સવારે 6:15 વાગ્યે અમદાવાદ પોલીસ હેડક્વાર્ટરની સાયબર ક્રાઇમ લેબમાં એક પછી એક સ્ક્રીન ચાલુ થઈ રહી હતી. ડીસીપી કાવ્યા દેસાઈ આખી રાત ઊંઘી નહોતી. તેની સામે નાયરા શાહની ડિજિટલ પ્રોફાઇલ ખુલ્લી હતી.
ડીસીપી કાવ્યા જાણતી હતી કે માણસને શોધવા માટે ક્યારેક તેનો ચહેરો જરૂરી નથી હોતો.
તેની ડિજિટલ છાપ જ પૂરતી હોય છે.
નિરવે સ્ક્રીન પર એક ગ્રાફ ખોલ્યો.
“મેમ, નાયરાના છેલ્લા છ મહિનાના ડેટા ટ્રાફિકનું એનાલિસિસ કર્યું છે.”
“કંઈ મળ્યું?”
“એક વિચિત્ર પેટર્ન.”
કાવ્યા તેની પાસે ગઈ.
“સમજાવો.”
“નાયરા જ્યાં જાય છે, ત્યાંના સામાન્ય નેટવર્કની સરખામણીમાં તેના ડિવાઇસમાંથી કેટલાક એન્ક્રિપ્ટેડ પેકેટ્સ એક અલગ સર્વર ક્લસ્ટર તરફ જાય છે.”
નોંધ: (એન્ક્રિપ્ટેડ પેકેટ્સ (Encrypted Packets) એટલે કે ઇન્ટરનેટ અથવા નેટવર્ક પર મોકલવામાં આવતો એવો ડેટા (માહિતી), જેને સુરક્ષાના હેતુથી એક ગુપ્ત કોડમાં બદલી નાખવામાં આવ્યો હોય)
“કયા સર્વર તરફ?”
“નામ નથી.”
“લોકેશન?”
નિરવે સ્ક્રીન પર નકશો ખોલ્યો.
“અમદાવાદની બહાર.”
કાવ્યાએ પૂછ્યું, “ક્યાં?”
નિરવે નકશા પર એક બિંદુ બતાવ્યું.
ધોલેરા તરફનો જૂનો ઇન્ડસ્ટ્રીયલ ઝોન.
કાવ્યાની આંખોમાં ચમક આવી.
“ત્યાં AURAની કોઈ મિલકત છે?”
“સરકારી રેકોર્ડ પ્રમાણે નહીં.”
“અને ખાનગી રેકોર્ડ?”
નિરવ થોડી ક્ષણ ચૂપ રહ્યો.
“એક કંપનીના નામે જમીન છે. કંપની છ વર્ષ પહેલાં બંધ થઈ ગઈ.”
“કંપનીનું નામ?”
નિરવે ફાઇલ ખોલી.
ORION NEURAL SYSTEMS.
કાવ્યા અટકી ગઈ.
“આરવ મિસ્ત્રી?”
“ડાયરેક્ટર તરીકે નામ નથી.”
“તો?”
“કંપનીના ટેક્નિકલ કન્સલ્ટન્ટ.”
ડીસીપી કાવ્યાએ ધીમેથી કહ્યું..
“એટલે આરવનો ભૂતકાળ અહીંથી શરૂ થાય છે.”
બીજી તરફ, શહેરથી દૂર એક સુરક્ષિત સ્થળે આરવ અને નાયરા બેઠા હતા.
બહાર રાત ધીમે ધીમે અમદાવાદ પર પોતાનો કાળો પડદો પાથરી રહી હતી. દૂર શહેરની રોશની આકાશમાં ઝાંખો ઉજાસ ઊભો કરતી હતી, જાણે તારાઓ જમીન પર આવી વસ્યા હોય. હવામાં એક અજીબ શાંતિ હતી—પણ એ શાંતિની અંદર હજારો અદૃશ્ય મશીનોના ધબકારા સંભળાતા હોય એવું લાગતું હતું. ક્યારેક આકાશની ઊંચાઈએથી કોઈ નિર્જન ડ્રોન પસાર થતું અને તેની સફેદ રોશની અંધકારને ક્ષણભર ચીરી જતી. દૂર ક્યાંકથી કોઈ સ્વચાલિત વાહનનો મંદ અવાજ આવતો અને ફરી બધું નિઃશબ્દ થઈ જતું. પવનમાં જૂના અમદાવાદની માટીની સુગંધ હવે બહુ ઓછી રહી હતી; તેની જગ્યાએ ભવિષ્યની ધાતુ અને ગરમ સર્કિટોની અજાણી ગંધ ભળી ગઈ હતી.
