોય કે ખાડે ગયેલું અર્થતંત્ર હોય, રોજગારી છીનવાઈ જવાથી ચારે તરફ હાહાકાર મચ્યો છે. દસ કરોડ નોકરીઓ છીનવાઈ જવાના ડરથી ભયનો માહોલ ઊભો થયો છે.

હકીકતે જ્યારે કોંગ્રેસ પાસે રાજ્યકક્ષાએ અશોક ગેહલોત, બધેલ, અને રાષ્ટ્રીય સિતારામૈયા જેવા નેતાઓ હોય અને રાષ્ટ્રીય કક્ષાએ આનંદ શર્મા, ગુલામનબી આઝાદ, અભિષેક મનુ સિંઘવી અને કપિલ સિબ્બલ જેવા દિગ્ગજો હોય ત્યારે હવે કોંગ્રેસને કોઈપણ એક મજબૂત સર્વોચ્ય નેતાગીરીની જરૃર છે? જો કે, હજુ સોનિયા ગાંધી ઘણું બધું સંભાળીને બેઠા છે, પરંતુ બીમારી અને વધતી જતી ઉંમર તથા યુપીએની પણ જવાબદારી હોવાથી તેઓના જ માર્ગદર્શન હેઠળ રાહુલ ગાંધી કે પ્રિયંકા ગાંધી વાડ્રા કોંગ્રેસની કમાન્ડ સંભાળી લે, તેવી કોંગ્રેસમાં ઉઠતી માંગ પછી રાહુલ-પ્રિયંકાએ અંતિમ નિર્ણય લેવો જ પડશે.

ગુજરાત સરકારને હાઈકોર્ટનો જબરો ઝટકોઃ સ્કૂલ ફી માફીનો પરિપત્ર રદ્દ

ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારનો શાળા સંચાલકો માટે કરેલો સ્કૂલ ફી માફીનો પરિપત્ર રદ કર્યો છે અને પરિપત્રના બાકીના મુદ્દા યથાવત રાખ્યા છે. શાળા સંચાલકોને ઓનલાઈન શિક્ષણ ચાલુ રાખવાનો આદેશ પણ કર્યો છે. આ કારણે રાજ્ય સરકારને ઝટકો લાગ્યો છે. શિક્ષણમંત્રીએ સુપ્રિમ કોર્ટમાં અપીલ નહીં કરાવી જણાવી હાઈકોર્ટનો આદેશ માન્ય રાખ્યો છે.

આજે ગુજરાત હાઈકોર્ટમાં રાજ્યમાં ઓનલાઈન શિક્ષણ ખાનગી સ્કૂલની ફી મુદ્દે સુનાવણી હાથ ધરાઈ છે. જેમાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં ગુજરાત હાઈકોર્ટે સ્કૂલ ફી માફીનો પરિપત્ર આખરે રદ્ કર્યો છે. પરિપત્રના બાકીના મુદ્દાઓ કોર્ટે યથાવત્ રાખ્યા છે. થોડા દિવસોમાં કોર્ટ વિતગાર હુકમ જાહેર કરશે.

ગુજરાત હાઈકોર્ટે સંચાલકોને ભણાવવાનું ચાલુ રાખવા આદેશ કર્યો છે. હાઈકોર્ટે નોંધ્યું કે સરકારના હુકમમાં સંતુલન બનાવવા મુદ્દે નોંધ કરીશું. ફી બંધીના ઠરાવને ખાનગી શાળાઓએ પડકાર્યો હતો. સરકારનો ઠરાવ કાયદાથી વિપરીત હોવાની સંચાલકોની રજૂઆતના પગલે ગુજરાત હાઈકોર્ટે અવલોકન કર્યું હતું.

