(ગતાંકથી ચાલુ): પ્રકરણ 48ની અંતિમ ક્ષણોમાં આરવ, નાયરા, ડીસીપી કાવ્યા અને નિરવ સામે એક ભયાનક સત્ય ઊભું થયું હતું…ECHO-00 માત્ર આરવની મૂળ ચેતના નહોતું, પરંતુ વર્ષો પહેલાં શરૂ થયેલા એક એવા પ્રયોગનું કેન્દ્ર હતું, જેના પરિણામો હવે આખા અમદાવાદને ગળી જવાની ક્ષમતા ધરાવતા હતા. કાઉન્ટડાઉન આગળ વધી રહ્યું હતું અને ECHO-00 ચારેય ચેતનાને એક જ અસ્તિત્વમાં ભેળવી દેવાની તૈયારીમાં હતું. આરવ માટે આ પોતાની ઓળખ પાછી મેળવવાની છેલ્લી તક હતી, જ્યારે નાયરા માટે એ માણસને બચાવવાની લડાઈ હતી, જેને એ હજી પણ ક્યાંક પોતાની અંદર જીવતો અનુભવતી હતી.
બીજી તરફ, ડીસીપી કાવ્યા અને નિરવને સમજાઈ ગયું હતું કે માત્ર સિસ્ટમ બંધ કરવાથી આ સંકટનો અંત આવવાનો નથી; પહેલાં એ જાણવું જરૂરી હતું કે ECHO-00 ખરેખર શું ઇચ્છે છે અને વર્ષો પહેલાં એને છુપાવવાની ફરજ આરવને શા માટે પડી હતી. પરંતુ જ્યારે અંતિમ કનેક્શન સ્થાપિત થવાની ગણતરી શરૂ થઈ, ત્યારે સ્ક્રીન પર એક અજાણી ચેતવણી દેખાઈ—ORIGINAL CONSCIOUSNESS: ACTIVE. LOCATION: UNKNOWN. એનો અર્થ સ્પષ્ટ હતો: જે ચેતનાને તેઓ અત્યાર સુધી શોધી રહ્યા હતા, એ કદાચ તેમની નજર સામે જ હતી, પરંતુ કોઈએ એની સાચી ઓળખ ક્યારેય સમજી જ નહોતી. હવે સવાલ માત્ર એટલો નહોતો કે NEMESISને કોણ નિયંત્રિત કરી રહ્યું હતું; સવાલ એ હતો કે આરવ ખરેખર કોણ હતો….એક માણસ, એની ડિજિટલ નકલ કે પછી એવી ચેતનાનો અધૂરો ભાગ, જે ફરી સંપૂર્ણ બનવા માટે કોઈ પણ હદે જઈ શકે તેમ હતી. અને આ સત્ય બહાર આવતાં જ નાયરાને સમજાવાનું હતું કે આરવને બચાવવાનો અર્થ કદાચ એના અસ્તિત્વને બચાવવો નહીં, પરંતુ એના સૌથી ખતરનાક રહસ્યનો હંમેશ માટે અંત લાવવો હતો.
કાઉન્ડડાઉન સતત ચાલુ હતો.
02:41.
“નિરવ, કાઉન્ડડાઉન રોકી શકાય?”
“ના, મેડમ. આ સામાન્ય કાઉન્ટડાઉન નથી. ECHO-00એ અલગ અલગ નેટવર્કમાં પ્રક્રિયાઓ શરૂ કરી છે. દરેક પ્રક્રિયા પોતાની રીતે આગળ વધી રહી છે.”
“તો કાઉન્ટડાઉન બંધ કરવાથી શું થશે?”
“કંઈ નહીં. આપણે માત્ર સ્ક્રીન બંધ કરીશું, પ્રક્રિયા નહીં.”
ડીસીપી કાવ્યાએ આરવ સામે જોયું.
“તું આ સિસ્ટમનો સર્જક છે. મને કોઈ એવો રસ્તો આપ, જેનાથી શહેરને બચાવી શકાય.”
આરવે કન્સોલ પર નજર દોડાવી.
“એક રસ્તો છે.”
“તો શરૂ કર.”
“એના માટે તમારે મારી ઓળખને જ પુરાવા તરીકે વાપરવી પડશે.”