શહેર બદલાઈ ગયું હતું, રસ્તાઓ બદલાઈ ગયા હતા, માણસોની દુનિયા બદલાઈ ગઈ હતી. પરંતુ રાત હજુ પણ એવી જ હતી. ગાઢ, રહસ્યમય અને પોતાના ગર્ભમાં કંઈક છુપાવીને બેઠેલી અને એ રાતના અંધકારમાં, કોઈક અદૃશ્ય નજર હજુ જાગતી હતી.
ટેબલ પર જૂનું મેમરી ડિવાઇસ પડ્યું હતું.
નાયરા સતત તેને જોતાં જોતાં બોલી…
“આ ફાઇલમાં એવું શું છે કે તું મને પણ છ વર્ષથી દૂર રાખે છે?”
આરવે જવાબ ન આપ્યો.
“હું તારી આસિસ્ટન્ટ છું.”
“મને ખબર છે.”
“તારી સાથીદાર.”
“એ પણ ખબર છે.”
નાયરા તેની આંખોમાં જોઈને બોલી,“તો પછી મારી પાસેથી શું છુપાવી રહ્યો છે?”
આરવ થોડો સમય ચૂપ રહ્યો.
પછી તેણે ડિવાઇસ તરફ ઈશારો કર્યો.
“2044.”
નાયરા સમજી ગઈ.
“ORION?”
આરવે માથું હલાવ્યું.
“તને યાદ છે?”
“હા.”
“એ પ્રોજેક્ટ કેમ બંધ થયો હતો?”
આરવની આંખો નીચે થઈ ગઈ.
“કારણ કે અમે કંઈક એવું બનાવ્યું હતું, જે અમારે બનાવવું નહોતું.”
નાયરા ધીમેથી બોલી….“NEMESIS?”
આરવે તરત તેની તરફ જોયું.
“આ નામ અહીં ન બોલ.”
“શા માટે?”
“કારણ કે ક્યારેક નામ પણ સિસ્ટમ માટે સિગ્નલ બની જાય છે.”
નાયરા થોડું હસી. “તું મને ડરાવી રહ્યો છે.”
“હું પોતે ડરેલો છું.”
રૂમમાં મૌન છવાઈ ગયું.
થોડી ક્ષણ પછી નાયરાએ તેનો હાથ પકડ્યો.
“જે કંઈ થયું હોય અને જે કંઈ પણ થશે, આપણે સાથે છીએ.”
આરવે તેની તરફ જોયું.
“હંમેશાં?”
“હંમેશાં.”
આરવે ધીમેથી કહ્યું, “એ વચન યાદ રાખજે.”
સવારે 9:40 વાગ્યે કાવ્યા પોલીસ ટીમ સાથે ORIONની જૂની ઇમારત પાસે પહોંચી.
ઇમારત વર્ષોથી બંધ હતી.દરવાજા પર ધૂળ હતી. બારીના કાચ તૂટેલા હતા, પણ અંદર જતા જ કાવ્યાને કંઈક અજીબ લાગ્યું.
“આ જગ્યા બંધ નથી.”
નિરવે પૂછ્યું, “તમને કેમ લાગે છે?”
કાવ્યાએ દિવાલ તરફ ઈશારો કર્યો.
“ધૂળ છે.”
પછી તેણે એક નાનકડા કેમેરા તરફ જોયું.
“પણ કેમેરા પર ધૂળ નથી.”
ટીમ સતર્ક થઈ ગઈ.
કાવ્યાએ હાથ ઊંચો કર્યો.
“કોઈ હજુ અહીં આવે છે.”
તેઓ અંદર આગળ વધ્યા.
એક જૂની લેબમાં તેમને કમ્પ્યુટર ટર્મિનલ મળ્યું.
નિરવે સિસ્ટમ ચાલુ કરી.
