SIR મુદ્દે ચૂંટણી પંચમાં આંતરિક બખેડો સપાટી પર આવતા ખળભળાટ મચી ગયો છે. ચીફ ઈલેકશન કમિશનર જ્ઞાનેશ કુમાર સામે સાથી કમિશનરોએ ચાર ગંભીર પ્રકારના વાંધા ૧૪ વખત રજૂ કર્યા હોવાના અહેવાલો બહાર આવ્યા પછી વિપક્ષોએ પણ તીખા પ્રહારો કર્યા છે.
ભારતીય લોકશાહીના સૌથી મોટા રખેવાળ ગણાતા ‘ભારતના ચૂંટણી પંચ’માં ઉચ્ચ સ્તરે એક ગંભીર વિખવાદ સર્જાયો છે. મુખ્ય ચૂંટણી કમિશનર ‘જ્ઞાનેશ કુમાર’ની કાર્યશૈલી અને નિર્ણયો સામે તેમના જ બે સાથી કમિશનરો ‘સુખબીર સિંહ સંધુ’ અને ‘વિવેક જોશી’એ ખુલ્લેઆમ નારાજગી વ્યક્ત કરી છે. મીડિયા અહેવાલો મુજબ એક અંગ્રેજી અખબારમાં પ્રકાશિત અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે છેલ્લા 10 મહિનાના ટૂંકા ગાળામાં આ બંને કમિશનરોએ સીઈસીના ચાર નિર્ણયો સામે 14 વખત ઔપચારિક વાંધા ઉઠાવ્યા છે. આ કટોકટી એટલી ગંભીર છે કે મામલો હવે દેશના કેબિનેટ સચિવ સુધી પહોંચી ગયો છે.
ઈન્ડિયન એક્સપ્રેસનાં અહેવાલ મુજબ, વિવાદનું મુખ્ય કેન્દ્ર નવા મતદારોની નોંધણી માટે વપરાતું કાનૂની દસ્તાવેજ ‘ફોર્મ 6’ અને ‘સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન’ (એસઆઈઆર) કાર્યક્રમ છે, જેની અસર દેશના 13 કરોડ મતદારો પર પડે છે. સાથી કમિશનરોનો આરોપ છે કે મુખ્ય ચૂંટણી કમિશનરે તેમની જાણ કે મંજૂરી વિના મતદાર યાદીમાં નામ ઉમેરવા અને કાઢી નાખવા જેવા મહત્ત્વપૂર્ણ નિર્ણયો લીધા છે. સૌથી મોટો વાંધો ફોર્મ ૬માં કરવામાં આવેલા ફેરફાર સામે છે. નિયમ મુજબ, ફોર્મ 6 ‘મતદારોના નોંધણી નિયમો, 1960’ હેઠળ આવે છે અને સરકારની ઔપચારિક સૂચના (ગેઝેટ નોટિફિકેશન) વિના તેમાં કોઈ ફેરફાર કરી શકાય નહીં.
તેમ છતાં, કાયદા મંત્રાલયની મંજૂરી વિના ગત મે મહિનામાં ચૂંટણી પંચના ઓનલાઈન પોર્ટલ પર ફોર્મ 6નું નવું વર્ઝન મૂકી દેવામાં આવ્યું. આ નવા ફોર્મમાં અરજદારોને એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે શું તેમના માતા-પિતા કે દાદા-દાદી અગાઉની મતદાર યાદીમાં નોંધાયેલા હતા? કમિશનર સંધુએ આ ફેરફારને ‘અનધિકૃત’ ગણાવીને વરિષ્ઠ અધિકારીઓને પત્ર લખ્યો હતો અને ચેતવણી આપી હતી કે આવા ફેરફારોને કારણે પ્રથમ વખત મત આપનારા યુવાઓ પોતાના મતાધિકારથી વંચિત રહી શકે છે.
સાથી કમિશનરોએ કરેલા આક્ષેપો મુજબ ચૂંટણી પંચમાં આઇટી સિસ્ટમનું કેન્દ્રીકરણ કરી દેવામાં આવ્યું છે, જેના કારણે સ્થાનિક નોંધણી અધિકારીઓ અને મુખ્ય ચૂંટણી અધિકારીઓની સત્તા છીનવાઈ ગઈ છે. સોફ્ટવેરમાં મોટા ફેરફારો અને મતદાર યાદી સુધારવા જેવા નિર્ણયો સંપૂર્ણ કમિશન (ત્રણેય સભ્યો) સમક્ષ રજૂ કર્યા વિના જ અમલમાં મૂકી દેવાયા હતાં.
ફોર્મ ૬માં કાયદા મંત્રાલયની મંજૂરી કે આંતરિક સર્વસંમતિ વિના ફેરફાર કરાયા હતાં. અને આ કેન્દ્રીયકૃત ડિજિટલ સિસ્ટમની નિષ્ફળતાને કારણે સુપ્રીમ કોર્ટના આદેશ છતાં ગોવામાં 97 યોગ્ય મતદારો પોતાના મતાધિકારથી વંચિત રહી ગયા હતા. બે પ્રકારના ચાર મુખ્ય આક્ષેપો ચર્ચામાં છે.
