સુરત અગ્નિકાંડ મામલે કોંગ્રેસ આક્રમક, કરી મહાનગર પાલિકાની અરજન્ટ બોર્ડ મીટીંગની માંગ

સુરતના તક્ષશિલા આર્કેડમાં સર્જાયેલા અગ્નિકાંડ મામલે 22 ભૂલકાઓના જીવ ગયા ત્યારે સુરત મહાનગરપાલિકામાં કોંગ્રેસના આક્રમક તેવર જોવા મળી રહ્યા છે. કોંગ્રેસ દ્વારા તક્ષશિલા મામલે સુરત મહાનરગપાલિકાની અરજન્ટ બોર્ડ મીટીંગ બોલાવવાની માંગ કરવામાં આવી હોવાનું પાલિકાની વિપક્ષ નેતા પપ્પન તોગડીયાએ જણાવ્યું છે.

પપ્પન તોગડીયાએ જણાવ્યું કે મે મહિનાની બોર્ડ મીટીંગમાં બાળકોને શ્રધ્ધાંજલિ આપી માસિક સામાન્ય સભા સ્થગિત કરી દેવામાં આવી હતી. કોંગ્રેસે માત્ર તક્ષશિલા મામલાની ચર્ચા કરવા અરજન્ટ સામાન્ય સભાની માંગ કરી છે. સામાન્ય સભા બોલાવવા માટે 25 ટકા સભ્યોની જરૂર હોય છે તો કોંગ્રેસે 29 કોર્પોરેટરોની સહી સાથે તાકીદની સામાન્ય સભા બોલાવવા માટે મેયર સમક્ષ માંગ કરી છે.

અત્રે નોંધનીય છે કે ભાજપની સ્ટેડીંગ કમીટીના પાંચ સભ્યોએ નિયમોનુસાર તાકીદની સભા બોલાવવા માંગ કરી છે. સ્ટેડીંગ કમીટીના પાંચ સભ્યો માંગ કરે તો સામાન્ય સભા બોલાવવાની મેયરને ફરજ થઈ જાય છે તેવો નિયમ છે અને નિયમ પ્રમાણે સ્ટેડીંગ કમીટીના પાંચ સભ્યો અરજન્ટ બોર્ડની માંગ કરી છે. આમ કોંગ્રેસની સાથો સાથ ભાજપના સભ્યોએ પણ માત્ર અને માત્ર તક્ષશિલા મામલે પાલિકાની સામાન્ય સભાની માંગ કરી છે.  

પપ્પન તોગડીયાએ કહ્યું કે માત્ર તક્ષશિલા જ નહીં પણ ભાજપના 23 વર્ષના શાસનમાં સુરતમાં ઉભા કરવામાં આવેલા દરેક ગેરકાયદે બાંધકામો અંગેનો ચિતાર માંગવમાં આવશે. સુરત મહાનગરપાલિકામાં ભાજપ પાછલા 23 વર્ષથી સત્તા સ્થાને છે અને સુરતમાં વારંવાર આવા પ્રકારની ઘટનાઓ બની રહી છે તેનો ભાજપ શાસકો પાસેથી જવાબ માંગવામાં આવશે.

સુરત અગ્નિકાંડ: ભાજપના નેતાની ભલામણનો લેટર ક્યાં ગાયબ થયો? શું પોલીસ ઉંચકશે રહસ્ય પરથી પરદો?

સુરતમાં તક્ષશિલા આર્કેડમાં અગ્નિકાંડ સર્જાયો અને તેમાં પોલીસ ફરીયાદ દાખલ કરવામાં આવી છે અને કસૂરવાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. સુરત ક્રાઈમ બ્રાન્ચે ફાયર બ્રિગેડના બે અધિકારીઓની ધરપકડ કરી છે આ ઉપરાંત અન્ય અધિકારીઓની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે.

