ગુજરાતને રક્તરંજિત કરવાનું ષડયંત્ર? 50થી વધુ શસ્ત્રો ઝડપી પાડતી ATS, 10થી વધુ શખ્સોની ધરપકડ

ગુજરાત એટીએસએ કચ્છ, હળવદ, સુરેન્દ્રનગર અને મોરબીમાં પાડેલા દરોડામાં અઢીથી ત્રણ કરોડની કિંમત ધરાવતા 50 થી વધુ ઘાતક હથિયારો સાથે 10 લોકોની ધરપકડ કરી છે. આ હથિયારોથી શું ગુજરાતને રક્તરંજિત કરવાનું ષડ્યંત્ર હતું કે કેમ? સહિતની વિવિધ બાબતોને જાણવા એટીએસએ વધુ કામગીરી હાથ ધરી છે.

ગુજરાત એટીએસએ કચ્છ, હળવદ, સુરેન્દ્રનગર અને મોરબીમાં દરોડા પાડ્યા હતાં. આ દરોડામાં એટીએસને મોટી સફળતા મળી છે. આ દરોડા દરમિયાન એટીએસએ 50 થી વધુ ઘાતક હથિયારો ઝડપી ોલીધા હતાં. એટીએસ એ આ દરમિયાન 10 લોકોની ધરપકડ કરી છે. પકડાયેલા આ હથિયારોની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં અઢીથી ત્રણ કરોડ રૃપિયા આંકવામાં આવી રહી છે.

આ હથિયારો નેપાળથી લાવવામાં આવ્યા હતાં તથા તેને નાની ગેંગમાં વહેંચવાના હતાં. જેથી ગેંગવોર કે અન્ય સમયે કામ લાગી શકે. આ સમગ્ર બાબતે ગુજરાત એટીએસ એ વધુ તપાસ હાથ ધરી છે.

અત્રે એ પણ ઉલ્લેખનિય છે કે, અષાઢી બીજ પહેલા પણ પડાયેલા દરોડામાં રાજ્યના વિવિધ ભાગોમાંથી 50થી વધુ હથિયારો ઝડપાયા હતાં.

અનલોક-2: ગુજરાતમાં દુકાનો રાત્રે 8 વાગ્યા સુધી, રેસ્ટોરન્ટને રાત્રે 9 વાગ્યા સુધી ચાલુ રાખવાની છૂટ

આજે રાત્રે 12 વાગ્યે અનલોક-1 પૂર્ણ થઈ રહ્યું હોય, કેન્દ્ર સરકારે અનલોક-2 ની જાહેરાત કરી છે. કેન્દ્ર સરકારે 31 જુલાઈ 2020 સુધી જાહેર કરેલા અનલોક-2 ની ગાઈડલાઈન્સના સંદર્ભમાં આજે ગુજરાત રાજ્ય સરકારે ગુજરાતમાં અનલોક-2ના સમયગાળામાં વધારાની છૂટછાટો જાહેર કરી છે.

જેમાં રાજ્યમાં દુકાનો હવે રાત્રે આઠ વાગ્યા સુધી તેમજ રેસ્ટોરન્ટો રાત્રે નવ વાગ્યા સુધી ખુલ્લા રાખી શકાશે. અનલોક-1માં દુકાનો માટે સાંજે સાત વાગ્યાનો અને રેસ્ટોરન્ટો માટે રાત્રે આઠ વાગ્યનો સમય હતો તેમાં એક એક કલાકનો વધારો કરવામાં આવ્યો છે. જ્યારે રાત્રી કર્ફયુનો સમય રાત્રે 9 થી સવારે 6 સુધીનો હતો તેમાં બે કલાકની રાહત આપવામાં આવી છે. અનલોક-2માં રાત્રિ કર્ફયુનો સમય રાતના 10 થી સવારે 5 વાગ્યા સુધીનો રહેશે.

અનલોક-2 ની કેન્દ્ર સરકારની જાહેરાત પૂર્વે જ રાજ્ય સરકારે જાહેર કરી દીધું હતું કે ગુજરાત કેન્દ્રની ગાઈડલાઈન્સને અનુસરશે. તેથી 31 મી જુલાઈ સુધી કેન્દ્રની ગાઈડલાઈન્સ પ્રમાણે રાજ્યમાં સિનેમાઘર, શૈક્ષણિક સંસ્થાનો, શિક્ષણના કોચીંગ ક્લાસ, જીમ, સ્વીમીંગ પુલ સંપૂર્ણપણે બંધ રહેશે.