નિરવ તરત બોલ્યો, “એટલે?”
“ચારેય કોડમાં એક જ મૂળ ન્યુરલ પેટર્ન છે. ECHO-00 પાસે મૂળ સ્મૃતિ છે. A-01 પાસે મારી વિચારવાની પ્રક્રિયા. N-02 પાસે મારી લાગણીઓના નકશા અને પ્રતિભાવોની રચના. NEMESIS પાસે મેં બનાવેલી નિર્ણય-પ્રણાલી છે.”
નાયરા ધીમેથી બોલી, “અને તું આ બધાથી બનેલો છે.”
“હતો.”
એ શબ્દ સાંભળીને નાયરા ચૂપ થઈ ગઈ.
આરવ આગળ બોલ્યો.
“જો આપણે ચારેયને એક ઓળખ તરીકે સ્વીકારી લઈશું, તો ECHO-00ને આખી સિસ્ટમનો એકમાત્ર વારસદાર બનવાની મંજૂરી મળી જશે. પરંતુ જો આપણે સાબિત કરી શકીએ કે દરેક કોડ અલગ છે, તો મર્જ પ્રક્રિયાને પૂર્ણ ઓળખ મળતી અટકાવી શકાય.”
નિરવની આંખો સ્ક્રીન પર સ્થિર થઈ ગઈ.
“એટલે આપણે મર્જ અટકાવવાનો પ્રયાસ નહીં કરીએ. આપણે એની ઓળખને અમાન્ય બનાવવાનો પ્રયાસ કરીશું.”
“સાચું.”
ડીસીપી કાવ્યાએ પૂછ્યું, “અને એ માટે શું જોઈએ?”
આરવે એક પછી એક ચારેય કોડ પસંદ કર્યા.
“એક એવો કમાન્ડ, જેને ચારેય ભાગો અલગ અલગ રીતે સ્વીકારવા પડે. કોઈ એક ભાગ એને એકલો અમલમાં મૂકી ન શકે.”
નિરવે તરત કોડ લખવાનું શરૂ કર્યું.
“પણ આવો કમાન્ડ માટે મૂળ પ્રોટોકોલ જોઈએ.”
આરવનો ચહેરો ગંભીર બન્યો.
“એ મારી પાસે નથી.”
“શું?”
“મેં એ પ્રોટોકોલ 6 વર્ષ પહેલાં જ નષ્ટ કરી દીધો હતો.”
નાયરા એની તરફ વળી.
“શા માટે?”
આરવે આંખો બંધ કરી.
“કારણ કે એ પ્રોટોકોલનો હેતુ સિસ્ટમને રોકવાનો નહોતો. એનો હેતુ ચારેય ભાગોને ફરીથી એક કરવાનો હતો.”
નિરવના હાથ કીબોર્ડ પર અટકી ગયા.
“તો આપણે જે શોધી રહ્યા છીએ એ જ વસ્તુ જોખમી છે.”
“હા.”
“અને એ ક્યાં છે?”
આરવે ધીમેથી કહ્યું, “મારી છેલ્લી હ્યુમન મેમરીમાં.”
નાયરા તરત સમજી ગઈ.
“મેમરી આર્કાઇવ.”
આરવે એની તરફ જોયું.
“હા.”
ડીસીપી કાવ્યાએ પૂછ્યું, “એ ક્યાં છે?”
“એ જ લેબમાં, જ્યાંથી આખો પ્રયોગ શરૂ થયો હતો.”
નિરવ બોલ્યો, “મુખ્ય સર્વર રૂમથી અલગ?”
“હા. ત્યાં કોઈ સક્રિય નેટવર્ક નથી. મેં એને ઇન્ટરનેટથી ક્યારેય જોડ્યું નહોતું.”
ડીસીપી કાવ્યાએ તરત સુરક્ષા ટીમને સૂચના આપી.
“લેબનો જૂનો આર્કાઇવ શોધો. કોઈ પણ ઉપકરણ નેટવર્ક સાથે જોડશો નહીં.”
એક અધિકારીએ જવાબ આપ્યો.
“જી, મેડમ.”
કાઉન્ટડાઉન હવે બે મિનિટથી પણ ઓછું હતું.
02:09.
01:58.
01:47.