સુરત મહાનગરપાલિકાના વિશ્વસનીય સૂત્રોના જણાવ્યાનુસાર તક્ષશિલાનું નિર્માણકાર્ય જ્યારે સરથાણા સુરત મહાનગરપાલિકાની હદમાં ન હતો ત્યારે કરવામાં આવ્યું હતું. સુરત મહાનગરપાલિકાની હદમાં સરથાણાનો સમાવેશ આજથી દસેક વર્ષ પહેલાં કરવામાં આવ્યું હતું અને ત્યાર બાદ ઈમ્પેક્ટ ફીની ફાઈલ પર ભાજપના નેતાની ભલામણનો પત્ર હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ચર્ચા મુજબ આ લેટર પાલિકાના અધિકારીએ ફાઈલમાંથી ગૂમ કરી દીધો છે અને હાલ ફાઈલમાંથી પણ કેટલાક કાગળીયા ગાયબ કરી દેવામાં આવ્યા હોવાનું મનાય રહ્યું છે.

સુરત ક્રાઈમ બ્રાન્ચ આ અધિકારીની આકરી પૂછપરછ કરશે તો મહત્વની માહિતી મળી શકે એમ છે અને નવા ખુલાસા પણ થઈ શકે તેમ છે. ક્રાઈમ બ્રાન્ચે બેથી ત્રણ વખત અગ્નિકાંડની ઘટના બાદ ફાઈલ અંગે શંકાસ્પદ કામગીરી કરનાર અધિકારીની પૂછપરછ કરી છે. હાલ પોલીસે તપાસ અંગે વિશેષ કશું કહ્યું નથી પણ તપાસ ધમધોકાર ચાલી રહી હોવાનું જાણવા મળ રહ્યું છે.

અમિત શાહ ગૃહ મંત્રી બનતા હાર્દિક પર આવી રહ્યા છે મેસેજ” હવે તારું શું થશે હાર્દિક”

વડાપ્રધાન મોદીએ કેબિનેટની રચના કરી અને મંત્રીઓને ખાતાની ફાળવણી કરી દીધી. ખાતાની ફાળવણીમાં ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહને ગૃહ ખાતું સોંપવામાં આવ્યું. અમિત શાહને ગૃહ ખાતું સોંપવામાં આવતાં જ કોંગ્રેસ અને પાટીદાર સમાજના યુવા નેતા હાર્દિક પટેલ પર કેટલાક લોકોએ મેસેજનો મારો ચલાવ્યો હતો. ભક્તો દ્વારા કરવામાં આવેલા મેસેજ અંગે હાર્દિક પટેલે સોશિય મીડિયા પર એક પોસ્ટ શેર કરી લખાણ લખ્યું છે.

હાર્દિકે લખ્યું છે કે અમિત શાહ ગૃહ મંત્રી બન્યા તે માટે તેમને શૂભકામના આપું છું  પરંતુ આજે કેટલાક ભક્તોના મારા પર મેસેજ આવ્યા છે કે હવે તારું શું થશે હાર્દિક. મતલબ અમિત શાહના ગૃહ મંત્રી બન્યા બાદ ભક્ત બહુ જ ખુશ છે. કેટલાક ભક્તોના તો એવા પણ મેસેજ આવી રહ્યા છે કે જેમાં ગંદી ગાળો અને ધમકી પણ આપતા હોય. ભાજપની વિરુદ્વ લડી રહેલા અમારા જેવા યુવાઓને મારી નાંખવામાં આવશે? ચાલો, જેવી ભગવાનની ઈચ્છા.

હાર્દિક આગળ લખે છે કે મને આંદોલનકારી લોહીયાજીના શબ્દો યાદ આવે છે કે જો સડક ખામોશ થઈ જશે તો આ સંસદ આવારા થઈ જશે.

કોંગ્રેસના ઉલાળીયાને લઈ અહેમદ પટેલ સામે કોંગ્રેસીઓમાં ભારે રોષ, 25 વર્ષ સુધી ભાજપનો વિકલ્પ નથી

માત્ર ચાર મહિના પહેલાં જ રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી અને કોંગ્રેસ સત્તારૂઢ થઈ હતી પરંતુ લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ કોઈ પણ રીતે પોતાની આબરૂ બચાવી શકી નથી. કોંગ્રેસના બેશરમ નેતાઓ દોષારોપણમાં પડ્યા છે. રાહુલ ગાંધી રાજીનામું પાછું નહીં ખેંચવા મામલે અડગ છે ત્યારે સિનિયર કોંગ્રેસી નેતાઓએ ગાંધી પરિવારમાં જ પલિતો ચાંપવાનું કામ કર્યું અને પ્રિયંકા ગાંધીનું નામ પ્રમુખ પદે આગળ ધર્યું કે તરત જ રાહુલ ગાંધીએ નોન ગાંધીને પ્રમુખ બનાવવા પર ફરી એક વાર મક્કમતા દર્શાવી છે.

