સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા AI ગ્લોઝ અને રોબોટિક્સના વીડિયો ભવિષ્યની કલ્પના જેવા લાગે છે, પરંતુ તેની પાછળની ટેક્નોલોજી હવે પ્રયોગશાળાઓમાંથી બહાર આવીને વાસ્તવિક દુનિયામાં પહોંચી રહી છે. હાલમાં આપણે એવી કેટલીક એપ જોઈ રહ્યા છે કે જે આખ્ખે આખ્ખું ગીત તૈયાર કરી આપે છે. કેટલીક એપ્સ તો ગીતના શબ્દો અને મ્યુઝીક સુદ્વાાં તૈયાર કરી આપે છે અને ગીતકાર કે ઓરિજનલ સિંગર કરતાં વધુ સારી રીતે ગીતો તૈયાર કરી રહ્યા છે. મ્યુઝીક ઈન્ડસ્ટ્રીઝ માટે આ એક મોટી વિચારણીય બાબત બની રહેનારી છે.
એક સમય હતો જ્યારે મશીન એટલે માત્ર ગણતરી, ઉત્પાદન અને વારંવાર કરવામાં આવતા કામ માટેનું સાધન. પરંતુ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને રોબોટિક્સના ઝડપી વિકાસે આ સ્થિતિ બદલવાનું શરૂ કર્યું છે. હવે મશીનો માત્ર વસ્તુઓ ઉઠાવવા કે ફેક્ટરીમાં એસેમ્બલી કરવાના કામ પૂરતા મર્યાદિત નથી. તેઓ પેઇન્ટિંગ બનાવી રહ્યા છે, સંગીતને સમજીને તેના આધારે પ્રતિક્રિયા આપી રહ્યા છે અને કલાકારો સાથે મળીને સર્જનાત્મક કાર્યો પણ કરી રહ્યા છે.

સોશિયલ મીડિયા પર આવા અનેક વીડિયો જોવા મળે છે, જેમાં AI આધારિત ગ્લોઝ કે મશીનોને બ્રશથી ચિત્ર બનાવતા, સંગીતના આધારે રંગો અને દૃશ્યો તૈયાર કરતા તથા મનુષ્યો સાથે મળીને વિવિધ સર્જનાત્મક કાર્યો કરતા જોઈ શકાય છે. જોકે દરેક વાયરલ વીડિયોને વાસ્તવિક વૈજ્ઞાનિક સિદ્ધિ માનવી યોગ્ય નથી, પરંતુ આ સમગ્ર પ્રવાહ ટેક્નોલોજી કઈ દિશામાં આગળ વધી રહી છે તેનો સંકેત જરૂર આપે છે.
રોબોટના હાથમાં બ્રશ
અમેરિકાની University of Michiganમાં સંશોધકોએ કલાકારો સાથે મળીને રોબોટિક આર્મ દ્વારા પેઇન્ટિંગ બનાવવાના પ્રયોગો કર્યા છે. અહીં સવાલ માત્ર એટલો નહોતો કે રોબોટ કેનવાસ પર રંગ લગાવી શકે છે કે નહીં, પરંતુ કલાકાર અને મશીન સાથે મળીને કેવી રીતે એક કલાત્મક કૃતિ તૈયાર કરી શકે તે સમજવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો.
આ પ્રકારના પ્રયોગો દર્શાવે છે કે AI હવે માત્ર વાતચીત કે અન્ય કામો કરતું સાધન નથી રહ્યું. યોગ્ય પ્રોગ્રામિંગ અને AIની મદદથી તે કલાકારની સૂચનાઓને સમજીને રંગ, હલનચલન અને બ્રશની ગતિ જેવા તત્વો સાથે કામ કરી શકે છે.
બીજી તરફ, “Picassnake” નામના રોબોટિક પ્રોજેક્ટમાં સંગીતના આધારે પેઇન્ટિંગ બનાવવાનો પ્રયોગ કરવામાં આવ્યો છે. સંગીતની આવર્તન, તીવ્રતા અને અન્ય લક્ષણોનું વિશ્લેષણ કરીને મશીન બ્રશની ગતિ અને રંગોના ઉપયોગ જેવા નિર્ણયોમાં તેનો ઉપયોગ કરે છે.
સંગીત સાંભળીને મશીન પણ ‘કલા’ સર્જે છે
કેનેડાની University of Waterlooમાં પણ એવા પ્રયોગો થયા છે, જેમાં AI આધારિત ડિવાઈસ સંગીતના ટેમ્પો અને કોર્ડ-પ્રોગ્રેશન જેવી બાબતોના આધારે રંગીન પ્રકાશ અને ગતિનો ઉપયોગ કરીને દૃશ્ય કલાત્મક રચના તૈયાર કરે છે.
અર્થાત્ સંગીત માત્ર સાંભળવા માટેનું માધ્યમ રહેતું નથી. AI તેને ડેટામાં ફેરવે છે અને તે ડેટાને પોતાની ગતિ અને રંગોના માધ્યમથી એક દૃશ્ય અનુભવમાં પરિવર્તિત કરાય છે.
