બોગસ અકસ્માત, ક્લેમ અટકાવવા. અકસ્માત, વાહન અને વીમાના ડેટાનું ઈન્ટરલિકિંગ ૪ સપ્તાહમાં પૂર્ણ કરવા કેન્દ્ર અને રાજ્યોને આદેશ અપાયા. અદાલતી હુકમનો અનાદર કરનાર કંપનીઓને અદાલતી અવમાનનાની નોટીસ ફટકારાઈ.
માર્ગ અકસ્માતના વળતર દાવાઓમાં થતા બોગસ અને નકલી ક્લેમ અટકાવવા તેમજ સમગ્ર પ્રક્રિયામાં પારદર્શિતા લાવવા માટે સુપ્રિમ કોર્ટે એક અત્યંત મહત્ત્વપૂર્ણ અને કડક આદેશ જારી કર્યો છે.
જસ્ટિસ અહસાન્નુદીન અમાનુલ્લાહ અને જસ્ટિસ પ્રસન્ન બી. વરાલેની ખંડપીઠે કેન્દ્ર સરકાર, તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને અકસ્માત સંબંધિત તમામ મુખ્ય ડિજિટલ પલેટફોર્મ્સને ૪ સપ્તાહની અંદર ફરજિયાતપણે એકબીજા સાથે સાંકળતા (ઈન્ટરલિંક કરવા) આદેશ આપ્યો છે.
સુપ્રિમ કોર્ટે નિર્દેશ આપ્યો છે કે અકસ્માત વાહન અને વીમાના ડેટાબેઝને પરસ્પર જોડી દેવામાં આવે. આ સમલેસ ઈન્ટિગ્રેશની અકસ્માત અહેવાલો, વાહનમાલિકી, ડ્રાઈવીંગ લાઈસન્સ અને અગાઉના વીમા ક્લેમનો ઈતિહાસ સરળતાથી ચકાસી શકાશે. આ ઉપરાંત ‘હિટ-એન્ડ-રન’ કેસો અને ‘પીએમ-રાહત’ યોજનાને પણ આ સિસ્ટમમાં આવરી લેવામાં આવશે, જેથી અકસ્માત થતા જ વીમા કંપનીઓને તાત્કાલિક એલર્ટ મળી રહે.
અદાલતે નોંધ્યું હતું કે નેશનલ ઈન્ફોર્મેટિસ સેન્ટર દ્વારા ઈ-ડાર પોર્ટલ તૈયાર કરાયું હોવા છતાં જૂજ રાજ્યો જ તેમાં ડેટા અપલોડ કરી રહ્યા છે, તેથી તમામ રાજ્યોને વિલંબ વિના ડેટા અપલોડકરવા કડક સૂચના અપાઈ છે.
આ કેસની સુનાવણી દરમિયાન અગાઉના અદાલતી આદેશો છતાં હાજર ન રહેનાર અને નિષ્કાળજી દાખવનાર વિવિધ વીમા કંપનીઓના વડાઓ સામે સુપ્રિમ કોર્ટે લાલઆંખ કરી છે. અદાલતે અનાદર બદલ આવી વીમા કંપનીઓના ગવર્નિંગ હેડ્સ, મેનેજિંગ ડિરેક્ટર્સ અને સઈઓ સામે અદાલતી અવમાનનાની નોટીસ જારી કરીને વ્યકિતગત રીતે હાજર રહેવા આદેશ આપ્યો છે.
નાવી જનરલ ઈન્સ્યોરન્સ લિમિટેડના એમડી અને એઈઓ વૈભવ ગોયલ દ્વારા રજૂ કરેલી માફીનામાની એફિડેવિટને કોર્ટે દંભી ગણાવી ફગાવી દીધી હતી અને શો-કોઝ નોટીસ ફટકારી હતી. આ સિવાય ધ ન્યૂ ઈન્ડિયા એશ્યોરન્સ કંપની લિમિટેડ અને જનરલ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા જેવી કંપનીઓના વડાઓને પણ નોટીસ આપવામાં આવી છે. ધ ઓરિએન્ટલ ઈન્સ્યોરન્સ કંપની લિમિટેડ સંબંધિત આ સમગ્ર મામલે હવે પછીની સુનાવણી ર૭ નવેમ્બર ર૦ર૬ ના હાથ ધરવામાં આવશે.