કોંગ્રેસના ચાણક્ય મનાતા અહેમદ પટેલને રાહુલ ગાંધીએ એક વખત કોરાણે મૂકી દીધા હતા ત્યાર બાદ સોનિયા ગાંધીની મધ્યસ્થીના કારણે અહેમદ પટેલને ફરી સંગઠનમાં ખજાનચી બનાવાયા. કોંગ્રેસમાં અહેમદ પટેલની છાપ કોંગ્રેસના ચાણક્યની છે. તો આ ચાણક્યની કર્ણધારીમાં ગુજરાતમાં બીજી વાર કોંગ્રેસની 26માંથી 26 સીટ ભાજપ જીતી ગયો અને રાજસ્થાન, મધ્યપ્રદેશમાં કોંગ્રેસના સૂપડા સાફ કરી નાંખ્યા. તો યુપીમાં પ્રિયંકા ગાંધીને સક્રીય કરી કોંગ્રેસે ગઠબંધનની ઓછામાં ઓછી પંદર સીટ પર ડેમેજ કર્યુ છે. ઉપરછલ્લી રીતે ઉદાહરણ આપીએ તો વરુણ ગાંધીની સીટ, મેરઠની સીટમાં કોંગ્રેસે ગઠબંધનને નુકશાન કર્યું છે. પ્રિયંકા ગાંધીની એ વાત પણ નરી હાસ્યાસ્પદ સાબિત થઈ છે કે યુપીમાં કોંગ્રેસે ભાજપને નુકશાન થાય તેવા ઉમદેવાર પસંદ કર્યા છે પણ ખરેખર તો કોંગ્રેસના કારણે ભાજપને ફાયદો થયો છે અને ગઠબંધનને નુકશાન થયું છે. પ્રિયંકા ગાંધીનો યુપીમાં ફ્લોપ શો રહ્યો, કોંગ્રેસે આશ્વસન લેવાનું રહે છે કે વોટ રેશિયો થોડો ઘણો વધ્યો. પ્રિયંકા ગાંધીના લોચીંગ અંગે કોંગ્રેસ ઊંધા માથે પછાડાઈ છે.

સોશિયલ મીડિયામાં અહેમદ પટેલ અંગે ખુદ કોંગ્રેસીઓ ભારે રોષ વ્યક્ત કરી રહ્યા છે. કોંગ્રેસના કેટલાક નેતાઓએ અહેમદ પટેલ હટાવોનો મારો શરૂ કર્યો છે અને લખ્યું છે કે જ્યાં સુધી કોંગ્રેસમાંથી અહેમદ પટેલને નહીં હટાવાયા ત્યાં સુધી કોંગ્રેસ ક્યારેય પણ ગુજરાત તો શું હવે દેશમાં પણ જીતી શકે એમ નથી.

આખું ઈલેકશન રાહુલ ગાંધી એકલા હાથે લડ્યા અને પાછળની સેના ગાયબ હતી અથવા તો એવું કહી શકાય કે રાહુલ ગાંધીની પથારી ફેરવાવા માટેના તખ્તો ગોઠવતી હતી. માત્ર ચાર મહિના પહેલાં જ્યાં સરકારો બની હોય ત્યાં કોંગ્રેસની સમખાવા પુરતી પણ સીટો ન આવે તો સીધી રીતે કહી શકાય કે રાજસ્થાન અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રીઓની કાર્યશૈલીથી પ્રજા નારાજ છે અને કોંગ્રેસને તેમનો ફાયદો મળ્યો નથી. અશોક ગેહલોત અને કમલનાથ બન્ને નિષ્ફળ મુખ્યમંત્રી પુરવાર થયા છે.