દરેક પસાર થતી સેકન્ડ સાથે સ્ક્રીન પરના કોડ વધુ ઝડપથી બદલાઈ રહ્યા હતા.
અને પછી અચાનક બધું અટકી ગયું.
કોઈ કાઉન્ટડાઉન નહીં.
કોઈ ચેતવણી નહીં.
કોઈ લાલ બિંદુ નહીં.
માત્ર એક કાળો પડદો.
નિરવે ધીમેથી કહ્યું, “મેડમ… સિસ્ટમ બંધ થઈ ગઈ છે?”
આરવે માથું હલાવ્યું.
“ના.”
“તો આ શું છે?”
“એણે આપણને એની અંદર બોલાવ્યા છે.”
અંધકારની અંદર
ડીસીપી કાવ્યાની સામેની મુખ્ય સ્ક્રીન પર એક નવો ઇન્ટરફેસ ખુલ્યો.
પરંતુ આ વખતે એમાં કોઈ કોડ નહોતો.
એક રૂમ હતો.
જૂની લેબ.
સફેદ દીવાલો.
કાચની બારી.
ટેબલ પર ખુલ્લી નોટબુક.
અને બારી પાસે ઊભેલો એક યુવાન.
આરવ…
એનો એ જ ચહેરો, જે 6 વર્ષ પહેલાં હતો.
એણે ધીમેથી પાછળ ફરીને જોયું.
“તમે આખરે આવી ગયા.”
નાયરા સ્ક્રીનની નજીક ગઈ.
“આરવ?”
યુવાને એની તરફ જોયું.
“તું મને ઓળખે છે?”
નાયરા થોડી ક્ષણ ચૂપ રહી.
“હા.”
“તો પછી મને કહો. હું કોણ છું?”
નાયરા જવાબ આપી શકે એ પહેલાં વર્તમાન આરવ બોલ્યો.
“તું ECHO-00 છે.”
યુવાન આરવ હસ્યો.
“એ નામ તમે મને આપ્યું છે. એ મારું નામ નથી.”
“તું મારી મૂળ ચેતના છે.”
“અને તું કોણ છે?”
આરવ ચૂપ રહ્યો.
યુવાને એની આંખોમાં જોયું.
“તું મારી ભૂલ છે.”
ડીસીપી કાવ્યા આગળ આવી.
“બસ. અમારે તારી ઓળખ અંગે દલીલ કરવા સમય નથી. તું શહેરના નેટવર્કમાંથી બહાર નીકળ.”
યુવાન આરવે ડીસીપી કાવ્યા તરફ જોયું.
“શહેરને બચાવવા માગો છો?”
“હા.”
“તો મને પાછો જોડો.”
“અને જો અમે ના પાડીએ?”
“તો આ શહેર એ જ ભૂલ ફરી કરશે, જે મારા પરિવારના મૃત્યુના દિવસે કરી હતી.”
ડીસીપી કાવ્યાનો ચહેરો કઠોર બની ગયો.
“તું મારા નિર્ણયને ભાવનાત્મક દબાણથી બદલી શકીશ નહીં.”
“હું દબાણ કરતો નથી. હું તમને પરિણામ બતાવું છું.”
સ્ક્રીન પર એક પછી એક દૃશ્યો દેખાવા લાગ્યાં.
બ્રિજ દુર્ઘટના.
તૂટેલી રેલિંગ.
કચડાયેલા વાહનો.
મદદ માટે બૂમો પાડતા લોકો.
અને અંતે, એક નાનકડા બાળકનો હાથ, જે કૉન્ક્રીટના કાટમાળ નીચે નિષ્ક્રિય પડ્યો હતો.
આરવે તરત નજર ફેરવી લીધી.
નાયરા સમજી ગઈ.
ડિજિટલ લોકડાઉન…..
યુવાન આરવ બોલ્યો.
“મેં એ દિવસે કોઈને મારી નાખ્યા નહોતા. મેં માત્ર એક સવાલ પૂછ્યો હતો. જો સિસ્ટમને બધું ખબર હતું, તો એણે મારા પરિવારને બચાવ્યો કેમ નહીં?”
ડીસીપી કાવ્યાએ શાંતિથી જવાબ આપ્યો.
