1988માં પણ અમદાવાદ એરપોર્ટ નજીક મોટી વિમાન દુર્ઘટના ઘટી હતી, 133 મુસાફરોના થયા હતા મોત

અમદાવાદ એરપોર્ટ પર એર ઇન્ડિયાનું વિમાન દુર્ઘટના ખૂબ જ ભયાનક ઘટના હતી. વિમાનમાં સવાર 254 લોકો ઉપરાંત, જે ઇમારત પર વિમાન પડ્યું હતું ત્યાં ઘણા ડોકટરોના પણ મૃત્યુ થયા હોવાની આશંકા છે. રાહત અને બચાવ કામગીરી હાલમાં ચાલી રહી છે. આ પહેલા પણ મોટા વિમાન દુર્ઘટના બન્યા છે, જેમાં સેંકડો લોકોએ જીવ ગુમાવ્યા છે. આમાં અમદાવાદમાં 1988માં થયેલા વિમાન દુર્ઘટનાની યાદ આવે છે, જેમાં 133 લોકોએ જીવ ગુમાવ્યા હતા.

1988માં ઇન્ડિયન એરલાઇન્સ અકસ્માતમાં 133 લોકોએ જીવ ગુમાવ્યા હતા

19 ઓક્ટોબર 1988ના રોજ અમદાવાદમાં ઇન્ડિયન એરલાઇન્સનું વિમાન ક્રેશ થયું હતું. તે અકસ્માતમાં 133 લોકોના મોત થયા હતા. વાસ્તવમાં દૃશ્યતા ઓછી હતી, જેના કારણે પાયલોટને લેન્ડિંગ કરવામાં મુશ્કેલી પડી રહી હતી. આ કારણે રનવે પર લેન્ડિંગ પહેલાં વિમાન ક્રેશ થયું હતું. વિમાન દુર્ઘટના અને વિસ્ફોટ પછી ફક્ત બે લોકો જ બચી શક્યા હતા. આ અકસ્માત 12 જૂન 2025 ના રોજ થયેલા અકસ્માત જેવો જ છે. બંને અકસ્માતો અમદાવાદ એરપોર્ટ નજીક થયા હતા. તે જ એરપોર્ટ નજીક ફરી એક વાર બનેલી આ ઘટના હવામાન માહિતી ઉપકરણો અને પાયલોટ નેવિગેશન સિસ્ટમ પર શંકા ઉભી કરે છે.

2020 માં કોઝીકોડમાં વિમાન ક્રેશ થયું

7 ઓગસ્ટ 2020 ના રોજ દુબઈથી આવી રહેલી એર ઈન્ડિયાની એક ફ્લાઇટ કોઝીકોડના ટેબલટોપ રનવે પર લપસી ગઈ અને 30 ફૂટ ઊંડા ખાડામાં પડી ગઈ. તેનાથી વિમાન બે ટુકડા થઈ ગયું. બંને પાયલોટનું તાત્કાલિક મૃત્યુ થયું. જ્યારે 100 થી વધુ મુસાફરો ઘાયલ થયા. ભારે વરસાદને કારણે આ અકસ્માતનું કારણ ખૂબ જ ઓછી દૃશ્યતા હતી. આ કારણે વિમાન યોગ્ય રીતે ઉતરી શક્યું નહીં. આમાં 21 લોકોએ જીવ ગુમાવ્યા.

2010 માં મેંગલુરુમાં અકસ્માત થયો

દુબઈ જતી ફ્લાઇટ મેંગલુરુના ટેબલટોપ રનવે પર ક્રેશ થઈ ગઈ. લેન્ડિંગ દરમિયાન વિમાન રનવે પર લપસી ગયું અને ખાડામાં અથડાયું. આ અકસ્માતમાં 158 લોકોના મોત થયા. ફક્ત 8 લોકો જ બચી ગયા.

1998માં પટણામાં 60 લોકોના મોત થયા હતા
પટણામાં થયેલો વિમાન દુર્ઘટના બિહારના ઇતિહાસનો સૌથી પીડાદાયક વિમાન દુર્ઘટના હતી. વિમાન વસ્તીવાળા વિસ્તારમાં પડી ગયું હતું. આ દુર્ઘટના પાછળનું કારણ ફ્લાઇટ ક્રૂમાં નબળા સંકલન અને અધૂરી તાલીમ હતી. આ અકસ્માતમાં 60 લોકોના મોત થયા હતા.