અત્રે ઉલ્લેખનિય છે કે, લોકડાઉનના સમયમાં ઓનલાઈન શિક્ષણમાં સ્કૂલ સંચાલકો વાલીઓ પાસેથી ફી ઉઘરાવતા હતાં. તેના સામે રાજ્ય સરકારે ફી બંધીનો ઠરાવ કર્યો હતો. ત્યારપછી રાજ્ય સરકારના ફી બંધીના ઠરાવને ખાનગી શાળાઓએ પડકાર્યો હતો. સ્કૂલ સંચાલકોએ કોર્ટમાં જણાવાયું હતું કે સરકારનો ઠરાવ કાયદાથી વિપરીત છે. શાળા શરૃ ન થાય ત્યાં સુધી ફી ન વસૂલવા સરકારે ઠરાવ કર્યો હતો. તેના સામે ખાનગી શાળાઓના સંચાલકો હાઈકોર્ટમાં અપીલ કરી હતી.

પક્ષકારના વકીલ રાહીલ જૈને જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર વાસ્તવિક શાળા શરૃ ના થાય ત્યાં સુધી ફી વસુલવી નહીં એવો ઠરાવ બહાર પાડી શકે નહીં. આ ઠરાવ કાયદાથી વિપરીત હોવાની શાળા સંચાલકોની રજુઆત હતી. હાઈકોર્ટ શાળા સંચાલકોને કહ્યું કે ભણવાનુું ચાલુ રાખો, અમે સંતુલન બનાવવા મુદ્દે હુકમમાં નોંધ કરીશું. વાલીઓની સમસ્યા, શાળાઓના ખર્ચ વચ્ચે સંતુલન જરૃરી છે. હાઈકોર્ટે સંચાલકો સાથે સંવાદ કર્યો પણ શાળા સંચાલકો કોઈ જાતના નેગોસિએશન માટે તૈયાર નહોતા.

હાઈકોર્ટે કહ્યું હતું કે વાટાઘાટો રિઝનેબલ હોવી જોઈએ. શાળા સંચાલકો પણ એમનો કેસ લઈને અમારી સામે જ છે. અમે જરૃરી નિર્દેશ આપીશું. ફી મુદ્દે રાજ્ય સરકારનો પરિપત્ર હાઈકોર્ટે રદ કર્યો છે. પરિપત્રના બાકી મુદ્દાઓ કોર્ટ યથાવત રાખશે. વિગતવાર હુકમ થોડા દિવસોમાં કોર્ટ જારી કરશે.

રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું છે કે રાજ્ય સરકાર હાઈકોર્ટના આદેશનું પાલન કરશે. રાજ્ય સરકાર સુપ્રિમ કોર્ટમાં જશે નહીં.

કોંગ્રેસના પ્રવક્તા મનિષ દોશીએ કહ્યું છે કે જો વાલીઓનું હિત સરકાર જાળવવા માંગતી હોય તો હાઈકોર્ટના આદેશ સામે સુપ્રિમ કોર્ટમાં જાય.

આ આદેશ આવતા વાલીઓ નિરાશ થયા છે અને રાજ્ય સરકારે સુપ્રિમ કોર્ટમાં જવું જોઈએ, તેવી માંગણી ઉઠી રહી છે. આ અંગે એવા પ્રતિભાવો પણ આવ્યા છે કે શાળા સંચાલકોને ફી લેવાની જ નહીં, તેની સામે હાઈકોર્ટે આદેશ આપ્યો છે. ફીમાં રાહત કે ઘટાડા અંગે હાઈકોર્ટના વિગતવાર આદેશ પછી જ જાણી શકાશે.

