ગુજરાતમાં નિમણંકો: ભાજપે કેન્દ્રીય સ્તરે સંગઠનમાં મોટા ફેરફારો કર્યા, ગુજરાતના આ નેતાને મળી મહત્વની જવાબદારી

નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટી (BJP) ના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન દ્વારા સંગઠનને વધુ મજબૂત અને કાર્યક્ષમ બનાવવાના હેતુથી કેન્દ્રીય અને પ્રદેશ સ્તરે મહત્વના ફેરફારો અને નવી નિયુક્તિઓની જાહેરાત કરવામાં આવી છે. આ ફેરફારોમાં ગુજરાતના નેતાઓને પણ દેશના વિવિધ ભાગોમાં મહત્વની જવાબદારીઓ સોંપવામાં આવી છે.

સતીશ ધોંડ: તેમને પ્રદેશ સહ પ્રભારી (સંગઠન) તરીકેની મોટી જવાબદારી સોંપવામાં આવી છે. તેમની કાર્યશૈલી અને અનુભવને ધ્યાનમાં રાખીને તેમને વિશેષરૂપે ગુજરાત સાથે સંબંધિત સંગઠનાત્મક બાબતોની જવાબદારી પણ સોંપાઈ છે. તેઓ આગામી સમયમાં ગુજરાતમાં ભાજપના સંગઠનને વધુ વેગ આપશે.

રત્નાકર: તેઓ ગુજરાત પ્રદેશ માટે નવા પ્રદેશ સહ-સંગઠન મહામંત્રી તરીકે નિયુક્ત થયા છે. તેમની આ નિયુક્તિથી ગુજરાત ભાજપના સંગઠન માળખાને વધુ સુદ્રઢ બનાવવાની અને કાર્યકરોમાં નવો ઉત્સાહ જગાવવાની અપેક્ષા છે.

અરુણ બિન્નાડી:  ભાજપે ગુજરાતમાં પ્રદેશ સહમંત્રી સંગઠન તરીકેની જવાબદારી સોંપી છે. તેઓ કર્ણાટક ભાજપના સંગઠન મંત્રી તરીકે ઓળખાય છે. 2025માં ભાજપે તેમને પશ્ચિમ બંગાળના ઉત્તર બંગાળ-સિલિગુડી વિસ્તારમાં સંગઠનાત્મક જવાબદારી સોંપી હતી, જ્યાં 2026ની વિધાનસભા ચૂંટણી માટે પાર્ટીના ગ્રાઉન્ડ-લેવલ સંગઠનને મજબૂત કરવાની કામગીરી હતી. તેઓ મૂળ કર્ણાટકના ચિકમગલુર વિસ્તાર સાથે જોડાયેલા હોવાનું અહેવાલોમાં જોવા મળે છે.

ભીખુભાઈ દલસાણીયા: જેઓ ગુજરાતના પૂર્વ મંત્રી અને અનુભવી નેતા છે, તેમને પાર્ટીએ પટના (બિહાર) ની મહત્વની જવાબદારી સોંપી છે. બિહારમાં આગામી સમયમાં યોજાનારી ચૂંટણીઓ અને સંગઠનાત્મક બાબતોને ધ્યાનમાં રાખીને ભીખુભાઈની નિમણુંક ખૂબ મહત્વની માનવામાં આવે છે. તેઓ પોતાની રાજકીય સૂઝબૂઝથી પટનામાં પાર્ટીને મજબૂત કરવાના પ્રયાસો કરશે.

અન્ય નિમણુંકો

આ ઉપરાંત, દેશના અન્ય રાજ્યો માટે પણ પ્રભારી અને સહ પ્રભારીઓની નિમણુંક કરવામાં આવી છે. આ નવા ફેરફારોથી ભાજપ સંગઠન વધુ સક્રિય અને મજબૂત બનશે અને આગામી ચૂંટણીઓમાં વધુ સારા પરિણામો પ્રાપ્ત કરવામાં મદદરૂપ થશે.

સંગઠનના આ નવા ફેરફારો અને નિમણુંકો તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવી છે. ભાજપના આ પગલાથી રાજકીય વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે અને આગામી સમયમાં સંગઠનાત્મક ફેરફારોની શું અસર થશે તે જોવું રહ્યું.