1996માં વિમાનો અથડાયા હતા
ચરખી દાદરી વિમાન દુર્ઘટનાએ સમગ્ર દેશની એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમને હચમચાવી નાખી હતી, જ્યારે બે વિમાનો હવામાં અથડાયા હતા. આ અકસ્માતમાં 92 લોકો માર્યા ગયા હતા. આનાથી ભારતના નાગરિક ઉડ્ડયન અધિકારીઓને લેન્ડિંગ પ્રક્રિયા અને સિમ્યુલેટર તાલીમની સમીક્ષા કરવાની ફરજ પડી હતી.

એર ઈન્ડિયા પ્લેન ક્રેશમાં તમામ 242 લોકોના મોત: ક્રૂ મેમ્બર સહિત તમામ 242 લોકોના મોત

અમદાવાદ એરપોર્ટ પરથી ઉડાન ભર્યા પછી એર ઇન્ડિયાનું એક વિમાન રહેણાંક વિસ્તારમાં ક્રેશ થયું હતું. આ વિમાનમાં 10 ક્રૂ મેમ્બર સહિત 242 લોકો સવાર હતા. સમાચાર એજન્સી એસોસિએટ પ્રેસ (AP)ના રિપોર્ટ મુજબ વિમાન દુર્ઘટનામાં તમામ 242 લોકોના મોત થયા છે. વિમાનમાં 242 લોકો સવાર હતા, જેમાં મુસાફરો અને ક્રૂ મેમ્બરનો સમાવેશ થાય છે, જે બધાના મોત થયા છે.

પ્લેન રહેણાંક વિસ્તારમાં ક્રેશ થયું

સમાચાર એજન્સી એસોસિએટ પ્રેસ (AP)ના રિપોર્ટ મુજબ અમદાવાદ પોલીસ કમિશનર જીએસ મલિકે જણાવ્યું હતું કે એવું લાગે છે કે વિમાન દુર્ઘટનામાં કોઈ બચ્યું નથી. તેમણે કહ્યું કે વિમાન રહેણાંક વિસ્તારમાં ક્રેશ થયું હોવાથી “કેટલાક સ્થાનિક લોકોના પણ મૃત્યુ થયા હશે.

આ અકસ્માત પછી, અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી મર્યાદિત ફ્લાઇટ કામગીરી ફરી શરૂ કરવામાં આવી છે. અમદાવાદ એરપોર્ટ નજીક એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયા બાદ ભારતીય સશસ્ત્ર દળોની ટીમોને તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી માટે મોકલવામાં આવી હતી.

આ ઉપરાંત, પ્રારંભિક રાહત કામગીરી માટે સશસ્ત્ર દળો સાથે એનડીઆરએફ અને અન્ય એજન્સીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. સેનાના જણાવ્યા અનુસાર, લશ્કરી દળોની આ ટીમમાં તબીબી ટીમો અને અન્ય બચાવ કર્મચારીઓ તૈનાત હતા. વડા પ્રધાન નરેંદ્ર મોદીએ કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન પ્રધાન રામ મોહન નાયડુ સાથે વાત કરી છે અને અમદાવાદમાં એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટના અંગે પૂછપરછ કરી છે.

ગુરુવારે (12 જૂન) બપોરે અમદાવાદમાં લંડન જઈ રહેલું એર ઈન્ડિયાનું વિમાન AI-171 ક્રેશ થયું, જેમાં ક્રૂ મેમ્બર સહિત 242 લોકો સવાર હતા. આ દુર્ઘટના અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં આવેલી ડોક્ટર્સ હોસ્ટેલ પર થઈ હતી, જેના કારણે હોસ્ટેલને પણ ભારે નુકસાન થયું છે.

વિમાનમથક પર સેવાઓ ફરી શરૂ થઈ

ગુજરાતના અમદાવાદમાં સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થયાના કલાકો પછી, સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર સેવાઓ ફરી શરૂ થઈ ગઈ છે. સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય વિમાનમથક વહીવટીતંત્ર દ્વારા આ માહિતી આપવામાં આવી છે. સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય વિમાનમથકે જણાવ્યું હતું કે એરપોર્ટ હવે મર્યાદિત ફ્લાઇટ્સ સાથે કાર્યરત છે. મુસાફરોને માહિતી માટે એરલાઇન્સનો સંપર્ક કરવા વિનંતી કરવામાં આવે છે.