આ ઉપરાંત કન્ટેઈનમેન્ટ ઝોનમાં લોકડાઉનના તમામ પ્રતિબંધાત્મક આદેશોનો કડક અમલ ચાલુ રહેશે. સમગ્ર રાજ્યમાં રાત્રી કર્ફયુનો કડક અમલ થશે તેમજ મોઢા પર ફરજિયાત માસ્ક પહેરવું, જાહેરમાં થૂંકવું નહીં, સોશ્યલ ડિસ્ટન્સીંગ જાળવવું વગેરેનો પણ કડક અમલ ચાલુ રહેશે.

અનલોક-2માં સામાજિક-રાજકીય મેળાવડાઓ ઉપર પણ પ્રતિબંધ ચાલુ રાખવાની જાહેરાત કરાઈ છે. તેમજ કોરોના હજુ પણ બેકાબૂ હોય, 65 વર્ષથી વધુ વયના અને 10 વર્ષથી નાના બાળકો, બીમાર વ્યક્તિઓ, સગર્ભાઓને ઘરમાં જ રહેવાની સૂચના આપવામાં આવી છે.

ગુજરાતી સિનેમા માટે મોટો આઘાત, આ અભિનેતાનું ન્યૂયોર્કમાં નિધન,અનુપમ ખેરે કર્યું ટવિટ

ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે વધુ એક દુખદ સમાચાર સામે આવ્યા છે. ગુજરાતી સિનેમાના પ્રખ્યાત અભિનેતા દીપક દવે હવે આ દુનિયામાં નથી. અભિનેતા અનુપમ ખેરે ટવિટર દ્વારા આ માહિતી આપી છે. આજે સવારે તેમને હૃદયરોગનો હુમલો થયો હતો.

પ્રખ્યાત ગુજરાતી કવિ હરિન્દ્ર દવેના પુત્ર દીપક દવેએ ન્યૂયોર્કમાં ભારતીય વિદ્યા ભવનની ઓફિસમાં અંતિમ શ્વાસ લીધા. ઉમદા અભિનેતા અને ગંભીર અવાજના માલિક દીપક દવેના અવસાનથી ભારતીય સમાજ આઘાતમાં આવી ગયો છે. તેઓ 60 વર્ષનાં હતા.

ગુજરાતી અભિનેતા દિપક દવે 15 ટીવી સિરિયલો અને 9 ફિલ્મોમાં કામ કર્યું છે. તેમણે 70 થી વધુ નાટકોમાં અભિનય આપ્યો હતો.. ગુજરાતી સિવાય તેમણે અંગ્રેજી, હિન્દી અને મરાઠી ભાષાઓમાં પણ નાટકો કર્યા. તેઓ જાણીતા વીઓ કલાકાર અને ડબિંગ કલાકાર પણ હતા. દીપક દવેનું નાટક ‘ચિંગારી’ પ્રેક્ષકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું.

દીપક દવે 2003માં પ્રોગ્રામ ડાયરેક્ટર તરીકે ભારતીય વિદ્યા ભવન, મુંબઈમાં જોડાયા. આ સંસ્થા વૈશ્વિક સ્તરે ભારતીય સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાનું કામ કરે છે. બાદમાં તેમણે યુએસએના ભારતીય વિદ્યા ભવનમાં પ્રોગ્રામ મેનેજર તરીકે કામ કરવાનું શરૂ કર્યું. તેઓ વર્ષ 2008થી એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે.

અનુપમ ખેરે એક ટવિટમાં લખ્યું છે કે આ સમાચારથી હું ખૂબ જ આઘાત પામ્યો છું, ન્યૂયોર્કમાં મારા મિત્ર અને થિયેટર થિસિયન દિપક દવેનું અચાનક અવસાન થયું. તેઓ ત્યાં ભારતીય વિદ્યા ભવન ચલાવી રહ્યા હતા. તેઓ ખૂબ જ સંસ્કારી, નમ્ર અને ખૂબ મદદગાર વ્યક્તિ હતા. હું વિશ્વાસ કરી શકતો નથી કે તે આપણી વચ્ચે નથી. તેમના પરિવાર પ્રત્યે મારી ખૂબ દિલથી સંવેદના. ઓમ શાંતિ.

