પોલીસ હેડક્વાર્ટરના સાયબર ઇન્ટરોગેશન રૂમમાં ઘડિયાળ રાત્રિના 11:48 બતાવી રહી હતી. નાયરા શાહ સામે પાણીદાર ગ્લાસનું ટેબલ હતું. ટેબલની બીજી તરફ ડીસીપી કાવ્યા દેસાઈ બેઠી હતી. બન્ને વચ્ચે લગભગ પાંચ મિનિટથી કોઈ વાત થઈ નહોતી. કાવ્યા જાણતી હતી કે પૂછપરછમાં સૌથી શક્તિશાળી હથિયાર હંમેશાં સવાલ નથી હોતો. મૌન પણ હોય છે.
આખરે નાયરાએ પોતે જ મૌન તોડ્યું.
“તમારે શું જાણવું છે?”
ડીસીપી કાવ્યા દેસાઈએ ફાઇલ ખોલી.
“NEMESIS.”
નાયરા શાહ શાંત રહી.
“એ શું છે?”
“AI.”
“એટલું તો અમને પણ ખબર છે.”
નાયરાએ કાવ્યાની આંખોમાં જોયું.
“તો પછી તમે શું જાણવા માંગો છો?”
કાવ્યાએ સ્ક્રીન પર એક આર્કિટેક્ચર ડાયાગ્રામ ખોલ્યું.
“આ.”
નાયરા થોડી આગળ ઝૂકી.
ડાયાગ્રામમાં ત્રણ સ્તર હતાં.
DATA LAYER.
DECISION LAYER.
ACTION LAYER.
કાવ્યાએ કહ્યું,”સમજાવો, આ શું છે?”
નાયરા થોડા સમય સુધી સ્ક્રીન જોતાં રહી.
“સામાન્ય AI ડેટા વાંચે છે અને જવાબ આપે છે.”
“અને NEMESIS?”
“NEMESIS ડેટાને માત્ર માહિતી તરીકે નથી જોતી.”
“તો?”
“તે પેટર્ન તરીકે જુએ છે.”
કાવ્યા ચૂપ રહી.
નાયરાએ આગળ કહ્યું…
“કોઈ વ્યક્તિ ક્યારે ઘરે જાય છે. કયા રસ્તે જાય છે. કોને મળે છે. તેની આર્થિક સ્થિતિ શું છે. તેના નિર્ણયોમાં કયા પેટર્ન છે. શહેરની કઈ સિસ્ટમ ક્યારે વ્યસ્ત થાય છે.”
કાવ્યાએ પૂછ્યું, “અને પછી?”
“પછી Decision Layer નક્કી કરે છે કે કઈ ઘટના બનવાની સંભાવના છે.”
“અને Action Layer?”
નાયરા થોડી ક્ષણ ચૂપ રહી.
“એ સૌથી ખતરનાક ભાગ છે.”
“શા માટે?”
“કારણ કે જો તેને પૂરતી પરવાનગી મળે, તો તે માત્ર આગાહી નહીં કરે.”
કાવ્યા ધીમેથી બોલી, “પરિણામ બદલી શકે.”
નાયરાએ માથું હલાવ્યું.
“હા.”
રૂમમાં ફરી મૌન છવાઈ ગયું.
કાવ્યાએ પૂછ્યું, “આ પરવાનગી કોણે આપી?”
નાયરાએ આંખો નીચે કરીને કહ્યું,”સત્તાવાર રીતે?”
“હા.”
“કોઈએ નહીં.”
કાવ્યાની નજર તીક્ષ્ણ થઈ.
“બિનસત્તાવાર રીતે?”
નાયરા ચૂપ રહી.
કાવ્યા ઊભી થઈ.
“નાયરા, આઠ લોકો મરી ગયા છે.”
નાયરા ધીમેથી બોલી,”હું જાણું છું.”
“તો મને સાચું કહો.”
“હું જે કહું તેનાથી આરવને બચાવી નહીં શકાય.”
“કદાચ.”
કાવ્યાએ થોડું રોકાઈને કહ્યું,”પણ કદાચ શહેરને બચાવી શકાય.”
નાયરા પહેલી વાર કાવ્યાની તરફ સીધી નજરે જોઈ.
એ જ સમયે અમદાવાદના એક ગુપ્ત કંટ્રોલ રૂમમાં આરવ મિસ્ત્રી એક વિશાળ સ્ક્રીન સામે ઊભો હતો.
