અમદાવાદમાં પેટ્રોલ કરતાં ડુંગળી મોંઘી

અમદાવાદમાં હાલમાં છૂટક બજારમાં 80થી 100 રૂપિયે કિલોના ભાવે ડુંગળી વેચાઇ રહી છે. નવાઇની વાત એ છેકે ગત વર્ષે આ સમયગાળામાં છૂટક બજારમાં 15થી 20 રૂપિયે કિલોએ ડુંગળી વેચાઇ હતી. જ્યારે આ વર્ષે તો પેટ્રોલ કરતા પણ મોંઘી સાબિત થયેલી ડુંગળી ગરીબ અને મધ્યમવર્ગની આંખોમાં વગર ખાદ્યે આંસુ લાવી રહી છે.ડુંગળી ખાવી એ આવનારા ત્રણ માસ સુધી એક સ્વપ્ન સમાન બની રહેશે તેવી સ્થિતિ સર્જાઇ ગઇ છે. અમદાવાદમાં એક લિટર પેટ્રોલનો ભાવ 72 રૂપિયાની આસપાસ ચાલી રહ્યો છે. જ્યારે ડુંગળીનો કિલોએ ભાવ 100 રૂપિયે પહોંચી ગયો છે.

અચરજની વાત તો એ છે કે અસહ્ય ભાવ વધારો છતાંય પાક નુકસાનીના બોજ હેઠળ દબાયેલા ખેડૂતોને ભાવ વધારાનો લાભ મળતો નથી. વેપારીઓ તકનો ભરપુર લાભ ઉઠાવી રહ્યા છે. સામાન્ય નાગરીકો પિસાઇ રહ્યા છે.ત્યારે સરકાર અપુરતા પ્રયાસો વચ્ચે માત્ર તમાશો જોવા સિવાય કંઇ કરતી નથી. આ સ્થિતિ ખેડૂતોની અવદશા અને પ્રજાની લાચારી અને સરકારની નિષ્ફળતા દર્શાવી રહી છે.અમદાવાદ શહેરમાં વિવિધ વિસ્તારોમાં હાલમાં ડુંગળી 70 થી માંડીને 100 રૂપિયે કિલોના છૂટક ભાવમાં વેચાઇ રહી છે. જેની આડ-અસર સમાજમાં વર્તાવા લાગી છે.

ગરીબ-મધ્યમવર્ગના ઘરોમાં હવે ડુંગળી જોવા મળતી નથી. ઉચ્ચ મધ્યમવર્ગ પણ વિચારીને ડુંગળી ખાઇ રહ્યો છે. જ્યારે ભોજનની એક થાળીનું ૧૦૦થી માંડીને ૫૦૦ રૂપિયા સુધીનું બિલ વસુલી લેતી હોટલ-રેસ્ટોરન્ટોમાં પણ ગ્રાહકોને ડુંગળી ને બદલે મૂળા પિરસાઇ રહ્યા છે.જેને લઇને ડુંગળી ખાવાના શોખીનો નિરાશ થયા છે.

એક સમયે ગરીબોની કસ્તૂરી ગણાતી ડુંગળી હાલમાં પેટ્રોલ, ડીઝલ , સફરજન કરતા પણ મોંઘી પુરવાર થઇ છે. ખાસ કરીને મરચું-રોટલો અને ડુંગળી ખાઇને મજૂરીએ જતા મજૂર વર્ગની થાળીમાંથી ડુંગળી ગાયબ થઇ જતા તેઓનો જમવાનો સ્વાદ ફિક્કો પડી ગયો છે.

 

બોગસ દસ્તાવેજોથી NOC: અમદાવાદ-પૂર્વની DPS સ્કૂલની માન્યતા રદ થશે

અમદાવાદ પૂર્વમાં આવેલી ડીપીએસ સ્કૂલ અંગે મહત્વનાં સમાચાર છે. ખોટા એનઓસી અને બોગસ દસ્તાવેજ રજૂ કરી ડીપીએસ સ્કૂલે માન્યતા લીધી હોવાનો ખુલાસો થયા પછી સીબીએસઈ બોર્ડ દ્વારા સ્કૂલની માન્યતા રદ કરવાની નિર્ણય લેવાયો છે.