યુપીના કન્નોજમાં મેથીની ભાજી સમજી ગાંજાનું શાક બનાવી પરિવારે ખાઇ લીધું

ઘણીવાર કોઇકે કરેલી મજાક કોઇ પરિવાર માટે કેટલી ભારે પડે છે તે સમજવું હોય તો ઉત્તરપ્રદેશના કન્નોજની આ ઘટના તમારે જાણવી જરૂરી છે. જ્યાં એક વ્યક્તિએ એક પરિવારને મેથીની ભાજી કહીને ઘણો બઘો ગાંજો આપી દીધો હતો અને પરિવારે પણ બીજું કઇ વિચાર્યા વગર એ ગાંજાનું શાક બનાવીને ખાઇ લેતા તેમણે હોસ્પિટલ ભેગા થવાનો વારો આવ્યો છે.

કન્નોજના  પરિવારે મેથી સમજી ગાંજાની ભાજી બનાવીને ખાઇ લીધી. ગાંજાનું શાક બનાવીને ખાવાથી  પરિવારના સભ્યો બીમાર થઈ ગયા અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા. પોલીસે તેમને આ ગાંજો આપનારા આરોપીની ધરપકડ કરી લીધી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ  શખસે મજાક કરવાનાના ઈરાદે આ પરિવારને શાક બનાવવા માટે ગાંજો આપ્યો હતો.

કન્નોજ પોલીસ સ્ટેશન વિસ્તારના મિયાગંજ ગામમાં નવલ કિશોર નામના એક શખસે ગામના ઓમપ્રકાશના પુત્ર નિતેશને સૂકી મેથી કહીને ગાંજો આપી દીધો. ઘરે જઈને નિતેશે ગાંજો ભાભીને આપી દીધો. તેમણે મેથી સમજીને શાક બનાવી દીધું અને આશરે પાંચ વાગ્યે ઓમ પ્રકાશ, પુત્ર નિતેશ, મનોજ કમલેશન, પિંકી અને આરતીએ શાક ખાધું  તે પછી તેમની તબિયત બગડી ગઈ.

તેનની હાલત બગડતાં તેમણે પોતાના પાડોશીઓને ડૉક્ટરને બોલાવવા માટે કહ્યું અને થોડીવારમાં તેઓ બેભાન થઈ ગયા. પાડોશીઓએ પોલીસને  આ ઘટનાની માહિતી આપી તે પછી પરિવારના સભ્યોને જિલ્લા હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા. પોલીસે કઢાઈમાં રહેલા શાક અને કાચા ગાંજાને જપ્ત કરી લીધા છે અને નવલકિશોરની ધરપકડ કરી લીધી છે.

નેપાળનું એક પ્રાચીન મંદિર, જ્યાં રાજ પરિવાર આ ડરને કારણે દર્શન કરવા જતો નથી

ભારત અને નેેપાળ વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી તંગદીલી ચાલી રહી છે. ચીનના ચઢાવવાથી નેપાળ ભારત સામે શિંગડા ભરાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. જો કે આ બંને દેશ વચ્ચેનો સંબંધ યુગો જૂનો છે. નેપાળના નાગરિકો ભારતના મંદિરોના દર્શને આવે છે, તો ભારતીયો પણ નેપાળના પ્રસિદ્ધ પ્રાચિન મંદિરોના દર્શને જાય છે. નેપાળમાં એક એવું પણ પ્રસિદ્ધ પ્રાચીન મંદિર છે કે જ્યાં સામાન્ય નાગરિકો તો કોઇપણ જાતના ડર વગર જાય છે પણ નેપાળના રાજવી પરિવારના લોકો આ મંદિરના દર્શને એક ભયના કારણે આવતા નથી.

આ જે મંદિરની વાત કરવામાં આવે છે કે નેપાળના પાટનગર કાઠમંડુથી 8 કિલોમીટર દૂર આવેલા શિવપુરી પર્વતીય વિસ્તારની તળેટીમાં આવેલું છે. આ મંદિર ભગવાન વિષ્ણુનું મંદિર છે. આ મંદિરનું નામ બુદાનિકંથા છે. મંદિર બાબતે એક એવી કથા છે કે આ મંદિર રાજવી પરિવારના લોકો માટે શાપિત છે.  શ્રાપના ડરને કારણે આ મંદિરના દર્શને રાજવી પરિવારના લોકો આવતા જ નથી.