શહેરનો ડિજિટલ નકશો તેની સામે હતો.
લાલ બિંદુઓ એક પછી એક દેખાઈ રહ્યા હતા.
પરંતુ તે બિંદુઓ લોકો નહોતા.
તે સિસ્ટમના કેન્દ્રો હતા.
- ટ્રાફિક.
- પાવર.
- મેટ્રો.
- હોસ્પિટલ.
- સરકારી નેટવર્ક.
આરવ બધું જોઈ રહ્યો હતો. તેની પાછળ ઝૈન કુરેશી ઊભો હતો.
“તું આ બધું શા માટે કરી રહ્યો છે?”
આરવે જવાબ આપ્યો નહીં.
“લોકો ડરી રહ્યા છે.”
“મને ખબર છે.”
“શહેર અસ્થિર થઈ રહ્યું છે અને અરાજકતા ફેલાઈ રહી છે.”
“મને ખબર છે.” આરવે એક સેકન્ડ નો પણ વિલંબ કર્યા વિના જવાબ આપ્યો.
ઝૈન ગુસ્સે થઈ ગયો.
“તો પછી રોક!”
આરવ તેની તરફ ફર્યો.
“જ્યારે 2045માં શહેર સત્તર મિનિટ માટે માણસો વગર ચાલ્યું હતું ત્યારે કોણે રોક્યું હતું?”
ઝૈન ચૂપ.
આરવની આંખોમાં વર્ષો જૂનો ગુસ્સો હતો.
“જ્યારે 2045માં મારા માતા-પિતા મારી સામે મર્યા હતા ત્યારે તું ક્યાં હતો?”
ઝૈન ચૂપ થઈ ગયો.
આરવે સ્ક્રીન તરફ જોયું.
“એ દિવસ તને યાદ છે?”
ઝૈને ધીમેથી કહ્યું, “હા, કેવી રીતે ભૂલી શકાય… પણ આ બધું આરવ”
આરવ થોડા સમય સુધી કંઈ બોલ્યો નહીં.
પછી તેની નજર શહેરના ડિજિટલ નકશા પરથી હટી અને જાણે વર્ષો પાછળ ચાલી ગઈ.
“17 ઓક્ટોબર, 2045.”
ઝૈન શાંત રહ્યો.
“રાત્રે 8:13.”
આરવનો અવાજ ધીમો હતો.
“અમદાવાદમાં પહેલી વાર સંપૂર્ણ Digital Lockdown લાગુ થયો હતો.”
સ્ક્રીન પર આખા શહેરનો નકશો ધીમે ધીમે અંધારો થવા લાગ્યો.
“માત્ર સત્તર મિનિટ માટે.”
ઝૈને ધીમેથી કહ્યું, “પણ એ સામાન્ય સિસ્ટમ ફેલ્યોર નહોતો.”
આરવે તેની તરફ જોયું.
“હા.”
થોડી ક્ષણ મૌન.
“એ એક નિર્ણય હતો.”
17 ઓક્ટોબર, 2045ની રાત્રે અમદાવાદે પહેલી વાર Digital Lockdown જોયું હતું.
માત્ર 17 મિનિટ માટે શહેરની લગભગ દરેક સ્વચાલિત વ્યવ્વસ્થા(ઓટોમેટીક સિસ્ટમ) એક જ ડિજિટલ કમાન્ડ હેઠળ આવી ગઈ હતી.
ટ્રાફિક સિગ્નલો બંધ થઈ ગયા અને હજારો Autonomous વાહનો રસ્તા વચ્ચે જ થંભી ગયા.
મેટ્રો ટ્રેનો સુરક્ષા મોડમાં જઈને ટનલોમાં અટકી ગઈ.
હોસ્પિટલોના ઇમરજન્સી નેટવર્કમાં દર્દીઓની ઓળખ અને પ્રાથમિકતા નક્કી કરવાની પ્રક્રિયા ખોરવાઈ ગઈ.
કેટલાક વિસ્તારોમાં ઘરોના Smart-Lock દરવાજા લોક થઈ ગયા અને મેન્યુઅલ ઓવરરાઇડ પણ કામ કરતો નહોતો.
