છત્રી-રેઈનકોટ લઈને થઈ જાઓ તૈયાર, ગુજરાતના આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

દક્ષિણ ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહમાં સાર્વત્રિક વરસાદ થયો છે. આજથી ચાર દિવસ દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડવાની હવામાન ખાતા દવારા આગાહી કરવામાં આવી છે, જેમાં નવસારી, વલસાડ, ડાંગ, દમણ અને દાદરા અને નગર-હવેલીમાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરતા રવિવારે રેડએલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય થયું છે, જેને પગલે આગામી ચાર દિવસ દરમિયાન ગુજરાતના વિવિધ વિસ્તારમાં વરસાદી માહોલ સર્જાશે, જેમાં કેટલાક વિસ્તારોમાં તો ભારેથી અતિભારે વરસાદ પડશે.હવામાન વિભાગે આજથી આગામી ચાર દિવસ સુધી સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.

હવામાન વિભાગના કહેવા પ્રમાણે તા. ર૬ જુલાઈ સુધી ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પડશે. આ દરમિયાન અનેક ઠેકાણે ભારે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની સાથે સાથે આ દરમિયાન ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર-હવેલી, બનાસકાંઠા, પાટણ, અરવલ્લી, આણંદ, દાહોદ, મહીસગાર, ભરૃચ, ડાંગ, તાપી, જામનગર, મોરબી, દ્વારકા અને કચ્છ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવે છે, જ્યારે રપ જુલાઈએ ભરૃચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર-હવેલી, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, આણંદ, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, રાજકોટ, અમરેલી, ભાવનગર, ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ર૬ જુલાઈએ નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર-હવેલી, બનાસકાંઠા, પાટણ, પોરબંદર, જૂનાગઢ, ગીર-સોમનાથમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.

ગુજરાતમાં હજુ સુધી ૮.પ૭ ઈંચ સાથે મોસમનો સરેરાશ રપ.૯ર ટકાવરસાદ નોંધાયો છે. અત્યાર સુધી કચ્છમાં ૪.૭ર ઈંચ સાથે ર૮.૩પ ટકા, ઉત્તર ગુજરાતમાં પ.૪૩ ઈંચ સાથે ૧૯.ર૯ ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં ૮.૯૬ ઈંચ સાથે રર.પ ટકા, સૌરાષ્ટ્રમાં ૬.૬૧ ઈંચ સાથે ર૪.૦૭ ટકા અને દક્ષિણ ગુજરાતમાં ૧૮.રર ઈંચ સાથે મોસમનો ૩૧.૯ર ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે.

હવે ગુજરાતમાં નગરપાલિકાઓને વિકાસ કામોના આધારે સ્ટાર રેન્કીંગ અપાશે

ગુજરાતની 156 જેટલી નગરપાલિકાઓની કાર્ય પદ્ધતિની સમીક્ષા કરવા શુક્રવારે ગાંધીનગરમાં રાજ્યના ૬ રિજીયોનલ મ્યુનિસિપલ કમિશનરો અને શહેરી વિકાસ વિભાગની મહત્વની બેઠક સીએમ વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી જેમાં રાજ્યની ૧પ૬ નગરપાલિકાઓ વચ્ચે વિકાસના અને જનસુખાકારી સુવિધા વૃદ્ધિના કામોની શ્રેષ્ઠતાની તંદુરસ્ત સ્પર્ધા થાય તેવું વાતાવરણ નિર્માણ કરવા અને નગરોમાં નાગરિક સુખાકારી, લાઇટ-પાણી-રસ્તા, એસ.ટી.પી-ભૂર્ગભ ગટર, હર ઘર જલ-નલ સે જલ વગેરે વિવિધ વિકાસ કામોના પેરામિટર્સના આધારે નગરપાલિકાઓને સ્ટાર રેન્કીંગ આપવામાં આવશે તેવી પણ ચર્ચા થવા પામી હતી. આ ઉપરાંત નગરપાલિકાઓમાં એક સમાન કોમન ટેક્સ એસસમેન્ટ-રિકવરી સિસ્ટમની સંભાવના અને સર્વગ્રાહી વિચારણા માટે ઉચ્ચસ્તરીય કમિટીની રચના કરાશે તેવો નિર્ણય લેવાયો હતો.

