ગુજરાતની દીકરીઓ આજે દરેક ક્ષેત્રમાં પોતાની પ્રતિભા, ક્ષમતા અને આત્મવિશ્વાસના બળે નવી ઊંચાઈઓ સર કરી રહી છે. ત્યારે ખંભાતની બિલ્કીસ નાઝે એવી સિદ્ધિ હાંસલ કરી છે, જે માત્ર તેના પરિવાર કે ખંભાત માટે જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાત માટે ગૌરવની બાબત છે. દેશના મહત્વાકાંક્ષી અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં હાઈસ્પીડ રેલ (HSR) ટ્રેન પાયલોટ તરીકે પસંદગી પામનાર ગુજરાતની પ્રથમ યુવતી બનીને બિલ્કીસ નાઝે પોતાની સફળતાનો નવો અધ્યાય લખ્યો છે.
સંઘર્ષ, સંકલ્પ અને સફળતાની પ્રેરણાદાયી સફર
ખંભાતની વતની બિલ્કીસ નાઝ મિર્ઝાએ પ્રાથમિકથી લઈને કોલેજ પૂર્વેનું શિક્ષણ ખંભાતમાં જ મેળવ્યું હતું. ત્યારબાદ ધર્મજ સહિત અન્ય સ્થળોએથી ઉચ્ચ અભ્યાસ પૂર્ણ કર્યો. કોમ્પ્યુટર સાયન્સમાં એન્જિનિયરિંગની ડિગ્રી મેળવનાર બિલ્કીસનાં સપનાં ઊંચાં હતાં. જીવનમાં કંઈક વિશિષ્ટ હાંસલ કરવાની દૃઢ ઈચ્છા અને સતત શીખતા રહેવાની વૃત્તિએ તેને સફળતાના માર્ગે આગળ ધપાવી.
જૂન 2021માં બિલ્કીસે પોતાની કારકિર્દીનું પ્રથમ મહત્વપૂર્ણ સોપાન સર કર્યું. અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટમાં ટ્રેન ઓપરેટર અને સ્ટેશન કંટ્રોલર તરીકે તેની પસંદગી થઈ. ત્યારથી વર્ષ 2026 સુધી તેણે અમદાવાદ મેટ્રોમાં પોતાની ફરજ નિષ્ઠા, કુશળતા અને જવાબદારીપૂર્વક નિભાવી. તેની ઉત્કૃષ્ટ કામગીરી બદલ તેને સન્માન અને પ્રશંસા પણ પ્રાપ્ત થઈ.
અમદાવાદ-મુંબઈ હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટમાં ગુજરાતની પ્રથમ યુવતી તરીકે પસંદગી મેળવી બિલ્કીસ નાઝે વધાર્યું રાજ્યનું ગૌરવ
અમદાવાદ મેટ્રોમાં પાંચ વર્ષ સુધી ઉત્કૃષ્ટ કામગીરી બાદ હવે બુલેટ ટ્રેનના કોકપીટ સુધીની સફર
દીકરીઓને ઉચ્ચ શિક્ષણ અને આત્મનિર્ભરતાનો સંદેશ આપતી ખંભાતની આ દીકરી અનેક યુવતીઓ માટે બની પ્રેરણાસ્ત્રોત
આ દરમિયાન તેની કારકિર્દીને નવી દિશા આપતી તક સામે આવી. અમદાવાદ-મુંબઈ હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટમાં ટ્રેન પાયલોટ તરીકે જોડાવાની તક મળતાં બિલ્કીસે તેને ઝડપી લીધી. નવી દિલ્હી ખાતે યોજાયેલી લેખિત પરીક્ષામાં સફળતા મેળવ્યા બાદ તેણે ઈન્ટરવ્યૂમાં પણ આત્મવિશ્વાસપૂર્વક ઉત્તીર્ણ થઈ પોતાની ક્ષમતા સાબિત કરી.
