સાઉદી અરેબિયાની એર ડિફેન્સે મક્કા તરફ આવતું શંકાસ્પદ ડ્રોન તોડી પાડ્યું; હૂતી બળવાખોરો પર આરોપ

સાઉદી અરેબિયાની એર ડિફેન્સ સિસ્ટમે મુસ્લિમોના સૌથી પવિત્ર શહેર મક્કા તરફ આવી રહેલા એક શંકાસ્પદ ડ્રોનને હવામાં જ નષ્ટ કરી દીધું છે. આ ઘટના મંગળવારે સાઉદી સમય અનુસાર સાંજે લગભગ 6:50 વાગે બની હતી, જ્યાં મક્કાના પ્રતિબંધિત હવાઈ ક્ષેત્રમાં પ્રવેશતા પહેલા જ ડ્રોનને દક્ષિણ ભાગમાં તોડી પાડવામાં આવ્યું હતું. આ ઘટના બાદ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારે ચિંતા અને આક્રોશ જોવા મળી રહ્યો છે.

સાઉદી સરકારનો દાવો: સાઉદી સૈન્ય ગઠબંધનના પ્રવક્તા મેજર જનરલ તુર્કી અલ-મલિકીએ જણાવ્યું હતું કે, પવિત્ર મક્કા શહેર અને શ્રદ્ધાળુઓની સુરક્ષા સાઉદી માટે ‘રેડ લાઇન’ છે. તેમણે આ હુમલા પાછળ યમનના હૂતી બળવાખોરોનો હાથ હોવાનું જણાવ્યું છે.

હૂતી સંગઠનનો ઇનકાર: હૂતી જૂથના લશ્કરી પ્રવક્તા યાહ્યા સારેએ આ આરોપોને ફગાવતા તેને સાઉદીનો પ્રચાર ગણાવ્યો છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે તેઓ ઇસ્લામના પવિત્ર સ્થળોને નિશાન નથી બનાવતા, તેમના લક્ષ્યો માત્ર સૈન્ય મથકો અને તેલ સુવિધાઓ છે.

ઐતિહાસિક ઇમરજન્સી એલર્ટ: યમનની સરહદથી આશરે 1,100 કિલોમીટર દૂર આવેલા મક્કા, જેદ્દાહ અને તાઈફ શહેરોમાં પ્રથમ વખત ‘નેશનલ અર્લી વોર્નિંગ પ્લેટફોર્મ’ દ્વારા ઈમરજન્સી એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું, જે જોખમ ટળતા થોડી જ મિનિટોમાં હટાવી લેવાયું હતું.

વૈશ્વિક નિંદા: ભારત સહિતના દેશોના વિદેશ મંત્રાલયે આ ઘટનાની કડક શબ્દોમાં નિંદા કરી છે. ભારતે જણાવ્યું કે આવા હુમલા પ્રાદેશિક શાંતિ અને નાગરિક સુરક્ષા માટે મોટો ખતરો છે. આ ઉપરાંત, ‘ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશન’ (OIC) એ પણ આ હુમલાના પ્રયાસની આકરી ટીકા કરી છે.