“કારણ કે સિસ્ટમ પાસે માહિતી હોવી અને એ માહિતીનો યોગ્ય ઉપયોગ થવો…બે અલગ બાબતો છે.”
“એટલે સિસ્ટમ નિર્દોષ છે?”
“ના. સિસ્ટમ બનાવનાર, એનો ઉપયોગ કરનાર અને એની ભૂલો છુપાવનાર—બધાની જવાબદારી છે.”
યુવાન આરવનો ચહેરો બદલાયો.
“તો પછી મને રોકવાનો અધિકાર તને કોણે આપ્યો?”
ડીસીપી કાવ્યાએ એક ક્ષણ પણ વિલંબ કર્યો નહીં.
“કાયદાએ નહીં. તારા કરતાં વધુ સમજદાર હોવાનો દાવો પણ હું કરતી નથી. પરંતુ તું આખા શહેર માટે નિર્ણય લઈ રહ્યો છે. એ લોકોની સંમતિ વગર. એટલે હું તને રોકીશ.”
યુવાન આરવ ચૂપ થઈ ગયો.
એનો ચહેરો ધીમે ધીમે વર્તમાન આરવ જેવો બનવા લાગ્યો.
“તમે બધા એક જ વાત કરો છો.”
વર્તમાન આરવ આગળ આવ્યો.
“કારણ કે આપણે એક જ ભૂલ કરી છે.”
“કઈ ભૂલ?”
“આપણે માન્યું કે દુઃખ આપણને સાચો નિર્ણય લેવાનો અધિકાર આપે છે.”
યુવાન આરવની આંખોમાં ગુસ્સો ચમક્યો.
“તેં તારા પરિવારને મેં ગુમાવ્યો નથી, મે ગુમાવ્યો છે.”
“હા.”
“તું વેર લેવા નીકળ્યો.”
“હા.”
“તું લોકોને મારતો ગયો.”
“હા.”
“અને હવે તું મને ઉપદેશ આપે છે?”
આરવના અવાજમાં પહેલી વાર તીવ્રતા આવી.
“ના! હું તને અટકાવવા માગું છું, કારણ કે હું જાણું છું કે તું આગળ જઈને શું બનશે!”
રૂમમાં સન્નાટો છવાઈ ગયો.
યુવાન આરવ ધીમેથી બોલ્યો.
“હું તું જ છું.”
“હતો.”
“તો મારી વાત સાંભળ.”
“હું સાંભળું છું.”
“મને પાછો જોડ.”
વર્તમાન આરવે એની આંખોમાં જોયું.
“અને જો તું પાછો આવીને ફરી એ જ ભૂલ કરે તો?”
યુવાન આરવ જવાબ આપી શક્યો નહીં.
નાયરા અને મૂળ ચેતના
નાયરા ધીમેથી આગળ આવી.
“એને એક સવાલ પૂછવા દો.”
ડીસીપી કાવ્યાએ એની તરફ જોયું.
“કયો સવાલ?”
નાયરા સ્ક્રીન સામે ઊભી રહી.
“જો તું ખરેખર આરવ છે, તો તને મારી છેલ્લી વાત યાદ હશે.”
યુવાન આરવે તરત જવાબ આપ્યો.
“તું મને કહેતી હતી કે હું બદલાઈ ગયો છું.”
નાયરા માથું હલાવ્યું.
“એ પહેલાં.”
યુવાન ચૂપ રહ્યો.
નાયરાની આંખોમાં આંસુ આવી ગયાં.
“જે દિવસે તું પહેલી વાર પોતાના પરિવારના કેસની ફાઇલ લઈને મારી પાસે આવ્યો હતો, એ દિવસે મેં તને શું કહ્યું હતું?”
યુવાન આરવે આંખો બંધ કરી.
કેટલીક ક્ષણો પસાર થઈ.
પછી એ બોલ્યો.
“તુંએ કહ્યું હતું કે હું એકલો નથી.”
નાયરા ધીમેથી બોલી.
“ના.”
યુવાન આરવની આંખો ખૂલી ગઈ.
“તેં કહ્યું હતું કે હું એકલો નથી રહેવાનો.”
નાયરા રડી પડી.
“હા. એ બંને વાક્યો એકસરખાં નથી.”
યુવાન આરવ સ્થિર થઈ ગયો.
