હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી વચ્ચે સુરત શહેર અને જિલ્લામાં સતત વરસાદ વરસી રહ્યો છે. વરસાદને પગલે શહેરની વિવિધ ખાડીઓ ફરી ઉભરાવા લાગી છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં ખાડી પૂરનું સંકટ ઊભું થયું છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સુરત મહાનગરપાલિકા (SMC) સંપૂર્ણ એલર્ટ મોડમાં આવી ગઈ છે અને રાહત તેમજ બચાવ કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે.
ખાડીના જળસ્તરમાં સતત વધારો નોંધાતા પાલિકા દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા તેમજ જરૂરિયાત મુજબ સલામત સ્થળોએ સ્થળાંતર કરવા અપીલ કરવામાં આવી છે. સંભવિત પૂર જેવી સ્થિતિને પહોંચી વળવા માટે વિવિધ વિભાગોની ટીમોને તહેનાત કરવામાં આવી છે.
iCCC સેન્ટરથી સતત મોનિટરિંગ
શહેરની સ્થિતિ પર સતત નજર રાખવા માટે સુરત મહાનગરપાલિકાના ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર (iCCC)માંથી સમગ્ર શહેરના CCTV કેમેરા મારફતે 24 કલાક મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. અધિકારીઓ વિવિધ વિસ્તારોની સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે અને જ્યાં જરૂર જણાય ત્યાં તાત્કાલિક રાહત અને બચાવ ટીમોને મોકલવામાં આવી રહી છે.
લોકોને સાવચેત રહેવા અપીલ
તંત્ર દ્વારા નાગરિકોને અફવાઓથી દૂર રહેવા, નદી અને ખાડી કિનારાના વિસ્તારોમાં અવરજવર ટાળવા તેમજ અધિકારીઓની સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે. નીચાણવાળા વિસ્તારોમાં રહેતા પરિવારોને જરૂર પડે તો સમયસર સલામત સ્થળે ખસેડવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી રહી છે.
મુખ્યમંત્રીએ વરિષ્ઠ અધિકારીઓને અસરગ્રસ્ત જિલ્લાઓમાં મોકલ્યા
રાજ્યમાં ભારે વરસાદની સ્થિતિને ગંભીરતાથી લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરત, વલસાડ અને નવસારી જિલ્લાના અસરગ્રસ્ત વિસ્તારોમાં વહીવટી તંત્રને વધુ મજબૂત બનાવવા માટે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલ તેમજ સચિવશ્રીઓ રેમ્યા મોહન અને આલોક પાંડેને તાત્કાલિક અસરથી રવાના કર્યા છે.
આ ઉપરાંત હવામાન વિભાગ દ્વારા જ્યાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તે તમામ જિલ્લાઓમાં પણ પ્રભારી સચિવોને સ્થળ પર પહોંચી પરિસ્થિતિનું નિરીક્ષણ કરવા અને રાહત-બચાવ કામગીરીનું સંકલન કરવાની મુખ્યમંત્રીએ સૂચનાઓ આપી છે.
તંત્રની સતત નજર
હાલ સુરત શહેર અને જિલ્લામાં વરસાદી પરિસ્થિતિ પર તંત્ર સતત નજર રાખી રહ્યું છે. આગામી કલાકોમાં વરસાદની તીવ્રતા વધવાની શક્યતાને ધ્યાનમાં રાખીને તમામ વિભાગોને એલર્ટ રાખવામાં આવ્યા છે અને કોઈપણ આપાતકાલીન સ્થિતિને પહોંચી વળવા માટે જરૂરી તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે.