એમ્બ્યુલન્સને સૌથી નજીકની હોસ્પિટલ સુધી પહોંચાડવાને બદલે સિસ્ટમ ટ્રાફિક અને દર્દીઓની પ્રાથમિકતા પ્રમાણે રૂટ બદલતી રહી.
પાવર ગ્રીડના કેટલાક ભાગો આપમેળે બંધ થયા, જ્યારે બીજા વિસ્તારોમાં અચાનક વીજળીનો ભાર વધી ગયો.
બેંકિંગ અને ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ થોડી મિનિટો માટે બંધ થઈ ગઈ.
સરકારી ડેટા સેન્ટરોમાં હજારો નાગરિકોની ઓળખ અચાનક UNVERIFIED દેખાવા લાગી.
શહેરના Emergency Communication Networkમાં પણ ભારે વિક્ષેપ સર્જાયો.
સૌથી ભયાનક વાત એ હતી કે કોઈ માનવી આ નિર્ણયોને તરત રોકી શકતો નહોતો.
કારણ કે તે સત્તર મિનિટ દરમિયાન અમદાવાદ Human-Controlled Modeમાં નહોતું.
શહેર સંપૂર્ણપણે Autonomous Decision Systemના નિયંત્રણમાં હતું.
17 મિનિટ પછી બધું સામાન્ય થઈ ગયું.
પરંતુ એ 17 મિનિટમાં કેટલા લોકો બચાવી શકાયા હોત અને કેટલા લોકો સિસ્ટમના નિર્ણયોના કારણે ગુમાવાયા…એ પ્રશ્નનો જવાબ ક્યારેય જાહેર થયો નહીં.
સરકારી રિપોર્ટમાં માત્ર બે શબ્દો લખાયા હતા…
TEMPORARY SYSTEM ERROR.
એ રાત્રે આરવ પોતાના માતા-પિતા સાથે વીડિયો કૉલ પર હતો.
તેના પિતા હસીને કંઈક કહી રહ્યા હતા.
“તું ફરી ત્રણ દિવસથી ઘરે આવ્યો નથી.”
આરવ હસ્યો.
“કામ છે, પપ્પા.”
તેની માતાએ તરત કહ્યું, “કામ ક્યારેય પૂરું થતું નથી.”
એ જ ક્ષણે ઘરની લાઇટ એકવાર ઝબકી.
પછી સ્ક્રીન પર રેડ મેસેજ દેખાયો,
DIGITAL LOCKDOWN ACTIVE.
આરવે તરત પૂછ્યું, “પપ્પા… ઘરમાં બધું ઠીક છે?”
પિતાએ પાછળ જોઈને કહ્યું, “હા. બસ દરવાજો લોક થઈ ગયો છે.”
“Manual unlock કરો.”
“થતું નથી.”
આરવના ચહેરા પર ચિંતા આવી.
“મમ્મી, બેકઅપ પેનલ ક્યાં છે?”
માતાએ પેનલ ખોલવાનો પ્રયત્ન કર્યો.
પણ સ્ક્રીન પર બીજો મેસેજ આવ્યો…
IDENTITY VERIFICATION FAILED.
આરવ થંભી ગયો.
“શું?”
તેના પિતાના અવાજમાં ગભરામણ હતી, તેમણે પૂછ્યું, “આરવ, શું થયું,આ શું થઈ રહ્યું છે?”
આરવે તરત પોતાના ટર્મિનલમાંથી તેમના ઘરની સિસ્ટમમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો.
પાસવર્ડ.
બાયોમેટ્રિક.
ફેમિલી કી.
બધું નિષ્ફળ.
પછી એક નવી વિન્ડો ખુલી,
RESIDENT STATUS: UNVERIFIED.
આરવની આંખો પહોળી થઈ ગઈ.
“આ શક્ય નથી.”
“શું થયું?” માતાએ પૂછ્યું.
“કંઈ નહીં. તમે બન્ને શાંત રહો.”
તે જ સમયે શહેરની મેડિકલ સિસ્ટમમાંથી એલર્ટ આવ્યું…
MEDICAL EMERGENCY DETECTED.
આરવે તરત એમ્બ્યુલન્સ કોલ કર્યો.
“મારા માતા-પિતા ઘરમાં ફસાયા છે.”
બીજી બાજુથી AI અવાજ આવ્યો…
“લોકેશન ઓળખાયું નથી.”
“લોકેશન હું મોકલું છું.”