આશિષ ભાટીયા બન્યા ગુજરાતના પોલીસ વડા

રાજ્યના પોલીસવડા શિવાનંદ ઝાનો ત્રણ મહિના અગાઉ પૂર્ણ થતા તેઓ વયનિવૃત્ત થયા હતાં, પરંતુ સરકારે કોરોનાની મહામારીમાં લોકડાઉનને કારણે તેઓને એક્સટટેન્શન આપ્યું હતું. આજે ત્રણ મહિના પૂરા થતા રાજ્યના નવા પોલીસવડાની જાહેરાત કરવામાં આવી છે. પોલીસવડા તરીકે આશિષ ભાટિયાની નિમણૂંક કરવામાં આવી છે. નવા ડીજીપી તરીકે આશિષ ભાટીયા આવતીકાલે ચાર્જ સંભાળશે. ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ આ જાહેરાત કરી છે.

આશિષ ભાટિયા પોલીસવડા બને તો અમદાવાદ પોલીસ કમિશનર તરીકે કેશવકુમાર અથવા સંજય શ્રીવાસ્તાવને મૂકવામાં આવી શકે છે. રાજ્યના નવા પોલીસવડાની વરણી માટે રાજ્યના ચીફ સેક્રેટરી અનિલ મુકીમ અને ગૃહ વિભાગના એડિશનલ સેક્રેટરી નિખીલ ભટ્ટ યુપીએસસી દિલ્હીમાં મિટિંગમાં હાજર રહ્યા હતા.

 

IPL 2020 પહેલા તમામ ખેલાડીઓના કરાશે આટલા કોરોના ટેસ્ટ : ટૂર્નામેન્ટમાં આ વખતે જોવા મળશે આ ફેરફાર

નવી દિલ્હી : ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)એ ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની 13મી એડિશન સંબંધી તૈયારીઓ શરૂ કરી દીધી છે. તેમાં એવું સામે આવ્યું છે કે સંયુક્ત આરબ અમિરાત (યૂએઇ)માં રમાનારી આઇપીએલ દર્શકો વગર જ રમાશે અને આઇપીએલ શરૂ થતાં પહેલા તમામ ખેલાડીઓના 4 કોવિડ-19 ટેસ્ટ કરવામાં આવશે.

રમત મંત્રાલયની મંજૂરી મળી પણ ગૃહ મંત્રાલયની લીલી ઝંડી મળવાની બાકી

સપ્ટેમ્બરથી નવેમ્બર દરમિયાન યૂએઇમાં રમાનારી આઇપીએલ ટૂર્નામેન્ટમાં ખેલાડીઓની પત્ની કે ગર્લફ્રેન્ડ સાથે રહેશે કે કેમ એ બાબતે નિર્ણય ફ્રેન્ચાઇઝીએ લેવાનો છે. આઇપીએલ 2020 માટે હજુ કેન્દ્ર સરકારે મંજૂરી આપી નથી. જો કે યૂએઇએ યજમાનીની દરખાસ્ત સ્વીકારી લીધી છે.  ભારતમાં રમત મંત્રાલયે તો આઇપીએલને વિદેશમાં આયોજીત કરવા મામલે બીસીસીઆઇને લીલી ઝંડી આપી દીધી છે પણ ગૃહ મંત્રાલય દ્વારા હજુ સુધી મંજૂરી આપવામાં આવી નથી.

4 ટેસ્ટમાંથી બે ટેસ્ટ ભારતમાં અને બે ટેસ્ટ યૂએઇમાં કરવામાં આવશે

બીસીસીઆઇ દ્વરા નક્કી કરાયેલી એસઓપીમાં જણાવાયું છે કે દરેક ખેલાડીએ ટૂર્નામેન્ટ શરૂ થવાના બે અઠવાડિયાના સમયગાળા દરમિયાન 4 કોવિડ-19 ટેસ્ટમાંથી પસાર થવાનું રહેશે. બે ટેસ્ટ ભારતથી યુએઇ જતા પહેલા કરવામાં આવશે અને બે ટેસ્ટ યૂએઇમાં ક્વોરેન્ટાઇન પીરિયડ દરમિયાન કરવામાં આવશે. આ એસઓપીને વેસ્ટઇન્ડિઝ સામેની ટેસ્ટ સીરિઝ માટે ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ દ્વારા તૈચાર કરાયેલા માપદંડ અનુસાર તૈયાર કરવામાં આવી છે. એક વાર કોઇ ટીમને એક હોટલ એલોટ કરી દેવાશે તો પછી તેને કોઇ ભોગે બદલી શકાશે નહીં.