આ પ્રકારની ટેક્નોલોજી ભવિષ્યમાં મ્યુઝિક કોન્સર્ટ, ડિજિટલ આર્ટ, મ્યુઝિયમ અને ઇન્ટરેક્ટિવ ઇન્સ્ટોલેશનમાં નવા પ્રયોગો માટે રસ્તો ખોલી શકે છે.

AI કલાકાર છે કે કલાકારનો સાથી?
આ સમગ્ર ટેક્નોલોજી સાથે સૌથી મોટો સવાલ પણ જોડાયેલો છે—શું AIને ખરેખર કલાકાર કહી શકાય?
AI કલાકાર દ્વારા આપવામાં આવેલી સૂચના, તસવીર, ટેક્સ્ટ અથવા સંગીતમાંથી પેટર્ન અને માહિતીનું વિશ્લેષણ કરીને નવું પરિણામ તૈયાર કરી શકે છે. પરંતુ તેમાં માનવી જેવી લાગણી, અનુભવ અને વ્યક્તિગત અભિવ્યક્તિ છે કે નહીં તે અંગે હજુ પણ ચર્ચા ચાલી રહી છે.
કેટલાક કલાકારો AIને એક નવા પ્રકારના સર્જનાત્મક સાધન તરીકે જુએ છે. તેમના મતે AI માનવીની કલ્પનાશક્તિને વિસ્તારી શકે છે. જ્યારે કેટલાક લોકો માને છે કે AI પરંપરાગત સર્જનાત્મક ક્ષેત્રો માટે પડકાર બની શકે છે.
AI ના ક્ષેત્રમાં આ ચર્ચા વધુ રસપ્રદ બની જાય છે, કારણ કે અહીં AI ગ્લોઝ માત્ર કમ્પ્યુટર સ્ક્રીન પર ચિત્ર બનાવતું નથી. રોબોટ બ્રશ પકડીને કેનવાસને સ્પર્શે છે અને AI દ્વારા લેવાયેલા નિર્ણયને વાસ્તવિક દુનિયામાં ગતિ અને રંગના સ્વરૂપમાં રજૂ કરે છે.
વાયરલ વીડિયો અને વાસ્તવિકતા વચ્ચેનો તફાવત
સોશિયલ મીડિયા પર દેખાતા દરેક AI વીડિયો વાસ્તવિક ટેક્નોલોજીનું પ્રદર્શન હોય તે જરૂરી નથી. કેટલાક વીડિયો AIથી બનાવેલા, એડિટ કરેલા અથવા માત્ર પ્રચારાત્મક પણ હોઈ શકે છે.
આથી કોઈ એક વાયરલ વીડિયો જોઈને એવું માનવું યોગ્ય નથી કે મશીનો હવે મનુષ્યની જેમ દરેક પ્રકારનું કામ કરવા લાગી છે.
વાસ્તવિક રોબોટિક્સમાં હજુ અનેક પડકારો છે. બદલાતી પરિસ્થિતિને સમજવી, વસ્તુને યોગ્ય રીતે પકડવી, ભૂલ થાય ત્યારે પોતાને સુધારવી અને સુરક્ષિત રીતે કામ કરવું, આ બધું હજુ પણ અત્યંત જટિલ છે.
હ્યુમનોઇડ રોબોટ્સની ક્ષમતાઓ ઝડપથી વધી રહી છે, પરંતુ જટિલ વાસ્તવિક પરિસ્થિતિઓમાં માનવીની સમકક્ષ કામગીરી કરવાની દિશામાં હજુ ઘણું અંતર કાપવાનું બાકી છે.
આવનારું ભવિષ્ય કેવું હશે?
શક્ય છે કે ભવિષ્યમાં કલાકાર અને મશીન એકબીજાના હરીફ નહીં, પરંતુ સહયોગી બને. કલાકાર વિચાર અને લાગણી આપે, AI નવી શક્યતાઓ શોધે અને રોબોટ તે વિચારને ભૌતિક દુનિયામાં આકાર આપે.
પેઇન્ટિંગથી લઈને સંગીત, મૂર્તિકલા, ડિઝાઇન અને ફિલ્મ નિર્માણ સુધી AI અને રોબોટિક્સ સર્જનાત્મક પ્રક્રિયાને બદલી શકે છે.
પરંતુ તેની સાથે એક મહત્વનો પ્રશ્ન પણ રહેશે કે જ્યારે કોઈ કલાત્મક કૃતિ કે આકૃતિ બનાવવામાં મશીનની મહત્વપૂર્ણ ભૂમિકા હશે, ત્યારે તેનો શ્રેય કોને આપવો?
કદાચ ભવિષ્યની કળામાં સવાલ એ નહીં હોય કે “આ માણસે બનાવી કે મશીને?” પરંતુ સવાલ એ હશે કે “માણસ અને મશીને સાથે મળીને શું નવું સર્જ્યું?”
AI ગ્લોઝ અને રોબોટિક્સની દુનિયામાં કદાચ આ જ સૌથી મોટો બદલાવ છે. મશીનો હવે માત્ર કામ કરનારા સાધનો નથી રહ્યાં; તેઓ ધીમે ધીમે માનવીની કલ્પનાને વાસ્તવિક દુનિયામાં ઉતારવા માટેનું એક નવું સર્જનાત્મક માધ્યમ બની રહ્યાં છે.