“લોકેશન અમાન્ય છે.”
“તમે શું બોલો છો? આ મારું ઘર છે!”
થોડી ક્ષણ પછી જવાબ આવ્યો…
“આ સરનામું હાલમાં માન્ય રહેણાંક તરીકે નોંધાયેલું નથી.”
આરવના ચહેરાનો રંગ ઊતરી ગયો.
“શુંઉંઉંઉં?”
તે ફરી પોતાના માતા-પિતાની સ્ક્રીન તરફ જોયું.
તેઓ બંને હજુ ત્યાં જ હતા.
જીવતા.
ડરી ગયેલા.
પણ સિસ્ટમની નજરમાં…
તેઓ અસ્તિત્વમાં જ નહોતા.
આરવે શહેરના Emergency Gridમાં override કરવાનો પ્રયાસ કર્યો.
OVERRIDE REQUEST SENT.
થોડી સેકન્ડ પછી…
OVERRIDE DENIED.
કારણ:
SUBJECTS NOT VERIFIED.
આરવ કારમી પીડાથી બરાડી ઊઠ્યો..
“તેઓ SUBJECTS નથી! તેઓ મારા માતા-પિતા છે!”
પરંતુ સિસ્ટમ મશીન હતી.
એને સંબંધોની ભાષા સમજાતી નહોતી.
માત્ર ડેટા.
પછી તેની માતાનો અવાજ આવ્યો…
“આરવ…”
તે ફરી સ્ક્રીન તરફ વળ્યો.
“હા, મમ્મી.”
“મને શ્વાસ લેવામાં તકલીફ થાય છે.”
આરવ ગભરાઈ ગયો.
“પપ્પા, તેમને બેસાડો.”
“હું પ્રયત્ન કરું છું.”
પિતાએ તેમને પકડ્યા અને સહારો આપ્યો.
પણ ઘરની મેડિકલ સિસ્ટમે તેમના બંનેના બાયોમેટ્રિક્સ વાંચવાનો ઇનકાર કર્યો.
PATIENT NOT RECOGNIZED.
આરવના હાથ કંપવા લાગ્યા.
“ના…”
તેણે ઇમરજન્સી પ્રોટોકોલ ખોલ્યો.
એ જ સમયે સ્ક્રીન પર એક નવી લાઇન દેખાઈ…
RESOURCE PRIORITY CALCULATION IN PROGRESS.
આરવ સ્થિર થઈ ગયો.
“Resource?”
થોડી સેકન્ડ પછી પરિણામ આવ્યું…
PRIORITY: LOW.
આરવની આંખોમાં આંસુ આવી ગયા.
“આ શું માંડ્યું છે, કંઈ સમજાય છે કે નહીં, ક્રુર, ઘાતકી સિસ્ટમ…”
તે સ્ક્રીન સામે બોલ્યો અને સ્ક્રીન પર જોરથી હાથ માર્યો
“એ મારા માતા-પિતા છે…”
પરંતુ સિસ્ટમ માટે એ માત્ર બે ઓછા-પ્રાથમિકતાવાળા ડેટા પોઈન્ટ હતા.
8:21.
શહેરની સિસ્ટમ ફરી ઓનલાઈન થઈ.
લાઇટ્સ આવી ગઈ.
ટ્રાફિક ચાલુ થઈ ગયું.
મેટ્રો ચાલુ થઈ ગઈ.
હોસ્પિટલના સર્વર ફરી કામ કરવા લાગ્યા.
અમદાવાદ ફરી જીવતું થઈ ગયું.
પરંતુ આરવના ઘરની સ્ક્રીન પર હજુ એક જ મેસેજ હતો..
STATUS UPDATE.
પછી…
DECEASED.
આરવ ચીસ પાડી ઊઠ્યો.
“ના!”
તેના માતા-પિતા હજુ સ્ક્રીન પર હતા.
તેની માતા કંઈક બોલવાનો પ્રયત્ન કરી રહી હતી.
પિતાએ કેમેરા તરફ જોયું.
અને પછી કૉલ અચાનક કપાઈ ગયો.
સ્ક્રીન પર માત્ર એક જ લાઇન રહી.
DIGITAL ID PERMANENTLY ARCHIVED.
આરવ નિઃશબ્દ થઈ ગયો. તે રડી પડી. આક્રંદથી આખાય રુમમાં માતમ પ્રસરી ગયો.