સિનિયર કોંગ્રેસી નેતાઓની એક ઘરી છે અને આ ધરી રાહુલ ગાંધી વિરુદ્વ લાંબા સમયથી સક્રીય છે. સોનિયા ગાંધી પાસે જઈને સિનિયર કોંગ્રેસીઓ કાનભંભેરણી કરીને પોતાનું ધાર્યું કરાવતી રહી છે. અહેમદ પટેલ ગાંધી પરિવારના નજીક રહ્યા પણ તેઓ ન તો ગુજરાતમાં પોતાનો કરિશ્મો બતાવી શક્યા ન તો પોતાના જૂના મિત્રો અને રાજકીય સાથીઓ અશોક ગેહલોત કે કમલનાથ પાસે કોંગ્રેસની આબરૂને બચાવી શક્યા. સ્થિતિ એ આવીને ઉભી કરી દીધી છે કે જો રાજસ્થાન અને એમપીમાં સીએમ બદલવાનું થાય તો મોટો ભડાકો થઈ શકે. રાહુલ ગાંધીને આ ભડાકાથી ડરાવી દેવામાં આવ્યા છે.

ગુજરાતમાં અહેમદ પટેલ પોતાની રાજ્યસભાની સીટ બચાવી શકવામાં મરણિયા બન્યા હોય તો તેઓ લોકસભામાં કોંગ્રેસની એકેય સીટ માટે મરણિયા બનતા દેખાયા નથી. ફરી એક વાર અહેમદ પટેલની ચાણક્યગીરી ચાલી નથી અને અહેમદ પટેલ ભાજપના 25 વર્ષથી ગુજરાતમાં ચાલી રહેલા ભાજપના વિજય રથને અટકાવી શકવામાં નિષ્ફળ રહ્યા છે. જૂથબંધીના કારણો આગળ ધરી બધો ઠીકરો પ્રદેશ નેતાગીરી પર ઢોળી પોતાની કફની બચાવી લેવામાં આવી રહી છે. અહેમદ પટેલની કાર્યપદ્વતિથી ખફા ચાલી રહેલા કોંગ્રેસીએ હવે સાગમટે અન્ય વિકલ્પની શોધમાં પડી ગયા છે.

હવે કેન્દ્રમાં સ્થિતિ એ છે કે આવાનાર 25 વર્ષ સુધી કોંગ્રેસ ભાજપને દિલ્હીના શાસન પરથી હટાવી શકશે નહી અને રાહુલ ગાંધી 75 વર્ષના થઈ જાય તો પણ પીએમ બની શકશે નહીં. કોંગ્રેસનું અચ્યુત્તમ કેશવમ થવાની આ ફાઈનલ ચાલી રહી છે.

મોદી કેબિનેટમાં ખાતાની ફાળવણી, અમિત શાહને ગૃહ, દેશને મળ્યા પ્રથમ મહિલા નાણા મંત્રી

વડાપ્રધાન મોદીએ મંત્રીઓને ખાતાની ફાળવણી કરી છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને ગૃહ ખાતું સોંપવામાં આવ્યું છે જ્યારે રાજનાથસિંહ પાસેથી ગૃહ ખાતું લઈ રક્ષા મંત્રાલય સોંપવામાં આવ્યું છે. જ્યારે દેશને સર્વ પ્રથમ મહિલ નાણા મંત્રી મળ્યા છે. નિર્મલા સીતા રમણને નાણા મંત્રીનો કાર્યભાર સોંપવામાં આવ્યો છે.  