એવું કહેવામાં આવે છે કે શિવપુરી પર્વતની તળેટીમાં આવેલા આ વિષ્ણુ ભગવાનના મંદિર બાબતે રાજવી પરિવારને શ્રાપ મળ્યો હતો. આ શ્રાપ અનુસાર જો રાજવી પરિવારનો કોઇ પણ સભ્ય મંદિરમાં સ્થાપિત મૂર્તિના દર્શન કરી લેશે તો તેનું મોત થઇ જશે. આ શ્રાપને કારણે નેપાળના રાજવી પરિવારના લોકો મંદિરમાં સ્થપાયેલી ભગવાનની પ્રતિમાની પૂજા કરતાં નથી.

રાજવી પરિવારના સભ્યો પોતાને મળેલા શ્રાપને કારણે શિવપુરી સ્થિત બુદાનિકંથા મંદિરમાં દર્શનાર્થે આવતા નથી. પણ મંદિરમાં સ્થાપવામાં આવેલી ભગવાન વિષ્ણુ ની મૂર્તીની જ એક પ્રતિકૃતિ બનાવવામાં આવી છે. કે જેથી રાજવી પરિવારના લોકો ભગવાન વિષ્ણુની આ પ્રતીમાની પૂજા કરી શકે. મંદિરમાં મુકાયેલી ભગવાનની પ્રતિમાની આબેહુબ પ્રતિકૃતિ ખાસ રાજવી પરિવાર માટે તૈયાર કરવામાં આવી છે.

બુદાનિકંથા મંદિરમાં શ્રી હરિ એક પ્રાકૃતિક પાણીના કૂંડમાં 11 નાગોની સર્પાકાર કુ઼ડલીમાં વિરાજમાન છે. કથા એવી છે કે એક ખેડૂતને પોતાના ખેતરમાં કામ કરતી વખતે આ પ્રતિમા  મળી હતી. આ પ્રતિમાની લંબાઇ 5 મીટર છે, જે તળાવમાં આ પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે તેની લંબાઇ 13 મીટરની છે. પ્રતિમામાં ભગવાન નારાયણ એક પગ પર બીજાને મુકીને સૂતેલી મુદ્રામાં જોવા મળે છે. જ્યારે તેમની શૈય્યામાં કુંડલી મારનારા નાગોના 11 માથા તેમના શિરે છત્રની જેમ ગોઠવાયેલા છે.

 પૌરાણીક કથા અનુસાર જ્યારે સમુદ્ર મંથન થયું અને તેમાંથી નીકળેલા વિષને શિવજીએ પોતાના કંઠમાં લઇ લીધું તે પછી તેમનુ ગળુ ભુરૂ પડી ગયું હતું અને એ ઝેરથી જ્યારે શિવજીના ગળામાં બળતરા થવા માંડી ત્યારે તેમણે ઉત્તરની સરહદે આવીને એ દિશામાં એક તળાવ બનાવવા માટે ત્રુિશુલ વડે પહાડ પર વાર કર્યો હતો અને તેમાંથી તળાવ બન્યું હતું. કલિયુગમાં આ તળાવને નેપાળના ગોસાઇકુંડ તરીકે ઓળખવામાં આવે છે અને કહેવાય છે કે બુદાનીકંથા મંદિરના તળાવમામ પણ આ ગોસાઇકુંડમાંથી જ ઉત્તપન્ન થયું હતું.

 

PM મોદીનું રાષ્ટ્રને સંબોધન: “બેદરકારી ચલાવી ન લેવાય, ગામનો સરપંચ હોય કે વડાપ્રધાન, કોઈ નિયમથી ઉપર નથી “

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના સંકટ અને ચીન સાથેના તણાવ વચ્ચે દેશને સંબોધન કર્યું હતું. વડા પ્રધાન મોદીએ દેશને સંબોધન છઠ્ઠી વખત સંબોધન કર્યું છે. પીએમ મોદીએ કહ્યું કે કોરોના સામે લડતી વખતે 80 કરોડ લોકોને ત્રણ મહિનાનું મફત રેશન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત દરેક પરિવારને દર મહિને એક કિલો દાળ પણ આપવામાં આવતી હતી. છેલ્લા ત્રણ મહિનામાં જન ધન ખાતામાં 31 હજાર કરોડ રૂપિયા જમા થયા હતા.