રૂપાણીએ આ સમીક્ષા બેઠકમાં સ્પષ્ટપણે કહ્યું કે, ગુજરાત ડેવલપ્ડ અને પ્રોગ્રેસિવ સ્ટેટ તરીકે પ્રસ્થાપિત થયેલું છે. હવે દેશભરની નગરપાલિકાઓ માટે ઉદાહરણ રૂપ અને દિશાદર્શક આપણી નગરપાલિકાઓ બને તેવું બેસ્ટ એડમિનિસ્ટ્રેશન, ટ્રાન્સપેરન્સિથી વિકાસ કામો હાથ ધરીને લોકોને પણ બદલાવ-ચેન્જની અનુભૂતિ થાય અને નગરો પ્રોગ્રેસિવ બને તેવી વ્યવસ્થાઓ RCM પોતાના વિસ્તારની નગરપાલિકાઓમાં વિકસાવે.

રિજીયોનલ મ્યુનિસિપલ કમિશનરો પોતાના કાર્યક્ષેત્રમાં આવતી નગરપાલિકાઓમાં લોક સુખાકારી-સગવડતા વધારતા કામોના લક્ષ્યાંક નિર્ધારીત કરીને આ કામો ત્વરાએ પૂર્ણ કરે તે આવશ્યક છે. રૂપાણીએ એવું પણ સૂચન કર્યુ કે, પોતાના કાર્યક્ષેત્રમાં જે નગરપાલિકાઓ આવતી હોય તેના આવા વિકાસ કામો-લોકહિત કામોની પ્રગતિની સમીક્ષા દર પખવાડીયે RCM નગરપાલિકાઓના પ્રમુખો ને ચીફ ઓફિસરો, પદાધિકારીઓ સાથે બેઠક યોજીને કરે તે જરૂરી છે.

એટલું જ નહિ, આ સમીક્ષા બેઠકની વિગતો અને રાજ્ય સરકાર સાથે હાથ ધરવાની થતી બાબતો માટે તમામ RCMની દર મહિને એક રાજ્ય સ્તરીય બેઠક શહેરી વિકાસ વિભાગ અને કમિશનર ઓફ મ્યુનિસિપાલિટીઝ એડમિનિસ્ટ્રેશન કક્ષાએ યોજાય અને ઝડપી નિવારણ લાવવામાં આવે તેવું સૂચન પણ તેમણે કર્યુ હતું.

ગ્રીનમેન વિરલ દેસાઈ દ્વારા અયોધ્યાના મંદિરના માનમાં ભવ્ય રામવન તૈયાર થશે

સુરતનાં હાર્ટ્સ એટ વર્ક ફાઉન્ડેશન દ્વારા આદિવાસી બાળકોના શિક્ષણ માટે કામ કરતી સંસ્થા ‘સરદાર વલ્લભભાઈ પટેલ સ્મૃતિ ટ્રસ્ટ’ સાથે પર્યાવરણીય કાર્યો માટે એમઓયુ થયા છે, જે અંતર્ગત ગ્રીનમેન વિરલ દેસાઈની આગેવાનીમાં હાર્ટ્સ એટ વર્ક ફાઉન્ડેશન સચીન ખાતે આવેલી શૈક્ષણિક સંસ્થામાં અયોધ્યાના રામ મંદિરના માનમાં ‘રામવન’ નામે ભવ્ય અર્બન ફોરેસ્ટ તૈયાર કરશે અને એ રીતે મંદિર નિર્માણની ઐતિહાસિક ઘટનાને પોતાની ભાવના અર્પણ કરાશે.

આ સંદર્ભે ગ્રીનમેન વિરલ દેસાઈએ કહ્યું હતું કે, ‘આગામી સમયમાં આ શાળાના કેમ્પસમાં ‘રામવન’ નામે વિશાળ અર્બન ફોરેસ્ટ તૈયાર થશે અને અહીં ઈકો સિસ્ટમ રિસ્ટોરેશન પર ધ્યાન આપવામાં આવશે. રામ શબ્દ જ મહામુશ્કેલીઓને ટાળનારો છે તો રામના માનમાં આવા વન તૈયાર થાય તો પ્રદૂષણને લગતી અનેક સમસ્યાઓ નાશ પામશે. આખરે પ્રકૃતિ સંવર્ધનના માધ્યમથી પણ રામની આરાધના થઈ જ શકે છે. એ રીતે અનેક પક્ષીઓ અને જીવજંતુઓને પનાહ મળશે અને સચીન વિસ્તારના હજારો લોકોને સારી માત્રામાં ઑક્સિજન મળશે.’

