તાપી રિવરફ્રન્ટ પ્રોજેક્ટને વેગ આપવા ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ પૂર્ણેશ મોદીની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક, 33 કિ.મી.નાં વિકાસકાર્ય પર ફોકસ

ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ પૂર્ણેશ મોદીની અધ્યક્ષતામાં ગુજરાત વિધાનસભા ખાતે તાપી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ અને પૂર સંરક્ષણ કામગીરી અંગે સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં પ્રોજેક્ટની પ્રગતિ, ટેક્નિકલ કામગીરી અને આગામી આયોજન અંગે વિગતવાર પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું.

તાપી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ અંતર્ગત કઠોર બ્રિજથી પ્રસ્તાવિત બેરેજ સુધી કુલ 33 કિલોમીટર વિસ્તારમાં વિકાસ કરવાની યોજના છે. જેમાં પ્રસ્તાવિત બેરેજથી હાલના વિયર સુધીનો 10 કિલોમીટર અને વિયરથી કઠોર બ્રિજ સુધીનો 23 કિલોમીટર વિસ્તાર સામેલ છે. પ્રોજેક્ટ માટે એન્વાયર્નમેન્ટલ ક્લિયરન્સ (EC) અને CRZ મંજૂરી મળી ચૂકી છે, જ્યારે વડોદરા સ્થિત GERI ખાતે ફિઝિકલ મોડેલ સ્ટડીની કામગીરી પ્રગતિ હેઠળ છે.

બેઠકમાં તાપી નદીના જમણા કાંઠે ભુલ્કા વિહાર સ્કૂલથી ગોવર્ધન હવેલી નજીક પાલ એક્વેરિયમ સુધીના આશરે 2 કિલોમીટર વિસ્તારમાં રૂ.252 કરોડના ખર્ચે પૂર્ણ થયેલી R-Wall કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. તેમજ અડાજણ વિસ્તારની પૂર સુરક્ષા માટે પાલ એક્વેરિયમ/રામ મંદિરથી શીતલ ટોકીઝ સુધી યલો લાઇન એલાઇનમેન્ટ મુજબ ફ્લડ પ્રોટેક્શન એમ્બેન્કમેન્ટની ટેક્નિકલ પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.

આ ઉપરાંત તાપી નદીના ડાબા કાંઠે સુરત જિમખાનાથી જજિસ કોલોની, નાનપુરા સુધીના 4.8 કિલોમીટર લાંબા પાયલોટ સ્ટ્રેચને પ્રાથમિકતાથી આગળ વધારવા અને તાપી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (TRFDCL)-SPVને જરૂરી નાણાકીય સહાય ઉપલબ્ધ કરાવવા અંગે પણ વિચારણા કરવામાં આવી હતી.

બેઠકના અધ્યક્ષસ્થાને રહેલા ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ પૂર્ણેશ મોદીએ જણાવ્યું હતું કે, સુરત શહેરની પૂર સુરક્ષા અને સર્વાંગી વિકાસ માટે તાપી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ અત્યંત મહત્વપૂર્ણ છે. તેમણે સંબંધિત તમામ વિભાગો વચ્ચે સંકલન વધારી પ્રોજેક્ટની કામગીરીને ઝડપથી આગળ ધપાવવા અને જરૂરી પગલાં સમયસર પૂર્ણ કરવા ભાર મૂક્યો હતો.