ભરૂચ જિલ્લામાં વહેલી સવારથી શરૂ થયેલા મુશળધાર વરસાદે ભરૂચ, અંકલેશ્વર, હાંસોટ, વાલિયા અને નેત્રંગ સહિતના વિસ્તારોમાં જનજીવનને ગંભીર અસર પહોંચાડી છે. છેલ્લા ચારથી પાંચ કલાક દરમિયાન અંકલેશ્વરમાં અંદાજે 100 મિમી જેટલો વરસાદ નોંધાતા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, જ્યારે આમલાખાડી ઓવરફ્લો થતાં અનેક માર્ગો પર પાણી ફરી વળ્યા છે.
હવામાન વિભાગના રેડ એલર્ટને પગલે જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ અને બચાવ દળોને એલર્ટ પર રાખવામાં આવ્યા છે. ભરૂચ શહેરના કસક, ફુરજા ચાર રસ્તા, સ્ટેશન રોડ, સેવાશ્રમ રોડ, પાંચબત્તી સહિતના અનેક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા ફ્લેશ ફ્લડ જેવી સ્થિતિ સર્જાઈ હતી. કસક વિસ્તારમાં ગટરો ઉભરાતા શહેરના મુખ્ય પ્રવેશ માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. અનેક વાહનો રસ્તા વચ્ચે બંધ પડી જતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. વરસાદને કારણે બજારોમાં પણ સામાન્ય જનજીવન પ્રભાવિત રહ્યું હતું.
અંકલેશ્વરમાં આમલાખાડી ઓવરફ્લો થતાં પિરામણ નજીક હાઇવે અને જીઆઈડીસીને જોડતા માર્ગ પર પાણી ફરી વળ્યા હતા. ઉમરવાડા રોડ પર આવેલી મરકઝી-2 સોસાયટી તેમજ ડી-માર્ટ પાછળની હરીમંગલ સોસાયટીમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા અનેક ઘરો અને પાર્ક કરેલા વાહનોમાં પાણી ઘૂસ્યા હતા. મામલતદાર કચેરી નજીક શહેર-જીઆઈડીસી માર્ગ પર પાણી ભરાતા ટ્રાફિક જામ સર્જાયો હતો.
તાજેતરમાં લાખો રૂપિયાના ખર્ચે બનાવાયેલી ડ્રેનેજ લાઈન હોવા છતાં વરસાદી પાણીનો નિકાલ ન થતાં તેની અસરકારકતા સામે પણ સવાલો ઊભા થયા છે. અંકલેશ્વર-હાંસોટ રોડ પર કડકડીયા કોલેજ નજીક આમલાખાડીના પાણી ફરી વળતાં મુખ્ય માર્ગ ફરી એકવાર વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે.
હાલ વાહનચાલકો માટે આંબોલી ડાયવર્ઝન રોડ મારફતે અવરજવર ચાલુ રાખવામાં આવી છે. વાલિયા તાલુકામાં ડહેલી-રાજપરા નજીક બંને ડાયવર્ઝન પર નદીનું પાણી ફરી વળતાં ડાયવર્ઝન ધોવાઈ ગયા હતા. જેના કારણે વાલિયા-વાડી માર્ગ પર વાહનવ્યવહાર સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે.
સ્થાનિક લોકોને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે. નેત્રંગ તાલુકામાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. બેડા કંપનીથી થવા આશ્રમ જતો મુખ્ય માર્ગ કમર સમા પાણીમાં ગરકાવ થઈ જતા વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયો છે. મંડાળા, ખાબજી, ખામ અને ગારદા સહિત અનેક ગામોનો સંપર્ક તૂટી ગયો છે. વિદ્યાર્થીઓ, નોકરીયાતો અને ગ્રામજનો અવરજવરમાં મુશ્કેલી અનુભવી રહ્યા છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને થવા વિસ્તારમાં NDRFની ટીમ તૈનાત કરવામાં આવી છે અને બચાવ તેમજ રાહત કામગીરી માટે જિલ્લા તંત્ર સતત નજર રાખી રહ્યું છે.
ભારે વરસાદને પગલે જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ તંત્ર દ્વારા વાલિયા, નેત્રંગ અને હાંસોટ તાલુકાના કુલ 14 માર્ગો સુરક્ષાના ભાગરૂપે બંધ કરવામાં આવ્યા છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા અને નદી-નાળાઓમાં પાણીના પ્રવાહમાં વધારો થતાં આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું તંત્રએ જણાવ્યું છે. ભરૂચ શહેરમાં પોલીસ દ્વારા પાણી ભરાયેલા વિસ્તારોમાં બેરિકેડિંગ કરી વાહનચાલકોને જોખમી માર્ગો પર જતા અટકાવવામાં આવ્યા હતા, જ્યારે નગરપાલિકા દ્વારા વરસાદી પાણીના ઝડપી નિકાલ માટે પમ્પિંગ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
વિવિધ વિસ્તારોના જનપ્રતિનિધિઓ પણ સ્થળ મુલાકાત લઈને રાહત કામગીરીમાં જોડાયા હતા. જિલ્લા વહીવટી તંત્રએ નાગરિકોને અત્યંત જરૂરી કામ સિવાય ઘરની બહાર ન નીકળવા, પાણી ભરાયેલા માર્ગો પરથી પસાર ન થવા, ખુલ્લા ગટર અને વીજ તારોથી દૂર રહેવા તેમજ નીચાણવાળા વિસ્તારોમાં વિશેષ સાવચેતી રાખવાની અપીલ કરી છે. આગામી કલાકોમાં પણ ભારે વરસાદની આગાહી વચ્ચે સમગ્ર તંત્ર એલર્ટ મોડમાં છે અને જરૂર પડે તો સ્થળાંતર સહિતની તમામ વ્યવસ્થા માટે સજ્જ હોવાનું તંત્રએ જણાવ્યું છે.
ભારે વરસાદથી શહેરી વિસ્તારોમાં જનજીવન અસ્તવ્યસ્ત બન્યું હોવા છતાં ગ્રામ્ય વિસ્તારોમાં સારા વરસાદને કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. વરસાદથી ખેતીની કામગીરીને વેગ મળવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે, જ્યારે વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા લોકોને ગરમી અને ઉકળાટમાંથી પણ રાહત મળી છે.