આ પ્રોજેક્ટ અંતર્ગત આગામી સમયમાં લોકોને ભગવાન રામ સાથે જોડાવા માટે અપીલ પણ કરાશે અને લોકો રામવનના વૃક્ષો દત્તક પણ લઈ શકશે. આ સંદર્ભે સંસ્થાના ટ્રસ્ટ્રી તેમજ સુરતના પૂર્વ મેયર ગીતાબેન દેસાઈએ જણાવ્યું હતું કે, ‘ખેડૂતની પુત્રી તરીકે હું અત્યંત આનંદીત છું કે પર્યાવરણ માટેના અનેક રાષ્ટ્રીય અને આંતરાષ્ટ્રીય એવોર્ડ જીતી ચૂકેલા વિરલભાઈ અમારી સંસ્થા સાથે જોડાયા છે. રામવનને કારણે અમારા બાળકોને એક સ્વસ્થ માહોલમાં રહેવા- ભણવા મળશે અને તેમને વૃક્ષો તેમજ પર્યાવરણ સંદર્ભે નિસ્બત કેળવાશે. આ પ્રોજેક્ટને કારણે અમારા બાળકોને તેમના ઘર જેવો જ માહોલ મળશે અને વનની પ્રતિતિ થશે.’

ઉલ્લેખનીય છે કે હાર્ટ્સ એટ વર્ક ફાઉન્ડેશનના સત્યાગ્રહ અગેઈન્સ્ટ પોલ્યુશન અંતર્ગત રામમંદિરના માનમાં તૈયાર થઈ રહેલું રામવન સચીન અને આસપાસના વિસ્તારો માટે ઑક્સિજન ચેમ્બર બની રહેશે અને સમગ્ર વિસ્તારના પર્યાવરણ પર હકારાત્મક અસરો ઊભી કરશે.

સ્પર્મ એકત્ર કર્યા બાદ વડોદરામાં કોરોના દર્દીનું મોત, પત્નીએ કરી હતી બાળકને જન્મ આપવાની ઈચ્છા

ગુજરાત હાઈકોર્ટના નિર્દેશો પર વડોદરાની એક ખાનગી હોસ્પિટલ દ્વારા ગંભીર કોવિડ-19 દર્દીના સ્પર્મને એકત્રીત થયાના કલાકો પછી દર્દીનું મોત નીપજ્યું હતું. દર્દીની પત્નીએ બાળકને જન્મ આપવાની ઇચ્છા વ્યક્ત કરતાં, પતિના વીર્યને એકત્રિત કરવા માટે હાઇકોર્ટની મંજૂરી માંગી હતી. કોવિડ -19 દર્દી બાઈલેટરલ ન્યુમોનિયાથી પીડિત હતો.

આ ઘટના પ્રકાશમાં આવ્યા બાદ પત્ની અને સગાઓમાં શોકનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. હોસ્પિટલ ખાતે સંબંધીઓનું માતમ જોવા મળ્યું હતું. દર્દીને બચાવવા માટે ડોક્ટરો દ્વારા ભરચક પ્રયાસ કરવામાં આવ્યા હતા પરંતુ આખરે મોત સામેનો જંગ દર્દી હારી ગયો હતો.

 

 

શાબ્બાશ: ગુજરાતના આ જિલ્લાનાંં પાંચ ગામોમાં 100 ટકા રસીકરણ

ભરૂચ જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી આવી રહેલી કોવિડ-૧૯ કોરોના વાઇરસની રસીકરણની કામગીરીમાં સિમાચિહ્નરૂપ ૫(પાંચ) ગામોમાં સો ટકા રસીકરણ કરવામાં આવ્યું હોવાનું આરોગ્ય વિભાગ તરફથી જણાવાયું છે.

