ઝારખંડ-બિહાર વચ્ચે 25 વર્ષ જૂના જળ વિવાદનો અંત, સોન નદીનું પાણી વહેંચવા ઐતિહાસિક કરાર

બિહાર અને ઝારખંડ વચ્ચે છેલ્લા લગભગ 25 વર્ષથી ચાલી રહેલા સોન નદીના પાણીની વહેંચણીના વિવાદનો આખરે ઉકેલ આવ્યો છે. નવી દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં બંને રાજ્યો વચ્ચે પાણીની વહેંચણી અંગે સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ કરાર હેઠળ સોન નદીના કુલ 7.75 મિલિયન એકર ફૂટ પાણીની વહેંચણી અંગે સ્પષ્ટતા કરવામાં આવી છે.

વર્ષ 2000માં બિહારમાંથી ઝારખંડ અલગ રાજ્ય બન્યું ત્યારથી બંને રાજ્યો વચ્ચે સોન નદીના પાણીની વહેંચણીનો મુદ્દો લાંબા સમયથી વણઉકેલ્યો હતો. હવે થયેલા કરારને કારણે દાયકાઓ જૂના આ વિવાદના કાયમી ઉકેલનો માર્ગ મોકળો થયો છે. વર્ષ 1973ના બાણસાગર કરાર બાદ પ્રથમ વખત બંને રાજ્યો વચ્ચે પાણીની વહેંચણીને લઈને સ્પષ્ટ સમજૂતી થઈ હોવાનું જણાવાયું છે.

આ પ્રસંગે ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન, બિહારના મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી, કેન્દ્રીય જલ શક્તિ મંત્રી સી.આર. પાટીલ, બિહારના નાયબ મુખ્યમંત્રી, કેન્દ્રીય ગૃહ સચિવ તેમજ કેન્દ્ર અને બંને રાજ્યોના વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા.

લાખો ખેડૂતોને સિંચાઈ અને પીવાનું પાણી મળશે
કરાર બાદ અમિત શાહે જણાવ્યું કે બિહાર અને ઝારખંડ વચ્ચે થયેલી આ સમજૂતી પૂર્વ ભારતના લાંબા સમયથી પડતર જળ વિવાદના ઉકેલમાં મહત્વપૂર્ણ પગલું છે. આ કરારથી બંને રાજ્યોના મોટા ગ્રામીણ વિસ્તારોમાં લાખો ખેડૂતોને સિંચાઈ માટે પાણી ઉપલબ્ધ થશે. સાથે જ અનેક વિસ્તારોમાં પીવાના પાણીની જરૂરિયાત પણ પૂરી કરવામાં મદદ મળશે.

તેમણે કહ્યું કે દરેક રાજ્યની પોતાની વિશિષ્ટ ઓળખ અને જરૂરિયાતો છે, પરંતુ તમામ રાજ્યો જો ‘ટીમ ઈન્ડિયા’ની ભાવના સાથે આગળ વધે તો મોટા ભાગના જટિલ પ્રશ્નોનો ઉકેલ સંવાદ અને સહકારથી લાવી શકાય છે.

સોન નદીના પાણીની વહેંચણી અંગે થયેલી આ સમજૂતીથી બિહારના ભોજપુર, બક્સર, રોહતાસ, કૈમૂર, ઔરંગાબાદ, અરવલ, ગયા અને પટના સહિતના વિસ્તારોમાં સિંચાઈ અને પીવાના પાણીની ઉપલબ્ધતા વધવાની અપેક્ષા છે.

આ વર્ષે અન્ય મોટા જળ વિવાદોનો પણ ઉકેલ
કેન્દ્ર સરકારના પ્રયાસોથી આંતર-રાજ્ય પરિષદના માધ્યમથી લાંબા સમયથી પડતર રહેલા વિવિધ જળ વિવાદોને ઉકેલવાની પ્રક્રિયા ચાલી રહી છે. આ વર્ષે અત્યાર સુધીમાં રાજ્યો વચ્ચે અનેક મહત્વપૂર્ણ સમજૂતીઓ થઈ છે.

ગુજરાત સહિત ચાર રાજ્યો વચ્ચે નર્મદા અંગે સમજૂતી
7 જુલાઈ 2026ના રોજ મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશ વચ્ચે ‘નર્મદા એવોર્ડ’ અંતર્ગત બાકી ચૂકવણીના નિપટારા અંગે ઐતિહાસિક કરાર થયો હતો. આ સમજૂતીથી સરદાર સરોવર પ્રોજેક્ટના નિર્માણ ખર્ચની વહેંચણીને લઈને લાંબા સમયથી ચાલતા મતભેદોનો ઉકેલ લાવવામાં આવ્યો છે.

હરિયાણા-રાજસ્થાન વચ્ચે યમુના પાણી અંગે કરાર
29 જૂન 2026ના રોજ રાજસ્થાન અને હરિયાણા વચ્ચે યમુના જળ પ્રોજેક્ટના નિર્માણ અને અમલીકરણ અંગે કરાર થયો હતો. આ યોજના હેઠળ ત્રણ ભૂગર્ભ પાઇપલાઇન મારફતે આશરે 580 MCM પાણી રાજસ્થાન સુધી પહોંચાડવાની યોજના છે. તેનો હેતુ 1994ના અપર યમુના બેસિન કરાર હેઠળ રાજસ્થાનને ફાળવવામાં આવેલા પાણીનો અસરકારક ઉપયોગ કરવાનો છે.

કિશાઉ બહુલક્ષી ડેમ પ્રોજેક્ટ પર સહમતિ
16 જૂન 2026ના રોજ નવી દિલ્હીમાં મળેલી બેઠકમાં કિશાઉ બહુલક્ષી ડેમ પ્રોજેક્ટને લઈને હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, દિલ્હી, ઉત્તર પ્રદેશ, હરિયાણા અને રાજસ્થાન વચ્ચે સંમતિ સધાઈ હતી. પ્રોજેક્ટના વોટર કમ્પોનન્ટ માટે કેન્દ્ર સરકાર 90 ટકા નાણાકીય સહાય આપશે, જ્યારે બાકીના 10 ટકાનો ખર્ચ છ રાજ્યો મળીને ઉઠાવશે.

કેન્દ્ર સરકારના જણાવ્યા અનુસાર, વિવિધ રાજ્યો વચ્ચે સંવાદ અને સહકારી સંઘવાદની ભાવનાથી લાંબા સમયથી પડતર રહેલા જળ વિવાદોના ઉકેલ માટે આ સમજૂતીઓ મહત્વપૂર્ણ સાબિત થઈ રહી છે.