અમિત શાહ- ગૃહ મંત્રાલય

 રાજનાથ સિંહ- રક્ષા મંત્રાલય

નીતિન ગડકરી- માર્ગ પરિવહન-રાજમાર્ગ મંત્રાલય, લઘુ-મધ્યમ ઉદ્યોગ મંત્રાલય

સદાનંદ ગૌડા-રસાયણ અને ઉર્વક મંત્રાલય

 નિર્મલા સીતારમણ-નાણા અને કોર્પોરેટ અફેર્સ મંત્રાલય

રામવિલાસ પાસવાન-ખાદ્ય-સાર્વજનિક વિતરણ મંત્રાલય

નરેન્દ્ર સિંહ તોમર-કૃષિ અને કિસાન કલ્યાણ, ગ્રામીણ વિકાસ અને પંચાયત રાજ

રવિશંકર પ્રસાદ-કાયદો અને ન્યાય, ઈન્ફોર્મેશન અને બ્રોડકાસ્ટિંગ

હરસિમરત કૌર બાદલ- ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ મંત્રાલય

એસ. જયશંકર-વિદેશ મંત્રાલય

રમેશ પોખરિયાલ નિશંક-માનવ સંશાધન અને વિકાસ મંત્રાલય

થાવરચંદ ગેહલોત-સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય

અર્જુન મુંડા-આદિવાસી મામલે મંત્રાલય

સ્મૃતિ ઈરાની-મહિલા અને બાળ વિકાસ, કાપડ મંત્રાલય

હર્ષવર્ધન-સ્વાસ્થય અને પરિવાર કલ્યાણ, સાયન્સ એન્ડ ટેક્નોલોજી, ભૂ-વિજ્ઞાન

પ્રકાશ જાવડેકર-પર્યાવરણ, વન-જળ-વાયુ પરિવર્તન, સૂચના અને પ્રસારણ

પિષુય ગોયલ-રેલવે મંત્રાલય

ધર્મેન્દ્ર પ્રધાન-ઓઈલ એન્ડ ગેસ, સ્ટીલ મંત્રાલય

મુખ્તાર અબ્બાસ નકવી-લઘુમતિ બાબતોના મંત્રી

પ્રહલાદ જોશી, સંસદીય બાબતો, કોલસા અને ખાણ

મહેન્દ્ર નાથ પાંડે-સ્કીલ ડેવલપમેન્ટ મંત્રાલય, ઉદ્યોગ સાહસિકતા

મોદી કેબિનેટનું સંપૂર્ણ લિસ્ટ, વાંચો અહીં

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ રાષ્ટ્રપતિ ભવનમાં વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીને શપથ ગ્રહણ કરાવ્યા ત્યાર બાદ મોદી મંત્રી મંડળની શપથવિધિ કરવામાં આવી હતી. કુલ 24 કેબિનેટ મંત્રીઓ અને નવ રાજ્યકક્ષાના સ્વતંત્ર હવાલો ધરાવતા મંત્રીઓ ઉપરાંત 24 રાજ્યકક્ષાના મંત્રીઓએ શપથ ગ્રહણ કર્યા હતા. કેબિનેટમાં ત્રણ મહિલા પ્રધાન બન્યા છે.

નરેન્દ્ન મોદી – વડાપ્રધાન

કેબિનેટ મંત્રીઓ

 • રાજનાથસિંહ
 • અમિત શાહ
 • નીતિન ગડકરી
 • સદાનંદ ગૌડા
 • નિર્મલા સીતારમણ
 • રામ વિલાસ પાસવાન
 • નરેન્દ્રસિંગ તોમર
 • રવિશંકર પ્રસાદૉ
 • હરસિમત કૌર બાદલ
 • થાવરચંદ ગેહલોત
 • એસ.જય શંકર
 • રમેશ પોખરીયાલ નિશંક
 • અર્જુન મુંડા
 • સ્મૃતિ ઈરાની
 • હર્ષ વર્ધન
 • પ્રકાશ જાવડેકર
 • પિયુષ ગોયલ
 • ધર્મેન્દ્ર પ્રધાન
 • મુખ્તાર અબ્બાસ નકવી
 • પ્રહલાદ જોશી
 • મહેન્દ્રનાથ પાંડે
 • અરવિંદ સાવંત
 • ગિરીરાજસિંહ
 • ગજેન્દ્રસિંહ શેખાવત

રાજ્યકક્ષાના મંત્રીઓ( સ્વતંત્ર હવાલો)

 • સંતોષ ગંગવાર
 • રાવ ઈન્દ્રજિતસિંહ
 • શ્રીપદ યેસુ નાઈક
 • ડો.જીતેન્દ્ર પ્રસાદ
 • આર.કે.સિંગ
 • કિરન રિજજૂ
 • પ્રહલાદસિંહ પટેલ
 • હરદીપસિંહ પુરી
 • મનસુખ માંડવિયા