ભરૂચ જિલ્લા કલેક્ટર ડૉ. એમ.ડી.મોડિયાના સીધા માર્ગદર્શન હેઠળ અને જિલ્લા વિકાસ અધિકારી યોગેશ ચૌધરી રાહબરી હેઠળ જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લામાં કોવિડ-૧૯ કોરોના વાઇરસ સામે પ્રતિરોધાત્મક રસી માટેના રસીકરણની કામગીરી કરવામાં આવી રહી છે. આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લાના વિવિધ તાલુકાના ૫(પાંચ) ગામોમાં સો ટકા રસીકરણની કામગીરી કરી સીમાચિહ્ન સ્થાપિત કરવામાં આવ્યું છે.

જિલ્લા આરોગ્ય વિભાગ તરફથી મળતી વિગતો અનુસાર જિલ્લામાં કરવામાં આવી રહેલી રસીકરણની કામગીરી દરમિયાન હાંસોટ તાલુકાના સાહોલ, વાગરા તાલુકાના નાંદરખા, આમોદ તાલુકાનું મંજોલા, અંકલેશ્વર તાલુકાના સજોદ અને કાનવા ગામે સો ટકા રસીકરણનો લક્ષ્યાંક સિદ્ધ કરવામાં આવ્યો છે.

જિલ્લામાં રસીકરણ અંગે જાગૃતિ આવે તથા જિલ્લાની જાહેર જનતા રસીકરણ કરાવવા માટે આગળ આવે એ માટે જિલ્લા પ્રશાસન દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેના ફળસ્વરૂપે જિલ્લાના ઉપરોકત પાંચ ગામોએ સો ટકા રસીકરણની સિદ્ધિ હાંસલ કરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, સમગ્ર વિશ્વને ભરડામાં લેનાર કોવિડ-૧૯ કોરોના વાયરસની મહામારીને નાથવા માટે રસીકરણ જ એકમાત્ર વિકલ્પ છે. નિષ્ણાંતો દ્વારા નજીકના સમયમાં કોરોના વાયરસના સંક્રમણની ત્રીજી લહેરની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારે ભરૂચ જિલ્લા પ્રશાસન દ્વારા જાહેર જનતાને કોરોના વાયરસના સંક્રમણથી બચાવવા માટે રસીકરણ કરવામાં આવી રહ્યું છે. આવનારી સંભવિત ત્રીજી લહેરથી બચવા માટે જિલ્લાના તમામ પ્રજાજનોને ઝડપથી રસીકરણ કરાવી લેવા જિલ્લા પ્રશાસન તરફથી જિલ્લા કલેકટર ડૉ. એમ.ડી.મોડિયા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

પોર્ન ફિલ્મ રેકેટ: સુરતના તન્વીર હાશમીએ અનેક પોર્ન ફિલ્મ બનાવી રાજ કુંદ્રાને વેચી હતી

હાલ સમગ્ર દેશમાં ટોક ઓફ ધી ટાઉન બનેલી રાજકુંદ્રા દ્વારા પોર્ન ફિલ્મોના રેકેટની ઘટનામાં સૌથી પહેલા મુંબઈ ક્રાઈમ બ્રાંચ સુરતના તન્વીર હાશ્મીને ઉંચકી ગઈ હતી. સુરત જિલ્લાના બારડોલી ખાતેના બંગલામાં પોર્ન ફિલ્મોનું શૂટીંગ કરવામાં આવ્યું હોવાનું પણ પોલીસ તપાસમાં જે-તે વખતે ખૂલવા પામ્યું હતું.

તન્વીરે ઘણી પોર્ન ફલ્મો બનાવી રાજકુંદ્રાને વેચી હોવાની શક્યતાઓ છે. આ ફિલ્મોના બદલે રાજકુંદ્રા તન્વીરને મસમોટી રકમ આપતો હોવાની વાત છે. સુરતમાં તન્વીરની ધરપકડ પછી ક્રાઇમ બ્રાન્ચને રાજકુન્દ્રા સામે ઠોસ પુરાવા મળી આવ્યા હોવાનું કહેવાય છે. અલબત આ પબ્લિક ફીગર હોવાને કારણે ક્રાઇમ બ્રાન્ચ મુંબઇ દ્વારા તમામ મજબૂત પૂરાવા રજૂ કરીને કાર્યવાહી કરવામાં આવી છે.

