દેશભરમાં દિવાળીના તહેવારની ઉજવણી થઈ રહી છે. તહેવાર દરમિયાન ભારતીય હવામાન વિભાગ (IMD)એ દેશના વિવિધ રાજ્યો માટે હવામાનને લઈને મહત્ત્વની આગાહી કરી છે. દક્ષિણ ભારતનાં ચાર રાજ્યોમાં વરસાદની શક્યતા છે. ખાસ કરીને તમિલનાડુ, કેરળ અને પુડુચેરીમાં ભારે વરસાદ, ગાજવીજ અને વીજળીના કડાકા સાથે તેજ પવન ફૂંકાવાની ચેતવણી આપવામાં આવી છે. જોકે, ઉત્તર ભારતના દિલ્હી-NCR, ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન અને પંજાબમાં હવામાન મોટાભાગે શુષ્ક રહેવાની શક્યતા છે.
ચેન્નઈ સ્થિત પ્રાદેશિક હવામાન વિજ્ઞાન કેન્દ્રના જણાવ્યા અનુસાર, તમિલનાડુના અનેક વિસ્તારોમાં આગામી 24 કલાક દરમિયાન ભારે વરસાદ પડી શકે છે. દિવાળીના દિવસે રાજ્યના આઠ જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્ર અને તેની નજીકના કેરળના વિસ્તારમાંથી દક્ષિણ આંતરિક કર્ણાટક તરફ વિસ્તરેલું લો પ્રેશર આ હવામાન પરિવર્તનનું મુખ્ય કારણ હોવાનું જણાવાયું છે. મદુરાઈ, થેની અને ડિંડીગુલ જિલ્લામાં કેટલાક સ્થળોએ ભારે વરસાદની આગાહી છે. આ દરમિયાન 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.
કેરળ, માહે, પુડુચેરી અને કરાઈકલમાં પણ વરસાદની તીવ્રતા વધવાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ વિસ્તારોમાં ગાજવીજ, વીજળીના કડાકા અને 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. દક્ષિણ ભારતના દરિયાકાંઠાના અને દક્ષિણના જિલ્લાઓમાં વ્યાપક વરસાદ થઈ શકે છે, જ્યારે આંતરિક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદના ઝાપટાં પડી શકે છે.
બીજી તરફ, દિલ્હી-NCRમાં દિવાળીના દિવસે સવાર અને સાંજના સમયે હળવી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે અને દિવસ દરમિયાન હવામાન શુષ્ક રહેવાની આગાહી છે. જોકે, 11 અને 12 નવેમ્બરની આસપાસ પશ્ચિમી વિક્ષેપના પ્રભાવથી કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. ઉત્તર પ્રદેશમાં પણ આજે હવામાન સામાન્ય અને શુષ્ક રહેશે. રાજ્યમાં ક્યાંય પણ વરસાદ કે વાવાઝોડાનું એલર્ટ નથી. સવાર-સાંજ હળવી ઠંડી રહેશે, પરંતુ કોઈ મોટા હવામાન પરિવર્તનની શક્યતા નથી.
બિહાર અને ઝારખંડમાં પણ આજે દિવાળીના દિવસે વરસાદની કોઈ ખાસ શક્યતા નથી. બિહારમાં આગામી બે દિવસ હવામાન શુષ્ક રહેવાની આગાહી છે, જોકે 10 નવેમ્બરની આસપાસ હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. ઝારખંડમાં 9થી 11 નવેમ્બર દરમિયાન કેટલાક વિસ્તારોમાં વરસાદી ગતિવિધિઓ જોવા મળી શકે છે. ઉત્તરાખંડમાં આજે અને કાલે કેટલાક સ્થળોએ હળવો વરસાદ થવાની શક્યતા છે. પહાડી વિસ્તારોમાં વરસાદને કારણે ઠંડીમાં વધારો થઈ શકે છે.
હવામાન વિભાગે દેશનાં વિવિધ શહેરો માટે આજના મહત્તમ અને લઘુત્તમ તાપમાનનો અંદાજ પણ જાહેર કર્યો છે. દિલ્હીનું મહત્તમ તાપમાન 29 ડિગ્રી અને લઘુત્તમ 15 ડિગ્રી, મુંબઈનું 35 અને 22 ડિગ્રી, ચેન્નઈનું 36 અને 25 ડિગ્રી, કોલકાતાનું 31 અને 20 ડિગ્રી રહેવાની શક્યતા છે. જ્યારે લખનઉમાં 30 અને 18 ડિગ્રી, પટનામાં 28 અને 18 ડિગ્રી, રાંચીમાં 26 અને 15 ડિગ્રી, ભોપાલમાં 30 અને 17 ડિગ્રી તથા જયપુરમાં 31 અને 18 ડિગ્રી તાપમાન રહેવાનો અંદાજ છે. શિમલામાં મહત્તમ 18 અને લઘુત્તમ 9 ડિગ્રી, જ્યારે નૈનીતાલમાં 20 અને 11 ડિગ્રી તાપમાન રહેવાની સંભાવના છે.