બુલેટ ટ્રેન જેવી અતિઆધુનિક અને હાઈસ્પીડ રેલ વ્યવસ્થામાં ટ્રેન પાયલોટની જવાબદારી સંભાળવા માટે માત્ર ટેકનિકલ જ્ઞાન જ નહીં, પરંતુ માનસિક સજ્જતા, એકાગ્રતા, નિર્ણયશક્તિ અને જવાબદારીની પણ વિશેષ આવશ્યકતા હોય છે. બિલ્કીસમાં આ તમામ ગુણો જોઈ પસંદગી સમિતિએ તેની પસંદગી કરી હતી.
ગુજરાતમાંથી પસંદગી પામનાર પ્રથમ યુવતી હોવાનો ગર્વ
હાલ બિલ્કીસ નાઝ સુરત ખાતે જોડાઈને બુલેટ ટ્રેનના સંચાલનને લગતી વિશેષ તાલીમ મેળવી રહી છે. પોતાની નવી જવાબદારીને લઈને તે ખૂબ જ ઉત્સાહિત છે.
આ વિશિષ્ટ સિદ્ધિ અંગે વાત કરતાં બિલ્કીસે જણાવ્યું હતું કે, બુલેટ ટ્રેન જેવી હાઈસ્પીડ રેલવેમાં ટ્રેન પાયલોટ તરીકે પસંદગી થવી મારા માટે અત્યંત રોમાંચક અને ગૌરવપૂર્ણ અનુભવ છે. અગાઉ 16 ઉમેદવારોની પ્રથમ બેચની પસંદગી થઈ હતી, જેમને તાલીમ માટે જાપાન મોકલવામાં આવ્યા હતા. પરંતુ હવે ભારતમાં જ આ પ્રકારની તાલીમની સુવિધા ઉપલબ્ધ થઈ છે. હાલ મારું પોસ્ટિંગ સુરત ખાતે થયું છે, જ્યાં હું આગળની તાલીમ મેળવી રહી છું.
તેણે વધુમાં જણાવ્યું કે આ પ્રોજેક્ટમાં હાલ બે યુવતીઓની પસંદગી થઈ છે, પરંતુ ગુજરાતમાંથી પસંદગી પામનાર તે પ્રથમ યુવતી છે. દેશના વિવિધ રાજ્યોમાં ચાલી રહેલા મેટ્રો અને રેલ પ્રોજેક્ટના ઉમેદવારો વચ્ચે આટલી મહત્વપૂર્ણ જવાબદારી માટે ગુજરાતની દીકરીની પસંદગી થવી એ ખરેખર ગૌરવની બાબત છે.
માતા-પિતાના સહકારને સફળતાનો શ્રેય
બિલ્કીસ નાઝ પોતાની આ સફળતાનો શ્રેય પોતાની સખત મહેનતની સાથે માતા ગુલનારબેગમ અને પિતા ફૈયાઝ હુસૈનને આપે છે. તે કહે છે કે, જો પરિવારનો સંપૂર્ણ સહકાર અને પ્રોત્સાહન ન મળ્યું હોત તો કદાચ હું આ મુકામ સુધી પહોંચી શકી ન હોત.
પરંપરાગત મુસ્લિમ પરિવારમાંથી આવતી હોવા છતાં તેના માતા-પિતાએ ક્યારેય તેના ઉચ્ચ શિક્ષણ કે કારકિર્દીના સપનાંઓ સામે કોઈ બંધન ઊભું કર્યું નથી. ખંભાતમાં ઉચ્ચ અભ્યાસની પૂરતી સુવિધાઓ ન હોવાથી અન્ય સ્થળોએ અપડાઉન કરવું પડતું હતું, તેમ છતાં પરિવારે તેને દરેક તબક્કે સંપૂર્ણ સહયોગ આપ્યો. માતા-પિતાએ તેનામાં આત્મવિશ્વાસ જગાવ્યો અને પોતાની ક્ષમતા સાબિત કરવાની હિંમત આપી. આજે તેની સફળતા પાછળ પરિવારનો આ વિશ્વાસ અને સહકાર મહત્ત્વપૂર્ણ આધાર બન્યો છે.
