દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ તાંડવ મચાવ્યું છે. સુરત સહિત દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં છેલ્લા 24 કલાક દરમિયાન ભારેથી અતિભારે વરસાદ નોંધાયો છે. રાજ્યના 12 તાલુકામાં 10 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે, જેમાં વલસાડ જિલ્લાના ઉમરગામમાં સૌથી વધુ 35.67 ઇંચ (આશરે 36 ઇંચ) વરસાદ નોંધાતા જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે.
રાજ્યના વરસાદના આંકડા મુજબ ઉમરગામમાં 35.67 ઇંચ વરસાદ નોંધાયો હતો. ઉપરાંત કપરાડામાં 28.78 ઇંચ, નાનાપોંઢામાં 25.31 ઇંચ, ધરમપુરમાં 19.65 ઇંચ, પારડીમાં 17.64 ઇંચ, નવસારીના વાંસદામાં 17.13 ઇંચ, વાપીમાં 16.26 ઇંચ, વલસાડમાં 15.87 ઇંચ, તાપીના ડોલવણમાં 14.88 ઇંચ, ડાંગના વઘાઈમાં 14.53 ઇંચ, નવસારીના ખેરગામમાં 14.09 ઇંચ અને તાપીના વાલોડમાં 10.08 ઇંચ વરસાદ નોંધાયો હતો.
સુરત, નવસારી, વલસાડ, તાપી અને ડાંગ જિલ્લામાં અનેક સ્થળોએ ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. અનેક માર્ગો પર પાણી ફરી વળતાં વાહનવ્યવહારને અસર પહોંચી હતી. નર્મદા, મહીસાગર અને ભરૂચ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં પણ મધ્યમથી અતિભારે વરસાદ નોંધાયો હતો.
ભારે વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે રાહત અને બચાવ કામગીરીને વધુ અસરકારક બનાવવા માટે સુરત, વલસાડ અને નવસારી જિલ્લામાં વરિષ્ઠ અધિકારીઓને મોકલવાનો નિર્ણય લીધો છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, આદિવાસી વિકાસ મંત્રી નરેશ પટેલ તેમજ સચિવ રમ્યા મોહન અને આલોક પાંડેને અસરગ્રસ્ત જિલ્લાઓમાં મોકલવામાં આવ્યા છે. ઉપરાંત જ્યાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, ત્યાં પ્રભારી સચિવોને પણ તાત્કાલિક પહોંચવા સૂચના આપવામાં આવી છે.
દરમિયાન, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે 23થી 27 જુલાઈ દરમિયાન મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. તેમના જણાવ્યા મુજબ બંગાળના ઉપસાગરમાં સક્રિય થયેલી સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધી રહી હોવાથી આગામી 48 કલાક દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી શકે છે.
અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ મધ્ય ગુજરાતના અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, ગોધરા, લુણાવાડા અને દાહોદ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. જ્યારે ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી અને બનાસકાંઠામાં પણ વરસાદી માહોલ રહેવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ અને તાપી જિલ્લામાં આગામી દિવસોમાં પણ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.