રાજ્યકક્ષાના મંત્રીઓ

 • ફગ્ગનસિંગ કલષતે
 • અશ્વિનીકુમાર ચૌબે
 • અર્જુન રામ મેઘવાલ
 • વી.કે.સિંગ
 • ક્રિષ્ન પાલ
 • દાનવે રાવસાહેબ દાદારાવ
 • જી.કિશન રેડ્ડી
 • પરષોત્તમ રૂપાલા
 • રામદાસ અઠાવલે
 • નિરંજન જ્યોતિ
 • બાબુલ સુપ્રિયો
 • સંજીવ કુમાર બાલ્યાન
 • ધોત્રે સંજય શ્યામરાવ
 • અનુરાગસિંગ ઠાકોર
 • અંગદ સુરેશ ચન્નાબસપ્પા
 • નિત્યાનંદ રાય
 • વી.મુરલીધરન
 • રેણુકાસિંગ સરુતા
 • સોમ પ્રકાશ
 • રામેશ્વર તૈલી
 • પ્રતાપચંદ્ર સારંગી
 • કૈલાશ ચૌધરી
 • દેબશ્રી ચૌધરી

બીજી વાર બિન કોંગ્રેસી PM તરીકે શપથ લઈ ઈતિહાસ રચતા નરેન્દ્ર મોદી, અમિત શાહની એન્ટ્રી

રાષ્ટ્રપતિ ભવનમાં દબદબાભેર સમારંભમાં બિન કોંગ્રેસી વડાપ્રધાન તરીકે બીજીવાર શપથ ગ્રહણ કરી નરેન્દ્ર મોદીએ ઈતિહાસ રચ્યો છે. વડાપ્રધાન મોદીએ હિન્દીમાં શપથ ગ્રહણ કર્યા બાદ રાષ્ટ્રપતિ કોવિંદે તેમને અભિનંદન આપ્યા હતા. સમગ્ર હોલમાં તાળીઓના ગડગડાટથી પીએમ મોદીને વધાવી લેવામાં આવ્યા હતા. મોદી પ્રધાન મંડળમાં જૂના જોગીઓની સાથે અનેક નવા ચહેરા જોવા મળવના છે. ખાસ કરીને ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહની કેન્દ્રીય મંત્રી મંડળમાં એન્ટ્રી થઈ છે. અમિત શાહે કેબિનેટ મંત્રી તરીકે શપત ગ્રહણ કર્યા હતા.

વડાપ્રધાન મોદી અને અમિત શાહ વચ્ચે શપથવિધિ સમારોહ પહેલાં 6 કલાક મેરથોન મીટીંગ ચાલી હતી. અમિત શાહે પીએમ મોદીની સાથે શપથ ગ્રહણ કર્યા છે. ગુજરાતની મોદી સરકારમાં અમિત શાહ ગૃહ રાજ્યમંત્રી તરીકે કામ કરી ચૂક્યા છે. કેન્દ્રમાં ફરી એક વાર મોદી અને શાહની જોડી સરકારમાં જોવા મળવાની છે.

હવે મોદી સરકારમાં અમિત શાહને નાણા મંત્રાલય મળવાની સંભાવના છે. આ ઉપરાંત રાજનાથસિંહને ગૃહ અને નિર્મલા સીતારમણને ફરી એક વાર રક્ષા મંત્રાલયમાં યથાવત રાખવામાં આવે તેવી શક્યતા છે. નાણા મંત્રી અરુણ જેટલીએ પોતાની તબિતય ખરાબ રહેતી હોવાથી મંત્રી મંડળમાં સામેલ થવાનો ઈન્કાર કર્યો હતો. ત્યારથી અમિત શાહની મોદી કેબિનેટમાં એન્ટ્રી થવાના નિર્દેશ મળી રહ્યા હતા.

મોદી કેબિનેટની શપથવિધિ, મનસુખ માંડવિયાએ છબરડો વાળ્યો, જાણો શું થયું

રાષ્ટ્રપતિ ભવનમાં મોદી પ્રધાન મંડળનો શપથવિધિ સમારંભ ચાલી રહ્યો છે. રાજ્યમંત્રી તરીકે શપથ લઈ રહેલા અને ગુજરાતના રાજ્યસભાના સાંસદ મનસુખ માંડવિયા દ્વારા છબરડો વાળવામાં આવ્યો હતો અને રાષ્ટ્રપતિ દ્વારા તે ભૂલ તરફ સુધારો કરવો પડ્યો હતો.

