ગુજરાતમાં ગુટખા-પાન મસાલા પર પ્રતિબંધ વધુ એક વર્ષ લંબાવાયો, ઉત્પાદનથી લઈને વેચાણ સુધીની તમામ પ્રક્રિયા પર રોક

ગુજરાતમાં તમાકુ અથવા નિકોટીન ધરાવતા ગુટખા અને પાન મસાલા સામે રાજ્ય સરકારનો કડક વલણ યથાવત્ રાખવામાં આવ્યો છે. કમિશનર ઓફ ફૂડ સેફ્ટી દ્વારા રાજ્યભરમાં ગુટખા અને નિકોટીનયુક્ત પાન મસાલાના ઉત્પાદન, સંગ્રહ, વિતરણ અને વેચાણ પરનો પ્રતિબંધ વધુ એક વર્ષ માટે લંબાવવાનો આદેશ કરવામાં આવ્યો છે. આ પ્રતિબંધ 13 સપ્ટેમ્બર 2026થી 12 સપ્ટેમ્બર 2027 સુધી અમલમાં રહેશે.

ગુજરાતમાં વર્ષ 2012થી ગુટખા અને નિકોટીનયુક્ત પાન મસાલા પર પ્રતિબંધ અમલમાં છે. નાગરિકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા સમયાંતરે આ પ્રતિબંધને લંબાવવામાં આવે છે.

ટાટા મેમોરિયલ હોસ્પિટલ, ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફન્ડામેન્ટલ રિસર્ચ તેમજ ‘હેમર’ના સંશોધનોમાં ગુટખા અને પાન મસાલાના સેવનને આરોગ્ય માટે ગંભીર જોખમરૂપ ગણાવવામાં આવ્યું છે. ખાસ કરીને આવા ઉત્પાદનોના સેવનથી મોઢાના કેન્સરનું જોખમ વધવાની ચેતવણી આપવામાં આવી છે.

આ ઉપરાંત, ગ્લોબલ એડલ્ટ ટોબેકો સર્વે (GATS)ના અહેવાલ મુજબ ભારતમાં નોંધપાત્ર પ્રમાણમાં પુખ્ત વયના લોકો તમાકુનું સેવન કરે છે. તેમાં મોટી સંખ્યામાં લોકો ધુમાડા વગરની તમાકુનો ઉપયોગ કરતા હોવાનું સામે આવ્યું છે.

આ પ્રતિબંધ માત્ર ગુટખા કે પાન મસાલા નામથી વેચાતા ઉત્પાદનો પૂરતો મર્યાદિત નથી. કોઈપણ નામથી ઓળખાતા તમાકુ અથવા નિકોટીનયુક્ત ગુટખા તથા પાન મસાલા પર પણ પ્રતિબંધ લાગુ પડશે. એટલું જ નહીં, અલગ-અલગ રીતે વેચાતા એવા ઘટકો કે જેને ભેળવીને અંતિમ ઉત્પાદન તરીકે ગુટખા અથવા પાન મસાલા તૈયાર કરી શકાય છે, તેના પર પણ પ્રતિબંધ રહેશે.

સરકારના આદેશનું ઉલ્લંઘન કરનારાઓ સામે લાગુ કાયદા હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવશે. રાજ્ય સરકારનો ઉદ્દેશ નાગરિકોના સ્વાસ્થ્યનું રક્ષણ કરવાનો તેમજ તમાકુજન્ય ઉત્પાદનોના વપરાશને નિયંત્રિત કરવાનો હોવાનું જણાવાયું છે.

વિવિધ બિન-સરકારી સંસ્થાઓ (NGOs) દ્વારા કરવામાં આવેલી રજૂઆતો અને જાહેર આરોગ્યને લગતી ચિંતાઓને ધ્યાનમાં રાખીને ગુટખા અને પાન મસાલા પરનો પ્રતિબંધ વધુ એક વર્ષ માટે લંબાવવામાં આવ્યો છે.