સુરતના કાપડ અને એમ્બ્રોડરી ઉદ્યોગમાં કામ કરતા શ્રમિકોએ કથિત શોષણ સામે શરૂ કરેલું ‘ગાંવ ચલો’ આંદોલન ઉગ્ર બન્યું છે. 12 કલાકની લાંબી ડ્યુટી, સાપ્તાહિક રજાનો અભાવ, રજા લેતાં પગારમાં કાપ અને નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકીઓથી કંટાળેલા શ્રમિકો હવે વતન તરફ પ્રયાણ કરી રહ્યા છે. દાવા મુજબ, સુરત શહેર અને જિલ્લામાંથી અંદાજે 10 લાખથી વધુ શ્રમિકો આ આંદોલન સાથે જોડાયા છે. શ્રમિકોના મોટા પાયે પલાયનથી સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગમાં કામકાજ ખોરવાવાની ભીતિ ઊભી થઈ છે.
12 કલાકની ડ્યુટી અને રજાના અભાવે શ્રમિકોમાં રોષ
શ્રમિકોના જણાવ્યા મુજબ, કારખાનાઓમાં મહિનાના 30 દિવસ સુધી કામ કરાવવામાં આવે છે અને લાંબા સમય સુધી સતત મહેનત કરવા છતાં પૂરતી રજા મળતી નથી. બીમારી કે થાકને કારણે એક દિવસની રજા લેવામાં આવે તો પગારમાં કાપ મૂકવામાં આવે છે. સાતથી આઠ મહિના સુધી કામ કર્યા બાદ વતન જવા માટે રજા માગતાં પગાર રોકી દેવા અથવા નોકરીમાંથી કાઢી મૂકવા જેવી ફરિયાદો પણ સામે આવી છે.
શ્રમિકોની મુખ્ય માગ અઠવાડિયામાં એક દિવસ, ખાસ કરીને રવિવારે, સાપ્તાહિક રજા આપવાની છે. તેમનું કહેવું છે કે તેઓ મહિનામાં 26 દિવસ કામ કરવા તૈયાર છે, પરંતુ સતત કામ કરાવવાની અને રજા ન આપવાની પદ્ધતિ સ્વીકાર્ય નથી. રજાની માગણી બદલ સેંકડો શ્રમિકોને નોકરીમાંથી દૂર કરવામાં આવ્યા હોવાના પણ આક્ષેપો થયા છે.
કેન્દ્રીય કાપડ મંત્રીના નિવેદનથી ચર્ચા
આ આંદોલન વચ્ચે કેન્દ્રીય કાપડ મંત્રી ગિરિરાજ સિંહની સુરત મુલાકાત પણ ચર્ચામાં રહી હતી. સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદ દરમિયાન શ્રમિકોના પલાયન અને તેમની માગણીઓ અંગે પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. આ મુદ્દે મંત્રીએ કહ્યું કે મિલમાલિકો અને શ્રમિકો એક જ સિક્કાની બે બાજુ છે. માલિકે શ્રમિકને પોતાના પરિવારનો સભ્ય માનવો જોઈએ અને શ્રમિકે પણ માલિક સાથે પરિવાર જેવો સંબંધ રાખવો જોઈએ, તો ઉદ્યોગનું સંચાલન વધુ સારી રીતે થઈ શકે છે.
મંત્રીએ મધ્યપૂર્વમાં ચાલી રહેલા યુદ્ધની વૈશ્વિક અસરોનો ઉલ્લેખ કરતાં કહ્યું કે તેની અસર સમગ્ર દુનિયા પર પડી છે, જોકે દેશમાં ઉત્પાદનોના ભાવ વધ્યા નથી. બીજી તરફ, શ્રમિકોના પ્રશ્નોના નક્કર ઉકેલ અને તેમની કામની પરિસ્થિતિ અંગે સ્પષ્ટ પગલાંની જરૂરિયાત ચર્ચાનો વિષય બની છે.
યુનિયનો મદદે, ઉદ્યોગકારો સામે પડકાર
શ્રમિકોના આંદોલન વચ્ચે મજૂર યુનિયનો પણ મદદ માટે આગળ આવ્યા છે. સુરત રેલવે સ્ટેશન પર વતન જઈ રહેલા શ્રમિકો માટે પાણી અને બિસ્કિટની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. યુનિયનના પ્રતિનિધિઓએ કારખાના માલિકો દ્વારા શ્રમિકોને હેરાન કરવા અને ગેરકાયદેસર રીતે નોકરીમાંથી કાઢી મૂકવાના આક્ષેપો કર્યા છે.
સુરતનો ટેક્સટાઈલ ઉદ્યોગ મોટા પ્રમાણમાં ઉત્તર પ્રદેશ અને બિહારથી આવેલા શ્રમિકો પર નિર્ભર છે. આવા સંજોગોમાં શ્રમિકોનું સામૂહિક પલાયન ઉદ્યોગકારો માટે ગંભીર પડકાર બની શકે છે. જો સાપ્તાહિક રજા, યોગ્ય કામના કલાકો અને શ્રમિકોના હકો અંગે સમયસર ઉકેલ નહીં આવે, તો આગામી દિવસોમાં ઉત્પાદનને અસર થવાની અને ઉદ્યોગને મોટું આર્થિક નુકસાન થવાની શક્યતા છે.
સુરતમાં શ્રમિકોના પલાયનથી ટેક્સટાઈલ ઉદ્યોગ પર સંકટ: સાપ્તાહિક રજાની માગ સાથે ‘ગાંવ ચલો’ આંદોલન તેજ