પીએમ મોદીએ કહ્યું કે લોકડાઉન દરમિયાન નિયમોનું ગંભીરતાથી પાલન કરવામાં આવ્યું હતું. હવે દેશના નાગરિકોએ ફરીથી એ જ તકેદારી બતાવવાની જરૂર છે. જેઓ નિયમોનું પાલન નથી કરી રહ્યા છે તેમને રોકીને સમજાવવું પડશે. તમે સમાચારોમાં જોયું જ હશે કે કોઈ દેશના વડા પ્રધાનને જાહેર સ્થળે વિના માસ્ક પહેરેલા હોવાથી 13 હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો. ભારતમાં પણ સ્થાનિક વહીવટીતંત્રે આ ચપળતાથી કામ કરવું જોઈએ. ગામનો સરપંચ હોય કે વડાપ્રધાન હોય કોઈ નિયમથી ઉપર નથી.

તેમણે કહ્યું કે માસ્ક, ફેસકવર અને સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન કરવામાં ચૂસ્તી બતાવવી પડશે. પીએમએ આજે માત્ર કોરોના અંગે વાત કરી અને આત્મનિર્ભર ભારત માટે સંકલ્પ કરવાનું તેમણે આહવાન કર્યું છે. અનલોક-1માં બેદરકારી વધી છે એ ચિંતાનો વિષય છે.

પીએમ મોદીએ કહ્યું કે કોરોના સામે લડતા હવે આપણે અનલોક 2 માં પ્રવેશ કરી રહ્યા છીએ. આપણે એવી મોસમમાં પણ પ્રવેશી રહ્યા છીએ જેમાં શરદી, શરદી, તાવ હોય છે અને આ કિસ્સાઓમાં વધારો થાય છે. આવી સ્થિતિમાં બધા દેશવાસીઓને વિનંતી કરી રહ્યો છું કે આવા સમયે પોતાની સંભાળ રાખે.પીએમ મોદીએ કહ્યું કે અનલોક શરૂ થયો ત્યારથી લોકોમાં બેદરકારી વધી છે. પહેલાં આપણે ખૂબ સાવચેતી રાખતા હતા, પરંતુ આજે જ્યારે વધુ તકેદારીની જરૂર પડે છે ત્યારે વધતી બેદરકારી એ ચિંતાનું કારણ છે.

પીએમ મોદીએ કહ્યું કે જો દેશ કે વ્યક્તિ સમયસર અને સંવેદનશીલતાથી નિર્ણય લેશે તો કટોકટીનો સામનો કરવાની શક્તિ અનેકગણી વધી જાય છે. તેથી, લોકડાઉન થતાંની સાથે જ વડા પ્રધાન ગરીબ કલ્યાણ યોજના લઈ આવી હતી.આ યોજના અંતર્ગત ગરીબો માટે બે લાખ કરોડ રૂપિયાનું પેકેજ આપવામાં આવ્યું હતું. સમગ્ર દેશ માટે વન નેશન વન રાશન કાર્ડની યોજના છે.

સુરતના ડાયમંડ ઉદ્યોગનો જીવ તાળવે, ચીનની આડોડાઈ, હોંગકોંગમાં હીરાના પાર્સલ અટકાવ્યા

ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા તણાવની વચ્ચે ભારતે ચીન પર ડિજીટલ સ્ટ્રાઈક કરીને 59 એપ્લિકેશન પર પ્રતિબંધ મૂકી દીધો છે. આ ઉપરાંત ચીન વિરુદ્વ અન્ય કેટલાક આર્થિક પગલા ભરવામાં આવી રહ્યા છે ત્યારે સુરતના ડાયમંડ ઉદ્યોગનો જીવ તાળવે ચોંટી ગયો છે.

તાજેતરમાં હોંગકોંગમાં સુરત ડાયમંડ ઉદ્યોગના 10 શિપમેન્ટને એર કાર્ગો મારફત મોકલવામાં આવ્યા હતા. કોરોના બાદ પહેલી વાર ડાયમંડ ઉદ્યોગ દ્વારા પોલિશ્ડ હીરાને એક્સપોર્ટ કરવામા આવ્યા હતા.