આ અંગે વધુ માહિતી પ્રમાણે, આ સ્કૂલની માન્યતા એપ્રિલ મહિના સુધી જ માન્ય રહેશે ચાલુ વર્ષની પરીક્ષા પૂર્ણ થયા બાદ સ્કૂલની માન્યતા રદ થશે. કારણ કે હાલમાં ત્યાં ભણતા વિદ્યાર્થીઓનું ભવિષ્ય ખતરામાં ન રહે. એપ્રિલ મહિના બાદ આ શાળામાં નવાં કોઇ બાળકોને પ્રવેશ નહીં મળે અને સ્કૂલની માન્યતા પણ રદ કરી દેવામાં આવશે.

નિત્યાનંદ આશ્રમને જમીન આપવા મુદ્દે ડીપીએસ સ્કૂલ સામે ચાલતી તપાસમાં પોલીસે ડીપીએસ સ્કૂલના સંચાલક મંજૂલા શ્રોફ તેમજ અન્ય ટ્રસ્ટી મેમ્બર હિતેન વસંત અને સ્કૂલના પૂર્વ આચાર્ય અનિતા દુઆ સામે ફરિયાદ દાખલ કરી છે. મંજૂલા શ્રોફ ,હિતેન વસંત અને પૂર્વ આચાર્ય સામે છેતરપિંડીના ગુના હેઠળ પોલીસ ફરિયાદ દાખલ કરી છે.

શિક્ષણ વિભાગે નિત્યાનંદ આશ્રમને જમીન આપવા બદલ ડીપીએસ સામે કરેલી તપાસ બાદ રિપોર્ટ સીબીએસઈને મોકલ્યો હતો. રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, ડીપીએસ સ્કૂલ માન્યતા માટે જમીનના ખોટા દસ્તાવેજો તેમજ ખોટી માહિતી આપવાવામાં આવી હતી, તેમજ ખોટી એનઓસી સર્ટિફિકેટ રજૂ કર્યું હતું. આ રિપોર્ટમાં સ્કૂલની માન્યતા રદ કરવાની ભલામણ કરવામાં આવી હતી.

સીબીએસઈ પાસેથી મળેલા બનાવટી એનઓસી લેટરની કોપીના આધારે શિક્ષણ વિભાગે ડીપીએસ સામે પોલીસ ફરિયાદ કરી છે.

આઠ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ, રાજકોટમાં સનસનાટી, સીસીટીવી ફૂટેજ મળ્યા, આરોપીના માથે 50 હજારનું ઈનામ

રાજકોટમાં આઠ વર્ષની બાળકીનું અપહરણ કરી તેના પર ખરાબ રીતે દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના બની છે. આ ઘટનામાં ભોગ બનનાર આઠ વર્ષીય બાળકી શ્રમિક પરિવારની હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલ તો બાળકીને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે મોકલી દેવામાં આવી છે. આ ઘટનાના ભારે પડઘા પડતા થોરાળા પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ સહિતના અધિકારીઓએ આગળની તપાસ હાથ ધરી છે. આરોપીની માહિતી આપનારને 50 હજાર આપવાની જાહેરાત કરાઈ છે.

આ ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે, રાજકોટમાં રહેતો બાબરાનો શ્રમિક પરિવાર રાજકોટ શહેરના 50 ફુટના રોડ ઉપર ઝૂંપડામાં સૂતો હતો, તે સમયે તેમની દીકરીનું અજાણ્યા શખ્સે અપહરણ કર્યું હતું. હવસખોર અપહરણકારે બાળકીને 80 ફૂટ રોડ ઉપર આવેલા પુલ નીચે લઈ જઈને તેની સાથે દુષ્કર્મ આચર્યુ હતું અને બાળકીના શરીરના ભાગો પર ગંભીર ઇજાઓ પહોંચાડી હતી.

હવસખોરે દુષ્કર્મ આચર્યા બાદ બાળકીને તેના ઝૂંપડાથી દુર મૂકી ભાગી છૂટ્યો હતો. તે સમયે બાળકી રડવા લાગી હતી. અને પોતાના પરિવાર પાસે પહોંચી ગઇ હતી અને તેની સાથે બનેલી તમામ ઘટના પરિવારને જણાવી હતી. જેથી શ્રમિક પરિવારે પોલીસને જાણ કરી હતી. પોલીસે આ મામલે અપહરણ અને દુષ્કર્મનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. પોલીસે આરોપીને શોધવા માટે સીસીટીવી ફૂટેજની પણ તપાસ શરૂ કરી છે.