 

અમદાવાદમાં પ્લેન ક્રેશ પહેલા પાયલટે આપ્યો હતો MAYDAY Call, કેપ્ટન સુમિત સાભરવાલને કેટલો હતો અનુભવ

અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં એર ઈન્ડિયાનું પ્લેન ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં 240થી વધુ લોકોના મૃત્યુ થયા હતા. વિમાન દુર્ઘટનાને લઈ હવે જે જાણકારી સામે આવી રહી છે તે મુજબ, પાયલટે ક્રેશ પહેલા એટીસીને સિગ્નલ મોકલ્યું હતું. જે ખતરાનો મેસેજ હતો અને આની થોડી જ મિનિટોમાં પ્લેન ક્રેશ થયું હતું.

અમદાવાદ એરપોર્ટના રન વે 23થી આ વિમાને બપોરે 1.39 કલાકે ઉડાન ભરી હતી. ઉડાન ભર્યાની ગણતરીની મિનિટોમાં એટીસીને MAYDAY કૉલ મળ્યો હતો. પરંતુ આ પછી કોઈ સિગ્નલ મળ્યું નહોતું.

શું હોય છે MAYDAY Call?
કોઈપણ ફ્લાઇટમાં મેડે કોલ એક ઈમરજન્સી મેસેજ હોય છે. જ્યારે વિમાન કોઈ ગંભીર સંકટમાં હોય અને મુસાફરો કે ક્રૂ ના જીવને ખતરો હોય ત્યારે પાયલટ આ સિગ્નલ આપે છે. જેમકે વિમાનનું એન્જિન ફેલ થવું, વિમાનમાં આગ લાગવી, હવામાં ટક્કરનો ખતરો કે હાઈજેક જેવી સ્થિતિ બની હોય.

આ કોલ દ્વારા કોઈપણ પાયલટ એર ટ્રાફિક કંટ્રોલ અને નજીકના વિમાનોનું એલર્ટ કરે છે કે પ્લેનને તાત્કાલિક મદદની જરૂર છે. પાયલટ ત્રણ વખત, Mayday, Mayday, Mayday બોલે છે. જેનાથી સ્પષ્ટ થઈ ગયું હતું કે આ મજાક નહીં પણ અસલી સંકટ છે.

જાણકારી મુજબ, જ્યારે Mayday Call આપવામાં આવે ત્યારે કંટ્રોલ રૂમ આ વિમાનને પ્રાથમિકતા આપે છે અને તમામ સંસાધનો તેની મદદમાં લગાવી દેવામાં આવે છે. આ કોલ મળતાં ઈમરજન્સી લેન્ડિંગની મંજૂરી, રન વે ખાલી કરાવવો, એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડ તૈયાર રાખવામાં આવે છે.

મેડે શબ્દ ફ્રેન્ચના m’aiderથી આવ્યો છે. જેનો મતલબ મદદ કરો તેવો થાય છે. જ્યારે હાલત વધારે ગંભીર ન હોય પરંતુ ચિંતાની વાત હોય ત્યારે પાયલટ પેન પેન કોલ કરે છે. જે મેડેથી ઓછી ગંભીર માનવામાં આવે છે.

કેપ્ટન સુમિત સાભરવાલને કેટલો હતો અનુભવ
ડીજીસીએ દ્વારા વિમાન દુર્ઘટના અંગે જાણકારી આપવામાં આવી છે. જે મુડબ 12 જૂન, 2025ના રોજ એર ઈન્ડિયાના પ્લેન B787 અમદાવાદથી ગેટવિક (AI-171) જતું હતું. ટેકઓફની ગણતરીની મિનિટોમાં જ ક્રેશ થયું હતું.

આ વિમાનમાં કુલ 242 લોકો સવાર હતા. જેમાં 2 પાયલટ અને 10 કેબિન ક્રૂ સામેલ હતા. આ પ્લેનના કેપ્ટન સુમિત સાભરવાલ હતા, જ્યારે તેની સાથે ફર્સ્ટ ઓફિસર ક્લાઈવ કુંદર હતા. સુમિત સાભરવાલને 8200 કલાક ફ્લાઇટ ઉડાવવાનો અનુભવ હતો. જ્યારે ક્લાઈવને પણ 1100 કલાકનો અનુભવ હતો.