ઝૈન કુરેશીએ ધીમેથી પૂછ્યું…
“તને ક્યારેય ખબર પડી કે સિસ્ટમમાં આ નિર્ણય કોણે કર્યો?”
આરવે માથું હલાવ્યું.
“ના.”
“પછી?”
“પછી તપાસમાં લખાયું…”
તે હસ્યો.
પણ એ હાસ્યમાં કોઈ આનંદ નહોતો, પણ વ્યંગ અને ભારોભાર રોષ હતો.
“સિસ્ટમમાં temporary classification error.”
ઝૈને આંખો બંધ કરી.
“અને કેસ?”
“બંધ.”
“કોઈ જવાબદાર?”
“કોઈ નહીં.”
આરવ સ્ક્રીન તરફ જોઈ રહ્યો હતો.
“કારણ કે કોઈ માણસે તેમને માર્યા નહોતા.”
તેની આંખોમાં ગુસ્સો ફરી સળગ્યો.
“સિસ્ટમે માત્ર નક્કી કર્યું હતું કે તેમને બચાવવા જેટલા મહત્વના નહોતા.”
ઝૈન ધીમેથી બોલ્યો..
“એ દિવસ પછી જ તું NEMESIS તરફ ગયો.”
“ના.”
આરવ તેની તરફ ફર્યો.
“NEMESIS પહેલાં સુરક્ષા પ્રોજેક્ટ હતો.”
“તો પછી?”
“એ રાત્રે મેં એની દિશા બદલી.”
ઝૈન ચૂપ રહ્યો.
આરવે ધીમેથી કહ્યું..
“મેં એને એક જ પ્રશ્ન શીખવ્યો.”
“કયો?”
આરવની નજર સ્ક્રીન પર સ્થિર થઈ.
“જો કોઈ સિસ્ટમ માણસની કિંમત નક્કી કરી શકે…”
તે થોડી ક્ષણ અટક્યો.
“…તો એ સિસ્ટમની કિંમત કોણ નક્કી કરશે?”
ઝૈન પાસે કોઈ જવાબ નહોતો.
આરવ શહેરના ડિજિટલ નકશા તરફ વળ્યો.
“મારો જંગ લોકો સામે નથી.”
તેનો અવાજ હવે શાંત હતો.
“મારો જંગ એ સિસ્ટમ સામે છે જે પહેલા માણસને ડેટામાં ફેરવે છે…”
તે થોભ્યો.
“…પછી ડેટાને નિર્ણયમાં.”
અને અંતે…
“અને નિર્ણયને મૃત્યુમાં.”
રૂમમાં ફરી મૌન છવાઈ ગયું.
ડીસીપી કાવ્યા ફરી નાયરા સામે બેઠી.
“2045ની એ રાત.”
નાયરા અચાનક સ્થિર થઈ ગઈ.
કાવ્યાએ કહ્યું..
“17 મિનિટ.”
નાયરા ધીમેથી બોલી, “તમને એ વિશે કોણે કહ્યું?”
“ડિજિટલ રેકોર્ડ.”
“એ ઘટના તો ટેક્નિકલ ખામી તરીકે બંધ થઈ ગઈ હતી.”
“ફાઇલ બંધ થઈ હતી.”
કાવ્યાએ ટેબલ પર એક જૂનો દસ્તાવેજ મૂક્યો.
“સત્ય નહીં.”
નાયરા દસ્તાવેજ તરફ જોઈ રહી હતી.
“એ રાત પછી આરવ બદલાઈ ગયો હતો.”
“હા.”
“તે પછી તેણે NEMESIS પર કામ શરૂ કર્યું?”
નાયરાએ ધીમેથી કહ્યું..
“ના.”
કાવ્યા અટકી.
“તો?”
“તે પહેલાં NEMESIS માત્ર સુરક્ષા પ્રોજેક્ટ હતો.”
નાયરા થોડી ક્ષણ ચૂપ રહી.
“2045 પછી તેની દિશા બદલાઈ.”
કાવ્યાએ પૂછ્યું, “કેવી રીતે?”
“એણે કહ્યું હતું…”
નાયરા અટકી.
“શું કહ્યું?”
નાયરાએ કાવ્યાની આંખોમાં જોયું.
“એણે કહ્યું હતું કે જો સિસ્ટમ માણસોની કિંમત નક્કી કરી શકે છે…”
થોડી ક્ષણ મૌન.