દિલ્હીની પ્રતિષ્ઠિત એમ્સના બેંક એકાઉન્ટ પર સાઇબર અટેક, 12 કરોડ રૂપિયાની ઉચાપતથી સનસનાટી

રાજધાની દિલ્હી સ્થિતિ પ્રતિષ્ઠિત અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાનને જ આ વખતે સાઇબર ઠગોએ ટારગેટ બનાવી છે. સાઈબર અપરાધીઓએ ચેક ક્લોનિંગ દ્વારા હોસ્પિટલના બે અલગ-અલગ બેન્ક એકાઉન્ટોથી લગભગ 12 કરોડ રૂપિયા ઉપાડી લીધા છે. આ ઘટનાની જાણકારી થતાં જ એમ્સ વહિવટીતંત્રમાં હડકંપ મચી જવા પામ્યો છે.

સૂત્રોના જણવ્યા અનુસાર છેતરપિંડી કરનારાઓ દ્વારા કરોડો રૂપિયાની ચપેટ લગાવ્યા બાદ આ ઘટના વિશે કેંદ્વીય સ્વાસ્થ્ય મંત્રાલયને એમ્સને સૂચિત કરવામાં આવ્યું છે.ઘટના થોડા દિવસો પહેલાંની હોવાનું કહેવામાં આવી રહ્યું છે. પીડિત એમ્સ વહિવટીતંત્ર અને તપાસ કરી રહેલી દિલ્હી પોલીસની આર્થિક ગુના શાખાના કોઇ ઉચ્ચ પોલીસ ઓફિસર આ મામલે બોલવા માટે તૈયાર નથી. બીજી તરફ જે ખાતાઓમાં સેંઘ લગાવી છે. તે દેશની સૌથી મોટી સરકાર બેન્ક, ભારતીય સ્ટેટ બેન્કમાં કહેવામાં આવે છે. સંબંધિત બેન્કે પણ આ મામલે પોતાના સ્તર પર આંતરિક તપાસ શરૂ કરી દીધી છે. જોકે અત્યાર સુધી તપાસમાં બેન્કના હાથમાં કંઇક લાગ્યું નથી.

દિલ્હી પોલીસના એક ઉચ્ચ પદસ્થ સૂત્રએ નામ ન છાપવાની શરતે શનિવારે જણાવ્યું કે આ સીધેસીધો સાઇબર ક્રાઇમનો મામલો છે. 12 કરોડ રૂપિયા એમ્સના જે એકાઉન્ટ ઉપાડવામાં આવ્યા છે. તેમાંથી એક ખાતા એમ્સના નિર્દેશકના નામે અને બીજું ડીનનું નામ કહેવામાં આવી રહ્યું છે. સાઇબર ઠગીની આ સનસનીખેજ ઘટનાને અંજામ ચેક-ક્લોનિંગ દ્વારા આપવામાં આવશે. એમ્સ નિર્દેશકવાળા એકાઉન્ટમાંથી લગભગ સાત કરોડ રૂપિયા અને ડીનના ખાતામાંથી લગભગ પાંચ કરોડ રૂપિયા ઉપાડ્યાની વાત બાહર આવી છે.

સૂત્રોના અનુસાર કરોડો રૂપિયાની આ છેતરપિંડી વિશે એમ્સ વહિવટીતંત્રએ કેંદ્વીય સ્વાસ્થ્ય મંત્રાલયને મોકલેલી ગોપનીય રિપોર્ટમાં સીધેસીધા બેંકને જવાબદાર ગણાવ્યા છે. બીજી તરફ ઘટના બાદ ઉતાવળમાં એસબીઆઇએ દેશભરમાં એલર્ટ જાહેર કરી દીધું છે. જોકે સાઇબર ઠગીના આ મામલે એસબીઆઇ, પોલીસ અને સંબંધિત બેન્કએ મૌન સાધી રાખ્યું છે.દિલ્હી પોલીસના એક સૂત્રે જણાવ્યું એમ્સ વહિવટીતંત્રએ પુરી ઘટનાથી દિલ્હી પોલીસની આર્થિક ગુના શાખાને પણ અધિકૃત રીતે સૂચિત કરી દીધા છે. ઇઓડબ્લ્યૂ પણ તમાસમાં લાગી ગઇ છે.

