ઉત્તરાખંડથી એક ચોંકાવનારા અહેવાલ સામે આવ્યા છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી હરીશ રાવતે પાર્ટીના તમામ હોદ પરથી અચાનક જ રાજીનામું ધરી દઈને સૌને ચોંકાવી દીધા. તેમનો આ નિર્ણય એવા સમયે આવ્યો જયારે તેમના પીએ ચંદન સિંહ સામે ઈડી એ મોટી કાર્યવાહી હાથ ધરતાં દરોડા પાડયા હતાં. આ કાર્યવાહી બાદ રાજીનામું આપી દેતા રાવતે કહૃાું હતું કે હું નથી ઇચ્છતો કે મારા કારણે કોંગ્રેસ દ્વારા ભ્રષ્ટાચાર વિરુદ્ધ ચલાવાઈ રહેલા સંઘર્ષ સામે કોઈ સવાલો ઊભા થાય.
તેમણે આ મામલે સોશિયલ મીડિયા પર એક લાંબી પોસ્ટ પણ મૂકી હતી. ખરેખર તો ઈડીએ ૨૦૧૬માં લેવાયેલી ગ્રામ પંચાયત વિકાસ અધિકારી પરીક્ષામાં ગરબડ સંબંધિત કેસમાં મની લોન્ડરિંગ મામલે દહેરાદૂનમાં અનેક ઠેકાણે દરોડાની કાર્યવાહી કરી હતી જેમાં ચંદન સિંહનું ઘર પણ સામેલ હતું.
બીજી તરફ ઈડીના જણાવ્યાનુસાર ચંદન સિંહના ઘરેથી ૩૨ લાખ રૂપિયાની બેહિસાબી રોકડ, ૨૦૦ ગ્રામ જેટલું સોનું અને ૧૨ જેટલી લક્ઝુરિયસ વોચ કબજે લેવામાં આવી હતી. આની સાથે ચંદન અને તેમના પરિવારના સભ્યોના બેન્ક ખાતામાં હાજર ૫૨.૧૬ લાખ રૂપિયાની જમા રકમ પણ જપ્ત કરી લેવામાં આવી છે.
ઉલ્લેખનિય છે કે, ચંદન પૂર્વ સીએમ રાવતના કાર્યકાળ વખતે ઓએસડી પદે રહૃાા હતા અને હાલમાં તે તેમના પીએ તરીકે કામગીરી કરી રહૃાા હતા.
હરીશ રાવતે આ અંગે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું છે કે આ અહેવાલોનું સાચું સત્ય તપાસ બાદ જ સામે આવશે. ભરતી પરીક્ષાઓમાં ગડબડના આરોપો અંગે તેમણે કહૃાું કે જો આ દાવા સાબિત થશે તો તે તેમના માટે શરમજનક બાબત ગણાશે, જોકે તેમને આવા આરોપો પર જરાય વિશ્વાસ નથી.
તેમણે આક્ષેપ કર્યો હતો કે આગામી ચૂંટણી પહેલાં માહોલ બગાડવા અને રાજકીય નેરેટિવ ઊભો કરવા માટે જ તેમના સહયોગીને નિશાન બનાવાયા છે, તેમજ પાર્ટીની સાખ અને સંઘર્ષને નુકસાન ન પહોંચે તે માટે તેઓ પ્રદેશ કારોબારી અને કોંગ્રેસ વર્કિંગ કમિટી (સીડબલ્યુસી) ના પદો પરથી અલગ થઈ રહૃાા છે.
પોતાના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન ૪૨,૦૦૦ થી વધુ સરકારી પદો પર થયેલી ભરતીઓનો ઉલ્લેખ કરતાં રાવતે ઉમેર્યું હતું કે જો નિમણૂકની પ્રક્રિયામાં અજાણતા પણ કોઈ ચૂક થઈ હોય તો તેઓ રાજ્યની જનતાની માફી માંગે છે, અને ભરતી આયોગના તત્કાલીન અધ્યક્ષ સામે ફરિયાદ મળતાં જ તેમને પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા.
