સુરતમાં ભારે વરસાદ: અંબિકા તાલુકામાંથી 295 લોકોનું સ્થળાંતર,પ્રભારી સચિવ શાલિની અગ્રવાલની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ

સુરત જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદને પગલે અંબિકા નદી અને ઓલણ ખાડીઓના જળસ્તરમાં નોંધપાત્ર વધારો થયો છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સુરત જિલ્લા વહીવટી તંત્ર અને તાલુકા પ્રશાસને તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી અસરગ્રસ્ત 7 ગામોમાંથી કુલ 295 લોકોને સુરક્ષિત સ્થળોએ સ્થળાંતરિત કર્યા છે.

સ્થળાંતરિત નાગરિકો માટે આશ્રયસ્થાનો પર રહેવા, જમવાની તેમજ અન્ય જરૂરી સુવિધાઓની સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે. તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને જરૂરિયાત મુજબ વધુ પગલાં ભરવા માટે તૈયારીઓ કરવામાં આવી છે.

દરમિયાન, સુરત શહેરમાં સતત વરસાદ અને આગામી હવામાન આગાહીને ધ્યાનમાં રાખીને ICCC સેન્ટર ખાતે પ્રભારી સચિવ શાલિની અગ્રવાલની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર એમ. નાગરાજન સહિત વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.

બેઠકમાં આપત્તિ વ્યવસ્થાપનની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી. સુરત શહેરમાં ફાયર બ્રિગેડ અને SDRFની ટીમોને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે, જ્યારે જરૂરિયાતને ધ્યાનમાં રાખીને NDRFની ટીમોને વલસાડ અને નવસારી તરફ રવાના કરવામાં આવી છે.

વહીવટી તંત્ર દ્વારા તમામ વિભાગોને સંપૂર્ણ સતર્ક રહેવા કડક સૂચના આપવામાં આવી છે. સાથે જ નાગરિકોને અફવાઓથી દૂર રહી માત્ર સત્તાવાર સૂચનાઓનું પાલન કરવા અને કોઈપણ કટોકટીની સ્થિતિમાં કંટ્રોલ રૂમનો સંપર્ક કરવાની અપીલ કરવામાં આવી છે.