ગાંધીનગર મનપા ચૂંટણીઃ AAP એ ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર, એક કિન્નરને પણ આપી ટિકિટ

ગાંધીનગર મહાનગર પાલિકાની ચૂંટણીને લઈ આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી હતી. પ્રથમ યાદીમાં 23 ઉમેદવારોના નામ જાહેર કરાયા હતા. જેમાં એક કિન્નરને પણ ટિકિટ આપી હતી. વોર્ડ નંબર 10માં પારેખ જય શૈલેષભાઈ (એન્જલ માસી)ને ટિકિટ આપી હતી. પાર્ટીના જણાવ્યા અનુસાર, તેઓ અગાઉથી કોઈ મેયર ચહેરો જાહેર નહીં કરે, પરંતુ ચૂંટણી બાદ ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા જ મેયર નક્કી કરવામાં આવશે.

મનોજ સોરઠિયાએ શું કહ્યું…

મનોજ સોરઠિયાએ જણાવ્યું કે, ગુજરાતનું પાટનગર એવા ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે ત્યારે આપણે સૌ જાણીએ છીએ કે જ્યાંથી સમગ્ર ગુજરાતનો વહીવટ થાય છે એ ગાંધીનગરમાં જ દીવા તળે અંધારું છે અને ભાજપના ભ્રષ્ટ વહીવટના કારણે ગાંધીનગર આજે અનેક સમસ્યાઓથી પીડાઈ રહ્યું છે.

ગઈ ચૂંટણીમાં ગાંધીનગરની જનતાએ આમ આદમી પાર્ટીને 21% મત આપીને એક ઉમેદવારને જીતાડ્યા હતા અને તે પણ ભાજપની કોઈ લોભ લાલચમાં આવ્યા વગર તેઓ હંમેશા જનતાની સેવા કરતા રહ્યા. આ વખતે પણ આમ આદમી પાર્ટીએ ઉમેદવારો તરીકે શિક્ષિત યુવાઓ અને સામાજિક કાર્યકરોની પસંદગી કરી છે અને અમે ગાંધીનગરને એક વૈશ્વિક શહેર બનાવવાની નેમ લઈએ છીએ.

આમ આદમી પાર્ટીએ પોતાની આ યાદીમાં સમાજના તમામ વર્ગોને પ્રતિનિધિત્વ આપવાનો પ્રયાસ કર્યો છે. તેનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા પાર્ટીએ ગાંધીનગરના વોર્ડ નંબર 10માં એક કિન્નર ઉમેદવારને પણ ચૂંટણીની ટિકિટ આપી છે. સમાજના હાંસિયામાં ધકેલાયેલા વર્ગને રાજકીય મંચ પર સ્થાન આપવાનો આ પ્રયાસ ચર્ચાનો વિષય બન્યો છે.

ઉમેદવારોની યાદી જાહેર કરતી વખતે આમ આદમી પાર્ટીના નેતાઓએ 2021ની ગાંધીનગર મનપા ચૂંટણીના પરિણામોનો પણ ઉલ્લેખ કર્યો હતો. પક્ષના જણાવ્યા મુજબ, અગાઉની ચૂંટણીમાં આપને એક બેઠક મળી હતી અને આશરે 20 ટકાથી વધુ મત મળ્યા હતા. એક જ કોર્પોરેટર હોવા છતાં મજબૂતીથી વિપક્ષની ભૂમિકા ભજવી હોવાનો પક્ષ દ્વારા દાવો કરવામાં આવ્યો હતો.

ગાંધીનગર મનપાની ક્યારે છે ચૂંટણી

ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણી માટે 21 સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થશે. જ્યારે 26 સપ્ટેમ્બર ઉમેદવારી નોંધાવવાનો અંતિમ દિવસ રહેશે. ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે 11 ઓક્ટોબર 2026ના રોજ મતદાન યોજાવાનું છે અને 13 ઓક્ટોબરે મતગણતરી કરવામાં આવશે. 11 વોર્ડની કુલ 44 બેઠકો માટે ચૂંટણી યોજાશે.