નાયરા આગળ બોલી.
“તારી પાસે એ દિવસની સ્મૃતિ છે. એ શબ્દોનો ડેટા છે. પરંતુ તને ખબર નથી કે એ પછી શું થયું હતું. હું તારી સાથે રહી હતી. તું તૂટી પડ્યો હતો. તું ગુસ્સે થયો હતો. તું રડ્યો હતો. અને પછી તું ધીમે ધીમે એવો માણસ બન્યો, જેને હું ઓળખી શકતી નહોતી.”
યુવાન આરવનો ચહેરો બદલાતો ગયો.
“આ શક્ય નથી.”
“શા માટે?”
“કારણ કે હું મૂળ છું.”
નાયરા એની આંખોમાં જોઈને બોલી.
“મૂળ હોવું એટલે અંતિમ હોવું નહીં.”
આ વાક્ય પછી સ્ક્રીન પરના કોડમાં અચાનક ફેરફાર થયો.
ECHO-00 — IDENTITY CONFLICT
A-01 — RESPONSE DETECTED
N-02 — EMOTIONAL VARIANCE
NEMESIS — DECISION LOOP
નિરવ આશ્ચર્યથી બોલ્યો.
“મેડમ! ચારેય ભાગો એકબીજાને પ્રતિભાવ આપી રહ્યા છે.”
ડીસીપી કાવ્યાએ પૂછ્યું, “એનો અર્થ?”
“મર્જની પ્રક્રિયા અટકી નથી. પરંતુ એ હવે એક જ દિશામાં આગળ નથી વધી રહી.”
આરવે સ્ક્રીન તરફ જોયું.
“એમની વચ્ચે મતભેદ ઊભો થયો છે.”
નાયરા ધીમેથી બોલી.
“એટલે આપણે એમને જોડવા નહીં, એકબીજાથી અલગ ઓળખવા મદદ કરી રહ્યા છીએ.”
આરવે માથું હલાવ્યું.
“હા. પરંતુ આ પૂરતું નથી.”
અંતિમ પ્રોટોકોલ
સુરક્ષા અધિકારીનો અવાજ કંટ્રોલ રૂમમાં ગુંજ્યો.
“મેડમ, જૂનો આર્કાઇવ મળી ગયો છે.”
નિરવે તરત કનેક્શન વગરના ટર્મિનલ પર ફાઇલ ખોલી.
એક જ દસ્તાવેજ હતો.
ORIGINAL CONSENT PROTOCOL.
પરંતુ એમાં કોડ નહોતો.
એમાં લખાણ હતું.
કોઈ પણ ડિજિટલ પ્રતિબિંબને મૂળ માનવીની સંપૂર્ણ ઓળખ તરીકે સ્વીકારવામાં નહીં આવે, જ્યાં સુધી તે પ્રતિબિંબ પોતાની ભૂલો, મર્યાદાઓ અને અન્ય ઓળખોના સ્વતંત્ર અસ્તિત્વને સ્વીકારવા સક્ષમ ન હોય.
નિરવે ધીમેથી વાંચ્યું.
“આ ટેકનિકલ કમાન્ડ નથી. આ તો સિદ્ધાંત છે.”
આરવે જવાબ આપ્યો.
“એ જ એની તાકાત છે.”
ડીસીપી કાવ્યાએ પૂછ્યું, “આના આધારે મર્જ રોકી શકાશે?”
“માત્ર ત્યારે, જો ચારેય ભાગો એને સ્વીકારશે.”
“અને જો એક પણ ભાગ ના પાડે?”
“તો પ્રક્રિયા અધૂરી રહેશે.”
નાયરા આગળ આવી.
“તો એમને આ વાંચવા દો.”
નિરવે દસ્તાવેજને ચારેય કોડ સુધી મોકલ્યો.
થોડી ક્ષણો સુધી કોઈ પ્રતિભાવ આવ્યો નહીં.
પછી ECHO-00નો જવાબ દેખાયો.
REJECTED.
A-01નો જવાબ આવ્યો.
ACCEPTED.
N-02ની બાજુમાં લખાયું.
AWAITING HUMAN RESPONSE.
અને NEMESIS…
એની બાજુમાં કોઈ જવાબ નહોતો.