બીજી તરફ એમ્સના વહિવટી સૂત્રોએ જણાવ્યું કે આટલી મોટી છેતરપિંડી બેન્ક કર્મચારીઓની મિલીભગ વિના શક્ય નથી.ઉલ્લેખનીય છે કે આ પ્રકારના મામલે ભારતીય રિઝર્વ બેન્ક (આરબીઆઇ)ના સ્પષ્ટ દિશાનિર્દેશ છે કે ત્રણ કરોડ રૂપિયાથી ઉપરની ઠગીના મામલે તપાસ સીધી સીબીઆઇના હવાલે કરી દીધી. હવે એમ્સ વહિવટીતંત્ર અને એસબીઆઇ આ બાબત પર શું વિચાર કરી રહી છે? આ વિશે હાલ જાણકારી સામે આવી નથી.એમ્સ વહીવટી તંત્રના એક સૂત્રના જણાવ્યા અનુસાર થોડા સમય પહેલાં પણ એમ્સના બે એકાઉન્ટમાં સેંધ લગાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. તે પ્રયત્નમાં એસબીઆઇની મુંબઇ અને દેહરાદૂન શાખાઓમાંથી લગભગ 29 કરોડ રૂપિયાની છેતરપિંડીનું ષડયંત્ર રચવામાં આવ્યું હતું. પરંતુ તે પ્રયત્નો નિષ્ફળ થઇ ગયા હતા.

સચિવાલય કલાર્કની પરીક્ષામાં ગેરરીતિ: અમદાવાદના પાલડીમાં કોંગ્રેસે કર્યું વિરોધ પ્રદર્શન 

બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ મામલે અમદાવાદના પાલડીમાં કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રીના પૂતળાનું દહન કરી વિરોધ દર્શાવ્યો છે.

ગેરરીતિના પુરાવાઓ છતાં સરકાર પગલાં ના ભરતી હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે.કોંગ્રેસે આજે બિનસચિવાલય ક્લાર્કની ભરતી મામલે ગેરરિતીનો વીડિયો જાહેર કર્યો હતો. ત્યારે ઠેર ઠેર વિદ્યાર્થીઓએ અને વિદ્યાર્થી સંગઠનોએ વિરોધ શરૂ કર્યો છે. ત્યારે રાજકોટમાં પણ એનએસયુઆઇ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો અને અસિત વોળાના પૂતળાનું દહન કરી વિરોધ કર્યો હતો.

કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ પ્રેસ કોન્ફરન્સ કરીને સુરેન્દ્રનગરના બે સેન્ટરોના પર બિન સચિવાલય ક્લાર્કની ભરતીના સીસીટીવી ફૂટેજ જારી કર્યા હતા. ત્યારબાદ રાજ્યભરના વિદ્યાર્થીઓ સરકાર સામે રોષે ભરાયા છે. જે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે તે વિદ્યાર્થીઓ સરકાર પાસે ન્યાયની માંગ કરી રહ્યા છે. પરીક્ષાર્થીઓનું કહેવું છે કે અમે નોકરી મેળવવા રાત દિવસ એક કરીને પરીક્ષા આપીએ છીએ.પરંતુ સરકારની ભ્રષ્ટાચારની નીતિને કારણે અમને સરકારી નોકરી મળતી નથી. અમે મહેનત કરીને દોઢસોમાંથી ૧૨૦થી ૧૨૫ માર્કસ લાવીએ છીએ. પણ સરકારમા સેટિંગવાળા લોકોને ૧૫૦માંથી ૧૫૦ માર્કસ લાવીને પાસ થઇ જાય છે.