સ્ક્રીન પર જૂની ફાઇલ ખુલી.
PROJECT ORION
YEAR: 2044
LEAD ARCHITECT: ARAV MISTRY
NEURAL TRANSFER EXPERIMENT: CLASSIFIED
કાવ્યાએ ધીમેથી વાંચ્યું, “Neural Transfer…”
નિરવે પૂછ્યું, “મેમ, તેનો અર્થ શું?”
કાવ્યાએ જવાબ આપ્યો નહીં.
તે આગળની ફાઇલ ખોલવા લાગી.
પરંતુ અચાનક સ્ક્રીન કાળી થઈ ગઈ.
પછી લીલા અક્ષરો દેખાયા.
YOU SHOULD NOT BE HERE.
કાવ્યાએ પાછળ જોયું.
બધા પોલીસકર્મીઓ ચોંકી ગયા.
“સિસ્ટમ ઓફલાઇન હતી,” નિરવ બોલ્યો.
કાવ્યાએ સ્ક્રીન તરફ જોયું.
“તો આ મેસેજ કોણે મોકલ્યો?”
જવાબ આવ્યો…..ASK ARAV.
કાવ્યાનો ચહેરો કઠોર થઈ ગયો.
એ જ ક્ષણે તેના ફોન પર એક તસવીર આવી.
આરવ અને નાયરા સાથે ઊભા હતા.
ફોટો નવો હતો.
માત્ર થોડા કલાક પહેલાંની…
કાવ્યાએ ધીમેથી કહ્યું, “એ અહીં નથી.”
નિરવે પૂછ્યું,“તો ફોટો કોણે મોકલ્યો?”
કાવ્યાએ સ્ક્રીન તરફ જોયું.
“જે આપણને જોઈ રહ્યું છે.”
એ જ સમયે, શહેરના બીજા છેડે આરવ પોતાના રૂમમાં બેઠો હતો.
તેની સામેની સ્ક્રીન પર પોલીસની લાઇવ મૂવમેન્ટ દેખાઈ રહી હતી.
નાયરા તેની પાછળ ઊભી હતી.
“તેઓ ORION સુધી પહોંચી ગયા.”
આરવે ધીમેથી કહ્યું,“ હા,મને ખબર છે.”
“હવે?”
આરવે આંખો બંધ કરી.
“હવે રમત શરૂ થઈ.”
સ્ક્રીન પર એક કમાન્ડ વિન્ડો ખુલ્યું.
આરવે કંઈ ટાઇપ કર્યું નહીં.
માત્ર સ્ક્રીન તરફ જોયું.
અને ક્યાંક દૂર….
અમદાવાદની ટ્રાફિક સિસ્ટમમાં એક નાનો ગ્રીન સિગ્નલ ઝબક્યો.
NEMESIS: AWAKE.
(ક્રમશ:)
(ડિસ્કલેમર: આ નવલકથા સંપૂર્ણપણે લેખકની કલ્પના અને સર્જનાત્મક અભિવ્યક્તિ પર આધારિત છે. તેમાં દર્શાવવામાં આવેલા પાત્રો, ઘટનાઓ, સ્થળો, સંવાદો અને પ્રસંગો કાલ્પનિક છે. કોઈ જીવિત કે અવસાન પામેલી વ્યક્તિ, વાસ્તવિક ઘટના, સંસ્થા અથવા સ્થળ સાથે જો કોઈ સામ્યતા જણાય, તો તેને માત્ર સંયોગ ગણવો.
નવલકથામાં આવતી સામાજિક, સાંસ્કૃતિક, રાજકીય કે અન્ય કોઈપણ બાબતો લેખકની સર્જનાત્મક રજૂઆતનો ભાગ છે. તેનો હેતુ કોઈ વ્યક્તિ, સમુદાય, સંસ્થા, વિચારધારા કે માન્યતાને ઠેસ પહોંચાડવાનો નથી.
આ નવલકથાને વાસ્તવિક જીવનની ઘટનાઓ કે વ્યક્તિઓના પ્રતિબિંબ તરીકે ન જોવી. વાચકોએ આ નવલકથાને એક સાહિત્યિક અને કાલ્પનિક રચના તરીકે માણવી.)