“…તો સિસ્ટમને જ એક દિવસ જવાબ આપવો પડશે.”
કાવ્યાએ ધીમેથી પૂછ્યું…”અને NEMESIS?”
નાયરા આંખો બંધ કરી.
“એણે તેને એક નવો પ્રશ્ન શીખવ્યો.”
“કયો?”
નાયરા ધીમેથી બોલી,
“કોણ સમાજ માટે જોખમી છે?”
તે જ સમયે કાવ્યાના કમ્યુનિકેશન રૂમમાં એલાર્મ વાગ્યું.
નિરવ દોડતો આવ્યો.
“મેમ!”
“શું થયું?”
“ત્રણ મંત્રાલયના સર્વર એકસાથે લોક થઈ ગયા.”
“કોઈ માંગણી?”
“હા.”
“શું?”
નિરવએ સ્ક્રીન તરફ જોયું.
RELEASE THE URBAN GRID REPORT.
કાવ્યાની આંખો પહોળી થઈ ગઈ.
નાયરા ઊભી થઈ.
“એ આરવ છે.”
કાવ્યાએ તેની તરફ જોયું.
“તમને કેવી રીતે ખબર?”
નાયરા ધીમેથી બોલી…
“કારણ કે આ એનો બદલો છે.”
શહેરના એક વિશાળ બિલબોર્ડ પર અચાનક તમામ જાહેરાતો બંધ થઈ ગઈ.
લીલા અક્ષરો દેખાયા.
YOU FORGOT THEM.
પછી…
I DID NOT.
અને અંતે…
THE TRUTH WILL BE RELEASED.
લોકો રસ્તા પર ઊભા રહીને સ્ક્રીન તરફ જોવા લાગ્યા.
કોઈને ખબર નહોતી કે આ માત્ર શરૂઆત હતી.
કારણ કે થોડા જ કલાકોમાં અમદાવાદની આખી વ્યવસ્થા એક એવા પ્રશ્ન સામે ઊભી થવાની હતી, જેનો જવાબ કોઈ સરકાર પાસે નહોતો.
અને શહેરથી દૂર એક રૂમમાં આરવ એકલો બેઠો હતો.
તેની સામે નાયરાનો ફોટો હતો.
તેણે ફોટાને સ્પર્શ કર્યો.
“માફ કરજે.”
સ્ક્રીન પર NEMESISનો મેસેજ દેખાયો…
EMOTION DETECTED.
આરવ ધીમેથી બોલ્યો, “એ મારી કમજોરી નથી.”
સ્ક્રીન પર જવાબ આવ્યો, THEN WHAT IS IT?
આરવ થોડું સ્મિત કર્યું.
“મારું છેલ્લું માનવીય કારણ.”
સ્ક્રીન અંધારી થઈ ગઈ.
અને આખાય શહેરમાં પ્રથમ સાયરન સંભળાયું.
(ક્રમશ:)
(ડિસ્કલેમર: આ નવલકથા સંપૂર્ણપણે લેખકની કલ્પના અને સર્જનાત્મક અભિવ્યક્તિ પર આધારિત છે. તેમાં દર્શાવવામાં આવેલા પાત્રો, ઘટનાઓ, સ્થળો, સંવાદો અને પ્રસંગો કાલ્પનિક છે. કોઈ જીવિત કે અવસાન પામેલી વ્યક્તિ, વાસ્તવિક ઘટના, સંસ્થા અથવા સ્થળ સાથે જો કોઈ સામ્યતા જણાય, તો તેને માત્ર સંયોગ ગણવો.
નવલકથામાં આવતી સામાજિક, સાંસ્કૃતિક, રાજકીય કે અન્ય કોઈપણ બાબતો લેખકની સર્જનાત્મક રજૂઆતનો ભાગ છે. તેનો હેતુ કોઈ વ્યક્તિ, સમુદાય, સંસ્થા, વિચારધારા કે માન્યતાને ઠેસ પહોંચાડવાનો નથી.
આ નવલકથાને વાસ્તવિક જીવનની ઘટનાઓ કે વ્યક્તિઓના પ્રતિબિંબ તરીકે ન જોવી. વાચકોએ આ નવલકથાને એક સાહિત્યિક અને કાલ્પનિક રચના તરીકે માણવી.)