વલસાડમાં સદીનું સૌથી વિનાશક પૂર? 1962નો રેકોર્ડ તૂટ્યો, સમગ્ર જિલ્લો ટાપુમાં ફેરવાયો, ભારે તારાજીની આશંકા, હાઈ વે બંધ

છેલ્લા 48 કલાકથી વલસાડ જિલ્લામાં વરસેલા અવિરત ધોધમાર વરસાદે સમગ્ર જિલ્લાને અભૂતપૂર્વ પૂર સંકટમાં ધકેલી દીધો છે. તાન, માન, પાર, ઔરંગા, કોલક અને દમણગંગા સહિત જિલ્લાની તમામ મુખ્ય નદીઓમાં આવેલા ઘોડાપૂરના કારણે શહેરોથી લઈને ગામડાઓ સુધી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.

વડીલોના જણાવ્યા મુજબ વર્ષ 1962માં આવેલા ઐતિહાસિક પૂર કરતાં પણ આ વખતનું પૂર વધુ ભયંકર સાબિત થયું છે. પરિણામે વર્ષ 2026નું આ પૂર વલસાડ જિલ્લાના ઇતિહાસમાં સૌથી ગંભીર કુદરતી આફતોમાંની એક તરીકે નોંધાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

નેશનલ હાઇવે-48 બંધ, હજારો વાહનો ફસાયા

ભારે વરસાદ અને પૂરના કારણે દેશના સૌથી વ્યસ્ત નેશનલ હાઇવે-48 પર અનેક સ્થળોએ પાણી ફરી વળતાં કલાકો સુધી વાહનવ્યવહાર બંધ રાખવાની ફરજ પડી હતી. પરિણામે હજારો વાહનો રસ્તા પર ફસાઈ ગયા અને લાંબા ટ્રાફિકજામ સર્જાયા. અનેક મુસાફરોને કલાકો સુધી હાઇવે પર અટવાઈ રહેવું પડ્યું હતું.

વલસાડ શહેરમાં નદી જેવા દ્રશ્યો

વલસાડ શહેરના છીપવાડ વિસ્તારમાં 10 ફૂટથી વધુ પાણી ભરાઈ જતાં રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા હતા. તરિયાવાડ વિસ્તારમાં 5 ફૂટથી વધુ પાણી ઘૂસી જતાં અનેક ઘરો અને દુકાનોમાં ભારે નુકસાન થયું છે. શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં લોકો પોતાના ઘરોમાં જ કેદ થઈ ગયા હતા અને જનજીવન સંપૂર્ણપણે ઠપ થઈ ગયું હતું.

વાપીમાં ગુંજનથી ટુકવાડા સુધી ભારે નુકસાન

વાપીના પોશ વિસ્તાર ગણાતા ગુંજનમાં પાણી ભરાતા અનેક કારો પાણીમાં ડૂબી ગઈ હતી. ટુકવાડા ગામ નજીક આવેલા અવધ યુટોપિયા પ્રોજેક્ટમાં બંગલાઓમાં 7 ફૂટથી વધુ પાણી ઘૂસી જતાં કરોડો રૂપિયાનું નુકસાન થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે. સોસાયટીમાં પાર્ક કરાયેલા વાહનો પણ પાણીમાં તણાઈ ગયા હતા.

ઉમરગામ, ધરમપુર અને કપરાડામાં સંપર્ક તૂટ્યો

ઉમરગામમાં અનેક સોસાયટીઓ અને રેલવે અન્ડરપાસોમાં પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર સંપૂર્ણ ખોરવાઈ ગયો હતો. બીજી તરફ ધરમપુર અને કપરાડાના અનેક રસ્તાઓ, નાના પુલો અને ખનકાઓ પાણીમાં ગરકાવ થતાં આંતરિક વિસ્તારોનો સંપર્ક તૂટી ગયો હતો. અનેક ગામોમાં લોકો લાંબા સમય સુધી બહાર નીકળી શક્યા નહોતા.

હનુમાન ભાગડામાં વિકટ સ્થિતિ, લોકો છાપરાં પર પહોંચ્યા

હનુમાન ભાગડા ગામમાં પરિસ્થિતિ સૌથી વધુ ગંભીર બની હતી. આખું ગામ પાણીમાં ગરકાવ થઈ જતાં અનેક ઘરોમાં છત સુધી પાણી પહોંચી ગયું હતું. જીવ બચાવવા માટે અનેક પરિવારોને ઘરના છાપરા પર આશરો લેવો પડ્યો હતો, જ્યારે કેટલાક લોકોએ છાપરાં તોડીને ઉપર જવું પડ્યું હતું. સ્થાનિકોના આક્ષેપ મુજબ સરપંચ સહિત ગામલોકોએ સતત મદદ માટે અપીલ કરવા છતાં રાત્રે લગભગ 10 વાગ્યા સુધી કોઈ અસરકારક બચાવ ટીમ પહોંચી નહોતી. ભાગડાવડા સહિત અન્ય નીચાણવાળા વિસ્તારોમાં પણ લોકો લાંબા સમય સુધી રાહત અને બચાવ કામગીરીની રાહ જોતા રહ્યા હતા.

રાહત કામગીરી પર સવાલ, કંટ્રોલ રૂમના ફોન બંધ હોવાના આક્ષેપ

પૂરની વિકટ સ્થિતિ વચ્ચે એનડીઆરએફની મર્યાદિત ટીમો અને ઓછી સંખ્યામાં ઉપલબ્ધ બોટોના કારણે બચાવ કામગીરી ધીમી રહી હતી. એક જ બોટને અનેક સ્થળોએ મોકલવાની ફરજ પડતાં અનેક પરિવારોને સમયસર સલામત સ્થળે ખસેડી શકાયા નહોતા. બીજી તરફ જિલ્લા ડિઝાસ્ટર ફ્લડ કંટ્રોલ રૂમના ફોન બંધ થઈ જવાના તેમજ કેટલાક અધિકારીઓનો સંપર્ક ન થતાં સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. અનેક લોકોએ આક્ષેપ કર્યો હતો કે મુશ્કેલીની ઘડીએ તંત્ર સાથે સંપર્ક સાધવો મુશ્કેલ બન્યો હતો.

જનજીવન સંપૂર્ણ ઠપ, નુકસાનનું સાચું ચિત્ર હજુ બાકી

વલસાડ, વાપી, ઉમરગામ, ધરમપુર અને કપરાડા સહિત જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં જનજીવન સંપૂર્ણપણે ઠપ થઈ ગયું છે. અનેક ઘરો, દુકાનો, વાહનો અને ખેતીને ભારે નુકસાન થયું હોવાનું પ્રાથમિક અંદાજ છે. હાલ અનેક વિસ્તારોમાં પાણી ધીમે-ધીમે ઓસરવાનું શરૂ થયું છે, પરંતુ જાનમાલને થયેલા નુકસાનનું સાચું ચિત્ર આગામી દિવસોમાં સામે આવશે.

સદીનુ  સૌથી મોટું પુર?

હાલની પરિસ્થિતિને જોતા સ્થાનિકો અને વડીલોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે વર્ષ 2026નું આ પૂર વલસાડ જિલ્લાના ઇતિહાસમાં સદીના સૌથી વિનાશક પૂર તરીકે યાદ રહી શકે છે. જોકે, જાનહાનિ અને કુલ નુકસાન અંગેના સત્તાવાર આંકડા બહાર આવ્યા બાદ જ સમગ્ર સ્થિતિનું સ્પષ્ટ ચિત્ર સામે આવશે.