અમદાવાદમાં સતત ધોધમાર વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા આગામી કલાકોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે શહેર માટે ‘રેડ એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે. વરસાદી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડમાં છે.
ભારે વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર પર ગંભીર અસર પડી છે. અખબારનગર, મીઠાખળી, મકરબા, ઉસ્માનપુરા અને નિર્ણયનગર એમ કુલ પાંચ અંડરપાસ પાણી ભરાવાને કારણે તાત્કાલિક બંધ કરવામાં આવ્યા છે.
વરસાદના આંકડા મુજબ બોડકદેવ વિસ્તારમાં અંદાજે 4.5 ઈંચ, સાયન્સ સિટી અને મેમનગરમાં 4 ઈંચ, જ્યારે રાણીપ, ઉસ્માનપુરા અને પાલડીમાં 3.5 ઈંચ વરસાદ નોંધાયો છે. ગોતા, નવરંગપુરા અને વાસણા સહિતના વિસ્તારોમાં પણ ભારે વરસાદ બાદ રસ્તાઓ પર પાણી ભરાઈ જતાં વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા.
શહેરના મોટાભાગના માર્ગો પર 4થી 5 કિલોમીટર સુધી લાંબા ટ્રાફિક જામ સર્જાતા હજારો લોકો કલાકો સુધી રસ્તાઓ પર અટવાયા હતા. વરસાદના કારણે ઓફિસ જતાં કર્મચારીઓ, વિદ્યાર્થીઓ અને સામાન્ય નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો.
જજીસ બંગલા વિસ્તારમાં આવેલા એક મોબાઈલ સ્ટોરમાં વરસાદી પાણી ઘૂસી જતાં મોબાઈલ ફોન અને અન્ય એસેસરીઝ પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. આ ઘટનાને કારણે વેપારીને લાખો રૂપિયાનું નુકસાન થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
વેજલપુર વિસ્તારમાં વરસાદી પાણીમાં એક સ્કૂલ બસ ફસાઈ જતાં તંત્ર દ્વારા તાત્કાલિક રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. બસમાં સવાર તમામ વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે બહાર કાઢી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. આ સમગ્ર કામગીરી દરમિયાન કોઈ જાનહાનિ નોંધાઈ નથી.
આ દરમિયાન ભારતીય હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને વિદ્યાર્થીઓની સલામતીને પ્રાથમિકતા આપતાં આવતીકાલે, 24 જુલાઈ, 2026 (શુક્રવાર)ના રોજ અમદાવાદ શહેરની તમામ શાળા અને કોલેજોમાં શૈક્ષણિક કામગીરી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવા, વરસાદી વિસ્તારોમાં સાવચેતી રાખવા, અફવાઓથી દૂર રહેવા અને માત્ર સત્તાવાર સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી છે.
