ગુજરાત સરકારે પ્રાથમિક શિક્ષણને લગતા સાત દાયકાથી વધુ જૂના નિયમોમાં મહત્વપૂર્ણ એવા નામમાં સુધારો કર્યો છે. શિક્ષણ વિભાગે ગુજરાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 હેઠળ, અમલમાં રહેલા બોમ્બે પ્રાઇમરી એજ્યુકેશન રૂલ 1949નું નામ બદલીને હવે ગુજરાત પ્રાઇમરી એજ્યુકેશન 1949 કરવાનો નિર્ણય લીધો છે. આ અંગે શિક્ષણ વિભાગે ૮ સપ્ટેમ્બર 2026ના રોજ એક નોટિફિકેશન બાહર પાડ્યું હતું. જેનું પ્રકાશન 17 સપ્ટેમ્બર 2026ના ગુજરાત સરકારના ગેઝેટમાં કરવામાં આવ્યું છે.
આ સુધારાને બોમ્બે પ્રાયમરી એજ્યુકેશન ગુજરાત સુધારેલો કાયદો 2026 તરીકે ઓળખવામાં આવ્યો છે. ગેઝેટમાં પ્રકાશિત થવાની તારીખથી જ આ સુધારો અમલમાં આવ્યો છે. સુધારાની એક મહત્ત્વની જ જોગવાઈ અનુસાર પ્રાથમિક શિક્ષણને લગતા અગાઉના નિયમો, પેટા નિયમો ઠરાવો, હુકમ, પરિપત્ર, નિયમ તથા નોટિફિકેશનમાં જ્યાં પણ બોમ્બે શબ્દનો ઉલ્લેખ હશે ત્યાં હવે તેને ગુજરાત તરીકે વાંચવાનો રહેશે.
આ જોગવાઈ અગાઉ ગુજરાત સરકાર દ્વારા પણ જાહેર કરવામાં આવી હતી. આ વાત સંબંધિત દસ્તાવેજો ઉપર પણ લાગુ પડશે. સરકારે આ ફેરફાર ગુજરાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947ની કલમ 63ની પેટા કલમ 1 અને 2 અંતર્ગત મળેલી સત્તાનો ઉપયોગ કરીને કર્યો છે. 1949માં અમલમાં આવેલા આ નિયમોમાં સમયાંતેર ફેરફાર કરી વિવિધ સુધારા કરવામાં આવ્યા છે. મૂળ નામમાં રહેલો બોમ્બે સંદર્ભ અત્યાર સુધી યથાવત રહ્યો હતો. જેમાં હવે ફેરફાર કરવામાં આવ્યો છે.
રાજ્ય સરકારના આ તાજેતરના સુધારા બાદ પ્રાથમિક શિક્ષણના નિયમોમાં, સત્તાવાર રીતે નામમાં પણ ગુજરાતનો સીધો ઉલ્લેખ થશે. સરકારના જણાવ્યા મુજબ, જૂના નિયમોમાં રહેલા બોમ્બે સંદર્ભને વર્તમાન ગુજરાતના સંદર્ભમાં સાથે સુસંગત બનાવવા આ સુધારાને જરૂરી બતાવ્યો છે.