બીસીસીઆઇની એસઓપીને ધ્યાને લેતા મોટા ફેરફારો જોવા મળશે

આ ઉપરાંત કોમેન્ટેટરોએ પણ પોતાની વચ્ચે 6 ફૂટનું અંતર જાળવવું પડશે. આ ઉપરાંત પોસ્ટ મેચ પ્રેઝન્ટેશન પણ સોશિયલ ડિસ્ટન્સીંગ સાથે આયોજીત કરવામાં આવશે.  આઇપીએલના ડગ આઉટમાં પણ આ વખતે ઓછા લોકો બેસી શકશે. જ્યારે ડ્રેસિંગ રૂમમાં 15 ખેલાડીઓથી વધુને મંજૂરી આપવામાં આવશે નહીં. આ પ્રકારની સ્ટાન્ડર્ડ ઓપરેટિવ પ્રોસિજન (એસઓપી) બીસીસીઆઇ દ્વારા તૈયાર કરવામાં આવી છે અને તેને લાગુ કરવાની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે.

માત્ર ખેલાડી જ નહીં, ફ્રેન્ચાઇઝી માલિકો સહિત કોઇને બાયો સિક્યોર બબલ તોડવાની મંજૂરી નહીં મળે

બીસીસીઆઇના એક અધિકારીએ માહિતી આપી હતી કે માત્ર ખેલાડીઓ જ નહીં પણ ફ્રેન્ચાઇઝી માલિકો, ખેલાડીઓની પત્ની કે ગર્લફ્રેન્ડ કોઇને પણ બાયો સિક્યોર બબલ તોડવાની મંજૂરી નહી મળે.  અધિકારીએ જણાવ્યું હતું કે એકવાર જે કોઇ બાયો સિક્યોર બબલમાં આવી જશે તેને એ વાતાવરણ તોડવાની મંજૂરી મળશે નહી, અર્થાત તેણે ત્યાંથી અન્યત્ર જવા મળશે નહીં. અમે નક્કી કરેલા પ્રોટોકોલનું પાલન તમામે કરવું પડશે,  ત્યાં સુધી કે ટીમનો બસ ડ્રાઇવર પણ  બાયો બબલ છોડી શકશે નહીં.

ખેલાડીઓની પત્ની/ગર્લફ્રેન્ડ હાજર રહેવા સંબંધી નિર્ણય ફ્રેન્ચાઇઝી પર છોડાયો

બીસીસીઆઇના અધિકારીએ જણાવ્યું હતું કે ખેલાડીઓની વાઇફ/ગર્લફ્રેન્ડ (વીએજી) અને પરિવારના સભ્યો ખેલાડી સાથે પ્રવાસ કરી શકશે કે નહીં તે બીસીસીઆઇ નક્કી નહીં કરે અમે તે નિર્ણય ફ્રેન્ચાઇઝી પર છોડી દીધો છે. આઇપીએલ ટૂર્નામેન્ટમાં ખેલાડીઓની પત્ની કે ગર્લફ્રેન્ડ સાથે રહેશે કે કેમ એ બાબતે નિર્ણય ફ્રેન્ચાઇઝીએ લેવાનો છે. પણ અમે એક પ્રોટોકોલ નક્કી કર્યો છે જેનું પાલન તમામે કરવું પડશે, આવતા અઠવાડિયે બેઠક થશે ત્યારે એસઓપી ફ્રેન્ચાઇઝીને સોંપી દેવાશે, તે પછી આ મામલે જે કોઇને ફરિયાદ હશે તો તેઓ બોર્ડ સાથે તેની ચર્ચા કરી શકે છે.