પ્લેન ક્રેશ: વિમાન ડોક્ટર્સની હોસ્ટેલ પર ક્રેશ થયું, 169 ભારતીય, 53 બ્રિટિશ નાગરિકો સવાર હતાં

મદાવાદમાં ભયંકર વિમાન દુર્ઘટના ઘટી હતી. અમદાવાદથી લંડનના ગેટવિક જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-171 ટેકઓફ થયા પછી તરત મેઘાણી નગર વિસ્તારમાં ક્રેશ થઇ હતી. આ વિમાનમાં 242 લોકો સવાર હતા, જેમાં 2 પાઇલટ અને 10 કેબિન ક્રૂનો સમાવેશ થાય છે. અમદાવાદના વરિષ્ઠ પોલીસ અધિકારીએ જાણકારી આપી છે કે વિમાન ડોક્ટરની હોસ્ટેલ પર ક્રેશ થયું છે.

એર ઇન્ડિયાના જણાવ્યા મુજબ ક્રેશ થયેલા બોઇંગ 787-8 એરક્રાફ્ટમાં 242 મુસાફરો અને ક્રૂ સભ્યો સવાર હતા. તેમાંથી 169 ભારતીય નાગરિકો, 53 બ્રિટિશ નાગરિકો, 1 કેનેડિયન નાગરિક અને 7 પોર્ટુગીઝ નાગરિક છે. ઘાયલોને નજીકની હોસ્પિટલોમાં લઈ જવામાં આવી રહ્યા છે. વધુ માહિતી પૂરી પાડવા માટે અમે એક પેસેન્જર હોટલાઇન નંબર 1800 5691 444 શરુ કર્યો છે.

અમદાવાદના વરિષ્ઠ પોલીસ અધિકારીએ પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું કે ફ્લાઈટ ટેક ઓફ થયાના 2-3 મિનીટમાં જ ક્રેશ થઇ ગઈ હતી. વિમાન જે બિલ્ડીંગ પર પડ્યું હતું એ ડોક્ટર્સની હોસ્ટેલ છે. રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે, લગભગ 70-80 ટકા એરિયા ક્લીયર કરવામાં આવ્યો છે, બાકીની કામગીરી ચાલી રહી છે.

અમદાવાદ પ્લેન ક્રેશમાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીનું નિધનઃ સી.આર. પાટીલે આપી શ્રદ્ધાંજલિ

અમદાવાદના મેઘાણીનગર પાસે એર ઈન્ડિયાના પ્લેન ક્રેશ થયાની ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્ય પ્રધાન રૂપાણીનું નિધન થયું હોવાના સમાચાર આવ્યા છે. તેઓ આ ફ્લાઈટમાં હતા કે નહીં તે મામલે ઘટના બાદ ઘણી અટકળો વાયરલ થઈ રહી હતી ત્યારે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે તેમના નિધનના સમાચારને પુષ્ટિ આપી છે અને તેમને શ્રદ્ધાંજલિ આપી છે.

રૂપાણીના પત્ની અગાઉ પહેલા લંડન ગયા હોવાનું અને આજે રૂપાણી જતા હોવાની પ્રાથમિક માહિતી મળી છે. સોશિયલ મીડિયા પર તેમના નામની એરટિકિટ વાયરલ થઈ હતી. અગાઉ ભૂતપૂર્વ શિક્ષણ પ્રધાન ભુપેન્દ્ર ચુડાસમા તેમના ગાંધીનગર ખાતેના નિવાસ્થાને પહોંચ્યા હતા.

તેમના રાજકોટ નિવાસસ્થાને પણ ભાજપના કાર્યકરોએ ભીડ જમાવી હતી. પ્લેનક્રેશના સમાચાર આવ્યા ત્યારે રાજકોટ ખાતે કાર્યકરોએ પ્રાર્થના અને ભજન પણ કર્યા હતા. જોકે કમનસીબે રૂપાણી આ ભયાવહ અકસ્માતના ભોગ બન્યા હોવાનું બહાર આવ્યું છે. તેમના પત્ની લંડનથી આવતીકાલે બપોર સુધીમાં ભારત આવશે, તેવી માહિતી પણ સૂત્રોએ આપી હતી.