મનસુખ માંડવિયાએ મોદી પ્રધાનમંડળમાં બીજી વાર પ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યા ત્યારે શપથ દરમિયાન મનસુખ માંડવિયાએ હિન્દીમાં શપથ લેવાનું શરૂ કર્યું અને રાષ્ટ્રપિત કોવિંદે મૈં કહ્યું તો મનસુખ માંડવિયાએ મૈં બોલ્યા વિના જ શપથ વાંચવાનું શરૂ કર્યું હતું. મૈં મનસુખ માંડવિયા આખું નહીં બોલાતા રાષ્ટ્રપતિ કોવિંદે તરત જ ભૂલ તરફ ધ્યાન દોરી કહ્યું કે મૈં મનસુખ માંડવિયા તો રાજ્યમંત્રી બનેલા માંડવિયાએ ભૂલ સુધારી હતી અને ખિસયાણા પડી જઈને છબરડો થઈ ગયો હોવાનો અહેસાસ થતાં પાછળથી મૈં મનસુખ માંડવિયા વાંચીને શપથ ગ્રહણ કર્યા હતા.

આવી જ ભૂલ અન્ય રાજ્યમંત્રી કલષતે દ્વારા પણ થઈ હતી. તો રાષ્ટ્રપતિએ તેમને પણ ટકોર કરી કહ્યું કે મંત્રી કલષતે જી મૈં બોલાનું છે. આ ઉપરાંત ગંગા પરમ કિસન રેડ્ડીએ પણ શપથમાં ભૂલો કરી હતી અને હિન્દીમાં શપથ લેતી વખતે વિધિ અનુસાર બોલાનું જ ચૂકી ગયા હતા અને રાષ્ટ્રપતિ કોવિંદે તરત જ તેમને પણ અટકાવ્યા હતા અને ફરીથી શપથ ગ્રહણ કરવાનું કહ્યું હતું.

રાજ્યમંત્રી તરીકે શપથ લેતા પુરુષોત્તમ રૂપાલા

જ્યારે પુરુષોત્તમ રૂપાલાએ પણ રાજ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા હતા, તેમણે હિન્દીમાં શપથ વાંચી હતી.

ગુજરાતમાંથી કોણ-કોણ હશે મોદી કેબિનેટમાં, જાણો…

PM તરીકે નરેન્દ્ર મોદી આવતીકાલે બીજી વાર શપથ ગ્રહણ કરવા જઈ રહ્યા છે ત્યારે મોદી કેબિનેટમાં ગુજરાતમાંથી કોણ-કોણ હશે તે પ્રશ્ન ખાસ્સો ચર્ચાઈ રહ્યો છે ત્યારે મોદી કેબિનેટમાં ગુજરાતમાંથી બેથી ત્રણ નવા ચહેરાના સમાવેશની સંભવાના વ્યક્ત કરવામાં આવી રહી છે.

મોદી કેબિનેટમાં ગુજરાતમાંથી પ્રથમ નામ હાલના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનું આવી રહ્યું છે પણ અમિત શાહને કેબિનેટ બર્થ આપવામાં આવશે કે કેમ તે એક પ્રશ્ન છે. અમિત શાહની રાષ્ટ્રીય પ્રમુખ તરીકેની કામગીરી જોતાં તેમને સંગઠનમાં ચાલુ રાખવા માટે પણ ભાજપના વરિષ્ઠ નેતાઓ માની રહ્યા છે. તો આ વખતે અમિત શાહને કેબિનેટમાં સામેલ કરી તેમને રક્ષા મંત્રાલય કે ગૃહ મંત્રાલય આપવામાં આવે તેવી શક્યતા છે.

અમિત શાહ ઉપરાંત પુરુષોત્તમ રૂપાલા, મનસુખ માંડવીયા, પરબત પટેલ, જશવંત ભાંભોર સહિતના નેતાઓને પણ કેબિનેટ બર્થ મળવાની શક્યતા જોવામાં આવી રહી છે. આ ઉપરાંત મહિલા તરીકે પણ ભારતીબેન શિયાલ કે અન્યને કેબિનેટમાં સામેલ કરવામાં આવે તેવી ચર્ચા ચાલી રહી છે.

