પ્રખ્યાત કોમેડિયન કપિલ શર્માને પાકિસ્તાનથી જાનથી મારી નાખવાની ધમકી આપતો ઈમેલ મળ્યો છે, જેના સંદર્ભમાં મુંબઈ પોલીસે કાર્યવાહી શરૂ કરી દીધી છે. કપિલ શર્મા ઉપરાંત, તાજેતરમાં ઘણી અન્ય હસ્તીઓને પણ આ ધમકી મળી છે, જેમાં રાજપાલ યાદવ, સુગંધા મિશ્રા અને રેમો ડિસોઝાનો સમાવેશ થાય છે.
મુંબઈના અંબોલી પોલીસ સ્ટેશનમાં એક અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ IPCની કલમ 351(3) હેઠળ FIR નોંધવામાં આવી હતી. પોલીસે આ મામલાની તપાસ શરૂ કરી દીધી છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ ધમકીભર્યો ઈમેલ પાકિસ્તાનથી મોકલવામાં આવ્યો હતો.
ઈમેલમાં લખ્યું હતું કે, “અમે તમારી તાજેતરની પ્રવૃત્તિઓ પર નજર રાખી રહ્યા છીએ અને અમને લાગે છે કે આ તમારા ધ્યાન પર લાવવું મહત્વપૂર્ણ છે. આ કોઈ પબ્લિસિટી સ્ટંટ નથી કે તમને હેરાન કરવાનો પ્રયાસ નથી, આ મેસેજને ગંભીરતાથી લેશો અને ગોપનીયતાનો યોગ્ય આદર કરો. આ ઈમેલ પર ‘વિષ્ણુ’ નામથી સહી કરાઈ છે.
પોલીસના જણાવ્યા અનુસાર, સેલિબ્રિટીઓને આઠ કલાકની અંદર જવાબ આપવા માટે કહેવામાં આવ્યું હતું, નહીં તો તેમને વ્યક્તિગત અને વ્યાવસાયિક મોરચે પરિણામોનો સામનો કરવાની ચેતવણી આપવામાં આવી હતી.
કપિલ શર્માએ તાજેતરમાં જ આ ધમકી અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. અગાઉ સુગંધા મિશ્રા અને રેમો ડિસોઝાએ પણ આવા જ ધમકીભર્યા ઈમેલ મળ્યા બાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. રાજપાલ યાદવને 14 ડિસેમ્બરે આ ધમકી મળી હતી અને તેમણે 17 ડિસેમ્બરે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ ઇમેઇલ રાજપાલ યાદવના સ્પામ બોક્સમાંથી મળી આવ્યો હતો.
મુંબઈ પોલીસ આ ફરિયાદોની ગંભીરતાથી તપાસ કરી રહી છે, કારણ કે સેલિબ્રિટીઓને સતત આવી ધમકીઓ મળી રહી છે.
ગયા વર્ષે ઓક્ટોબરમાં મુંબઈના બાંદ્રા વિસ્તારમાં રાજકારણી બાબા સિદ્દીકીની હત્યા કરવામાં આવી હતી. આ હત્યાની જવાબદારી જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની ગેંગે લીધી હતી. આ પછી, સલમાન ખાને પોતાની સુરક્ષા વધારી દીધી અને પોતાની બાલ્કનીમાં બુલેટપ્રૂફ બારીઓ પણ લગાવી.
ગયા અઠવાડિયે, અભિનેતા સૈફ અલી ખાન પર પણ તેમના બાંદ્રા સ્થિત નિવાસસ્થાને હુમલો થયો હતો. વહેલી સવારે, એક હુમલાખોરે તેના પર છ વાર છરાના ઘા કર્યા. અહેવાલો અનુસાર, ડોક્ટરોએ તેના ઘામાંથી 2.5 ઇંચ લાંબો છરી કાઢ્યો હતો.
સૈફ અલી ખાનની મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી હતી અને મંગળવારે સાંજે (21 જાન્યુઆરી) ઘરે પરત ફર્યો હતો. ઘરે પહોંચ્યા પછી, તે તેના ચાહકો અને મીડિયાને મળ્યો અને તેમનો આભાર માન્યો અને ઓટો ડ્રાઇવર ભજન સિંહ રાણાને પણ મળ્યો, જે તેને હોસ્પિટલ લઈ ગયો હતો. ડ્રાઈવરને સૈફ અલી ખાને 50 હજાર રુપિયા આપ્યા હતા.