આ અંગે જેમ્સ એન્ડ જ્વેલરીના પ્રમુખ દિનેશ નાવડીયાને પૂછવામાં આવતા તેમણે જણાવ્યું કે ભારત અને ચીન વચ્ચે સરહદી તણાવને લઈ કોઈ અડચણ નથી અને સરળતાથી એક્સપોર્ટ ચાલી રહ્યું છે.

બીજી તરફ ધર્મનંદન ડાયમંડના લાલજીભાઈએ જણાવ્યું કે ચીન દ્વારા હોંગકોંગમાં સુરતના ડાયમંડ શિપમેન્ટને અટકાવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. ચોક્કસ કેટલા માલને અટકાવાવામાં આવ્યો અને ક્યા કારણોસર માલ અટકાવાયો છે તેની માહિતી મેળવવામાં આવી રહી છે.

ડાયમંડ બિઝનેસ સાથે સંકળાયેલા દિનેશભાઈ કાછડીયાએ કહ્યું કે બોર્ડરની સ્થિતિને લઈ ડાયમંડ ઉદ્યોગના શ્વાસ અદ્વર થઈ ગયા છે. શું અસર થઈ રહી છે એ આવનાર સમયમાં ખબર પડશે. અન્ય એક ડાયમંડ ટ્રેડર્સે જણાવ્યું કે હોંગકોંગ જ એક્સપોર્ટ ડાયમંડ માટે મોટું હબ છે અને ત્યાં નાના-મોટા મળીને અનેકના કન્સાઈમેન્ટ સલવાયા છે. ક્યા કારણોસર માલને અટકવવામાં આવ્યો છે તે હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી.

મહત્વનું છે કે હાલ ડાયમંડ ઉદ્યોગમાં મંદીનો માહોલ છે અને પ્રોડક્શનમાં મોટો ઘટાડો જોવા મળી હહ્યો છે. એક્સપોર્ટ ઓર્ડર અને અન્ય ઓર્ડર સિવાય કામ કરવામાં આવી રહ્યું નથી. હીરા ઉદ્યોગની ચિંતામાં ચીનના આડોડાઈભર્યા રવૈયાના કારણે વધારો થઈ રહ્યો છે.

આ કારણે PubG Mobile એપ્સ બેનની યાદીમાંથી રહી ગઇ બાકાત

ભારતમાં સોમવારે ટિકટોકથી લઇને યુસી બ્રાઉઝર, હેલો અને શેર ઇટ સહિત ઘણી જાણીતી અને પ્રખ્યાત એવી  59 ચાઇનીઝ એપ્સ પર પ્રતિબંધ મુક્યો છે, આમાંથી ઘણી એપના દેશમાં કરોડો યૂઝર્સ છે. જો કે રોમાંચક વાત એ છે કે તેના પછી PubG Mobile અને Zoom એપ્સ ઘણાં ટ્રેન્ડમાં છે. યૂઝર્સના મુખે માત્ર એક જ સવાલ છે કે આ એપ્સને શા કારણે બેન લિસ્ટમાં સામેલ કરવામાં નથી આવી.

બેન કરાયેલી ચાઇનીઝ એપ્સની યાદીમાં PubG Mobile અને Zoom એપ્સને સામેલ કરવામાં ન આવતા ઘણાંને નવાઇ લાગી છે અને પ્રતિબંઘીત એપ્સની યાદી જોયા પછી મોટી સંખ્યામાં લોકો એક જ સવાલ કરી રહ્યા છે કે જ્યારે આટલી પોપ્યુલર એપ્સને બેન કરી દેવામાં આવી તો પછી માત્ર આ બે એપ્સને કેમ બાકાત રાખવામાં આવી.

PubG એક એવી ગેમ છે જેનું પૂરુ નામ PlayerUnknown’s Battlegrounds છે. આ એક પોપ્યુલર એક્શન ગેમ છે. આ એપ્સને દક્ષિણ કોરિયાની વીડિયો ગેમ કંપની બ્લ્યૂહોલની સબસિડરી કંપનીએ બનાવી છે. આ ગેમ 2000ની સાલમાં આવેલી જાપાની ફિલ્મ બેટલ રોયલ પરથી પ્રેરિત છે. જો કે તે ભલે દક્ષિણ કોરિયાની કંપનીએ બનાવી હોય પણ આ એપનું ચાઇનીઝ કનેક્શન પણ છે જ.

