ભારતમાં રિજિમ ચેઈન્જ (સત્તા પરિવર્તન)ના પ્રયાસો કયારેય સફળ નહીં થાયઃ મોહન ભાગવત

વિજયાદશમી પર્વે આરએસએસના સ્થાપના દિને સંઘના વડા મોહન ભાગવતે શસ્ત્રપૂજન કર્યું હતું અને પ્રાસંગિક સંબોધન કરતા કહ્યું હતું કે પશ્ચિમમાંથી ફૂંકાયેલી સંસ્કૃતિ વિરોધી આંધીથી બચવું જરૂરી છે. તેમણે કહ્યું કે ભારતમાં રિજિમ ચેઈન્જના પ્રયાસો ક્યારેય સફળ નહીં થાય.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવત નાગપુર સ્થિત સંઘ મુખ્યાલયમાં વિજયાદશમી ઉત્સવને સંબોધન કર્યુ. આ પહેલાં તેમણે શસ્ત્ર પૂજન કર્યું હતું. આરએસએસ દર વર્ષે વિજયાદશમી પર પોતાનો સ્થાપના દિવસ ઉજવે છે. ૧૯૨૫માં આ જ દિવસે સંઘની સ્થાપના થઈ હતી.
શસ્ત્રપૂજન પછી સંબોધન કરતા મોહન ભાગવતે કહ્યું હતુ કે, સમસ્યાઓના કારણે આંદોલનો થાય છે, પરંતુ તેમનો હેતુ સમાધાન હોવું જોઈએ, સમાજમાં દ્વેષ અને વિભાજન પેદા કરવાનો નહીં. ઘણી વાર આંદોલનોનો ઉપયોગ અન્ય હેતુઓ માટે કરવામાં આવે છે અને તેઓ રાજકારણનું સાધન બની જાય છે. સમાજ અને દેશને માત્ર નેતાઓ જ ચલાવતા નથી, પરંતુ સમાજની સક્રિયતાથી પણ સમસ્યાઓનું સમાધાન થાય છે.
લોર્ડ કર્ઝને હિન્દુ-મુસ્લિમ આધાર પર બંગાળનું વિભાજન કર્યું હતું, જેને ચાર વર્ષ બાદ પાછું લેવું પડ્યું. પરંતુ 1947માં દેશનું વિભાજન રોકી શકાયું નહીં, કારણ કે લોકોના મનમાં એવો વિચાર આવી ગયો હતો કે જે અલગ દેખાય છે, તેઓ અલગ જ છે. તુષ્ટિકરણથી પણ સમાજને વિભાજિત કરતી માનસિકતાને પ્રોત્સાહન મળ્યું. આપણા સૌના પૂર્વજો એક છે અને આપણી સંસ્કૃતિનું મૂળ પણ એક છે. સૌને સાથે લઈને ચાલવું જોઈએ. ભારતની પરંપરા અને વિચારોમાં દુનિયાની સમસ્યાઓનો ઉકેલ આપવાની ક્ષમતા છે.
તેમણે નેપાળનું ઉદાહરણ આપતાં કહ્યું કે વિકાસ માટે ટેક્નોલોજીને પ્રોત્સાહન આપવું જરૂરી છે, પરંતુ તેનાથી પ્રકૃતિને નુકસાન ન થવું જોઈએ. વિકાસ એવો હોવો જોઈએ, જેમાં અર્થતંત્ર સાથે પર્યાવરણ અને નૈતિકતાનું પણ ધ્યાન રાખવામાં આવે.
આજે લોકોને દરેક પ્રકારની માહિતી મળી રહી છે, પરંતુ સાચું-ખોટું સમજ્યા વિના તેનો ઉપયોગ કરવાથી નુકસાન થઈ શકે છે. ટેક્નોલોજી માત્ર એક સાધન છે, તેનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવી રહૃાો છે તે મહત્વનું છે. ખાસ કરીને ઓટીટી પ્લેટફોર્મ પર નિયમો હોવા જોઈએ અને સરકાર-વહીવટીતંત્રે તેના પર ધ્યાન આપવું જોઈએ. આ ઉપરાંત એઆઈનો યોગ્ય ઉપયોગ કરવો જરૂરી છે.
પ્રવર્તમાન સ્થિતિ અંગે મોહન ભાગવતે કહૃાું કે ભારતમાં પણ ફ્રાન્સ અને બાંગ્લાદેશ જેવી સ્થિતિ ઊભી કરવાનો પ્રયાસ થઈ રહૃાો છે. દુનિયામાં એવી તાકાતો છે, જે ભારતને દબાવવા માંગે છે. તેમનો હેતુ સત્તા પરિવર્તન કરીને પરિસ્થિતિ સુધારવાનો નહીં, પરંતુ પોતાના ચાપલૂસોને સત્તા પર બેસાડવાનો કેટલાક લોકો ભારત અને હિન્દુ સમાજને તોડવા માંગે છે અને તેમને આવા નેતાઓનું પણ સમર્થન મળે છે. આપણે વિભાજિત થઈને નબળા પડ્યા છીએ, હવે આઝાદીના સમય કરતાં વધુ તપ કરવાની જરૂર કરવાની જરૂર છે. અનેકતાનું સન્માન કરો. સમયની સાથે બદલાવું જરૂરી છે.