સુરત અગ્નિકાંડનો મામલો પહોંચ્યો સુપ્રીમ કોર્ટમાં, કોચીંગ ક્લાસીસ માટે નિયમો ઘડવા કરાઈ માંગ

સુરતના અગ્નિકાંડ બાદ સુપ્રીમ કોર્ટમાં પીટીશન દાખલ કરવામાં આવી છે. આ પીટીશનમાં પ્રાઈવેટ ટ્યુશન-કોચીંગ ક્લાસીસને લઈ કેન્દ્ર સરકારને નીતિ-નિયમો ઘડવા માટેના દિશા નિર્દેશ આપવાની અરજ કરવામાં આવી છે. એડ્વોકેટ પવન પ્રકાશ પાઠક દ્વારા દાખલ કરવામાં આવેલી પીટીશનમાં સુરતના ટ્યુશન ક્લાસીસમાં 22 બાળકોના મોતના પગલે પીટીશન દાખલ કરી કોચીંગ ક્લાસીસ માટે નવેસરથી નિયમો ઘડવાની માંગ કરવામાં આવી છે.

પીટીશનમાં જણાવાયું છે કે ભણતર માટે વિદ્યાર્થીઓના મૂળભૂત અધિકારીનું હનન કરવામાં આવી રહ્યું છે અને કોચીંગ ક્લાસીસ તથા ટ્યુશન કલાસીસ ઉભા કરી સમાંતર શિક્ષણ વ્યવસ્થા ઉભી કરી દેવામાં આવી છે જેમાં વિદ્યાર્થીઓને ફરજિયાતપણે ભણવા માટે ધકેલવામાં આવી રહ્યા છે. વિદ્યાર્થીઓ માટે સલામતીના પગલા જરૂરી બન્યા છે.

પીટીશનમાં જણાવ્યા પ્રમાણે મોટાભાગના ટ્યુશન ક્લાસીસ ગેરકાયદે રીતે ચાલી રહ્યા છે. ખાસ કરીને ફી અને સલમાતીના પાસાઓ સુસંગત ન હોવાથી તે માટે કોર્ટ દ્વારા કેન્દ્ર સરકારને ચોક્કસ ગાઈડ લાઈન આપવામાં આવે તે જરૂર બન્યું છે. કોચીંગ ક્લાસીસમાં અભ્યાસ કરવા માંગતા વિદ્યાર્થીઓ તથા પોતાના બાળકોને કોચીંગ ક્લાસીસમાં ભણવા માંગતા વાલીઓ માટે સુચારી રીતે કોચીંગ ક્લાસીસને નિયમીત કરવાની દિશામાં કાર્યવાહી કરવામાં આવે.

પીટીશનમાં જણાવાયું છે કે મોટા ભાગના વિદ્યાર્થીઓને સ્કૂલમાં અભ્યાસ કરવાના બદલે કોચીંક ક્લાસીસમાં ભણવા માટે પ્રેશર કરવામાં આવે છે. મિડલ ક્લાસના લોકો પોતાની પગારનો 1/3 ખર્ચ બાળકોને પ્રાઈવેટ કોચીંગ ક્લાસીસમાં ભણવા પાછળ કરી રહ્યા છે. સ્કૂલ ટીચર્સ દ્વારા પણ બાળકોને ટ્યુશન કરવા મજબૂર કરવામાં આવે છે. 80 ટકા વાલીઓ માટે કોચીંક ક્લાસીસનો ખર્ચ ભોગવવો મુશ્કેલ બની રહે છે. કોચીંગ ક્લાસીસમાં ફીના નામે પણ ઉઘાડી લૂંટ કરવામાં આવે છે.

એસોચેમના આંકડા જણાવે છે કે 87 ટકા પ્રાયમરીના બાળકો તથા 95 ટકા હાયર સેકન્ડરીના બાળકો સ્કૂલ કરતાં પ્રાઈવેટ ટ્યુશનમાં વધુ ભણી રહ્યા છે. બંધારણની કલમ 12ના દાયરામાં કોચીંગ ક્લાસીસ પણ  આવી જાય છે. જેથી કરીને પ્રાઈવેટ ટ્યુશન અંગે ચોક્કસ ગાઈડ લાઈન માટે પીટીશનમાં માંગ કરવામાં આવી છે.