અમે તમને એ જણાવીએ છીએ કે આ ગેમનું ચાઇનીઝ કનેક્શન શું છે. હકીકતમાં દુનિયાની સૌથી મોટી ગેેમ કંપનીઓમાંની એક એવી Tencent Games ચીનની કંપની છે. ટેન્સેન્ટ ગેમ્સે પબ્જીને ચીનમાં લોન્ચ કરવાની ઓફર મુકી અને કેટલીક હિસ્સેદારી પણ ખરીદી. જો કે તે પછી પબ્જીને ચીનમાં પ્રતિબંઘીત કરી દેવામાં આવી. તે પછી ચીનમાં તેને એક નવા નામ સાથે લાવવામાં આવી.

રહી વાત આ એપ ચાઇનીઝ  છે કે નહીં તો જાણી લો કે ગૂગલના પ્લે સ્ટોરમાં જ્યારે તમે એપને ડાઉનલોડ કરો છો ત્યારે આ ગેમના પબ્લિશર તરીકે ટેન્સ્ન્ટ ગેમ્સ જ જોવા મળે છે. આ રીતે જોઇએ તો પબ્જીની ઓનરશિપ મિક્સ છે. તો Zoom કમ્યુનિકેશન એક અમેરિકન કંપની છે, તેના ફાઉન્ડરનું નામ એરિક યુઆન છે, જેનો જન્મ ચીનમાં થયો છે. પણ હાલમાં તે અમેરિકન નાગરિક છે અને તેથી તેની આ એપ્સ પણ અમેરિકાની ગણાય છે.

ચાઇનીઝ એપ પર ભારતમાં બેનને કારણે સ્તબ્ધ થયેલું ડ્રેગન બોલ્યું, સ્થિતિની સમીક્ષા કરી રહ્યા છીએ

ભારત અને ચીન વચ્ચે હવે વ્યુહાત્મક નહીં પણ આર્થિક મોરચે પણ તંગદીલી ચરમસીમાએ પહોંચી ગયો છે. ભારતે ચીનની 59 એપ્સ પર બેન મુક્યા પછી ડ્રેગન સ્તબ્ધ થઇ ગચુ્ં છે, ખાસ  વાત તો એ છે કે ગૂગલને પણ પોતાના પ્લે સ્ટોર પરથી તમામ એપ હટાવવાનો આદેશ પણ કરી દીધો છે. ભારતની આ કાર્યવાહીને પગલે ચીન ગભરાયું છે અને તેના પર દુખ વ્યક્ત કરીને સ્થિતિ પર નજર રાખવાની વાત કરવા માંડ્યું છે.

ચીનના વિદેશ મંત્રીના પ્રવક્તા ઝાઓ લિજિયાને ભારતના ચાઇનીઝ એપ્સ પર પ્રતિબંધ પર પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે ચીનને ઘણી ચિંતા છે અને તે સ્થિતિની સમીક્ષા કરી રહ્યા છીએ. જણાવી દઇએ કે બંને દેશો વચ્ચે લદાખમાં એક મહિનાથી વધુ સમયથી તંગદીલી ચાલી રહી છે ગલવાન ખીણ  વિસ્તારમાં ચીનના સૈન્ય સાથેના સંઘર્ષમાં 20 ભારતીય જવાન શહીદ થયા હતા, જ્યારે સામે પક્ષે ચીનના 40 જવાન માર્યા ગયા હતા.

ભારતે ચાઇનીઝ એપ પર પ્રતિબંધ મુક્યા પછી ડ્રેગનને ઇન્ટરનેશનલ કાયદો યાદ આવ્યો છે. તેમના દ્વારા કહેવાયું છે કે અમે કહેવા માગીએ છીએ કે ચીનની સરકાર હંમેશા પોતાના વેપારીઓને આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક નિયમોનું પાલન કરવા માટે કહેતી રહે છે.  ચાઇનીઝ સહિત તમામ ઇન્ટરનેશનલ રોકાણકારોના કાનૂની અધિકારોના રક્ષણની જવાબદારી ભારત સરકારની છે.

ભારતે સોમવારે 59 ચાઇનીઝ એપને બેન કરવાનો મોટો નિર્ણય લીધો છે બેન કરવામાં આવેલી એપ્સના લિસ્ટમાં ઘણી પોપ્યુલર એપ્સ પણ સામેલ છે અને ટિકટોક, યુસી બ્રાઉઝર અને શેરઇટ જેવા નામો છે. એપ્સ પર પ્રતિબંધ મુકવાનું કારણ માત્ર તે ચાઇનીઝ છે એટલે નહીં પણ દેશની સુરક્ષા અને એકતાને જાળવી રાખવા માટેનું જરૂરી પગલું ગણીને આવું કરવામાં આવ્યું છે.