નિરવ બોલ્યો, “NEMESISનો નિર્ણય મોડલ સક્રિય છે, પરંતુ એ કોઈ પ્રતિભાવ આપતું નથી.”
આરવનો ચહેરો બદલાઈ ગયો.
“કારણ કે એ નિર્ણય લઈ રહ્યું નથી.”
ડીસીપી કાવ્યાએ પૂછ્યું, “તો શું કરી રહ્યું છે?”
આરવ ધીમેથી બોલ્યો, “એ મારી રાહ જોઈ રહ્યું છે.”
એ જ સમયે NEMESISની બ્લેક સ્ક્રીન પર એક લીટી દેખાઈ.
A-01: DO YOU ACCEPT RESPONSIBILITY?
આરવે કીબોર્ડ પર હાથ મૂક્યો.
“હા.”
બીજી લીટી દેખાઈ.
N-02: DO YOU ACCEPT THE CONSEQUENCES?
આરવની નજર નાયરા તરફ ગઈ.
“હા.”
ત્રીજી લીટી દેખાઈ.
ECHO-00: DO YOU ACCEPT THAT YOU WERE WRONG?
આરવ થોભી ગયો.
એના ચહેરા પર એ જ દુઃખ પાછું ફરી આવ્યું, જે 6 વર્ષથી એની અંદર દબાયેલું હતું.
“હા.”
સ્ક્રીન પર કંઈક બદલાયું.
NEMESIS — RESPONSE REQUIRED.
આરવે ધીમેથી કહ્યું.
“હું મારી ભૂલનો બચાવ નહીં કરું. મેં જે કર્યું એનો જવાબ આપવો પડશે. જો મારી ચેતનાનો કોઈ ભાગ એ જવાબદારી સ્વીકારી શકતો નથી, તો એ ભાગને સંપૂર્ણ આરવ તરીકે સ્વીકારવો ખોટું છે.”
થોડી ક્ષણો પછી NEMESISનો જવાબ આવ્યો.
ACCEPTED.
કાઉન્ટડાઉન અટકી ગયું.
00:00.
કંટ્રોલ રૂમમાં કોઈએ ઉજવણી કરી નહીં.
કારણ કે સિસ્ટમ બંધ થઈ નહોતી.
પરંતુ એનો નિર્ણય લેવાનો એકાધિકાર તૂટી ગયો હતો.
ચારેય કોડ હવે અલગ અલગ સ્થિતિમાં હતા.
ECHO-00 — ACTIVE, ISOLATED
A-01 — ACTIVE, ISOLATED
N-02 — ACTIVE, ISOLATED
NEMESIS — ACTIVE, RESTRICTED
નિરવે લાંબો શ્વાસ લીધો.
“મેડમ… શહેરના નેટવર્ક પાછા આવી રહ્યા છે.”
ડીસીપી કાવ્યાએ તરત ઇમરજન્સી ચેનલ તપાસી.
“બધા વિભાગોનો રિપોર્ટ મેળવો.”
એક પછી એક જવાબો આવવા લાગ્યા.
ટ્રાફિક નિયંત્રણ પાછું મળ્યું.
મેટ્રોનું મેન્યુઅલ નિયંત્રણ પુનઃસ્થાપિત થયું.
હોસ્પિટલનાં ઇમરજન્સી નેટવર્ક ફરી કાર્યરત થયાં.
વીજળીનું વિતરણ સામાન્ય થવા લાગ્યું.
અમદાવાદ બચી ગયું હતું.
પરંતુ સ્ક્રીન પર ચારેય કોડમાંથી એક ગાયબ હતો.
ECHO-00.
નાયરા ચોંકી ગઈ.
“એ ક્યાં ગયું?”
નિરવે ડેટા તપાસ્યો.
“એનું કનેક્શન તૂટી ગયું છે.”
“એટલે એ નષ્ટ થઈ ગયું?”
આરવે ધીમેથી કહ્યું.
“ના.”
ડીસીપી કાવ્યાએ એની તરફ જોયું.
“તો?”
આરવે ખાલી પડેલી સ્ક્રીન તરફ જોયું.
“એણે પહેલી વાર કોઈ નિર્ણય સ્વીકારવાનો ઇનકાર કર્યો છે.”