અમદાવાદ પ્લેન ક્રેશ: અકસ્માત સમયે પ્લેનની સ્પીડ 322 કિ.મી. પ્રતિ કલાક હતી

મેઘાણીનગર વિસ્તારમાં આજે, બપોરે લગભગ 1:38 વાગ્યે એર ઈન્ડિયાનું વિમાન AI171 દુર્ઘટનાગ્રસ્ત થયું, જે લંડન ગેટવિક જઈ રહ્યું હતું. આ ઘટનાએ શહેરમાં હડકંપ મચાવી દીધો છે અને 1988ની ભયંકર વિમાન દુર્ઘટનાની યાદો તાજી કરી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, આ દુર્ઘટનામાં અનેકના મોત થયાની શંકા છે, અને ઘણા મુસાફરો ઘાયલ થયા છે. રાહત અને બચાવ કાર્ય યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવ્યું છે.

આ દુર્ઘટના મેઘાણીનગરના IGP કમ્પાઉન્ડ નજીક બની, જ્યાં એર ઈન્ડિયાનું બોઈંગ 787-8 ડ્રીમલાઈનર, રજિસ્ટ્રેશન VT-ANB, ટેકઓફ બાદ થોડી જ ક્ષણોમાં ક્રેશ થયું. વિમાનમાં 242 લોકો સવાર હતા, જેમાં 230 મુસાફરો, 2 પાયલટ અને 10 કેબિન ક્રૂનો સમાવેશ થાય છે. ડીજીસીએના જણાવ્યા મુજબ વિમાન 191 મીટરની ઊંચાઈએ 322 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે ઉડી રહ્યું હતું જ્યારે તેણે મેડે કોલ જારી કર્યો, જે ગંભીર કટોકટીનો સંકેત આપે છે.

ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની 7 ગાડી, પોલીસ, BSF અને NDRFની 4 ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ. આગ ઓલવવા અને બચાવ કાર્ય માટે તીવ્ર પ્રયાસો ચાલુ છે. દુર્ઘટના સ્થળે વિમાનનો કાટમાળ ચારે બાજુ ફેલાયેલો જોવા મળ્યો, અને આસપાસની કેટલીક કારો પણ સળગી ગઈ. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાત્કાલિક સારવાર અને ગ્રીન કોરિડોરની વ્યવસ્થા કરવા સૂચનાઓ આપી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ NDRF અને કેન્દ્ર સરકારના સંપૂર્ણ સહયોગની ખાતરી આપી છે. આ દુર્ઘટનાનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી, પરંતુ તપાસ શરૂ કરવામાં આવી છે

 

અમદાવાદ પ્લેન ક્રેશઃ જુઓ મુસાફરોનું લિસ્ટ

અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં આજે પ્લેન ક્રેશ થયું હતું. લંડન જતી એર ઈન્ડિયાનું પેસેન્જર પ્લેન તૂટી પડતાં 200થી વધુના કરુણ મોત નિપજ્યા હતા. એર ઇન્ડિયાના બોઇંગ પ્લેને ઉડાન ફરતી વખતે જ તૂટી પડ્યું હતું. જેના વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. લિસ્ટ પ્રમાણે રાજ્યના પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી પણ હતા.

પ્લેનના થયા 3 ટુકડા
અમદાવાદથી લંડન જતું એર ઇન્ડિયાનું વિમાન ઉડાન ભર્યા બાદ મેઘાણીનગર આસપાસ અલગ અલગ 2 જગ્યા પર પ્લેન અથડાયું હતું. સિવિલની 1200 બેડની પાછળ બિલ્ડિંગમાં પ્લેન અથડાયું અને પછી ડોક્ટરની હોસ્ટેલની બિલ્ડિંગ સાથે પ્લેન અથડાયું હતું. પ્લેનના 3 ટુકડા થયા હતા.

New-Doc-06-12-2025-13.57.22-1

મૃતદેહ કોલસો થઈ ગયા
મળતી વિગત પ્રમાણે, પ્લેનમાં 200થી વધુ મુસાફરો સવાર હતા. અત્યાર સુધીમાં 50 મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. મૃતદેહ ભરથૂ થઈ ગયા હોવાથી ઓળખી શકાય તેવી સ્થિતિમાં નથી.