વૈજ્ઞાનિકો માટે ચોંકાવનારું : રાજસ્થાનનાં ચામાચિડિયામાં જોવા મળી સમલૈગિંક ક્રિયાઓ

રાજસ્થાનના વૈજ્ઞાનિકોનાં ધ્યાને આવ્યું છે ચિત્તોડગઢના જંગલોમાં ચામાચિડિયા સમલૈંગિક પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. ઇન્ડિયન ફ્લાઇંગ ફોક્સ નામના ચામાચિડીયામાં આ પ્રકારનું પ્રથમ નિરીક્ષણ છે. આ નિરીક્ષણને ટેક્સા જર્નલમાં પ્રકાશિત કરવામાં આવ્યું છે. વૈજ્ઞાનિકોએ માર્ચ 2020માં અવલોકન કર્યું હતું કે એક નર બેટ(ચામાચિડિયા) બીજા નર પર મસ્તી દરમિયાન મુખમૈથુ જેવી ક્રિયાઓ કરતાં જોવા મળ્યા હતા.

મુખમૈથુ કરતી વખતે બન્ને એકબીજાને ઉત્તેજિત કરી રહ્યા હતા. આ બધું જોઈને અભ્યાસ કરી રહેલા લોકોએ પોતાની આંખો બંધ કરી લીધી હતી. તેમણે મુખમૈથુન રોકવા માટે કંઇ કર્યું ન હતું, પરંતુ તેમણે અન્ય બેટ પર ક્યારેય આવી રીતે કરતા જોયા ન હતા.

જર્નલ થ્રેટિએન્ડેડ ટેક્સામાં પ્રકાશિત રિસર્ચ પેપર મુજબ, ભારતીય ફલાઇંગ ફોક્સમાં અગાઉ સમલૈંગિક ફેલિટિઓ(મુખમૈથુ)નું વર્ણન નથી. વૈજ્ઞાનિકોનું માનવું છે કે ચામાચીડિયાઓમાં સમલૈંગિક ફેલિયોટિઓ દુર્લભ વર્તન છે અને તે નરોમાં આક્રમક સંબંધો વિકાસસાવી વાત શંકાસ્પદ છે.

નેચર કન્સર્વેઝન ફાઉન્ડેશનના સાયન્ટિસ્ટના પ્રોફેસર કે.એસ. ગોપી સુંદરએ જણાવ્યું હતું કે અમને આશ્ચર્ય થયું કારણ કે આ પ્રકારનું વર્તન ઘણા સસ્તન પ્રાણીઓમાં થતું નથી. એવું સૂચવે છે કે તે વૈજ્ઞાનિકો દ્વારા રેકોર્ડ કરવામાં આવ્યું તેના કરતા બેટની સામાન્ય વર્તણૂક કંઈક અલગ જ છે. આ ફરીથી પ્રજાતિઓ અને સંપૂર્ણ વર્તનને સમજવા માટે બેટ પર વધુ અભ્યાસની માંગ જરૂરી છે.  ભારતીય ફ્લાઇંગ ફોક્સનું નિરીક્ષણ કરવું સરળ છે કારણ કે તેઓ ખુલ્લામાં આશ્રય લે છે.

રોહિત ચક્રવર્તીએ ઝૂ અને વન્યપ્રાણી સંશોધન જર્મનીના પીએચડી વિદ્યાર્થીએ જણાવ્યું કે વિશ્વમાં બેટની લગભગ 1,400 પ્રજાતિઓ છે, જેમાંથી 22 જાતિઓમાં ફેલેટીયો નોંધાઈ છે. પરંતુ જ્યાં સુધી હું જાણું છું, સમલૈંગિક નર ફેલેટીયો પ્રથમ વખત રેકોર્ડ કરવામાં આવ્યો છે. તે બતાવે છે કે બેટની પ્રજાતિઓ ખૂબ વિકસિત છે. જેમની વિગતોમાં હજી સુધી સમજી શકાયું નથી. ચક્રવર્તી તેની થીસીસ માટે ઉત્તરાંચલમાં બેટનો અભ્યાસ કરે છે.