સુરેન્દ્રનગરમાં શિકારીઓએ 100 કરતાં વધુ પક્ષીઓને વિંધી નાંખ્યા, 50થી વધુ બંદુકની ગોળીઓ મળી આવી, ભારે રોષ

સુરેન્દ્રનગરના પાટડીના વણોદ પથંકના તળાવમાં વિદેશી પક્ષીઓના બંદૂકથી શિકારની ઘટનાથી ચકચાર મચી જવા પામી છે. જેમાં વણોદના બાબરકી તળાવ પાસે 100થી વધુ મૃત પક્ષીઓ, લોહીના ડાઘા અને બંદૂકની 50થી વધુ ગોળીઓ મળી આવતા વન વિભાગના આલા અધિકારીઓની ટીમ વણોદ તળાવ ખુંદવા દોડી ગઇ હતી.

વણોદ પથંકમાં સારા વરસાદ બાદ બાબરકી તળાવ સહિતની અંદાજે 100થી વધુ વીઘાની પડતર જમીનમાં પુષ્કળ વરસાદી પાણીનો ભરાવો થતાં વિદેશી પક્ષીઓના ઝુંડ વણોદ પથંક તરફ વળીને પડાવ નાખ્યો હતો. પરંતુ શિકારી ગેન્ગ દ્વારા આ નિજર્ન સ્થળ પર છેલ્લા બે દિવસથી અડ્ડો જમાવી બંદૂકની ગોળીએથી સેંકડો પક્ષીઓને મોતને ઘાટ ઉતારી શિકારની ઘટનાથી સમગ્ર પથંકમાં ચકચાર મચી જવા પામી છે.

વણોદ પથંકના બાબરકી તળાવની ડાબી બાજુએ એકસાથે 100થી વધુ મૃત પક્ષીઓના લાઇનબધ્ધ ઢગલા અને બંદૂકની 50થી વધુ ગોળીઓ મળી આવતા વનવિભાગ પણ ચોંકી ઉઠ્યું હતુ. વણોદ પાસેના વિસ્તારમાં ભરાયેલા પાણીમાં યાયાવર પક્ષીઓના જમાવડાના લીધે કેટલાક વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફરો ફોટોગ્રાફી માટે અહી આવ્યા હતા અને એમણે અહી મૃત પક્ષીઓ અને કારતૂસ જોતા નવ વિભાગના જાણ કરતાં આ સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

આ ગોઝારા બનાવની જાણ થતાં બજાણા અભયારણ્ય વિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસર ભરત છાશીયા, પાટડી રેન્જ ફોરેસ્ટ ઓફિસર એમ. આર. મેર, ફોરેસ્ટર બી. જે. પાટડીયા, એચ. એમ. પરેજીયા, ડી.ડી.કામેજલીયા સહિત બજાણા અને પાટડી રેન્જના તમામ સ્ટાફે વણોદ પથંકમાં ધામા નાખી તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.

મુખ્ય સચિવ તરીકે ચાર્જ લેતા અનિલ મુકીમ, કહ્યું” ગુજરાત વિકાસની હરણફાળ ફરે તે જ મારો પ્રયાસ” 

ગુજરાતના મુખ્યસચિવ ડો. જે.એન.સિંઘ નવેમ્બરના અંતમાં નિવૃત્ત થઈ રહ્યા છે. આમ તો તેઓ ગત મેમાં જ વયનિવૃત્ત થઈ ચૂક્યાં હતા, પરંતુ તેમને એક્સટેન્શન અપાયું હતું. હવે તેમના સ્થાને રાજ્યના નવા મુખ્યસચિવ તરીકે અનિલ મુકીમનું નામ ફાઈનલ થઈ ગયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, આ પદ માટે અનેક વરિષ્ઠ અધિકારીઓ રેસમાં હતા. જો કે તમામને પછાડીને અનિલ મુકીમે બાજી મારી હતી.

અનિલ મુકીમ દિલ્હીથી પરત ફર્યા હતા અને તેઓ પદભાર સંભાળ્યો. એરપોર્ટ પર તે આવ્યા ત્યારે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. અમદાવાદ એરપોર્ટ પર મીડિયા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, ગુજરાત એક વિકસિત રાજ્ય છે. તે ભારતનાં શ્રેષ્ઠ રાજ્યો પૈકી અને વિકસિત રાજ્યો પૈકીનું એક છે. તેનો મહત્તમ વિકાસ થાય તે જ મારુ ધ્યેય રહેશે. આ ઉપરાંત શહેર અને ગામ એક જ સિક્કાની બે બાજુ છે. જેથી કોઇ પણ પ્રકારે બંન્નેનો વિકાસમાં કોઇ ત્રુટી ન રહી જાય તે અમારી પ્રાથમિકતા છે.