મુંબઈ સહિત સમગ્ર દેશમાં ચકચાર મચાવનાર પોર્ન ફિલ્મ રેકેટનું કનેક્શન સુરત સુધી પહોંચ્યા બાદ હવે રાજ કુંદ્રા સુધી પહોંચ્યું છે. મુંબઈ ક્રાઈમ બ્રાંચ ફેબ્રુઆરી મહિનામાં સુરતથી તન્વીર હાશમીને ભાટપોર નજીકથી ઉંચકી ગઈ હતી. મુંબઈ ક્રાઈમ બ્રાંચની ટીમએ મુંબઇના મડ આઇલેન્ડ ખાતે પોર્ન ફિલ્મોનું શુટીંગ થઇ રહ્યાનું ધ્યાન પર આવતા દરોડા પાડ્યા હતા. ક્રાઈમ બ્રાંચની ટીમએ ત્યાંથી પાંચ વ્યક્તિને ઝડપી પાડ્યા હતા. ફિલ્મમાં કામ કરનારી મોડેલ ગહના વશિષ્ટ સહિત એક કંપનીના ડિરેક્ટર ઉમેશ કામત, હોટહીટ મુવીઝ એપના સંચાલક શાન બેનર્જી ઉર્ફે દિવાંકર ખાસનવીસની ધરપકડ કરવામાં આવી હતી.

તપાસ દરમિયાન સુરતમાં રહેતા તન્વીર હાશમીની મહત્વની ભૂમિકા હોવાનું સામે આવ્યું હતું. તન્વીર ફોર્ન ફિલ્મો બનાવતો અને વેચતો હતો. તન્વીર હાશમીની પણ મહત્વની ભૂમિકા હોવાનું ધ્યાન પર આવતા મુંબઇ ક્રાઇમ બ્રાંચની ટીમ સુરત દોડી આવી હતી. સુરત ભાટપોર ખાતેથી તન્વીરની ધરપકડ કરી મુંબઈ લઈ ગઈ હતી. તેની પુછપરછમાં પોર્ન ફિલ્મ મેકીંગનો રેલો રાજ કુંદ્રા સુધી પહોંચ્યો હતો.

તન્વીર સુરતમાં અડાજણ, ઇચ્છાપોર, બારડોલીના ફાર્મ હાઉસમાં પણ ફિલ્મો બનાવતો હતો. તેની ફિલ્મમાં ગહેનાએ પણ કામ કર્યું હતું. અને રાજ કુંદ્રાએ ગહેનાની ફિલ્મોને પણ એપ પર વેચી હતી. જેથી રાજ કુંદ્રા સાથે સ્પષ્ટ સંડોવણી દેખાઈ આવી હતી. તન્વીર સુરતના ચોક બજાર વિસ્તારમાં રહેતો હતો. તન્વીરે સુરતની અડાજણ, ઇચ્છાપોર, સ્ટેશન પાસેની અનેક હોટેલોમાં પોર્ન ફિલ્મોની શુટીંગ કરી છે.

પહેલી ઓગષ્ટથી 9મી ઓગષ્ટ સુધી રૂપાણી સરકારના પાંચ વર્ષની આ રીતે કરાશે ઉજવણી

મુખ્ય મંત્રી વિજય રૂપાણીના નેતૃત્વ હેઠળ ગુજરાતમાં અનેક જન ઉપયોગી યોજનાઓનો આરંભ થયો અને યોજનાઓનો લાભ પણ પ્રજાજનોને થયો છે. રૂપાણીના નેતૃત્વમાં ભાજપ સરકારને આગામી ઓગસ્ટ માસમાં પાંચ વર્ષ પૂર્ણ થશે તેના નિમિત્તે “પાંચ વર્ષ આપણી સરકારના- સૌના સાથ, સૌના વિકાસના” અંતર્ગત રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમો થકી રાજ્યની અવિરત વિકાસ યાત્રાને વધુ વેગવંતી બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

કેબીનેટ બેઠકમાં આ નવ દિવસની ઉજવણીના કાર્યક્રમને આખરી ઓપ આપવામાં આવ્યો હતો. જેમાં તા. ૦૧ ઓગષ્ટ-૨૦૨૧-જ્ઞાનશક્તિ દિવસ, ૦ર ઓગષ્ટ-સંવેદના દિવસ, ૦૪ ઓગષ્ટ-નારી ગૌરવ દિવસ, ૦૫ ઓગસ્ટ-કિસાન સન્માન દિવસ, ૦૬ ઓગસ્ટ-રોજગાર દિવસ, ૦૭ ઓગસ્ટ-વિકાસ દિવસ, ૦૮ ઓગસ્ટ-શહેરી જન સુખાકારી દિન અને ૦૯ ઓગસ્ટ-વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાશે.