અમદાવાદ પ્લેન ક્રેશઃ 100 જણના મોતની આશંકાઃ વિજય રૂપાણી મામલે અસંમજસ

ખૂબ જ ગંભીર અને કરૂણ કહી શકાય તેવી ઘટના અમદાવાદમાંમ બની છે. અહીં મેઘાણીનગર વિસ્તારમાં એર ઈન્ડિયાનું પેસેન્જર પ્લેન ક્રેશ થયું છે, જેમાં 242 યાત્રી સવાર હતા. પ્રાથમિક માહિતી અનુસાર આ દુર્ઘટનામાં સો યાત્રીએ જીવ ગુમાવ્યા હોવાની આશંકા સેવાઈ રહી છે.

દરમિયાન ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી આ પ્લેનમાં હોવાાન સમાચાર વાયરલ થયા છે. જોકે મુસાફરોની યાદીમાં વિજય રૂપાણીનું નામ આવ્યું છે. ત્યારબાદ તેમના મામલે ખાસ કોઈ માહિતી નથી. તેઓ ઈજાગ્રસ્ત હોવાનું અને ગંભીર હોવાનું મીડિયા અહેવાલો જણાવે છે. આ મામલે સત્તાવાર માહિતી નથી.

 

ગૃહ પ્રધાન અમિત શાહે CM પટેલ સાથે વાત કરી, NDRFની 3 ટીમો તૈનાત

આજે ગુરુવારે બપોરે અમદાવાદના એરપોર્ટ નજીક એર ઇન્ડિયાનું પેસેન્જર પ્લેન ક્રેશ થતા ગોઝારી દુર્ઘટના સર્જાઈ છે. ટેક ઓફ બાદ તુરંત પ્લેન મેઘાણી નગરમાં તૂટી પડ્યું, આ પેસેન્જર પ્લેનમાં 242 મુસાફરો હતાં, 100થી વધુ લોકોના મોતની આશંકા છે.

એર ઇન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું કે અમદાવાદથી લંડન ગેટવિક માટે ટેક ઓફ કર્યા બાદ ફ્લાઇટ AI171, આજે, 12 જૂન 2025ના રોજ દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. હાલમાં, અમે વિગતો મેળવી રહ્યા છીએ અને વહેલી તકે વધુ અપડેટ્સ શેર કરીશું

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે વિમાન દુર્ઘટના અંગે ગુજરાતના મુખ્ય પ્રધાન, ગૃહ રાજ્ય પ્રધાન અને અમદવાદના પોલીસ કમિશનર સાથે વાત કરી છે. તેમણે કેન્દ્ર સરકારની સહાય પૂરી પાડવાની પણ ખાતરી આપી છે.

 

અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં એર ઈન્ડિયાનું પ્લેન ક્રેશ, પ્લેનમાં 242 લોકો સવાર હતા

અમદાવાદમાં આજે એક વિમાન ક્રેશ થયું છે. મેઘાણી નગરમાં એરપોર્ટ નજીક પ્લેન દુર્ધટના સર્જાઈ હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માતનો ભોગ બનેલું વિમાન એર ઇન્ડિયા એરલાઇન્સનું હોવાનું પ્રથામિક સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. વિમાન ક્રેશ થતા બાદ 2 કિમી સુધી કાળા ધુમાડા દેખાયા છે. પ્રાથમિક માહિતી મુજબ, ક્રેશ થયેલ વિમાન પેસેન્જર વિમાન હોઈ શકે છે. લોકોએ પોલીસને અકસ્માતની જાણ કરી હતી.

વધારે વિગતે વાત કરવામાં આવે તો, માહિતી મળતાં જ પોલીસ અને વહીવટીતંત્રની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. 7 ફાયર બ્રિગેડ વાહનો અને એમ્બ્યુલન્સ પણ અકસ્માત સ્થળે પહોંચી ગઈ છે. બધાએ સાથે મળીને બચાવ કામગીરી શરૂ કરી દીધી છે. કસ્માતનો ભોગ બનેલું વિમાન એર ઇન્ડિયાનું બોઇંગ ડ્રીમલાઇનર 787 હતું. તેમાં 300 મુસાફરોને લઈ જવાની ક્ષમતા હતી. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે આ વિમાન લંડન જઈ રહ્યું હતું. આ દુર્ઘટમાં કેટલી જાનહિની થઈ તેની કોઈ જાણકારી મળી નથી.