97 ને પાર કરી અમેરિકન ડોલર સામે ભારતીય રૂપિયાની સેન્ચુરી તરફ આગેકૂચ

શેરબજારમાં સતત બીજા દિવસે કડાકો બોલાયો છે. સેન્સેક્સ બે દિવસમાં 1283 પોઈન્ટ, જ્યારે નિફ્ટી 476 પોઈન્ટ તૂટ્યો છે. સોના-ચાંદીમાં પણ ઘટાડો નોંધાયો છે. ચાંદી બે દિવસમાં પાંચ હજાર રૂપિયાથી વધુ ગગડી છે. બ્રેન્ટ ક્રૂડ 104 ડોલર થતા પેટ્રોલ-ડીઝલ મોંઘા થઈ શકે છે. ડોલર સામે રૂપિયો 97 ની ઐતિહાસિક નીચલી સપાટીએ પહોંચી ગયો છે, જે મોંઘવારી વધવા માટે સંકેત માની શકાય છે.

ગઈકાલે અને આજે એમ બે દિવસથી શેરબજાર હોય કે એમસીએક્સ બજાર બન્ને જગ્યાએ કડાકાનો જ દોર જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ અને નિફ્ટી હોય કે સોના કે ચાંદીની બન્ને જગ્યાએ કડાકો જ દેખાયો છે, જ્યારે બ્રેન્ટ ક્રૂડના ભાવમાં પણ ભડકો બોલાયો છે, જ્યારે ડોલર સામે રૂપિયો આજે ઐતિહાસિક રીતે 97 રૂપિયાના લેવલને પાર કરી ગયો છે જે ભારત માટે ચિંતાનો વિષય છે.

ગઈકાલે સેન્સેક્સમાં 72,965 પર બજાર ઓપન થયું હતું, જ્યારે તેણે 73,018 ની ટોચ બનાવી હતી. જો કે જોતજોતામાં સેન્સેક્સ ગબડીને 72,458 પર આવી ગયું હતું. છેલ્લે બજાર બંધ થવા સુધીમાં થોડી રિકવરી સાથે સેન્સેક્સ 72,618 પર બંધ થયું હતું. તેના પરથી કહી શકાય કે સેન્સેક્સમાં ગઈકાલે 380 પોઈન્ટનો કડાકો બોલાયો હતો, જ્યારે આજે સેન્સેક્સ ફરી એકવાર 72,618.70 પર ખૂલ્યો હતો અને પછી 71,635.91 ની નીચલી સપાટી બનાવી હતી. એટલે કે આજે કુલ 1000 પોઈન્ટનો કડાકો બોલાઈ ગયો છે. બે દિવસમાં સેન્સેક્સની સ્થિતિની વાત કરીએ તો કુલ 1383 પોઈન્ટનો કડાકો અત્યાર સુધી થઈ ચૂક્યો છે.

બે દિવસમાં નિફ્ટીની પણ હાલત દયનીય દેખાઈ છે. નિફ્ટી ગઈકાલે 22,690 પર ખુલી હતી અને 22,717 ની ટોચે પહોંચી હતી. ત્યારપછી 22,546 ની નીચલી સપાટીને સ્પર્શી ગઈ હતી, જ્યારે બજાર બંધ થતાં થતાં 22,603 પર બંધ થઈ હતી. નિફ્ટીમાં ગઈકાલનો કડાકો 171 પોઈન્ટનો રહ્યો હતો. જો કે, આજે પણ નિફ્ટીમાં ભયાનક સ્તરે કડાકાની સ્થિતિ જોવા મળી રહી છે. નિફ્ટીમાં આજે 365 પોઈન્ટથી વધુનો ઘટાડો થઈ ચૂક્યો છે.