કેબીનેટ બેઠક બાદ ગાંધીનગરમાં ગૃહ રાજય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે આ કાર્યક્રમ અંતર્ગત મુખ્ય મંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલના નેતૃત્વ હેઠળ સુશાસનના પાંચ વર્ષની જન ભાગીદારીથી જન ઉપયોગી કાર્યો- સેવાઓને વધુ સઘન બનાવાશે અને વિવિધ ફ્લેગ શીપ યોજનાઓનો વ્યાપ પણ વધારાશે. એટલુ જ નહીં, વર્તમાન કોરોનાના સંક્રમણની પરિસ્થિતિને ધ્યાને રાખીને તમામ કોવિડ પ્રોટોકોલ અને નીતિ નિયમોનું ચુસ્ત પાલન કરીને રાજ્યભરમાં આ વિવિધ કાર્યક્રમોનુ આયોજન કરાશે.

 

 

26 જુલાઈથી ગુજરાતમાં ધોરણ 9 થી 11નું ફિઝીકલ શૈક્ષણિક કાર્ય શરુ કરાશે

મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં આ અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોર કમિટીના આ બેઠકમાં રાજ્યમાં કોરોના સંક્રમણની સ્થિતિ અને ઉત્તરોત્તર ઘટતા જતા કોવિડ કેસોની સંખ્યાને ધ્યાનમાં લઈ દૈનંદીની પ્રવૃત્તિઓ શાળાવર્ગો વગેરે રાબેતા મુજબ પૂર્વવત કરવા અંગે વિસ્તૃત સમીક્ષા અને ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

મુખ્યમંત્રી રૂપાણીએ તદઅનુસાર સમગ્ર રાજ્યમાં આગામી 26 તારીખ જુલાઈ 2021 થી શાળાઓના ધોરણ 9 થી 11 ના વર્ગો શરૂ કરવાનો નિર્ણય કર્યો છે.

આ વર્ગો 50 ટકા ક્ષમતા સાથે ફરી શરૂ કરી શકાશે. એટલું જ નહિ વિદ્યાર્થીઓની હાજરી મરજિયાત રાખવામાં આવી છે. શાળા વર્ગોમાં અભ્યાસ માટે આવનારા વિદ્યાર્થીઓએ પોતાના વાલીનુંસંમતિપત્રક પણ લાવવાનું રહેશે. આ સાથે ઓનલાઈન એજ્યુકેશન સિસ્ટમ પણ યથાવત ચાલુ રાખવામાં આવશે તેવો નિર્ણય પણ મુખ્યમંત્રીએ કોર કમિટીમાં કર્યો છે. ધોરણ 9 થી 11 ના વર્ગો આગામી 26 જુલાઈ 2021 થી શાળાઓમાં શરૂ થાય ત્યારે કોરોના સંક્રમણ નિયંત્રણની ગાઈડલાઈન્સ- SOPનું પાલન થાય તે પણ શિક્ષણ વિભાગે સુનિશ્ચિત કરાવવાનું રહેશે.

રાજ્ય સરકારે આ અગાઉ તારીખ 9 જુલાઈથી ઉચ્ચત્તર માધ્યમિક ધોરણ 12ના વર્ગો તેમજ ડિપ્લોમા-ડિગ્રીના કોલેજ વર્ગો 50 ટકા કેપેસિટીથી શરૂ કરાવેલા છે. હવે, ધોરણ 9 થી 11 ના શાળા વર્ગો પણ ભૌતિક રીતે આગામી તારીખ 26 જુલાઈથી શરૂ થશે.

કોર કમિટીના આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ઉર્જા મંત્રી સૌરભ પટેલ, ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા તેમજ મુખ્યસચિવ અનિલ મુકિમ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમાર, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ.કે.દાસ, આરોગ્યના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલ અને અન્ય સચિવો ઉપસ્થિત રહ્યા હતા.