દીકરીઓને શિક્ષિત બનાવો, આત્મનિર્ભરતાની પાંખો આપો
પોતાની સફળતાના અનુભવમાંથી બિલ્કીસ નાઝે સમાજને એક અત્યંત મહત્ત્વપૂર્ણ સંદેશ આપ્યો છે. તેના મતે દીકરીઓને એટલું શિક્ષણ આપવું જોઈએ કે તેઓ પોતાના પગ પર ઊભી રહી શકે અને આત્મનિર્ભર બની શકે. સાથે જ દીકરીઓમાં પણ ઉચ્ચ શિક્ષણ મેળવવાની અને જીવનમાં આગળ વધવાની પ્રબળ ઈચ્છા હોવી જરૂરી છે.
બિલ્કીસ ખાસ ભારપૂર્વક કહે છે કે, અભ્યાસની શાખા કે વિષયની પસંદગી હંમેશાં પોતાની રુચિ અને ક્ષમતા પ્રમાણે કરવી જોઈએ. માત્ર કોઈની દેખાદેખીથી, બીજાના દબાણથી કે લોકો શું કહેશે તે વિચારીને અભ્યાસક્રમ પસંદ ન કરવો જોઈએ. જે વિષયમાં સાચો રસ હોય, જેમાં પોતાની પ્રતિભા ખીલી શકે અને જેમાં કામ કરવાની આંતરિક પ્રેરણા મળે, તે ક્ષેત્રમાં આગળ વધવું જોઈએ. પોતાની પસંદગીના વિષયમાં મહેનત કરવામાં આવે તો સફળતાની સંભાવના ચોક્કસ વધે છે.
આ ઉપરાંત બિલ્કીસે ગ્રામીણ વિસ્તારોમાં કારકિર્દી માર્ગદર્શનના અભાવ તરફ પણ ધ્યાન દોર્યું હતું. તેના જણાવ્યા અનુસાર, આજે પણ અનેક વિદ્યાર્થીઓને પોતાની ક્ષમતા અને રસ અનુસાર કયો અભ્યાસક્રમ પસંદ કરવો તેની યોગ્ય માહિતી મળતી નથી. પરિણામે તેઓ ઘણીવાર પરંપરાગત ડિગ્રીઓના મર્યાદિત વિકલ્પોમાં જ અટવાઈ જાય છે.
જ્યારે આજના સમયમાં ટેકનોલોજી, વિજ્ઞાન, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને આધુનિક પરિવહન સહિત અનેક નવાં ક્ષેત્રોમાં કારકિર્દીની વિશાળ તકો ઊભી થઈ રહી છે. તેથી વિદ્યાર્થીઓને સમયની માંગ પ્રમાણે યોગ્ય માર્ગદર્શન આપવું અને નવીન ક્ષેત્રોમાં આગળ વધવા માટે પ્રોત્સાહિત કરવું અત્યંત જરૂરી છે.
બિલ્કીસ નાઝની સફળતા માત્ર વ્યક્તિગત સિદ્ધિ નથી, પરંતુ બદલાતા સમાજની સકારાત્મક વિચારધારાનું પ્રતીક છે. ખંભાતની એક સામાન્ય પરિવારમાંથી આવેલી દીકરીએ પોતાની મહેનત, શિક્ષણ, આત્મવિશ્વાસ અને પરિવારના સહકારથી બુલેટ ટ્રેનના પાયલોટ બનવા સુધીની સફર ખેડી છે. તેની આ સિદ્ધિ દરેક દીકરીને એક જ સંદેશ આપે છે કે સપનાં મોટાં જુઓ, શિક્ષણને તમારી શક્તિ બનાવો અને આત્મવિશ્વાસ સાથે આગળ વધો, કારણ કે તક મળે અને સંકલ્પ મજબૂત હોય તો આકાશ પણ તમારી ઉડાનને રોકી શકતું નથી.