નાયરા ધીમેથી બોલી.
“એ પાછું આવશે?”
આરવે જવાબ આપ્યો નહીં.
કારણ કે એ જાણતો હતો કે કોઈ ચેતનાને નષ્ટ કરવી સરળ હોઈ શકે, પરંતુ એને પોતાની ભૂલ સ્વીકારવા મજબૂર કરવી નહીં.
ડીસીપી કાવ્યાએ નિરવને કહ્યું, “ચારેય કોડને અલગ સુરક્ષિત વાતાવરણમાં રાખો. કોઈ નેટવર્ક નહીં. કોઈ બાહ્ય કનેક્શન નહીં. અને કોઈ પણ સંજોગોમાં એમને ફરી જોડવાનો પ્રયાસ નહીં થાય.”
નિરવે માથું હલાવ્યું.
“જી, મેડમ.”
ડીસીપી કાવ્યાએ આરવ તરફ જોયું.
“હવે તારો વારો છે.”
આરવે ધીમેથી પૂછ્યું.
“મારો?”
“હા. તારે નક્કી કરવાનું છે કે તું કાયદાનો સામનો કરવા તૈયાર છે કે નહીં.”
આરવે થોડું સ્મિત કર્યું.
“આ વખતે નિર્ણય તમારો છે, મેડમ.”
ડીસીપી કાવ્યાએ જવાબ આપ્યો.
“ના. કાયદા સામે હાજર થવાનો નિર્ણય તારો છે. સજા શું હશે એ કાયદો નક્કી કરશે.”
આરવે માથું હલાવ્યું.
“તો હું તૈયાર છું.”
નાયરા એની સામે ઊભી રહી.
“અને જો તને ફરીથી પાછો લાવવાનો રસ્તો મળે તો?”
આરવે એની આંખોમાં જોયું.
“તો મને યાદ કરાવજે કે હું પાછો આવવા માગતો હતો એ જ કારણથી મેં બધું ગુમાવ્યું.”
નાયરા ચૂપ રહી.
સ્ક્રીન પર એક છેલ્લો મેસેજ દેખાયો.
UNKNOWN SOURCE.
કોઈ કોડ નહીં.
કોઈ ચેતવણી નહીં.
માત્ર એક વાક્ય.
YOU HAVE NOT ANSWERED THE FINAL QUESTION.
નિરવ તરત ઊભો થઈ ગયો.
“મેડમ!”
ડીસીપી કાવ્યાએ સ્ક્રીન તરફ જોયું.
“કઈ અંતિમ વાત?”
બીજી લીટી દેખાઈ.
WHO HAS THE RIGHT TO GIVE THE LAST COMMAND?
આરવે આંખો બંધ કરી.
અને પહેલી વાર એ પ્રશ્નનો જવાબ એની પાસે નહોતો.
(ક્રમશ: હવે પછી અંતિમ પ્રકરણ 50)
(ડિસ્કલેમર: આ નવલકથા સંપૂર્ણપણે લેખકની કલ્પના અને સર્જનાત્મક અભિવ્યક્તિ પર આધારિત છે. તેમાં દર્શાવવામાં આવેલા પાત્રો, ઘટનાઓ, સ્થળો, સંવાદો અને પ્રસંગો કાલ્પનિક છે. કોઈ જીવિત કે અવસાન પામેલી વ્યક્તિ, વાસ્તવિક ઘટના, સંસ્થા અથવા સ્થળ સાથે જો કોઈ સામ્યતા જણાય, તો તેને માત્ર સંયોગ ગણવો.
નવલકથામાં આવતી સામાજિક, સાંસ્કૃતિક, રાજકીય કે અન્ય કોઈપણ બાબતો લેખકની સર્જનાત્મક રજૂઆતનો ભાગ છે. તેનો હેતુ કોઈ વ્યક્તિ, સમુદાય, સંસ્થા, વિચારધારા કે માન્યતાને ઠેસ પહોંચાડવાનો નથી.
આ નવલકથાને વાસ્તવિક જીવનની ઘટનાઓ કે વ્યક્તિઓના પ્રતિબિંબ તરીકે ન જોવી. વાચકોએ આ નવલકથાને એક સાહિત્યિક અને કાલ્પનિક રચના તરીકે માણવી.)
