ભારતીય નૌકાદળે દરિયામાં બંધક બનાવાયેલા ર૩ પાકિસ્તાની ક્રૂ મેમ્બર્સ સહિત હાઈજેક થયેલ વહાણને છોડાવી લીધા હતાં. ચાંચિયાઓને શરણે થવા મજબૂર થવું પડ્યું હતું.
ભારતીય નૌકાદળે ચાંચિયાઓ વિરૂદ્ધ અભિયાન શરૂ કર્યું છે. ભારતીય નૌકાદળે શુક્રવારે અરબી સમુદ્રમાં હાઈજેક કરાયેલા ઈરાની જહાજ અલ-કંબર ૭૮૬ને બચાવી લીધું હતું. આ જહાજમાં ર૩ પાકિસ્તાની ક્રૂ મેમ્બર હતા અને તેમને પણ સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા છે. જે ઈરાની જહાજને હાઈજેક કરવામાં આવ્યું હતું તે માછીમારીનું જહાજ હતું અને ૧ર કલાકથી વધુ ચાલેલા લાંબા ઓપરેશન બાદ જહાજને ચાંચિયાઓથી બચાવી લેવામાં આવ્યું છે.
નેવીએ જણાવ્યું હતું કે અમારી નિષ્ણાત ટીમ આ વિસ્તારની તપાસ કરશે, જેથી આ વિસ્તાર માછીમારી અને અન્ય સામાન્ય પ્રવૃત્તિઓ માટે ફરીથી સુરક્ષિત બને. ગુરૂવારે જ આ જહાજને ચાંચિયાઓએ કબ્જે કરી લીધું હતું. ત્યારબાદ નેવીએ તેમને બચાવવા માટે ઓપરેશન શરૂ કર્યું હતું અને દરિયાયી લુંટારાઓને આત્મ સમર્પણ માટે મજબુર થવું પડ્યું હતું.
ભારતીય નૌકાદળના સફળ ઓપરેશન બાદ તેણે એક નિવેદન પણ બહાર પાડ્યું છે. નૌકાદળના નિવેદન અનુસાર, એક નિષ્ણાત ટીમ માછીમારીના જહાજની તપાસ કરી રહી છે જેથી કરીને આ કામ ફરી શરૂ કરી શકાય. તેમણે કહ્યું કે ટૂંક સમયમાં જ આ જહાજને સુરક્ષિત વિસ્તારમાં લઈ જવામાં આવશે. ગુરૂવારે ચાંચિયાઓએ ઈરાની જહાજને અટકાવ્યું હતું.
આ પછી, નેવીને માહિતી મળતા જ, આઈએનએસ સુમેધાએ શુક્રવારે સવારે તરત જ એફબી અલ કંબર જહાજને રોકયું અને આ પછી આઈએનએસ ત્રિશુલ પણ ઓપરેશનમાં જોડાયું. ભારતીય નૌકાદળના જણાવ્યા અનુસાર, તે ચાંચિયાઓ વિરૂદ્ધ ૧૦૦ દિવસનું અભિયાન ચલાવી રહ્યું છે.
ભારતીય નૌકાદળનો હેતુ હિંદ મહાસાગરને વધુ સુરક્ષિત વિસ્તાર બનાવવાનો છે. નૌકાદળે નિવેદનમાં જણાવ્યું હતું કે, ઘટના સમયે, જહાજ સોકોત્રાથી લગભગ ૯૦ એનએમ દક્ષિણ-પશ્ચિમમાં હતું અને તેમાં નવ સશષા ચાંચિયાઓ હોવાનું જાણવા મળ્યું હતું. હાઈજેક કરાયેલ જહાજ ર૯ માર્ચે અટકાવવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે સોકોત્રા દ્વીપસમૂહ ઉત્તર પશ્ચિમ હિંદ મહાસાગરમાં એડનની ખાડી પાસે છે. તાજેતના મહિનાઓમાં એડનની ખાડી નજીક વેપારી જહાજો પર વધતા હુમલાઓને કારણે ભારતીય નૌકાદળે તેની તકેદારી વધારી છે. પ જાન્યુઆરીના, ભારતીય નૌકાદળે લાઈબેરિયન-ધ્વજવાળા જહાજ એમવી લીલા નોરફોકને સોમાલિયાના દરિયાકાંઠે ચાંચિયાઓએ હાઈજેક કર્યા પછી બચાવ્યું હતું. ર૩ માર્ચે નૌકાદળના વડા એડમિરલ આર હરિ કુમારે જણાવ્યું હતું કે નૌકાદળ હિંદ મહાસાગર ક્ષેત્રને વધુ સુરક્ષિત કરવા માટે જરૂરી કાર્યવાહી કરશે.
લગભગ ૭ દિવસ પહેલા ભારતીય નૌસેનાએ સોમાલિયાના દરિયાકાંઠે એક મોટું ઓપરેશન હાથ ધર્યું હતું. આ ઓપરેશન હેઠળ ભારતીય નૌકાદળ દ્વારા ૩પ ચાંચિયાઓને પકડવામાં આવ્યા હતાં અને તેમને આઈએનએસ કોલકાતા દ્વારા મુંબઈ લઈ જવામાં આવ્યા હતાં. આ પછી, ચાંચિયાઓને મુંબઈ પોલીસને સોંપવામાં આવ્યા હતાં. ભારતીય નેવીએ લગભગ ૪૦ કલાક સુધી દરિયામાં ઓપરેશન ચલાવ્યું અને આઈએનએસ કોલકાતાથી ૩પ ચાંચિયાઓ સાથે ર૩ માર્ચે મુંબઈ પહોંચ્યા.
આ કાર્યવાહીને ઓપરેશન સંકલ્પ નામ આપવામાં આવ્યું હતું. આ અંતર્ગત ભારતીય નૌકાદળના જહાજોને અરબી સમુદ્ર અને એડનની ખાડીમાં તૈનાત કરવામાં આવ્યા છે. અહીંથી પસાર થતા ખલાસીઓ અને માલવાહક જહાજોની સુરક્ષા માટે આવું કરવામાં આવ્યું છે.