વકફ બોર્ડના નિર્ણયો કાયદાની જોગવાઈ મુજબ લેવાય છે: વકફ બોર્ડના ચેરમેન ડો. મોહસીન લોખંડવાલા

સુરત: ગુજરાત રાજ્ય વકફ બોર્ડના ચેરમેન ડો. મોહસીન લોખંડવાલાએ કોંગ્રેસી કાર્યકર અસલમ સાયકલવાળા વિરુદ્ધ રાંદેર પોલીસ સ્ટેશનમાં કરેલી અરજી તથા પોલીસે સાયકલવાળાનું નિવેદન નોંધ્યું હોવાના સંદર્ભમાં પોતાની પ્રતિક્રિયા આપી છે.

ડો. લોખંડવાલાએ જણાવ્યું કે, વકફ ટ્રસ્ટ સંબંધિત ફરિયાદો અને તકરારો અંગેના તમામ નિર્ણયો ગુજરાત રાજ્ય વકફ બોર્ડમાં કાયદાની જોગવાઈ મુજબ સર્વસંમતિ અથવા બહુમતીના આધારે લેવામાં આવે છે. તેમ છતાં છેલ્લા ત્રણ વર્ષથી અસલમ સાયકલવાળા દ્વારા મીડિયા અને સોશિયલ મીડિયામાં તેમને વ્યક્તિગત રીતે ટાર્ગેટ કરીને આક્ષેપો કરવામાં આવી રહ્યા છે અને વકફ બોર્ડના મુદ્દાઓને રાજકીય રંગ આપવામાં આવી રહ્યો હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો.

વકફ બોર્ડના નિર્ણયો તેમજ સરકાર દ્વારા મંજૂર કરવામાં આવેલા કાયદા અંગે તેમના વ્યક્તિગત નામનો ઉલ્લેખ કરીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવતી હોવાના મુદ્દે તેમણે રાંદેર પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. આ અરજીના સંદર્ભમાં પોલીસે અસલમ સાયકલવાળાનું નિવેદન નોંધ્યું છે. પોલીસની કાર્યવાહી અંગે પણ રાજકીય રંગ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરતાં તેમણે તેને વખોડવા પાત્ર ગણાવ્યો હતો.

ડો. લોખંડવાલાએ સ્પષ્ટતા કરી હતી કે, વકફ બોર્ડ દ્વારા લેવાયેલા કોઈ નિર્ણય અંગે અસહમતી હોય તો કાયદાકીય રીતે વકફ ટ્રિબ્યુનલ તથા હાઈકોર્ટ સમક્ષ તેને પડકારી શકાય છે. વકફ બોર્ડના નિર્ણયો કાયદાકીય પ્રક્રિયા અને જોગવાઈઓના આધારે લેવામાં આવતા હોય છે.