મતદાર સોફ્ટવેરના કેન્દ્રીકરણ અને કામની ફાળવણીના નવા આદેશથી આઇટી વિભાગ પરના દેખરેખના સ્તરો દૂર કરાતા તણાવ એટલો વધી ગયો કે કમિશનર સુખબીર સિંહ સંધુ અને વિવેક જોશીએ સીધા કેબિનેટ સચિવ ટી.વી. સોમનાથનને પત્ર લખ્યો. ચૂંટણી પંચના ઇતિહાસમાં આવું પહેલીવાર બન્યું છે. તેમણે ફરિયાદ કરી કે આઇટી વિભાગનું સંચાલન જે રીતે થઈ રહૃાું છે, તે ચૂંટણી પંચના કાયદાઓનું સીધું ઉલ્લંઘન છે અને તેમાં તાત્કાલિક સુધારાત્મક પગલાં લેવા જોઈએ.
આ વિવાદ બહાર આવતા જ ચૂંટણી પંચના સૂત્રોએ સ્પષ્ટતા કરી છે કે આંતરિક ચર્ચા દરમિયાન કમિશનરો પ્રશ્નો ઉઠાવે કે સ્પષ્ટતા માંગે તેને ‘ઔપચારિક અસંમતિ’ ન ગણી શકાય. પંચના મતે એસઆઈઆર અંગેની ચર્ચા વખતે બંને કમિશનરોએ પોતાના સૂચનો આપ્યા હતા, જે નિર્ણય લેતા પહેલા ધ્યાનમાં લેવાયા હતા. કોઈ પણ કમિશનરે અંતિમ નિર્ણય સામે ઔપચારિક અસંમતિ નથી નોંધાવી અને આદેશો પર ત્રણેય સભ્યોની સહી છે. જો કોઈ મુદ્દે મતભેદ થાય, તો પંચ બહુમતીના આધારે નિર્ણય લે છે. પંચમાં કોઈ કેન્દ્રીય હસ્તક્ષેપ નથી, સમગ્ર દેશ માટે એક જ સમાન ડેટા સિસ્ટમ છે. અધિકારીઓ અલગ-અલગ વિચારધારાઓથી પ્રભાવિત થઈ શકે છે. છેલ્લા 14 મહિનામાં એવા સેંકડો કિસ્સા બન્યા છે જ્યાં શરૂઆતી મતભેદો બાદ અંતે સર્વસંમતિ સધાઈ હોય.
એવું નથી કે આ પ્રકારનો વિવાદ પહેલી વખત ઉઠયો છે. આ પહેલા પણ 1950થી 1989: ચૂંટણી પંચમાં માત્ર એક જ સભ્ય (સીઈસી) હતા. 1989માં બે વધારાના કમિશનર નિમાયા, પરંતુ 1990માં ફરી પંચ એક સભ્યનું થઈ ગયું. અંતે 1993થી ત્રણ સભ્યોની કાયમી પ્રણાલી અમલમાં આવી. 2009માં તત્કાલીન સીઈસી એન. ગોપાલસ્વામીએ સોનિયા ગાંધીના કેસમાં અન્ય બે કમિશનરો (એસ.વાય. કુરેશી અને નવીન ચાવલા) સાથે અસંમતિ દર્શાવી હતી. 2019માં લોકસભા ચૂંટણી વખતે કમિશનર અશોક લવાસાએ વડાપ્રધાનના ભાષણોને લગતી આચારસંહિતાની ફરિયાદોમાં પોતાના સાથીઓથી અલગ વલણ અપનાવ્યું હતું.
કોંગી નેતાઓ દ્વારા આકરા પ્રહારો
આ મુદ્દે કોંગ્રેસે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આકરા પ્રહારો કર્યા હતા અને અભિષેક મનુ સિંઘવીએ આ મુદ્દે સીલસીલેવાર વિગતો સાથે ઘણી બંધારણીય સંસ્થાઓ હવે સ્વતંત્ર રહી નથી. તેમ જણાવી ચૂંટણીપંચની કાર્યપદ્ધતિ સવાલો ઉભા કર્યા હતા, જયારે પ્રિયંકા ગાંધીએ પણ ચૂંટણીપંચની કાર્યપ્રણાલી સામે સવાલો ઉઠાવીને તીવ્ર આલોચના કરી હતી.
ટીએમસી નેતા ડેરેક ઓબ્રાયને રાજ્યસભામાં પડતર ઠરાવ આગળ લાવીને સીઈસી જ્ઞાનેશકુમારને પદ પરથી હટાવવાની માંગ કરી છે. સપા પ્રમુખ અખિલેશ યાદવ, કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલ, મનીષ તિવારી, જયરામ રમેશ, શિવસેના (યુબીટી) સાંસદ સંજય રાઉત અને આપ ના સૌરભ ભારદ્વાજ સહિતના નેતાઓએ એસઆઈઆર પ્રક્રિયા રોકવાની અને ચૂંટણી પંચની કામગીરીની તપાસ કરવાની માંગ કરી છે.
ભૂતપૂર્વ ચૂંટણી કમિશનર ઓ.પી. રાવતે આ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, બેઠકોમાં મતભેદો થાય તે સ્વાભાવિક છે. પરંતુ તે પરસ્પર સમજાવટથી ઉકેલાય છે. જો કે, 10 મહિનામાં 14 વખત વિરોધ થાય છતાં નિર્ણયો થોપી દેવામાં આવે તેવુ પહેલીવાર બન્યું છે. કાયદાકીય રીતે ચૂંટણી પંચના ત્રણેય સભ્યોની સત્તા સમાન છે, કોઈ એક વ્યકિત (સીઈસી) પાસે વહીવટના નામે વધારાની કે અમર્યાદિત સત્તા નથી.