અનિલ મુકીમ રાજ્યના વરિષ્ઠ આઈએએસ અધિકારી છે. ૧૯૮૫ની બેચના અનિલ મુકીમનો કાર્યકાય ઓગસ્ટ-૨૦૨૦ સુધીનો રહેશે. આ પદ માટે અરવિંદ અગ્રવાલ, શાંતનુ ચક્રવર્તી, પૂનમચંદ પરમાર, સંગીતા સિંહ, પંકજ કુમાર, ડો. ગુરુપ્રસાદ મોહપાત્ર, વિપુલ મિત્રા, આર.કે. ગુપ્તા સહિતના ઘણાં અધિકારીઓના ચર્ચાયા હતાં પરંતુ પસંદગીનો કળશ અનિલ મુકીમ ઉપર ઢોળાયો છે.

રશિયન આર્મી કેડેટ્‌સે ગાયું હિંદી દેશભક્તિ ગીત ‘એ વતન, એ વતન, હમકો તેરી કસમ’

રશિયન સેનાનાં કેડેટ્‌સનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં રશિયન કેડેટ્‌સ જાણીતુ દેશભક્તિ ગીત ‘એ વતન, એ વતન, હમકો તેરી કસમ, તેરી રાહોં મે જાં તક લૂટા જાએંગે’ ગીત ગાતા જોવા મળી રહ્યા છે. આ 1965માં રીલીઝ થયેલી ફિલ્મ ‘શહીદ’નું ગીત છે જેને મોહમ્મદ રફીએ ગાયું હતુ.

સોશિયલ મીડિયા પર આ ગીતને ઘણું જ પસંદ કરવામાં આવી રહ્યું છે. ટિ્‌વટર યૂઝરે કહ્યું, “આમણે મારું દિલ બનાવી દીધું, રશિયન જવાન એ વતન, એ વતન ગાઈ રહ્યા છે.” મૉસ્કોમાં ભારતીય દૂતાવાસમાં સૈન્ય સલાહકાર બૃજેશ પુશ્કર પણ આ વિડીયોમાં જોવા મળી રહ્યા છે. એક અન્ય યૂઝરે લખ્યું, ‘શાનદાર! રશિયન ભારતીય દેશભક્તિ ગીત ગાઈ રહ્યા છે. એ-વતન, એ-વતન’.

ફિલ્મનું આ ગીત પ્રેમ ધવને લખ્યું હતુ. 1965માં આવેલી આ ફિલ્મનાં તેઓ નિર્દેશક હતા. એસ. રામ શર્મા અને નિર્માતા હતા કેવલ પી. કશ્યપ. રશિયામાં ભારતીય ફિલ્મોનો જલવો ઘણો જૂનો છે. રશિયામાં રાજકપૂર ઘણા લોકપ્રિય હતા. રાજકપૂરની ફિલ્મ વિશેષ કરીને ‘આવારા’એ ઘણું શાનદાર પ્રદર્શન કર્યું હતુ.

સુરતનો ઐતિહાસિક રાજમાર્ગ બીજી ડિસેમ્બરથી એક મહિના માટે કરાશે બંધ, આ છે વૈકલ્પિક રસ્તાઓ

સુરતના રાજમાર્ગ પર બીજી ડિસેમ્બરે ચોકથી ભાગળ કે ભાગળથી જવાનું વિચારતા હો તો માંડી વાળજો અથવા ડાયવર્ટ કરેલા રૂટ પરથી જવાનું રાખજો. આનું કારણ એ છે કે સુરતના ઐતિહાસિક રાજમાર્ગને એક મહિના માટે બંધ કરવામાં આવનાર છે.

સુરતના સેન્ટ્રલ ઝોન એટલે જૂના સુરત અને કોટ વિસ્તાર તરીકે ઓળખાતા વિસ્તારોમાં ડ્રેનેજ લાઈનું કામ ચાલી રહ્યું છે. સુરત મહાનદરપાલિકા દ્વારા ભાગળથી ચોક બજારનો રસ્તો બંધ કરવાનો નિર્ણય કરાયો છે અને અલગ અલગ વૈકલ્પિક રસ્તાઓ પરથી વાહનની અવરજવર કરવાની અપીલ કરવામાં આવી છે.

