GST કલેક્શન 2 લાખ કરોડને પારઃ યુપીઆઈમાં 2,451 કરોડ ટ્રાન્ઝેક્શનનો નવો રેકોર્ડ

તહેવારોની સિઝન ભારતીય અર્થતંત્ર માટે ખરા અર્થમાં આશીર્વાદ લઈને આવી છે. ભારતીય અર્થતંત્રને બૂસ્ટર ડોઝ લાગ્યો છે એમ કહેવામાં કંઈ ખોટું નથી. આ વખતે GST કલેક્શન 2 લાખ કરોડની નજીક પહોંચ્યું ગયું છે. UPIએ પણ નવો રેકોર્ડ બનાવ્યો છે. ભારતીય અર્થતંત્ર માટે ઓગસ્ટ 2026ના આંકડા સારા સંકેતો લઈને આવ્યા છે.

તહેવારોની સિઝનની શરૂઆત વચ્ચે દેશમાં ગ્રાહકનો ખર્ચ અને ડિજિટલ પેમેન્ટની ચૂકવણીના ટોટલ ટ્રાંઝેક્શનમાં વધારો થયો છે. ઓગસ્ટ મહિનામાં ગ્રોસ GST કલેક્શન વાર્ષિક ધોરણે 14.8 ટકા વધીને લગભગ 2 લાખ કરોડ સુધી પહોંચી ગયું છે. બીજી તરફ UPI ટ્રાન્ઝેક્શન પણ અત્યાર સુધીના સૌથી ઊંચા સ્તરે પહોંચી ગયું છે.

એક સરકારી રિપોર્ટ અનુસાર ઓગસ્ટ 2026માં કુલ ગ્રોસ GST કલેક્શન 1,99,853 કરોડ રહ્યું છે. જ્યારે ઓગસ્ટ 2025માં તે  1,74,116 કરોડ હતું. આનો અર્થ એ થયો કે, એક વર્ષમાં GST આવકમાં નોંધપાત્ર વધારો થયો છે. સ્થાનિક વ્યવહારોમાંથી મળેલી વિગત અનુસાર GST આવકમાં પણ નોંધપાત્ર વધારો થયો છે, જ્યારે આયાત સંબંધિત GST કલેક્શનમાં પણ મજબૂત વધારો જોવા મળ્યો છે.

સરકારે ઓગસ્ટ દરમિયાન આશરે  31,795 કરોડના GST રિફંડ આપ્યા હતા. આ રિફંડ બાદ નેટ GST કલેક્શન લગભગ 1.68 લાખ કરોડ રહ્યું છે. જે ગયા વર્ષની સરખામણીએ 8.3 ટકાની વૃદ્ધિ દર્શાવે છે. આ એક પોઝિટિવ સાઈન અર્થતંત્ર માટે અતિ મહત્ત્વની માનવામાં આવે છે. તહેવારની સીઝન શરૂ થતાની સાથે જ આ મોટી રેવન્યૂ માનવામાં આવે છે. જે દેશના વિકાસમાં કામ આવી શકે છે.

GSTની સાથે ભારતના ડિજિટલ પેમેન્ટ ક્ષેત્રે પણ નવો રેકોર્ડ સ્થપાઈ ગયો છે. ઓગસ્ટ 2026માં UPI દ્વારા 24.51 અબજ ટ્રાન્ઝેક્શન થયા છે. જ્યારે ટ્રાન્ઝેક્શનની સંખ્યાની દૃષ્ટિએ આ અત્યાર સુધીનું સૌથી ઊંચું એક મહિનાનું ટ્રાંઝેક્શન લેવલ હોય એવું લાગી રહ્યું છે.

આ વ્યવહારોનું કુલ મૂલ્ય લગભગ 29.82 લાખ કરોડ રહ્યું છે. આ તહેવારો દરમિયાન ખરીદી, ઓનલાઈન શોપિંગ અને નાના-મોટા વેપારમાં ડિજિટલ પેમેન્ટનો વધતો ઉપયોગ UPIના વધતા વોલ્યુમ પાછળનું એક મહત્વપૂર્ણ કારણ માનવામાં આવે છે.

ભારતમાં GST તા.1 જુલાઈ 2017થી લાગુ થયો હતો. તેનો ઉદ્દેશ દેશની વિવિધ પરોક્ષ કર વ્યવસ્થાઓને એકસાથે લાવીને વધુ સરળ અને એકીકૃત ટેક્સ સિસ્ટમ બનાવવાનો હતો. ત્યારથી GST કલેક્શન દેશના ઈકોનોમી ઈન્ડેક્સમાં મહત્ત્વનો માઈલસ્ટોન હાંસલ કરી ચૂક્યો છે.

બીજી તરફ UPI 2016માં લોન્ચ થયું હતું. NPCI દ્વારા વિકસાવવામાં આવેલી આ પેમેન્ટ સિસ્ટમથી બેંક ખાતા વચ્ચે મોબાઇલ મારફતે તાત્કાલિક નાણાં ટ્રાન્સફર કરવાનું સરળ બન્યું છે. જે આજે UPI ભારતની ડિજિટલ પેમેન્ટ વ્યવસ્થાનો મહત્વપૂર્ણ આધારસ્તંભ બની ગયું છે. GST કલેક્શનનો લગભગ ₹2 લાખ કરોડનો આંકડો પાર થતા અર્થતંત્ર માટે આ એક સારા સંકેત સમાન છે.

UPIમાં રેકોર્ડ ટ્રાન્ઝેક્શન બંનેને સાથે જોવામાં આવે તો દેશમાં ગ્રાહક માંગ, વેપારી પ્રવૃત્તિ અને ડિજિટલ પેમેન્ટમાં મજબૂતીના સંકેતો મળી રહ્યા છે. ખાસ કરીને તહેવારની સીઝનમાં ક્યાંક આંશિક ખરીદી તો ક્યાંક ધૂમ ખરીદીની અસર આ રેવન્યૂ માર્કેટ સાથે જોવા મળી રહી છે. આગામી તહેવારોની સિઝનમાં ખરીદી અને વપરાશ વધે છે કે નહીં, તેના પર આગામી મહિનાઓના GST કલેક્શન અને ડિજિટલ પેમેન્ટના આંકડા પણ નિર્ભર રહેશે.