પાંચ હજાર કરોડનું કૌભાંડ: સાંડેસરા બંધુઓની સંપત્તિની કરાશે હરાજી

વડોદરા જિલ્લામાં એક સમયે જાણીતું નામ એવા નિતીન સાંડેસરા અને ચેતન સાંડેસરા દ્વારા સ્ટર્લિંગ બાયોટેક લી. શરૂ કરવામાં આવી હતી. જો કે, થોડાક સમય બાદ સાંડેસરા બંધુઓનું હજારો કરોડનું બેંક લોન કૌભાંડ સામે આવ્યું હતું અને હાલ કંપની સામે કાર્યવાહી એનસીએલટીમાં ચાલી રહી છે, ત્યારે હવે ફડચા અધિકારી એડવોકેટ મમતા બિનાનીની દેખરેખ હેઠળ કંપનીની રૂપિયા ૫૪૮ કરોડની સંપત્તિની ઓનલાઇન હરાજી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંગે આજરોજ પબ્લિક નોટીસ પ્રસિદ્ધ કરવામાં આવી હતી.

સ્ટર્લિંગ બાયોટેક લી.ના નિતીન સાંડેસરા અને ચેતન સાંડેસરાનું વડોદરા નહિ સમગ્ર રાજ્ય અને મુંબઇ તથા દિલ્હી સુધી દબદબો હતો. વડોદરામાં જાણીતા ગરબાનું આયોજન દર વર્ષો સાંડેસરા બંધુઓ દ્વારા કરવામાં આવતું હતું. અને બિઝનેસ વર્તુળોમાં તેમની ભારે પકડ હતી. જો કે, સાંડેસરા બંધુઓનો દબદબો અને સ્ટર્લિંગ જુથની ખ્યાતી લાંબો સમય ટકી ન હતી.

સ્ટર્લિંગ બાયોટેક લી.ના સંચાલકો નિતીન સાંડેસરા અને ચેતન સાંડેસરા તથા સ્ટર્લિંગ જૂથની અન્ય કંપનીઓની મળીને હજારો કરોડ રૂપિયાનું બેંક લોન કૌભાંડ સામે આવ્યું હતું. જેમાં પ્રથમ સીબીઆઇ અને ત્યાર બાદ દેશની અગ્રણી તપાસ સંસ્થાઓ તપાસાર્થે જોડાઇ હતી. હાલ સાંડેસરા બંધુઓ સહપરિવાર દેશની બહાર છે. અને સરકારની પકડથી દૂર છે.

કોરોના કાળમાં લોકડાયરા અંગે લોક ગાયિકા ગીતા રબારીને મોટી રાહત, હાઈકોર્ટે કર્યો મનાઈ હુકમ

ગુજરાત રાજ્યની લોકગાયિકા ગીતા રબારીને ગુજરાત હાઈકોર્ટ માંથી મોટી રાહત મળી છે. હાઈકોર્ટે ગીતા રબારી વિરુદ્ધ કાર્યવાહી મામલે વચગાળાનો મનાઈ હુકમ ફરમાવ્યો છે. જેમાં કોર્ટે જણાવ્યું છે કે લોકગાયિકા ગીતા રબારી વિરુદ્ધ હાલમાં કોઈપણ પ્રકારના પગલાં લેવામાં આવશે નહીં.

કોરોના કાળમાં ભુજ ના રેલડી ગામમાં લોકડાયરા નું આયોજન કરવા મામલે ગીતા રબારી સામે ફરિયાદ નોંધાઈ હતી

ફરિયાદ રદ કરવા મામલે ગીતા રબારીએ હાઇકોર્ટમાં અરજી કરી હતી

અવારનવાર વિવાદમાં આવતી લોકગાયિકા ગીતા રબારી સહિતના કલાકારો સામે જાહેરનામાના ભંગ અંગેની ફરિયાદ નોંધાઇ છે. મહત્વનું છે કે, ભૂજ નજીક રેલડીમાં ફાર્મ હાઉસમાં કોવિડના નિયમોના ધજાગરા ઉડાવીને ડાયરાનું આયોજન કરાયું હતું. જેમાં ગીતા રબારી, નિલેષ ગઢવી અને લક્ષ્મણ બારોટ સહિતના કલાકારો ઉપસ્થિત રહ્યાં હતાં.