ઔરંગા નદી ગાંડીતૂર, ઉમરગામમાં બે કલાકમાં 7.20 ઇંચ વરસાદ; વલસાડમાં જળબંબાકાર, શાળાઓમાં રજા

દક્ષિણ ગુજરાતમાં સતત વરસી રહેલા ભારે વરસાદે વલસાડ જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ સર્જી છે. આજે સવારે માત્ર બે કલાકમાં ઉમરગામમાં 7.20 ઇંચ વરસાદ નોંધાતા ઔરંગા નદી ગાંડીતૂર બની છે. નદીમાં આવેલા ઘોડાપૂરના કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં મકાનોના એક માળ સુધી પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાઈ છે.

ભારે વરસાદને પગલે વલસાડ શહેરના મુખ્ય માર્ગો તેમજ આંતરિક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. દાણા બજાર સહિતના વિસ્તારોમાં અનેક વાહનો પાણીમાં ડૂબી ગયા હતા. પાણી ભરાવાને કારણે અનેક સ્થળોએ વાહનવ્યવહાર પ્રભાવિત થયો હતો અને લોકોને અવરજવર કરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના આંકડા મુજબ સવારે 6થી 8 વાગ્યા દરમિયાન રાજ્યના 108 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. તેમાં ઉમરગામમાં સૌથી વધુ 7.20 ઇંચ વરસાદ નોંધાયો હતો. ઉપરાંત સુરતના ઉમરપાડામાં 5.12 ઇંચ, પારડીમાં 3.70 ઇંચ, કપરાડામાં 3.31 ઇંચ, નાનાપોંઢામાં 3.27 ઇંચ, ધરમપુરમાં 2.99 ઇંચ, નવસારીના ખેરગામમાં 2.56 ઇંચ, ભરૂચ અને વાપીમાં 2.28-2.28 ઇંચ તેમજ ડાંગમાં 2.24 ઇંચ વરસાદ નોંધાયો હતો.

અતિભારે વરસાદ અને પાણી ભરાવાની સ્થિતિને ધ્યાનમાં રાખીને વલસાડ જિલ્લા કલેક્ટરના આદેશથી આજે જિલ્લાની તમામ સરકારી અને ખાનગી શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાનમાં રાખીને શાળાઓને શક્ય હોય ત્યાં ઓનલાઈન શિક્ષણ શરૂ કરવા પણ સૂચના આપવામાં આવી છે.

દરમિયાન, હવામાન વિભાગે આજે રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. મહીસાગર, દાહોદ અને પંચમહાલ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, ખેડા, વડોદરા, નર્મદા, છોટાઉદેપુર, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. ઉપરાંત બનાસકાંઠા, મહેસાણા, અમદાવાદ, સુરેન્દ્રનગર, આણંદ, ભરૂચ, સુરત, ભાવનગર, અમરેલી અને બોટાદ જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.