સુરતના રાજમાર્ગની આજુબાજુના વિસ્તારોમાં ડ્રેનેજ માસ્ટર પ્લાન મુજબ રાઈડર લાઈન નાંખવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આના કારણે લાલગેટ, રાણી તળાવ, મુગલીસરા, ચોકબજાર, સીંધીવાડ, શાહપોર, નાણાવટ જેવા વિસ્તારોમા ડ્રેનેજ લાઈન નાંખવામાં આવી રહી છે. ભાગળ ચાર રસ્તાથી ચોક બજાર ચાર રસ્તા સુધીના રાજમાર્ગને એક મહિના માટે વાહનો માટે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બીજી ડિસેમ્બરથી બીજી જાન્યુઆરી સુધી રાજમાર્ગ વાહન વ્યવહાર માટે બંધ રહેશે.

આ સમયગાળા દરમિયાન ભાગળ ચાર રસ્તાથી ચોક બજાર તરફ આવતા વાહનો માટે ભાગળથી ડીકેએમ હોસ્પિટલ ચાર રસ્તા અને ત્યાંથી નાનપુરા એકતા સર્કલ થઈ વિવેકાનંદ બ્રિજથી ચોક બજારનો વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરી શકાશે. આ ઉપરાંત રૂવાળા ટેકરાથી ભવાની વાડ થઈ રાણી તળાવ થઈ અન્ય આંતરિક રસ્તાઓને ઉપયોગ કરી શકાશે. ડ્રેનેજ લાઈનની કામગીરી પૂર્ણ થતાં જ રસ્તો ફરી ખોલવામાં આવશે.

અમદાવાદમાં આ કાર ચાલકને ફટકારાયો અત્યાર સુધીનો સૌથી મોટો દંડ, અપાયો 9.80 લાખનો મેમો

ગુજરાત પોલીસે અમદાવાદમાં એક કારનું ટ્રાફીક નિયમોના ભંગ બદલ 9.80 લાખ રૂપિયાના ચલણ ફાડ્યું છે. આ અત્યાર સુધીનો સૌથી મોંઘો ચાલાન હશે. નવું મોટર વ્હીકલ એક્ટ લાગુ થયા બાદ દેશના મોટાભાગના ભાગોમાં ટ્રાફિકના નિયમો તોડવા બદલ દંડની રકમમાં વધારો કરવામાં આવ્યો છે.  જોકે, ગુજરાત સરકારે તેમાં કેટલાક સુધારા કર્યા પછી તેને તેના રાજ્યમાં અમલમાં મૂક્યો છે.

અમદાવાદમાં કાર માલિકની ઘોર બેદરકારી અત્યાર સુધીના મોટામાં મોટો મેમો સુધી દોરી ગઈ છે. પોલીસે કારને આંતરીને કાગળીયાની તપાસ કરી તો ટ્રાફિક પોલીસ પાસે દંડ ફટકારવા સિવાય બીજો કોઈ રસ્તો બચ્યો ન હતો.

અમદાવાદ ડીસીપી ટ્રાફિક અજિત રંજન ન્યૂઝ વેબસાઈટને જણાવ્યું હતું કે પોલીસે ગઈકાલે પોર્શે-911 કાર રોકી હતી અને તેના માલિકને 9.80 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.જ્યારે કારને રોકી તપાસ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે તેમાં કારના કાગળો નથી. કારની રજિસ્ટ્રેશન નંબર પણ ન હતો. એટલું જ નહીં કાર ચાલક પાસે ડ્રાઇવિંગ લાયસન્સ પણ નહોતું.

પોલીસે કહ્યું કે કારનો ઇન્સ્યોરન્સ પણ નહોતો, આ કાર ચાલકને આ પહેલાં પણ અનેક વખત દંડના મેમો આપવામાં આવ્યા છે. વિવિધ રીતે ટ્રાફિક નિયમોનાં ભંગ બદલ અગાઉ કાર માલિકને નવ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો,. હવે પોલીસે 8૦ હજાર રૂપિયાનો નવો મેમો આપતા અગાઉની દંડની રકમમાં વધારો થયો અને દંડની રકમ 9.80 લાખ પર પહોંચી ગઈ છે.