સંઘ પ્રમુખે કહ્યું કે સંઘર્ષને કારણે મનમાં ઘા પડ્યા છે. ગાંઠો પણ પડી છે. આ ગાંઠો ઉકેલાઈ જાય અને નવી ગાંઠો ન પડે, એવું આપણું વર્તન હોવું જોઈએ. નાની-નાની વાતો પર ઉશ્કેરનારા લોકો તક સાધીને બેઠા છે. ઘણા લોકો ઝઘડો કરાવવા માંગે છે. સંઘ પર પણ આક્ષેપો કરે છે. જેમને સંઘ સાથે કોઈ લેવાદેવા છે, તેઓ પણ સંઘ પર સવાલ ઉઠાવે છે. સંઘ સૌના પ્રત્યે પ્રેમ રાખે છે. સંઘ પોતાના માટે કશું જ ઇચ્છતો નથી, ન લોકપ્રિયતા, ન પ્રતિષ્ઠા. જેનાથી સમાજનું ભલું થાય, અમે એ જ કરીએ છીએ.
સંઘ પ્રમુખે કહ્યું કે આપણું જીવન ભારત માટે કુરબાન થઈ જાય તો આ સૌભાગ્યની વાત છે. આ જ ભાવ લઈને સ્વતંત્રતા સેનાનીઓએ અંગ્રેજોને ભારતમાંથી જવા માટે મજબૂર કર્યા હતા. કેપ્ટન સ્મિત મચ્છરે જે કર્યું છે, તે આ જ ભાવને કારણે હતું.
દેખાવમાં આપણો સમાજ અલગ-અલગ દેખાય છે, પરંતુ અંદરથી એક છે. કોઈ ભાષામાં, કોઈ પંથ કે રીતિ-રિવાજોમાં રહેવું પડે છે, પરંતુ અંદરની એકતાનું ધ્યાન રાખવું જોઈએ. પોતાનાપણું હોવું જોઈએ અને દેખાવું પણ જોઈએ.
મોહન ભાગવતે કહ્યું કે વિવેકશીલ વ્યક્તિ માટે માહિતી લાભદાયક હોય છે, પરંતુ વિવેકહીન વ્યક્તિ માટે તે નુકસાનકારક બની શકે છે. તેમણે કહૃાું કે નશો એક ગંભીર પડકાર છે. શાસન-વહીવટીતંત્રએ આ તરફ ધ્યાન આપવું પડશે. સ્વયંસેવકોએ વિચારવું પડશે અને તેનો વ્યાપક ઉકેલ શોધવો પડશે. નવી પેઢીને તૈયાર કરવી પડશે.
મોહન ભાગવતે કહ્યું કે પશ્ચિમમાંથી એક આંધી ચાલી છે, જે દરેક પ્રકારની સંસ્કૃતિનો વિરોધ કરે છે અને તેને નષ્ટ કરવા માંગે છે. ફ્રાન્સમાં શું થઈ રહૃાું છે, નેપાળમાં અને બાંગ્લાદેશમાં શું થયું. તેઓ કહે છે કે રિજીમ ચેઈન્જ (સરકાર બદલવાથી) પરિસ્થિતિ બદલાશે, પરંતુ ન તો આવું પહેલાં થયું છે અને ન તો આગળ થશે. આ પ્રકારના રિજીમ ચેઈન્જના પ્રયાસો ભારતમાં કયારેય સફળ થવાના નથી છેલ્લાં વર્ષોથી જે નીતિથી ભારત આગળ વધ્યું, તેને મજબૂત નેતૃત્વે ચલાવી. નવી પેઢીના કારણે ભારતનો જે પુરુષાર્થ બન્યો, તેનાથી આસુરી શક્તિઓની રમત બંધ થઈ ગઈ, તેથી ભારત તેમનું લક્ષ્ય છે.
મોહન ભાગવતે કહ્યું કે દુનિયાને ખબર નથી કે વિકાસ અને પર્યાવરણને એકસાથે કેવી રીતે આગળ વધારવાં. જેઓ આપણા જેવા નથી, તેમની સાથે સુમેળ કેવી રીતે સાધવો, તેના જવાબો વિશ્વ પાસે નથી. નવી પેઢીના સંસ્કારો ખતમ થઈ રહૃાા છે. પ્રાકૃતિક તણાવની સાથે ભૂ-રાજકીય તણાવ પણ વધી રહ્યો છે. વિશ્વને ખબર છે કે ભારત પાસે આના જવાબો છે.
આ કાર્યક્રમમાં પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને તેમની પત્ની ડો. સુદેશ ધનખડ, ઇઝરાયલના કોન્સલ જનરલ યાનિવ રેવાચ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી પણ ઉપસ્થિત રહ્યા હતા.
મોહન ભાગવતે કહ્યું કે સમસ્યાઓના કારણે આંદોલનો થાય છે, પરંતુ આંદોલનો સમાધાન માટે થવા જોઈએ. આંદોલન કરનાર કોઈ સમૂહ હોય, અખંડ સમાજમાં કોઈપણ પ્રકારનું વિભાજન કે દ્વેષ ન હોવો જોઈએ. આંદોલનથી સમસ્યાનું સમાધાન થશે, તેના ઉદાહરણો ખૂબ ઓછા છે.
સમાજની સક્રિયતાથી સમાધાનના અનેક ઉદાહરણો છે. સમાજ અને દેશને માત્ર નેતા નથી ચલાવતા, સમાજ દેશને ચલાવે છે. આંદોલન કોઈ અન્ય લક્ષ્ય સાથે ચાલે તો તે રાજકારણનું સાધન બની જાય છે અને વિરોધ ભડકાવવાનું કામ કરે છે.
સમાજથી અલગ કરીને એક અલગ વર્ગ બનાવવો અને વ્યવસ્થા વિરુદ્ધ વિરોધ ઊભો કરવો, કલહ કરવો, આ પહેલાં પણ કરતા આવ્યા છે અને આજે પણ કરી રહ્યા છે. વિશ્વમાં ભારતને દબાવનારી તાકાતો અસ્તિત્વમાં છે.